કાલેલકરની આત્મકથાનું નામ “સ્મરણયાત્રા” છે. આત્મકથા કે જીવનચરિત્રો સ્મૃતિ આધારિત લખાતાં હોય છે. એમાં મહત્ત્વ સત્યનું અને સ્મૃતિનું થાય છે. કવિ કલાપીની એક પંક્તિ છે, “માણ્યું તેનું સ્મરણ કરવું એય છે એક લહાણું …” એમાં પણ સ્મૃતિનો મહિમા છે. વિશ્વભરની સાહિત્ય કૃતિઓમાં સ્મરણનો મહિમા આજ સુધી થતો આવ્યો છે. આ સ્મૃતિ, વિચાર શક્તિને આભારી છે. વિચાર મન- મગજની ઉપજ છે. કોઈ પણ વિચાર આવનારા સમયને પારખે છે તો વીતેલા સમયને સંઘરે, સંકોરે પણ છે. નિર્વિચાર હોવું એ ઉત્તમ અવસ્થા હોય તો પણ તે કોઈક સંજોગોમાં મૃત્યુ પણ સૂચવે છે. મરણ પછી વ્યક્તિ રહેતી નથી, પણ તેના વિચારો રહે છે ને એ ઘણીવાર સ્મૃતિનું ને સૃષ્ટિનું પણ ચાલક બળ બને છે.
એક સમય હતો જ્યારે માહિતી ઓછી હતી, શોધખોળો ઓછી હતી, ઇતિહાસ નાનો હતો, ભૂગોળ સુધી ઓછું જ પહોંચાતું હતું. એ પછી વૈશ્વિક વિકાસ અનેક ક્ષેત્રોમાં થયો અને એની ગતિ ઉત્તરોત્તર વધતી જ ગઈ છે, કમ સે કમ અત્યારની પરિસ્થિતિ તો એવી જ છે. એ ખરું કે કાલિદાસને, રવીન્દ્રનાથ વાંચવાના થયા ન હતા. એવી જ રીતે રવીન્દ્રનાથ, અરુંધતી રોય કે ચેતન ભગતને વાંચવામાંથી બચી ગયા છે, પણ આજના વિદ્યાર્થીએ તો વ્યાસ, વાલ્મીકિથી શરૂ કરીને છેક આજના લેખક, વિચારક, વૈજ્ઞાનિક, અર્થશાસ્ત્રી, નૃવંશશાસ્ત્રી ને એવા તો અનેકને જાણવા-સમજવાના થાય છે. આવનારા પચાસ વર્ષમાં આ સરવાળો અનેકગણો મોટો થાય એમ બને. એમાં જે ગુજરી જાય તે કદાચ આ બધાં આક્રમણોથી બચી જાય, પણ જે જીવે છે એમનું તો આવી જ બને, કારણ આવનારા સમયમાં કેટલુંક અને કેવુંક યાદ રાખવું એ પ્રશ્ન તો રહે જ છે.
જો કે ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીના વિકાસે ઘણી સગવડો કરી આપી છે. જેમ કે એક સામાન્ય પેન ડ્રાઈવમાં એટલી બધી માહિતી સંઘરી શકાય એમ છે કે ઘણા એમ માને છે કે એ કામ હવે મગજ પાસેથી ન લઈએ તો ચાલે. આજે તો માહિતીનો વિસ્ફોટ થયો છે, લાંબો સમય ચાલે એટલી માહિતી ઇન્ટરનેટ પરથી એકાદ ક્લિકમાં જ મળી જાય એમ હોય તો મગજ પાસે એ બધું યાદ રખાવવાનો અર્થ ખરો? આ પ્રશ્ન છે. એક વાત તો એવી પણ છે કે હવે માહિતી ભણાવવાની રહેતી નથી. સાધનો ન હતા ત્યારે મગજ પાસે ઘણું બધું યાદ રખાવ્યું. હવે એ કામ મોબાઈલ કે પેન ડ્રાઈવ કરી શકે એમ છે તો મગજને તકલીફ આપવાનું બંધ કરીએ. આ કરવા જેવું ખરું?
અત્યારે આવી વાતો સપાટી પર છે. એમાં કેટલું તથ્ય છે તે તો આવનારો સમય નક્કી કરશે, પણ એટલું સમજાય છે કે હવે પછીનું જગત વધારે મતલબી અને “બળિયાના બે ભાગ” કરનારું આક્રમક હશે. એમાં સમાજ અને સંબંધોનું ઝાઝું મૂલ્ય નહીં હોય. સ્ત્રી કે પુરુષ, ધંધાકીય જરૂર પૂરતાં હશે, પણ એકબીજાનાં પૂરક લગભગ નહીં હોય, સંવેદના જ નહીં હોય તો વેદના ય કેટલી હશે ! સગવડો હશે, કદાચ એ જ આનંદનું સ્થાન લેશે.
એમ લાગે છે કે કોઈ વૈશ્વિક રાજશક્તિનો ડોળો મનુષ્યના મગજ પર છે. જો વૈચારિક શક્તિ જ ખતમ કરી દેવામાં આવે તો મનુષ્ય વિરોધ જ ન કરે ને ! એમ થાય તો માણસો ઘેટાંનાં ટોળાં જેવાં જ આજ્ઞાંકિત રહે અને તેની પાસેથી ધારેલું કામ કઢાવી શકાય. કામ ઘણુંખરું તો મશીનો જ કરી આપે ને જ્યાં માણસની જરૂર લાગે ત્યાં તેને શરણાગતની સ્થિતિમાં રાખીને અનેક મનસૂબાઓ પાર પાડી શકાય. આમ જ થવાનું છે એવું કહેવાનો આશય નથી, પણ અત્યારે વૈશ્વિક સ્તરે કહેવાતા વિચારકો જે ચિત્ર ઉપસાવી રહ્યા છે તે મનુષ્યની સંભવિત દશા પર વિચાર કરવા પ્રેરે એવા છે. આમાં ખોટા પડાય તો એનો આનંદ જ થાય.
એક વિચાર એવો વહેતો થયો છે કે માહિતી હવે મશીનોમાંથી મળી રહે એમ છે તો તેને યાદ રાખવાની જવાબદારીમાંથી માનવ મગજને મુક્ત કરીએ, માહિતીનું શિક્ષણ આપવાનું રહેવા દઈએ. એવો સમય હતો કે મગજને માહિતીઓ શિક્ષણ દ્વારા પૂરી પડાતી અને તેની પરીક્ષાઓ દ્વારા ખરાઈ થતી. એમાં આજ સુધી તો યાદશક્તિની જ કસોટી થતી રહી. લગભગ આખી દુનિયામાં અનુસ્નાતક કક્ષા સુધીનું મોટે ભાગની વિદ્યાશાખાઓમાં શિક્ષણ આ રીતે જ થતું આવ્યું છે. હવે જો માહિતી યાદ રાખવાનું કામ મગજ પાસેથી લઈ લેવાનું હોય તો આવનારા સમયમાં યાદશક્તિ આધારિત શિક્ષણ, પરીક્ષણ નકામું થઈ જાય. આમ મગજને બહુ તકલીફ ન આપવી એવો હેતુ આવી વિચારધારાનો હોય તો પણ, તેમાં મગજની દયા ખાવા જેવું ઓછું ને મગજને વિચારતું અટકાવવાનો હેતુ વધારે છે તે સમજી લેવાનું રહે.
માત્ર આજની પરિસ્થિતિનો વિચાર કરીએ તો પણ એટલું તો સમજાય છે કે મોટાભાગની પ્રજા બે રીતે વિચારે છે. એક સત્તાની તરફેણ કરે છે ને બીજી સત્તાની વિરુદ્ધ છે. આ પણ કુદરતી નથી. માનવસર્જિત છે. પણ, કોઈ સત્તા, સત્તા ટકાવી રાખવા એવા પ્રયત્નો કરે કે સત્તાની વિરુદ્ધ વિચારનારાને દેશદ્રોહીઓ ગણીને દંડવા તો વિરોધ નામશેષ થઈ જાય. આવું વારંવાર થાય તો પ્રજા પણ પછી એવું જ માનતી થઈ જાય ને તો માનવું પડે કે કોઈ યુક્તિથી પ્રજાનાં માનસિક ધોવાણનો ઇરાદો છે ને એ ત્યારે જ શક્ય બને જો પ્રજાની વિચારધારા ચોક્કસ હેતુથી બદલવામાં આવે. આમાં માનવ મગજ સક્રિય ઓછું હોય તો રાજકીય હેતુઓ વહેલા પાર પડે. આમ પણ સત્તાને પ્રતિક્રિયાઓ બહુ માફક આવતી નથી. એ ત્યારે જ શક્ય છે જો માનવ મગજ ઓછું સક્રિય રહે.
અત્યારને તબક્કે એવું જોખમ ખાસ નથી જ, પણ માનવ મગજને મુક્ત કરવાની આડમાં કેટલાક વિચારકો પોતાનું મગજ સાબૂત રાખીને, કેટલીક હિલચાલ કરી રહ્યા હોય એમ લાગે છે. તેમને ભય છે કે અઢળક અને અનંત માહિતીઓ મગજ સંઘરી નહીં શકે તો તે મગજમાં ફીડ ન કરતાં ઉપકરણોમાં સાચવવી. એવું થાય તો વિચાર અને વિરોધ, બંને ઘટે. યોજના એવી પણ હોઈ શકે કે શિક્ષણમાંથી માહિતીઓ ક્રમશ: બાદ કરવી. એમ પણ મનાય છે કે શિક્ષકો વર્ગખંડોમાં માહિતીઓ જ આપે છે તો શિક્ષણને વર્ગખંડની બહાર લઈ જવું. બીજો માર્ગ એ સૂચવાયો છે કે આવનારા સમયની કશી સંકલ્પના વડીલો પાસે નથી, તો એમને નકારો. એટલે બે મહત્ત્વના પાયા હચમચાવવાની જ આ વાત છે. યાદ રહે, આવું ઉદ્યોગપતિઓ અને વિચારકો કહે છે અથવા તો એમના દ્વારા કહેવડાવાય છે. ટૂંકમાં, શિક્ષકને અને સમાજને જ ખસેડી લેવામાં આવે તો યુવાનો કે કિશોરો, જે અત્યારે જ ભ્રમિત દશામાં છે તેમની શી સ્થિતિ થાય તે કલ્પી શકાય એમ છે. એને વિકલ્પે શું કરવું એની કશી સ્પષ્ટતાઓ નથી, પણ ભારતની જ વાત કરીએ તો કોરોનામાં શિક્ષણ વર્ગખંડોમાં થયું નથી ને ઓનલાઈન શિક્ષણની લોંગ ડ્રાઈવ લઈને હવે તે ફરી વર્ગખંડોમાં આવ્યું છે તે સૂચક છે.
માહિતીનો વિસ્ફોટ થાય એટલે માહિતીનું શિક્ષણ ન આપવું એ બરાબર નથી. એમ કરવાથી તો ઇતિહાસ, પુરાણ, સંસ્કૃતિ, સાહિત્ય જેવાનો છેદ ઉડાડવા જેવું થશે. બીજી મહત્ત્વની વાત એ કે મગજનો ઉપયોગ ઘટાડવાની વાત જરા પણ અનુસરવા જેવી નથી. બીજા શબ્દોમાં, મગજની દયા ખાવા જેવી નથી. એની પાસેથી ખરેખર તો લેવાવું જોઈતું કામ જ લેવાતું નથી. એક વસ્તુ સમજી લઈએ કે સર્જન માત્ર મગજનું જ પરિણામ છે. આવિષ્કારો, મગજ ન હોય તો અશક્ય છે. જે પેન ડ્રાઈવમાં માહિતી સંઘરવાની વાત છે, તે પણ છેવટે તો કોઈ ભેજાની જ પેદાશ છે. રાજકીય હેતુસર કોઈ મગજને ભલે બાનમાં લે, પણ મગજને કોઈ પણ રીતે નિષ્ક્રિય કરવાની વાતને પ્રોત્સાહન આપી શકાય નહીં.
એ પણ યાદ રાખીએ કે શિક્ષણ, પરીક્ષણમાં મગજ, અપાયેલી માહિતી, તે ને તે જ રૂપે પાછી આપતું નથી. કેટલીક માહિતી પર વિચારોનું, અનુભૂતિનું, અર્થઘટનનું નવસંસ્કરણ થાય છે, એમાં સર્જનાત્મકતા ભળે છે એટલે માહિતી સર્જન બને છે ને એ મગજ સિવાય બીજી કોઈ રીતે શક્ય નથી. જગતમાં થતી શોધખોળો, સર્જનો એને લીધે શક્ય બને છે. અરે, પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને લાખો વર્ષોની અત્યાર સુધીની માહિતી મનુષ્ય મગજ સંઘરી, સાચવી, સર્જી શકતું હોય તો આવનારી માહિતીઓ તે નહીં જ સંઘરી શકે એમ માનવાને કોઈ કારણ નથી, સિવાય કે રાજકીય હેતુસર માનવ મગજ ખતમ કરી દેવાનું કોઈ વ્યવસ્થિત કાવતરું હોય !
શું કહો છો?
0 0 0
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 01 ફેબ્રુઆરી 2021