When citizens cannot engage in rational, thoughtful discussions, the health of democracy is in peril
— Alexis de Tocqueville
લોકશાહીમાં પ્રજા જ શાસક હોય છે. પરંતુ સરકાર દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેમાં લોકોનો અભિપ્રાય ન હોય તો તેઓ કેવી રીતે શાસનના હિસ્સેદાર બની શકે ? તેથી લોકશાહીમાં વિચારોની મુક્ત અભિવ્યક્તિ, ચર્ચા, સંવાદ અને વાદ-વિવાદ અનિવાર્ય છે. લોકશાહી એટલે માત્ર ચૂંટણીઓ નથી. દર પાંચ વર્ષે એક વાર મતદાન કરવા માત્રથી લોકશાહી ટકતી નથી. લોકોના ભલાને સુરક્ષિત કરવા માટે નિરંતર સંવાદ, ચર્ચા, વાદવિવાદ અને અસંમતિ દ્વારા લોકશાહીનું પાલન કરવું પડે છે.
લોકશાહીમાં મતભેદ, રાજકીય હરીફાઈ અને વાટાઘાટો
સમાજ વૈવિધ્યપૂર્ણ હોવાથી વિવિધ મંતવ્યો અને અભિપ્રાયો પ્રવર્તમાન હોય છે. તેને કારણે મતભેદ ઊભા થતા હોય છે. આવા મતભેદોનું પ્રતિનિધિત્વ કરવા વિવિધ રાજકીય પક્ષો કે હિત જૂથો (interst groups) અસ્તિત્વમાં આવતાં હોય છે. જેમાંથી રાજકીય સ્પર્ધા જન્મે છે. આવી રાજકીય સ્પર્ધા લોકશાહીનું અવિભાજ્ય અંગ છે. પરંતુ લોકશાહીમાં મતભેદોનો ઉકેલ બળથી નથી લવાતો. તેથી લોકશાહીમાં સંવાદ અને સમાધાન અનિવાર્ય થઈ પડે છે.
આધુનિક લોકશાહીમાં, રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરા, ભાષણો અને સંદેશાવ્યવહાર દ્વારા જનતાને શિક્ષિત અને સંગઠિત કરવમાાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ચૂંટણીમાં જે પક્ષને બહુમતી મળે તે પક્ષ સરકાર બનાવે છે; કાયદા, નીતિઓ અને શાસન માટે જવાબદાર બને છે. જે પક્ષો સત્તામાં ન હોય તે વિરોધપક્ષ બને છે. શાસકોને જવાબદાર બનાવવા, સત્તાનો દુરુપયોગ અટકાવવા અને પારદર્શિતાને પ્રોત્સાહન આપવા માટે વિપક્ષ સરકારની ચોકીદારી કરે છે. વિપક્ષ નીતિગત વિકલ્પો રજૂ કરે છે, લઘુમતી હિતોનું રક્ષણ કરે છે અને રાજકીય ચર્ચાને નિરંતર ચાલુ રાખે છે. વિપક્ષ ભ્રષ્ટાચારને રોકવાનું અને સરકારને વધુ શક્તિશાળી અથવા સરમુખત્યારશાહી બનતાં અટકાવવાનું કામ કરે છે. વિપક્ષ વધુ સારી નીતિઓ અને ન્યાયીપણાનો આગ્રહ રાખે છે. જે તંદુરસ્ત લોકશાહી અને સમગ્ર સમાજના ઉજ્જ્વળ ભવિષ્ય માટે જરૂરી છે.
લોકશાહીમાં રાજકીય પક્ષો ઉપરાંત જુદાં-જુદાં ક્ષેત્રોમાં રસ ધરાવતા લોકો તેમને સ્પર્શતા વિશેષ મુદ્દાઓ, પ્રશ્નો કે સમસ્યાઓની ચર્ચા કરવા અને તેમના સમાધાન માટે સરકારમાં રજૂઆત કરવા અને જરૂર પડે તો સરકાર ઉપર દબાણ લાવવા સંગઠિત થતા હોય છે. તેમને હિત જૂથો (interst groups) કે દબાણ જૂથો (pressure groups) કે હિમાયત જૂથો (advocacy groups) તરીકે ઓળખવામાં આવે છે. પર્યાવરણીય જૂથો, માનવ અધિકાર જૂથો, વ્યાવસાયિક સંગઠનો, કામદાર સંગઠનો અને મહિલા સંગઠનો આવાં જૂથોનાં ઉદાહરણ છે. આવાં જૂથો ક્યારેક કોઈ એક રાજકીય પક્ષની પાંખ તરીકે કામ કરતાં હોય છે. અથવા સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતાં હોય છે.
આવાં રાજકીય પક્ષો અને હિત જૂથોની હરીફાઈને કારણે કોઈ પણ સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક મુદ્દાઓ અંગે નિર્ણયો લેતી વખતે મોટા ભાગે વિવાદ થતો હોય છે. અને ક્યારેક સંઘર્ષ પણ થતો હોય છે. પરંતુ કોઈ સમાજ સતત સંઘર્ષમાં કે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં લાંબો સમય ન રહી શકે. તેથી લોકશાહી સરકારને આવા વિરોધપક્ષો કે વિવિધ હિતજૂથો સાથે વાટાઘાટો, ચર્ચા-વિચારણા કરવી પડતી હોય છે અને બાંધ-છોડ કરીને સૌને કે બહુમતીને સ્વીકાર્ય હોય તેવા નિર્ણયો કરીને તેમની સાથે સમાધાન પણ કરવું પડતું હોય છે. તેથી ખ્યાતનામ અમેરિકન રાજ્યશાસ્ત્રી રોબર્ટ ડા’લ (Robert S. Dahl : ઈ.સ. ૧૯૧૫-૨૦૧૪) જેવા વિદ્વાનો લોકશાહી સંસ્કૃતિને બાંધ-છોડ કે સોદાબાજીની (bargaining) સંસ્કૃતિ તરીકે ઓળખાવે છે.
જ્ઞાન, અભિપ્રાય અને ચર્ચા
લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું મહત્ત્વ સમજવા માટે જ્ઞાન અને અભિપ્રાય વચ્ચેનો તફાવત સમજવો પણ જરૂરી છે. જે બાબતો વસ્તુલક્ષી હોય, નક્કર હકીકતો ઉપર આધારિત હોય, તે વિષે આપણે જ્ઞાન મેળવી શકીએ છીએ. તેના વિષે ખાસ વિવાદ નથી થતો. જેમ કે, ગુરુત્વાકર્ષણના નિયમ અંગે વિવાદ થવાની સંભાવના નથી હોતી. કારણ કે વિજ્ઞાનીઓએ ચોક્કસ સંશોધન અને પુરાવાઓને આધારે સાબિત કરેલું છે કે જગતમાં ગુરુત્વાકર્ષણનો નિયમ કામ કરે છે. આ કોઈ અભિપ્રાયનો વિષય નથી. તેનું આપણને વસ્તુલક્ષી (objective) જ્ઞાન છે. પરંતુ, જે બાબતો આત્મલક્ષી (subjective) હોય, મૂલ્યો ઉપર આધારિત હોય, તેમના વિષે આપણે માત્ર અભિપ્રાય ધરાવીએ છીએ. આવા અભિપ્રાયોની સત્યાસત્યતા વિષે આપણને ચોક્કસ ખાતરી હોતી નથી. તેથી વિવાદ થાય છે. જેમ કે, લાલ રંગ સારો કે લીલો એવા પ્રશ્ન અંગે મતભેદ હોઈ શકે છે. કારણ કે, તે વ્યક્તિગત અભિપ્રાયનો વિષય છે.
અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. જ્યારે જ્ઞાન સુસંગત રહે છે. જ્ઞાન ચોક્કસ અને અકાટ્ય હોય છે, જ્યારે અભિપ્રાયો ખોટા હોઈ શકે છે. વાદ-વિવાદ મંતવ્યોની વિવિધતામાંથી ઉદ્ભવે છે, જ્યારે જ્ઞાન નિર્વિવાદ હોય છે. ક્યારેક કોઈ અભિપ્રાય સાચો હોઈ શકે છે, પરંતુ તેની સચ્ચાઈ ચકાસી શકાય તેવાં કારણોનો અભાવ હોય છે. તે માત્ર એક સાચું અનુમાન હોય છે. જ્ઞાન પુરાવા, તથ્યો અને તર્ક દ્વારા સમર્થિત માહિતી હોય છે. તે સચોટ અને ચકાસી શકાય તેવું હોય છે. તેથી જ્ઞાનનો સ્વીકાર અનિવાર્ય હોય છે, જ્યારે અભિપ્રાયો અંગે કાયમ મતભેદ હોઈ શકે છે.
લોકશાહીમાં ઘણી બધી સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક બાબતો અંગે જનતાના, રાજકીય પક્ષોના કે હિત જૂથોના અભિપ્રાયો અલગ-અલગ હોઈ શકે છે. આવા અભિપ્રાયો ઘણી વાર દરેક પક્ષકારની નીતિઓ, પસંદગીઓ, અને મૂલ્યો ઉપર આધારિત હોય છે. તેથી કોઈ પણ લોકશાહી સમાજમાં મતભેદો અનિવાર્ય છે. જો કે, એવી દલીલ કરી શકાય કે જુદા-જુદા સામાજિક, રાજકીય, આર્થિક કે નૈતિક પ્રશ્ન અંગે સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનસશાસ્ત્ર જેવાં સામાજિક વિજ્ઞાનો કે દર્શનશાસ્ત્રના નિષ્ણાતો અભ્યાસ કરીને સિદ્ધાંતો વિકસાવે છે. પરંતુ આ બધાં શાસ્ત્રો ભૌતિક વિજ્ઞાનો જેટલાં વિકસિત ન હોવાથી જે તે ક્ષેત્રના વિદ્વાનોમાં વિવિધ સિદ્ધાંતો અંગે ઘણો વિચારભેદ પ્રવર્તતો હોય છે. ઉદાહરણ તરીકે, અર્થવ્યવસ્થા મૂડીવાદી હોવી જોઈએ કે સમાજવાદી તે અંગે જુદી-જુદી દલીલો થઈ શકે છે. તે દલીલો તાર્કિક પણ હોઈ શકે છે. પરંતુ તે દલીલોને નિર્વિવાદ તથ્યાત્મક સમર્થન નથી હોતું. તે અમુક મૂલ્યો ઉપર આધારિત હોવાથી તે અંગે મતભેદ થઈ શકે છે. તે જ રીતે સરકારે અમુક ચોક્કસ બાબત અંગે નિર્ણય કરવાના હોય ત્યારે પણ અનેક પ્રશ્નો અને તેમના વિવિધ વૈકલ્પિક જવાબોનો સામનો કરવો પડતો હોય છે. ઉદાહરણ તરીકે, સરકાર દ્વારા કરવેરા નાખવા જોઈએ એ અંગે મતભેદ ન હોય તો પણ રોકાણને ઉત્તેજન આપવા ઓછા કરવેરાને પ્રાધાન્ય આપવું કે કલ્યાણકારી યોજનાઓને ભંડોળ પૂરું પાડવા અને આવકની અસમાનતા ઘટાડવા માટે વધુ કરવેરા નાખવા જોઈએ જેવી બાબતોમાં અર્થશાસ્ત્રીઓના મત અને સિદ્ધાંતો જુદા-જુદા હોય છે. આમ સામાજિક, રાજકીય અને આર્થિક મુદ્દાઓ અંગેના નિર્ણયો અનેક જટિલ પરિબળો અને અલગ-અલગ મૂલ્યો ઉપર આધારિત હોવાથી આપણને જ્ઞાન આધારિત કોઈ એક ‘સાચા’ જવાબને બદલે જુદાં-જુદાં મંતવ્યોની શૃંખલા જોવા મળે છે. તેમાંથી કોઈ એકની પસંદગી કરવાની હોય છે. સ્વાભાવિક રીતે જ આવી પસંદગી નિર્વિવાદ ન હોઈ શકે. તેથી તે અંગે ચર્ચા જરૂરી થઈ પડે છે.
લોકશાહીમાં સંવાદનું મહત્ત્વ
સહિયારા હેતુને સિદ્ધ કરવા વાસ્તે જ્યારે લોકો સમાજમાં રહેતા હોય છે ત્યારે સામાજિક એકતાની ભાવના જાળવી રાખવી પણ આવશ્યક છે. લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં બળજબરી કે હિંસાના વિકલ્પ તરીકે સમજાવટ વધુ ઉપયોગી માનવામાં આવે છે. તેથી જાહેર ચર્ચા લોકશાહીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સંવાદમાં સામેલ થવાથી જુદી-જુદી વ્યક્તિઓ અને જૂથો વિવિધ વિચારો, પુરાવાઓ અને દલીલો રજૂ કરી શકે છે અને તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરી શકે છે. માહિતી અને દૃષ્ટિકોણના આવા વિનિમયથી વધુ જાણકાર અને સર્વસ્વીકૃત નિર્ણયો લેવામાં મદદ મળે છે. સંઘર્ષોને ટાળવામાં અને ધ્રુવીકરણને ઘટાડવામાં પણ સંવાદ ઉપયોગી છે. તેથી રાજકીય પ્રક્રિયામાં નાગરિકોની ભાગીદારી અને સક્રિયતા વધે છે. પરંતુ ચર્ચા કર્યા પછી પણ કોઈ એક સર્વસંમત નિર્ણય ઉપર ન આવી શકાય તો શું કરવું ? આવી પરિસ્થિતિમાં એરિસ્ટોટલ (Aristotle : ઈ.પૂ. ૩૮૪-૨૨) જણાવે છે તેમ બહુમતીથી અથવા નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. કારણ કે, આવા નિર્ણયો વધુ સ્વીકૃત બને છે. જેથી સમાજમાં સંવાદિતા વધે છે. તથા નાગરિકોની લોકશાહી શાસનમાં શ્રદ્ધા વધે છે. ભાવિ નાગરિકો પણ આવી ચર્ચાઓના સાક્ષી બનીને એમ કરતાં શીખતા હોય છે.
સંવાદ–વાદ–વિવાદ અને વિતંડાવાદ
ક્યારેક જુદા-જુદા રાજકીય પક્ષો કે હિતજૂથો પોતાના મતના સમર્થનમાં વ્યાપક લોકમત ઊભો કરવા નાગરિકો સમક્ષ જતાં હોય છે. તેમના વિચારો કે અભિપ્રાયોના ટેકામાં શક્ય એટલો મજબૂત કેસ રજૂ કરવા વાસ્તે દાખલા-દલીલો પ્રસ્તુત કરે છે. તેની વિરુદ્ધમાં તેમના હરીફ પક્ષો કે હિતજૂથો પણ પોતાની વૈકલ્પિક માન્યતાઓના સમર્થનમાં પોતાનો કેસ યથાશક્તિ મજબૂત કરીને રજૂ કરવા પ્રયત્ન કરતા હોય છે. આ રીતે દરેક પ્રતિસ્પર્ધી પક્ષ પોતાના મતની હિમાયત કરવાનું ચાલુ રાખે છે અને વિરોધીઓના મત ઉપર હુમલાઓ કરીને તેને રદિયો આપવાનો પ્રયાસ કરે છે. જેથી અમુક બાબતો અંગેની આવી ચર્ચાથી ઉગ્ર વાદ-વિવાદ ઊભા થતા હોય છે.
સામાન્ય લોકોની એવી સમજ હોય છે કે વાદ-વિવાદથી સંઘર્ષ થતો હોય છે, સમાજની શાંતિમાં ખલેલ પડતી હોય છે. માટે આવા વાદ-વિવાદ ટાળવા જોઈએ. પરંતુ હકીકતમાં આવા વાદ-વિવાદ નુકસાનકારક નથી હોતા. મહદંશે તેમની ભૂમિકા રચનાત્મક હોય છે. બ્રિટિશ ફિલસૂફ જ્હોન સ્ટુઅર્ટ મિલ (John Stuart Mill : ઈ.સ. ૧૮૦૬-૧૮૭૩) મતભેદમાં સંડોવાયેલ તમામ પક્ષોને ધીરજપૂર્વક સાંભળવા ઉપર ભાર મૂકતાં જણાવે છે કે વિવિધ પરિપ્રેક્ષ્યોને લગતી ખુલ્લી ચર્ચાઓ દ્વારા પરસ્પરની દલીલોનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરીને તથા તેમાં રહેલ સચ્ચાઈ અને નબળાઈઓને તપાસીને સમાજ સંભવિત ભૂલોને ટાળી શકે છે અને સત્યની વધુ સચોટ સમજણ મેળવી શકે છે, વધુ સારા નિર્ણયો લઈ શકે છે. વધુમાં, મિલે દલીલ કરી હતી કે દરેકને તેમનો પક્ષ રજૂ કરવાની તક આપવાથી બહુમતી અથવા શાસકની જોહુકમીને અટકાવી શકાય છે, કટ્ટરવાદ નબળો પડે છે અને સંતુલિત નિર્ણય લેવાની પ્રક્રિયાને ઉત્તેજન મળે છે.
જો કે, ક્યારેક વિવાદમાં સામા પક્ષની દલીલ બરાબર સાંભળ્યા વિના માત્ર પોતાનો જ કક્કો ખરો કરવાનો આગ્રહ રાખવો, સમાજનાં લાંબા ગાળાનાં હિતોની અવગણના કરીને પોતાનાં હિતનો જ હઠાગ્રહ કરવો, સામા પક્ષની દલીલોનો તાર્કિક અને તથ્યાત્મક જવાબ આપવાને બદલે તેમની મજાક ઉડાવવી અથવા સામા પક્ષે કરેલી ભૂલોને ઢાલ બનાવી પોતાની ભૂલોને સાચી ઠેરવવી, બહુમતી અભિપ્રાયની ઉપેક્ષા કરીને પોતાના લઘુમતી અભિપ્રાયને વળગી રહેવું અથવા લઘુમતીના વાજબી અભિપ્રાયની ઉપેક્ષા કરીને બહુમતી દ્વારા પોતાનો નિર્ણય ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરવો જેવાં વલણો જોવા મળે છે. પરંતુ આવા કુતર્કોથી નિરર્થક વિતંડાવાદ ઊભો થતો હોય છે. જેથી પ્રશ્નોનો ઉકેલ મળતો નથી.
માટે વિતંડાવાદને સંવાદમાં બદલવો જોઈએ. તે માટે વિવાદમાં સંડોવાયેલ દરેક પક્ષે પોતાના અભિપ્રાયના સમર્થનમાં તર્કપૂર્ણ દલીલો કરવી જોઈએ અને સામા પક્ષની દલીલો સહાનુભૂતિપૂર્વક સાંભળવી જોઈએ. સામા પક્ષની દલીલોનું નિષ્પક્ષ અને વસ્તુલક્ષી પરીક્ષણ કરીને ચર્ચાસ્પદ મુદ્દાને જુદા-જુદા પરિપ્રેક્ષ્યથી તપાસવો જોઈએ. સૌએ સાથે મળીને સહિયારા હિતમાં શ્રેષ્ઠ નિર્ણય લેવો જોઈએ. અંતે જે પક્ષ લઘુમતીમાં હોય તેણે બહુમતીના નિર્ણયને સ્વીકારીને તેને અમલમાં મૂકવા સામેલ થવું જરૂરી થઈ પડે છે. જર્મન સમાજશાસ્ત્રી હેબરમાસ (Urgen Habermas : ઈ.સ. ૧૯૨૯-) કહે છે કે ‘Democracy must constantly be remade through the ongoing, critical examination of the practices of political communication and debate.’ તેમના મત પ્રમાણે આધુનિક લોકશાહી અને કાનૂનવ્યવસ્થા વાર્તાલાપ કે સંવાદ (descourse) ઉપર આધારિત છે. હેબરમાસ માને છે કે લોકશાહીની વૈધતા (legitimacy) નાગરિકો વચ્ચેના વિચારોના તર્કસંગત અને સર્વ સમાવેશી આદાન-પ્રદાનમાંથી પ્રાપ્ત થાય છે. કાયદેસર અને ન્યાયી સમાજની સ્થાપના માટે તર્કસંગત વાતચીત જરૂરી છે. હેબરમાસ માને છે કે સંવાદની યથાર્થતા સત્ય, પ્રામાણિકતા અને નિખાલસતા ઉપર આધારિત છે.
ભારતમાં ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા
અમર્ત્ય સેન (Amartya Sen : ઈ.સ. ૧૯૩૩ -) અને ભીખુ પારેખ (Bhikhu Parekh : ઈ.સ. ૧૯૩૫ -) જેવા વિચારકો જણાવે છે તેમ ભારતમાં ચર્ચાની પરંપરા સદીઓ પુરાણી છે. આધુનિક ભારતમાં પણ અનેક સ્તરે ચર્ચા અને સંવાદ ચાલતો રહેતો હોય છે. જેમ કે ચૂંટણી ઝુંબેશ દરમ્યાન વ્યાપક અને ખુલ્લી ચર્ચા થાય છે. મીડિયામાં દરરોજ ચર્ચા થાય છે. પરંતુ, લોકશાહીમાં ચર્ચા અને સંવાદનું સૌથી મોટું અને સૌથી અગત્યનું પ્લેટફોર્મ છે : સંસદ (Parliament). કારણ કે, સમાજમાં થતી બધી જ ચર્ચાનું અંતિમ સમાપન સંસદમાં ઘડાતા કાનૂનોમાં થાય છે. આમ તો ભારતની સંસદ તેની ઉન્નત સંસદીય પ્રણાલીઓ અને ખાસ કરીને તેમાં થતી ઉચ્ચ કક્ષાની ચર્ચા માટે જાણીતી છે. જેમ કે, ઈ.સ. ૧૯૭૫-૭૭ના કટોકટી કાળમાં જ્યારે સંવાદ લગભગ તૂટી પડ્યો હતો ત્યારે પણ ઉમાશંકર જોશી અને પુરુષોત્તમ માવળંકર જેવા સાંસદોએ સંસદમાં પ્રાણવાન ચર્ચા ચાલુ રાખી હતી.
પરંતુ, કમનસીબે, છેલ્લાં કેટલાંક વર્ષોમાં સંસદમાં થતી ચર્ચાનું પ્રમાણ અને ગુણવત્તા બંનેમાં ઘટાડો થઈ રહ્યો છે. સંસદમાં ચર્ચા કરતાં ઘોંઘાટ અને વિક્ષેપો વધુ થઈ રહ્યા છે. અને તેથી પણ વધુ ચિંતા ઉપજાવનારી બાબત એ છે કે ચર્ચાનું પ્રમાણ જ ઘટી રહ્યું છે. ઉદાહરણ તરીકે, ભારતની પી.આર.એસ. લેજિસ્લેટિવ રિસર્ચ નામની સંસ્થાની માહિતી અનુસાર, સોળમી લોકસભા(ઈ.સ. ૨૦૧૪-૨૦૧૯)ની બેઠકના દિવસોમાં તમામ પૂર્ણ મુદ્દતની લોકસભાની સરેરાશ કરતાં અસામાન્ય ઘટાડો થયો હતો અને ૪૦ ટકા ઓછું કામ થયું હતું. આ લોકસભાએ તેના નિર્ધારિત સમયના ૧૬ ટકા વિક્ષેપોમાં ગુમાવ્યા હતા. અને માત્ર ૨૫ ટકા ખરડાને જ ચકાસણી માટે સંસદની વિવિધ સમિતિઓને મોકલાયા હતા, જે ચૌદમી અને પંદરમી લોકસભામાં અનુક્રમે ૬૦ ટકા અને ૭૧ ટકા કરતાં ઘણા ઓછા હતા. સોળમી લોકસભામાં તારાંકિત પ્રશ્નોના ૧૮ ટકાને જ મૌખિક જવાબો મળ્યા હતા અને પ્રશ્નકાળનો સમય તેના નિર્ધારિત સમયના ૬૭ ટકા જ રહ્યો. હાલની સત્તરમી સંસદની સમયાવધિ (ઈ.સ. ૨૦૧૯-૨૦૨૪) હજુ પૂરી થઈ નથી. પરંતુ, તેની અત્યાર સુધીની કામગીરી બતાવે છે કે તેમાં સોળમી લોકસભાની સરખામણીમાં કોઈ નોંધપાત્ર તફાવત થયો નથી.
આમ, તાજેતરમાં ભારતની સંસદમાં ચર્ચાની ભૂમિકા ઘટી રહી છે. પરિણામે રાજકીય પ્રશ્નોનું ધ્રુવીકરણ અને સામાજિક તણાવ વધતાં જાય છે. ઉદાહરણ તરીકે, ઈ.સ. ૨૦૧૬માં સરકારે કોઈ પણ ચર્ચા વિના ડિમોનેટાઈઝેશન દ્વારા દેશમાં વપરાતી ૮૬ ટકા નોટોને નાબૂદ કરી હતી. જેથી સામાન્ય લોકોને અભૂતપૂર્વ હાલાકી ભોગવવી પડી હતી, અનેક લોકોનાં મૃત્યુ થયાં હતાં. તે જ રીતે, ઈ.સ. ૨૦૨૦માં સરકારે ત્રણ કૃષિ કાનૂનો વ્યાપક ચર્ચા વિના અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના પસાર કર્યા હતા. પરિણામે ઈ.સ. ૨૦૨૦-૨૧ દરમ્યાન લગભગ દોઢ વર્ષ સુધી ભારતના કિસાનોએ એક જબરદસ્ત આંદોલન કર્યુ હતું. અંતે સરકારને તે ત્રણ કાનૂનોને રદ્દબાતલ કરવા પડ્યા હતા.
સમાપન
સંવાદમાં ઘટાડો એટલે લોકશાહીમાં ઘટાડો. સંવાદનો અંત એટલે લોકશાહીનો અંત. ચર્ચા, સંવાદ અને સોદાબાજીની નિષ્ફળતાનાં પરિણામો ગંભીર હોઈ શકે છે. જ્યારે લોકોને લાગે છે કે તે તેમના અવાજથી કોઈ ફરક પડતો નથી ત્યારે સામાજિક ધ્રુવીકરણ, આંદોલનો, અશાંતિ અને હિંસા વધે છે. સરમુખત્યારી દેશોના શાસકો જ વિરોધ કે અસંમતિને રાષ્ટ્રવિરોધી ગણીને સંવાદને દબાવી દેતા હોય છે. પરંતુ, કોઈ પણ સ્વસ્થ લોકશાહી દેશમાં સંવાદને અપેક્ષાકૃત મહત્ત્વ આપવામાં આવે છે. કારણ કે સંવાદ લોકશાહીનો પર્યાય છે.
(સાભાર – “નવનીત સમર્પણ”)
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 નવેમ્બર 2023; પૃ. 04 – 06