Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9376269
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપ ફ્યુચર ક્રોનોલોજી ભી સમજિયે

આશિષ ઉપેન્દ્ર મહેતા|Opinion - Opinion|1 February 2020

લંડનથી આવતું ‘ધ ઈકોનોમિસ્ટ’ મૅગેઝિન આર્થિક દૃષ્ટિએ જમણેરી ગણાય છે, અને ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની વડાપ્રધાનપદ માટેની દાવેદારીને તેણે તેના તંત્રીલેખોમાં મહોર મારી આપી હતી – આ પહેલાં કહેવું પડે, નહિતર વડાપ્રધાનનો ચાહકવર્ગ કહેશે કે વિદેશી અખબારો મોદીની ઈર્ષ્યા કરે છે. ‘ધ ઈકોનોમિસ્ટ’ કાંઈ સેક્યુલર-લિબરલ-ટાઈપ નથી, પણ વડાપ્રધાનની બીજી મુદ્દતમાં આ સામયિક તેમનું ટીકાકાર તો રહ્યું છે, એટલું જ નહિ; નાગરિકતા કાયદા સાથેની છેડછાડ સામેના વિરોધો અને તેની સામે સરકારના વલણની પશ્ચાદભૂમિમાં આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય આવૃત્તિની આવરણકથાનું શીર્ષક છે  – ‘ઈન્ટોલેરન્ટ ઇન્ડિયાઃ હાઉ મોદી ઈઝ એન્ડેન્જરિન્ગ ધ વર્લ્ડ’ઝ બિગેસ્ટ ડેમોક્રસી’.

જ્યારે વિદેશી અખબારો મોદી વિશે સારું લખે ત્યારે હોર્ડિંગ પર પણ જાહેરખબર કરવામાં આવે, પણ રાજાનાં નવા વેશ કે તેના અભાવ વિશે કાંઈ કહી જાય ત્યારે એમના એજન્ડા અંગે શંકા ઊઠાવવાની. અમેરિકાના ‘ટાઈમ’ મૅગેઝિને પણ ૨૦૧૪માં કાંઈ કડક વલણ નહોતું લીધું, પણ ૨૦૧૯માં મોદીને ‘ઇન્ડિયા’ઝ ડિવાઈડર-ઈન-ચીફ’ કહ્યા, જે આજે અક્ષરશઃ સાચું પડી રહ્યું છે. તેમના સમર્થકો પણ એટલું તો – જાણેઅજાણે – સ્વીકારી જ રહ્યા છે. એ અંકમાં મુખ્ય લેખ લખનાર આતીશ તાસીર પણ લાંબો સમય સેક્યુલર-લિબરલ-ટાઈપથી દૂર અને કંઈક અંશે જમણેરી ઝુકાવ રાખતા હતા. લેખ પ્રસિદ્ધ થયા પછી ટ્રોલવર્ગ એમની પાછળ પડી ગયો. ભા.જ.પ.ના વિદેશનીતિ કોષના વડાએ ‘ધ વૉશિંગ્ટન પોસ્ટ’ને ગયા અઠવાડિયે જ ચીમકી આપી છે કે ભારત (સરકાર) વિશે લખતાં પહેલાં ધ્યાન રાખજો.

આ તો થઈ વાત અખબારી આલમની ટિપ્પણીની. જ્યોર્જ સોરોસ દુનિયાના સૌથી મોટા રોકાણકારોમાંના એક છે, મોટો મ્યુચ્યુઅલ ફંડ ચલાવે છે. ઉછેર પૂર્વ યુરોપના એ સમયના સામ્યવાદી બંધિયાર વાતાવરણમાં થયો, પણ લંડન સ્કૂલ ઑફ ઈકોનોમિક્સમાં વિખ્યાત ફિલોસોફર કાર્લ પોપર પાસે ભણ્યા અને તેમના ‘ઓપન સોસાયટી’ના કોન્સેપ્ટથી પ્રભાવિત રહ્યા. ૧૯૮૦ના દાયકાના અંતમાં યુ.એસ.એસ.આર.ના વિઘટન અને જર્મનીના એકીકરણ વખતે નવાસવા આઝાદ થયેલા દેશોને સોરોસે લોકશાહી તરફ આગળ વધવા માટે ભંડોળ પણ ઓફર કર્યું હતું. આ અઠવાડિયે ડેવોસ(પ્રચલિત પણે દાયોસ)ની વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં સોરોસે ચિંતા વ્યક્ત કરી કે દુનિયામાં ફરી બંધિયારપણું વધી રહ્યું છે, સંકુચિત રાષ્ટ્રવાદ આગળ વધી રહ્યો છે. તેમાં તેમણે નામ આપીને કહ્યું કે આખી દુનિયામાં “સૌથી વધુ ભયનજક ઘટના” ભારતમાં બની રહી છે, જ્યાં લોકશાહી ઢબે ચૂંટાયેલા નરેન્દ્ર મોદી હિન્દુ રાષ્ટ્રવાદી રાજ્ય સર્જી રહ્યા છે અને લાખો મુસ્લિમો પાસેથી નાગરિકતા છીનવી રહ્યા છે. સોરોસના નિવેદનના પછીના દિવસોમાં યુરોપીય સંસદમાં પાંચ ઠરાવ આવ્યા છે, જે મોદી સરકારના ભેદભાવપૂર્ણ પગલાંની નિંદા કરે છે. આ દિવસોમાં ‘ઈકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ’ના ડેમોક્રસી ઇન્ડેક્સમાં ભારત દસ સ્થાન પાછળ ગયું છે. કારણ? નાગરિક સ્વાતંત્ર્યનું ધોવાણ. દરમિયાન, કાર્તિક રામનાથને ‘કાઉન્ટર કરન્ટ્‌સ’ માટે લીધેલી મુલાકાતમાં નોઆમ ચોમ્સ્કી કહે છે કે અમેરિકામાં છેલ્લાં ૪૦ વરસમાં મધ્યમ વર્ગ પાછળ રહી ગયો છે, તેની વાસ્તવિક આવક જ્યાં હતી ત્યાં જ રહી છે, માટે પ્રજા ગુસ્સામાં છે અને ટ્રમ્પ જેવા રાજકારણીઓ આ ગુસ્સાનો ગેરફાયદો ઉઠાવી રહ્યા છે. આવા નેતાઓ મધ્યમ વર્ગને કહે છે કે આ સ્થિતિ માટે તમે નહિ, ‘પેલા લોકો’ જવાબદાર છે – ગરીબો કે અશ્વેતો કે મુસ્લિમો. ચોમ્સ્કી કહે છે કે ભારતમાં મોદી આત્યંતિક હિન્દુ રાષ્ટ્રવાદનો આધાર લઈને એ જ ખેલ ખેલી રહ્યા છે.

સકારાત્મક રીતે જોઈએ તો ઘટનાક્રમ આમ છે. વિરોધના વાવટા દોઢ મહિના પછી પણ જોમથી ફરકી રહ્યા છે. દિલ્હીમાં ૧૯૦૧ પછીની સૌથી ભારે ઠંડી વચ્ચે પણ – અને એ ઠંડી કરતાં પણ કાતિલ અપપ્રચાર વચ્ચે પણ – શાહીનબાગની મહિલાઓ હજુ નાબાદ છે. મુંબઈ, બૅંગલુરુ, ચેન્નાઈ, કોલકાતા વગેરે શહેરોમાં પણ વિરોધનું જોર અકબંધ છે. અહીંથી જે દેખાય છે તે પ્રમાણે, વિરોધ-પ્રદર્શનો ઉત્તર પ્રદેશ અને સ્થાનિક અપવાદો (કદાચ ગુજરાત પણ) બાદ કરતાં કોમી તરાહ પર જરા પણ નથી. મોદીએ ડિસેમ્બરમાં વિરોધના પહેલા-બીજા દિવસે જે કહેલું તે ખરેખર સાચું છે, એમનાં પોષાક પરથી જ ખબર પડી જાય છે કે વિરોધીઓ કોણ છે. તેમની આગલી કતારમાં નથી મુલ્લાઓ કે નથી જૂના રાજકારણીઓ, છે યુવાનો અને વિદ્યાર્થીઓ.

૧૧ ડિસેમ્બરે નાગરિકતા કાયદામાં સુધારાનો ખરડો પસાર થયો, ત્યારે આપણા જેવા ઘણાની નિરાશાવાદી માન્યતા હતી કે જેમ સંઘના જૂના એજન્ડાના મુદ્દાઓ એક પછી એક વાસ્તવિકતા બની રહ્યા છે, તેમ મુસ્લિમો માટે બીજા દર્જાની નાગરિકતા અને નાઝી ડિટેન્શન સેન્ટરો પણ હવે આવીને જ રહેશે, કારણ કે આ સરકાર પાસે એક વસ્તુ છે, સંખ્યાબળ, અને એક વસ્તુ નથી, નીતિમત્તા. પહેલાં ભા.જ.પ.ના ટીકાકારો ફાસિઝ્‌મ સાથે તુલના કરતાં ત્યારે કહેવું પડતું હતું કે સાવ એટલે નથી પહોંચ્યા, પણ નવા નાગરિકતા કાનૂન પછી ૧૯૩૦ના દશકના જર્મની સાથેનાં બધાં પરિબળો એક સાથે સામે આવીને સમાન્તર રેખાંમાં ઊભાં રહ્યાં છે. આપણા દેશમાં અને આપણા સમયમાં આઉશ્વાઈત્ઝ અને હોલોકોસ્ટ ન જ થાય એવી માન્યતા ખોટી પણ પડી શકે, એ આપણી ભ્રમણા પણ હોય, ઈગો પણ હોય. ભલે, ત્યારે. પરંતુ, એક જ અઠવાડિયામાં જે જોશથી વિરોધ થયા, એમાં સિનિકલ માન્યતા ખોટી પડી રહી છે. ૨૨ ડિસેમ્બરની રામલીલા મેદાનની રેલીમાં વડાપ્રધાને જાહેર કરવું પડ્યું કે અમે એન.આર.સી.ની તો કદી વાત કરી જ નથી. અલબત્ત, તેમના ગૃહપ્રધાન એ વાત સાત વાર કરી ચૂક્યા છે, રેકોર્ડ પર (‘આપ ક્રોનોલોજી સમજિયે’), પણ અહીં જુઠ્ઠું બોલવાનો આક્ષેપ નથી, વડાપ્રધાને ગૃહપ્રધાન કરતાં જુદી ભાષામાં વાત કરવાની તૈયારી બતાવી. ત્યાંથી લઈને ગયા અઠવાડિયે ભૂતપૂર્વ ગૃહપ્રધાન રાજનાથ સિંહે તો એમ પણ કહ્યું કે કોઈ મુસ્લિમને હાથ તો અડાડી બતાવે, અમે બેઠા છીએ. (તેમના કાર્યકાળ દરમિયાન આ ખરડાની અગાઉની આવૃત્તિ લોકસભાએ પસાર કરેલી અને ત્યારે વધુ વિવાદ નહોતો થયો, પણ ચૂંટણી પછી ખરડો ફરી રજૂ કરવો પડે, અને નવા ગૃહપ્રધાને તેમાં અમુક જ લઘુમતીની ધાર્મિક સતામણીનો સંદર્ભ અન્ડરલાઈન કરીને ઘુસાડ્યો છે.) અલબત્ત, રાજનાથ સિંહ ઉત્તરપ્રદેશના છે, અને ત્યાંના મુખ્યપ્રધાન અને તેમની પોલિસની અભૂતપૂર્વ (એટલે કે પહેલાં ક્યારે ય ન બની હોય તેવી) કરતૂતો તેમને માલૂમ જ હોય. પણ અમિત શાહની બાંયો ચડાવવાના અને વિવિધ રાજ્યોમાં સરકાર રચવામાં જે જોયું તેમ ચડી જ બેસવાના અભિગમ સિવાયની શૈલીઓ પણ ભા.જ.પ.માં બહાર આવી રહી છે. તે ચાહે ગોવિંદાચાર્યની જૂની ને જાણીતી મુખોટા થિયરીનો ભાગ હોય તો પણ મોદી-શાહ શાસનમાં મુખોટા પણ નવાઈની વાત કહેવાય, અને વિરોધની સફળતાનો પુરાવો છે.

‘ધ ટેલિગ્રાફ’ અખબારમાં ૨૬મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ થયેલી લાંબી મુલાકાતમાં અમર્ત્ય સેન પણ યુવાવર્ગની આગેવાનીને વધાવે છે, અને તેમાં આપણી શિક્ષણપ્રથાની સફળતા જુએ છે. લાંબા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો આમ પણ લાગેઃ કહો કે, ધર્મનિરપેક્ષના અર્થમાં સેક્યુલરિઝ્‌મ ઉપરથી ઠોકેલો સિદ્ધાન્ત હતો, ભારતની ભૂમિમાં કુદરતી રીતે ઊગેલો નહોતો, એવી એક દલીલ રહી છે. પણ સર્વધર્મસમભાવના અર્થમાં તે ભારતની જમીનનો ભાગ રહેલો છે – ભલેને સાથેસાથે ઘર્ષણના પણ અનેક દાખલા રહ્યા હોય. એંસીના દાયકાથી સેક્યુલરિઝમના પ્રશ્ને પૂરો દેશ ચર્ચા-વિચારણા કરે જતો હતો, તેના જવાબમાં નવી સદીમાં જન્મેલા (મિલેનિયલ્સ) આજે મધ્યમાયુઓને શીખવાડી રહ્યા છે કે નાગરિકતા અને રાષ્ટ્રની વ્યાખ્યાના મુદ્દે બંધારણના રચયિતાઓ સાચા જ હતા, સ્વાતંત્ર્યસંગ્રામના નેતાઓએ ઉજાગર કરેલાં મૂલ્યો પર જ દેશ આગળ વધશે, અને ભારત-છોડો ચળવળ વખતે માફીપત્રો લખીને બાજુ પર બેઠેલા લોકો હવે પાછલે બારણેથી સત્તા હાંસલ કરીને બંધારણ સાથે છેડખાની કરે તે ચલાવી લેવાય નહિ. મધ્યમ વર્ગના રાજકીય રીતે રૂઢિચુસ્ત પરિવારોમાં ટેણિયાં અઘરા પ્રશ્નો પૂછી રહ્યાં છે. નવી પેઢી કદાચ સર્વધર્મ-મમ-ભાવનું સમર્થન કરે છે, તેના કરતાં વધારે આપખુદશાહીનો વિરોધ કરતી હોય એમ પણ લાગે છે. પ્યોર પોલિટિક્સની ગણતરીએ પણ મોદી-શાહનો જે વ્યૂહ હોય તે ઊંધો પડવા જઈ રહ્યો છે. બલકે, તેમને જે એક્કાનું પાનું લાગતું હતું તે ઊતરી નાંખ્યા પછી એવું પણ બને કે ભા.જ.પ.ના નસીબમાં હવે ફરી ૨૦૧૯ના આંકડા ન આવે. પાછાં પગલાંની શરૂઆત તો મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં થઈ ગઈ, જ્યાં ભા.જ.પે. એન.આર.સી.ના વચન સાથે ચૂંટણી ખેલી હતી. કહેવાય છે કે સી.એ.એ.-એન.આર.સી.નો દાવ કરવામાં શાહની નજર ૨૦૨૧ની બંગાળ વિધાનસભાની ચૂંટણી પર હતી, પણ ત્યાં એકદમ ઊલટી દિશાનો પવન વાઈ રહ્યો છે. દરમિયાન, સર્વોચ્ચ અદાલત તો છે જ, દિલ્હી પણ ૧૧મી ફેબ્રુઆરીએ ચુકાદો આપશે. ગતાંકના તંત્રીલેખમાં વસંતગર્ભા શિશિરની વાત હતી, તો વસંતપંચમી સાથે ત્યાં સુધીમાં સ્પ્રિંગ શરૂ થઈ ગઈ હશે.

નવી દિલ્હી  

E-mail : ashishupendramehta@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ફેબ્રુઆરી 2020; પૃ. 05 – 06 

Loading

1 February 2020 આશિષ ઉપેન્દ્ર મહેતા
← ‘પુનશ્ચ’-માં, ‘a g a i n-‘માં,
નેતા ન લડે તો ભલે ભારત માટે લડવા ભારતીયો ઊભા છે ! →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved