અમેરિકામાં અત્યારે એબોર્શનને લઈને જબરદસ્ત ચર્ચા ચાલી રહી છે. ત્યાંની સુપ્રીમ કોર્ટે, એબોર્શન કરવાના 50 વર્ષ જૂના સંવૈધાનિક અધિકારને ખારીજ કર્યો નાખ્યો છે. મતલબ કે, અમેરિકામાં હવે રાજ્યો ઈચ્છે તો એબોર્શન પર પ્રતિબંધ લગાવી શકે છે. અમેરિકામાં, એબોર્શનની છૂટ કે પાબંધી રાજ્યોનો વિષય છે, પરંતુ 50 પહેલાંના એક સીમાચિન્હ રૂપ કેસમાં, તત્કાલીન સુપ્રીમ કોર્ટ જજોએ એબોર્શન કરવાને સંવૈધાનિક રક્ષણ આપ્યું હતું, જેથી સ્ત્રીને એ અધિકાર મળતો હતો કે તેણે એબોર્શન કરાવવું કે નહીં. હાલના છ કન્ઝર્વેટિવ જજોએ એ ફેંસલાને ઉલટાવી દીધો છે. એટલે, હવે રાજ્ય નક્કી કરશે કે એબોર્શનનો અધિકાર આપવો કે નહીં.
અમેરિકામાં, આમ તો આ રાજનૈતિક મુદ્દો વધુ છે. રિપલ્બિકન લોકો (ડોનાલ્ડ ટ્રમ્પવાળા) એબોર્શનના પક્ષમાં નથી. હાલની સુપ્રીમ કોર્ટમાં બહુમતી જજો રિપલ્બિકન વિચારધારાવાળા છે એટલે તેમણે રાજ્યોને પ્રતિબંધ લગાવા, ન લગાવાની છૂટ આપી છે. અમેરિકામાં અત્યારે 6 રાજ્યોમાં એબોર્શન ગેરકાયદે છે, 3 રાજ્યોમાં પ્રતિબંધ પર સ્ટે છે, 10 રાજ્યોમાં પ્રતિબંધ આવી રહ્યો છે અને 11 રાજ્યોમાં એબોર્શનની છૂટ છે.
કાનૂનની બહાર જઈને જોઈએ તો,વ્યાપક રીતે, એબોર્શનનો મુદ્દો નૈતિકતાનો પણ છે. 20મી સદીના મધ્યમાં, સર્જીકલ એબોર્શનની તકનીક પ્રચલિત બની, ત્યારથી તેની યોગ્યતા-અયોગ્યતાને લઈને ગરમાગરમ બહસ પેદા થઇ છે. એમાં ત્રણ પાયાના પ્રશ્નો છે; કોઈ વ્યક્તિનું ખૂન કરવું યોગ્ય છે? (આમાં યુદ્ધ કે ફાંસીનો મુદ્દો પણ આવે). એક વ્યક્તિ(જેમ કે માતા)નો અધિકાર બીજા(જેમ કે ગર્ભ)ના અધિકારથી ઉપર હોય? અને ગર્ભને માણસ કહી શકાય?
આમાં, ગર્ભને માણસ કહેવાય કે ન કહેવાય તેના પર બાકીના બે મુદ્દા ટકેલા છે. એબોર્શનની બાબતમાં લોકો બે વર્ગમાં વહેંચાયેલા છે; પ્રો-લાઈફ (જીવન સર્વોપરી છે) અને પ્રો-ચોઈસ (મારા શરીર પર મારો અધિકાર છે). જે લોકો ગર્ભને જીવ માને છે, તેઓ કહે છે કે ગર્ભનિરોધક તકનીકથી લઈને તમામ પ્રકારનાં એબોર્શન નૈતિક રીતે અયોગ્ય છે. જે લોકો ગર્ભને જીવ નથી માનતા, તે કહે છે કે ભ્રુણહત્યા એ હત્યા નથી અને તેનો અધિકાર હોવો જોઈએ (આ આત્મહત્યા અને ઈચ્છામૃત્યુ વચ્ચેની ડિબેટ જેવું છે).
આમાં વિવાદ એ પ્રશ્નને લઈને છે કે માનવીય ગર્ભ મનુષ્ય કહેવાય? એક વર્ગ એમ માને છે કે ગર્ભમાં મનુષ્ય જીવનના જીનેટિક કોડ હોય છે, અને તેને જો અવરોધવામાં ન આવે, તો તે એક વયસ્ક મનુષ્યમાં વિકસિત થઇ શકે છે. આ વર્ગ માને છે કે ગર્ભ હોમો સેપિયન્સની પ્રજાતિનો જ અંશ છે, એટલે એ મનુષ્ય કહેવાય.
બીજા વર્ગની દલીલ એવી છે કે મનુષ્ય એટલે જીવ હોવો એટલું પૂરતું નથી, મનુષ્ય હોવું એટલે પોતાના વિશે (સ્વ અથવા સેલ્ફ) અને બાહ્ય જગત વિશે બોધ હોવો જરૂરી છે. જે જીવ સભાનતાપૂર્વક અને બુદ્ધિપૂર્વક આંતરિક તેમ જ બાહ્ય જગત સાથે સંબંધ-સંપર્ક સ્થાપી શકે, તેને મનુષ્ય કહેવાય. આ મત પ્રમાણે, મનુષ્ય તેને કહેવાય જે તેની આસપાસના જગતને સમજી શકે, ભાષાનો ઉપયોગ કરી શકે, આત્મબોધ વિકસાવે, જેની ઇન્દ્રિયોમાં ઈચ્છાઓ હોય, અને જે તેના ભવિષ્યનું આયોજન કરી શકે.
ગર્ભને મનુષ્ય માનવાવાળા લોકો કહે છે કે મનુષ્ય હોવાની વ્યાખ્યા માત્ર તેની શારીરિક (ભૌતિક) ક્ષમતાઓ પર નિર્ભર નથી. જીવમાં તાત્ત્વિક (આધ્યાત્મિક) ક્ષમતાઓ પણ હોય છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે, ઉપર જે ક્ષમતાઓની વાત કરી, તેના વિકાસની જેનામાં સંભાવના હોય તે મનુષ્ય કહેવાય. એક ‘ચીજ’ શું છે, તેના કરતાં તે શું બની શકે છે તેમ છે તે વધુ નોંધપાત્ર છે, તેમાં આ વર્ગનો તર્ક છે. તાત્ત્વિક ચર્ચાઓમાં તેને ‘સંભાવ્યતા’ (અંતર્હિત શક્તિ) કહે છે; ગર્ભ ભલે બૌદ્ધિક ક્રિયાઓ કરવા માટે સક્ષમ ન હોય, તેનામાં બૌદ્ધિક ક્રિયાઓ કરવા માટે વિકસિત થવાની ક્ષમતા છે. એ સંભાવના છે એટલે તે મનુષ્ય છે.
આ પરસ્પર વિરોધી દૃષ્ટિકોણમાં દુનિયાના તમામ સમાજો વિભાજીત થયેલા છે. બંને દૃષ્ટિકોણમાં અમુક તર્ક વ્યાજબી છે. એટલે કયો મત સ્વીકાર્ય છે અને કયો અસ્વીકાર્ય, તેનો કોઈ સરળ ઉત્તર નથી. પરિણામે, એક ત્રીજો હાઈબ્રીડ મત પણ પ્રચલિત બન્યો છે, જેમાં એકદમ શરૂઆતના ગર્ભમાં જીવ નથી એવું માનવામાં આવે છે અને પછીના ગર્ભમાં જીવ હોવાનું માનવામાં આવે છે. આ મત પણ પ્રશ્નો ઊભા કરે છે; ગર્ભમાં જીવ ક્યારે આવે? સામાન્ય રીતે, ગર્ભાવસ્થાના વિકાસની શરૂઆતની અવસ્થાને ભ્રુણ કહે છે અને ત્રણ મહિના પછી તેને ગર્ભ કહે છે (ભારતમાં, 20 અઠવાડિયા સુધીના ગર્ભનું એબોર્શન કરવાની છૂટ છે).
એબોર્શનનો મુદ્દો જટિલ બની જવાનું ત્રીજું કારણ મહિલાઓના અધિકારો છે. જ્યાં સુધી મહિલાઓના અધિકારોને લઈને જાગૃતિ નહોતી, ત્યાં સુધી એબોર્શન એક ખાનગી અને વ્યક્તિગત મુદ્દો હતો, પરંતુ મહિલાઓએ તેમના શરીર પર તેમના અધિકાર જતાવાનું શરૂ કર્યું, તે પછી તેને એબોર્શનનો અધિકાર છે કે નહીં, તેની સાર્વજનિક ચર્ચા શરૂ થઇ. અમેરિકામાં, સુપ્રીમ કોર્ટના તાજા આદેશની ટીકા એટલે જ થઇ રહી છે કે આ તો સ્ત્રીઓને એક સદી પાછી ધકેલી દેવાનો કારસો છે.
એબોર્શનના અધિકારને નારીવાદી ચળવળકારો તેમની સૌથી મૂલ્યવાન સફળતા ગણે છે. એક સમય હતો, જ્યારે સ્ત્રી એક ‘વાસણ’થી વિશેષ કશું નહોતી. એમાં જે પણ ભરવામાં આવે, તે તેણે સાચવવાનું હતું. એમાંથી જ, માતા બન્યા વગર સ્ત્રી સંપૂર્ણ ન કહેવાય, સ્ત્રી બીજા જીવને જન્મ આપે છે એટલે શક્તિ કહેવાય એવી માન્યતાઓ પ્રબળ હતી. સ્ત્રીની ઓળખ ત્યારે એક પત્ની અને માતામાં સીમિત ગઈ હતી.
પશ્ચિમમાં જ્યારે મહિલાઓના અધિકારો માટે જાગૃતિ આવી, ત્યારે સ્વૈચ્છિક માતૃત્વ(વોલન્ટરી મધરહૂડ)નો વિચાર પ્રચલિત થયો. 19મી સદીમાં, સ્ત્રીઓ માટે લગ્ન અને સેક્સનો અર્થ માત્ર માતૃત્વ થતો હતો અને તેનો નિર્ણય પણ પુરુષના હાથમાં હતો. નારીવાદીઓ તેને એક્સિડન્ટલ મધરહૂડ કહેતા હતા. તેમાં સ્ત્રીની કોઈ પસંદગી નહોતી. તે વાસણ હતી, વીર્ય અને ગર્ભનું વાહન કરવું તેની ફરજમાં આવતું હતું.
જ્યારે એબોર્શનનો વિકલ્પ કે સુવિધા નહોતી, ત્યારે પશ્ચિમમાં 19મી સદીની શરૂઆતમાં નારીવાદીઓએ સ્વૈચ્છિક માતૃત્વનો વિચાર વહેતો મુક્યો હતો. આ ક્રાંતિકારી વિચાર હતો. લગ્નમાં બળાત્કાર જેવું હોય છે તેનો દૂર દૂર સુધી કોઈ વિચાર નહતો, ત્યારે જાગૃત અને બોલકી સ્ત્રીઓ માતૃત્વને ટાળવા માટે પતિ સાથે શરીર સુખનો ઇન્કાર કરવાને પ્રોત્સાહન આપી રહી છે. સ્ત્રી તેની ઈચ્છા અને મરજી પ્રમાણે શરીર સંબંધ બાંધે, તો માતૃત્વ પર પણ તેનો જ અધિકાર રહે. વિશેષ તો, તે સમયે મેડિકલ વિજ્ઞાન એટલું વિકસ્યું નહોતું અને પ્રેગનન્સી ઘણી સ્ત્રીઓ માટે જોખમી અને બિન તંદુરસ્ત સાબિત થતી હતી, તે કારણસર પણ સ્વૈચ્છિક માતૃત્વનો વિચાર લોકપ્રિય થયો હતો.
વિડંબના કેવી છે કે અમેરિકન સુપ્રીમ કોર્ટે એબોર્શન પરથી સંવૈધાનિક છત્ર હટાવી દીધું એટલે ત્યાં સોશ્યલ મીડિયા પર ‘સેક્સની હડતાળ’નું એલાન થયું છે. આ ફેંસલાથી અકળાયેલી સ્ત્રીઓએ જાહેર કર્યું હતું કે પુરુષો નસબંદી પણ ન કરાવે અને અમારા હક્કો માટે અમને સમર્થન પણ ન આપે, તો અમે શું કરવા શરીર સંબંધ બાંધીને વણજોઈતી પ્રેગનન્સીને આમંત્રણ આપીએ!
પ્રગતિના નામે આપણે ઘણીવાર ફરી ફરીને ત્યાં જ આવીએ છીએ, જ્યાંથી આપણે શરૂઆત કરી હતી.
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યૂઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 10 જુલાઈ 2022
સૌજન્ય : રાજ ગોસ્વામીનીની ફેઇસબૂક દીવાલેથી સાદર