પત્રાવલિ : દેવિકા ધ્રુવ / નયના – નીના પટેલ
યોગાનુયોગે એવું બન્યું કે ‘ઉજાસ’ સાથે સંબંધિત આ બીજું પુસ્તક વાંચવામાં આવ્યું, તો થયું કે થોડું અલગ છે, પરંતુ એના વિશે ય લખવું જોઈએ એટલે લખ્યું.
સુરતનાં જ નયના, ઉર્ફે નીના પટેલ, લગ્ન પછી ઇંગ્લૅન્ડ જઈ વસ્યાં, અને વર્ષો પછી, અમેરિકા જઈ સ્થાયી થયેલી બેનપણી દેવિકા – દેવી સાથે ફરી સંબંધ શરૂ થયો; અને પૌઢાવસ્થાની નિરાંતનો સમય આવ્યો તે બન્નેએ પત્રમૈત્રી દ્વારા માણ્યો જે પુસ્તકરૂપે પ્રગટ્યો.
નીના અને દેવી ભણ્યાં અમદાવાદમાં એટલે એમને અમદાવાદની એચ.કે. આટર્સ કોલેજના નગીનદાસ પારેખ, ઉમાશંકર જોષી, યશવંત શુકલ, મધુસૂદન પારેખ જેવા વિદ્વાન પ્રોફેસર્સ યાદ આવે. બન્નેનું શિક્ષણ અમદાવાદમાં થયું એટલે એમની સ્મૃતિમાં તે સમયનું અમદાવાદ જીવે. એવું લાગે છે કે ૧૯૪૫ – ૧૯૭૫ સુધીનો સમયખંડ વિદ્યાવ્યાસંગી ગુરુવર્યોનો જ હતો. હિમાંશીબહેને પોતાના પુસ્તકમાં સુરતના વિદ્વાન ગુરુવર્યોને યાદ કર્યા, નીનાબહેન – દેવીબહેને અમદાવાદના ગુરુજનોને યાદ કર્યા તો મને પણ અમારા વલસાડના ગુરુવર્યો કવિશ્રી ઉશનસ્, ડો. કે.જી.નાયક, ડો. બી.જી. નાયક, શ્રી સંઘવી, ડો. ભાંડુતિયા, શ્રી ઉમરવાડિયાસર, આચાર્યસાહેબ, દરૂસર યાદ આવી ગયા.
નીનાબહેન – દેવીબહેનની પત્રાવલિમાં ડાયસ્પોરા અનુભવોનું વર્ણન છે છતાં ગુજરાતી ગૃહિણીઓનો સ્પર્શ અનુભવાય છે. એમના પત્રોમાં સાહિત્ય, શિક્ષણ, શાળાઓ, સામાજિક જીવન , દિવ્યાંગ વ્યક્તિઓનું જીવન, આફ્રિકા – લંડન – અમેરિકા વાયા ગુજરાતના વસાહતીઓની સંઘર્ષયાત્રા, પાડોશીઓ સાથે સંબંધ, સ્ત્રી – પુરુષ સમાનતા, વતન ઝૂરાપા સાથે હવે જયાં વસ્યાં તે જ ધરતી અમારીનો ભાવ, ધર્મ અને સંસ્કૃતિ, મંદિરોનું સમાજ – રાજકારણ, પરંપરાઓ પ્રત્યે સમજણ વગરનું વળગણ, વિવિધ સંસ્કૃતિનો મેળ, ફિલ્મો : ટી.વી. સિરિયલો : નાટક : નૃત્ય વિષયક એમ અનેક મુદ્દા વણાયેલા છે.
એમના પત્રવ્યવહારમાં ભાષા – બોલી વિશે ખાસ્સું મંથન થયું છે. ગુજરાતી તળપદા શબ્દો અંગ્રેજી બોલી સાથે વણાઈને જે ભાષા બને છે તેની ચર્ચા રસપ્રદ બને છે તો ક્યારેક એમાંથી નીપજતું હાસ્ય કેટલું રોચક છે તે પણ મજાનો મુદ્દો છે. દેવી સ્વભાવે ગંભીર અને નીનાનો મિજાજ સુરતી લહેરી. હાસ્યકણિકાઓ આ પુસ્તકનું જમા પાસું છે. બન્ને લેખિકા છે. દેવી કવયિત્રી અને નીના નવલકથાકાર/વાર્તાકાર/અનુવાદક/દુભાષિયણ છે. જયાં વસ્યા ત્યાં ગુજરાતી કાર્યક્રમો સાથે સંકળાવાનો અનુભવ બન્નેને છે. અનુકૂલનની ફાવટ બન્નેને છે. બન્નેની લેખણમાં સુન્દરમ્ થી સુરેશ દલાલ, શાહબુદ્દીન રાઠોડ, ગુણવંત શાહ સહિત કાજલ વૈદ્ય પણ આવે અને વૈશ્વિક કક્ષાની સાહિત્યિક હસ્તીઓના વિધાનો પણ આવે. પોતાનું તત્ત્વજ્ઞાન પણ આવે. રસોડાની, અંગત અને રાજકારણની વાતો નહીંવત્ છે. કુલ છવ્વીસ ગુણ્યાં બે એમ બાવન પત્રો એકસો ચોસઠ પાનાંમાં પથરાયેલા છે.
આ પુસ્તકની પ્રસ્તાવના બળવંતભાઈ જાનીએ એટલી વિદ્વત્તા અને ન્યાયપૂર્વક લખી છે કે પ્રસ્તાવના વાંચીએ તો પણ પુસ્તક સમજાઈ ગયું એવી છાપ પડે. જો કે એક વાત સ્પષ્ટ કરવી પડે કે આ પત્રાવલિ બે બહેનપણીઓની વચ્ચે છે અને પોતાના પરિવેશને અનુલક્ષીને છે.
હિમાંશીબહેનના સાહિત્યિક ક્ષમતાસભર ઉજાસ અને નીના – દેવીના ઉજાસના સ્તર અને અનુભૂતિની સરખામણી થઈ ન શકે, એવો ઈરાદો પણ નથી. સામ્યતા એટલી છે કે ૭૦-૭૫ની ઉંમરે પણ સૌ પોતાની મસ્તીમાં જીવે છે અને ગમતાં કામમાં સક્રિય રહી જીવન માણે છે. દેવી સાથે મુલાકાત થઈ નથી, પરંતુ નીના આજકાલ સુરતમાં છે અને કુન્દનિકા કાપડીઆની પરમ સમીપેની પ્રાર્થનાઓનું ધ્વનિમુદ્રણ કરવાની ફિરાકમાં છે. એમની કામની નિસબત, તૈયારીમાં ચીવટાઈ, સમયપાલન, શિસ્તનો આગ્રહ, ભાર વિનાની કાર્યશૈલીનું જમાપાસું તરત નજરે ચડે છે. નીના અને દેવિકા બન્ને મારાં Facebook Friend તો ખરાં જ હવે રૂબરૂ મુલાકાત પણ થઈ છે. એમની સાથે વાતો કરો તો મજા પડે. એમનાં મા સમાન મોટાંભાભી વિમલાબહેન સાથે પણ એમનાં કારણે જ મુલાકાત થઈ. ૮૫ વર્ષે ઘરેલુ કામકાજ, વાંચન, સંગીત ક્ષેત્રે નોટ આઉટ વિમલાબહેનને મળવાની પણ મજા આવી. મૈત્રીનો એક સરસ અનુભવ .
પ્રતાપરાય પંડ્યા પ્રેરિત ‘ગ્રીડ્સ’ ડાયસ્પોરા ગ્રંથમાળા – ૩; ગાર્ડી રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ દ્વારા સ્વીકૃત, આવરણ: પુલકેશી જાની, પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત આ પુસ્તકની કિંમત: ૧૫૦/૦૦₹ અને £-૫, $-૧૦ છે. પ્રાપ્તિ સ્થાન : પાર્શ્વ પ્રકાશન, ૧૦૨/ નંદન કોમ્પ્લેક્સ, નટરાજ સિનેમા રેલવે ક્રોસિંગ સામે, મીઠાખળી ગામ, અમદાવાદ-૩૮૦ ૦૦૬.
https://www.facebook.com/permalink.php?story_fbid=1467228643624484&id=100010120877274