Opinion Magazine
Opinion Magazine
Number of visits: 9375788
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આદિવાસી સ્વાયત્ત રાજ્યની ચર્ચા

અરુણ વાઘેલા|Opinion - Opinion|4 June 2022

ભારતમાં જગજૂની પ્રજા તરીકે આદિવાસીઓનું અસ્તિત્વ છે. અગાઉ આદિવાસી સમાજ એટલે સ્થિર, અચળ અને પ્રાથમિક સ્વરૂપનો સમાજ છે, એવી ગેરમાન્યતા પ્રવર્તતી હતી. છેલ્લા ચારેક દાયકાથી આદિવાસી જીવનશૈલીનો વિવિધ દૃષ્ટિકોણથી અભ્યાસ થઈ રહ્યો છે, તેમાં સાંપ્રતમાં આદિવાસી-ઓળખ(Tribal Identity)નો મુદ્દો ખાસ ઊભરી રહ્યો છે. પ્રસ્તુત વિચારણાના સંદર્ભમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનો મુદ્દો પણ મહત્ત્વનો રહ્યો છે. તેનો ઇતિહાસ ઘણો લાંબો છે અને ઇતિહાસ ઉપરાંત રાજ્યશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના સંશોધકો તેમાં પીએચ.ડી. કે સ્વતંત્ર ગ્રંથ લખી શકે તેટલી શક્યતા પડેલી છે. ગુજરાતની જ વાત કરીએ તો અહીં અઢળક માત્રામાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની વિચારણા અને પ્રયાસો થયાં છે. તેમાં પુરવાર કરવો અઘરો બને તેવો આદિવાસીઓ મૂળનિવાસી અને બાકીના બહારના એવો સુષુપ્તભાવ પણ રહેલો છે. સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી પાછળ ભૂતકાળમાં અને સાંપ્રતમાં બિનઆદિવાસીઓ દ્વારા આદિવાસીઓને થતાં અન્યાય અને પક્ષપાતી વલણ જવાબદાર છે.

ગાયકવાડી આદિવાસી કલ્યાણપ્રવૃત્તિઓ (૧૮૮૫–૧૯૩૯), ગાંધીવાદી રચનાત્મક કાર્યો (૧૯૨૨–૧૯૪૭) અને પંચમહાલમાં ભગત આંદોલન (૧૯૦૫–૧૯૩૧) તથા બીજી સુધારાપ્રવૃત્તિઓ પછી આદિવાસીઓમાં સામાજિક સ્તરીકરણ(SocialStratification)ની પ્રક્રિયાને વેગ મળ્યો હતો. ઉક્ત પ્રવૃત્તિઓના લાભાર્થીઓમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની સ્થાપનાનો મુદ્દો ઘણો બુલંદ રહ્યો છે. સ્વાયત્ત આદિવાસી રાજ્યની પછવાડે આદિવાસી – બિનઆદિવાસી સંબંધો સારી રીતે વિકસી શકે જ નહિ, એવો ગર્ભિતાર્થ પણ રહેલો છે. કારણ કે આદિવાસી – બિન-આદિવાસી વચ્ચે અંતર ભલે ઓછું થયું હોય, પણ નષ્ટ તો નથી જ થયું એ નોંધવું રહ્યું. ભૂતકાળમાં આશાવલ, સુન્થ, ઝાલોદ, ડાંગ, ગંગથા, સાગબારા, વાડી જેવાં અનેક નાનાંમોટાં રાજ્યો અસ્તિત્વ ધરાવતાં હતાં. એકાધિક નેતાઓ અને વિચારધારાઓએ સ્વાયત્ત રાજ્યનો મુદ્દો ઉપાડ્યો હતો. પણ સમાજશાસ્ત્રી આઈ.પી. દેસાઈએ લખેલાં દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર (સુરત, ૧૯૭૦) પુસ્તક અને છૂટાછવાયા લેખોને બાદ કરતાં આ મુદ્દા પર શાસ્ત્રીય વિચારણા થઈ હોય તેવું જાણવામાં નથી. આ લેખમાં ગુજરાતના આદિવાસીઓમાં સ્વાયત્ત રાજ્યના ઇતિહાસ અને સાંપ્રત સંદર્ભની ચર્ચા કરવામાં આવી છે.

ગુજરાતમાં ૨૫ જેટલી આદિવાસી જાતિઓ અને અંદાજે ૯૦ લાખ જેટલું વસ્તીબળ ધરાવતા આદિવાસીઓનો સ્વાયત્ત આદિવાસી રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ ઘણો લાંબો, હિંસક-અહિંસક અને રોમાંચક રહ્યો છે. અહીં આદિવાસીઓ એટલે બધી જાતિઓના આદિવાસીઓ ભલે તેમાં ન જોડાયા હોય, પણ બહુમતી અને પ્રભાવી આદિવાસી જાતિઓના પ્રયાસોને આદિવાસી સ્વાયત્ત રાજ્યના ભાગ રૂપે ગણવામાં આવ્યા છે. તેમાં સૌ પહેલાં વાત કરીએ પંચમહાલના નાયક આદિવાસીઓની …

આદિવાસી સ્વાયત્ત રાજ્યનો પહેલો પ્રયત્ન જાંબુઘોડા વિસ્તારમાં જોરિયા પરમેશ્વર(૧૮૩૮–૬૮)ના રૂપમાં પ્રાપ્ત થાય છે. આદિવાસીઓના જંગલના હક્કો (વેઠ પ્રથા, શાહુકારી શોષણ વગેરે મુદ્દાઓને લઈ તેણે આંદોલન ઉપાડ્યું હતું. તેનું આંદોલન બ્રિટિશ શાસન ઉપરાંત સ્થાનિક રિયાસતો અને જમીન-જાગીરદારો સામે પણ હતું. જોરિયાએ લડવૈયા નાયકાઓનું સુવ્યવસ્થિત તંત્ર તૈયાર કરી આરપારનો જંગ શરૂ કર્યો હતો. તેનો ઇરાદો હાલોલથી લઈ છોટાઉદેપુર વચ્ચેની પટ્ટીમાં નાયકીરાજ (નાયક આદિવાસીઓનું રાજ્ય) સ્થાપવાનો હતો. જેતપુર, રાજગઢ, જાંબુઘોડા અને શિવરાજપુર ખાતે નાનીમોટી લડાઈઓ (જાન્યુઆરી-ફેબ્રુઆરી ૧૮૬૮) લડી અંગ્રેજ શાસનને મજબૂત પડકાર આપ્યો હતો, પરંતુ જગતસત્તા બ્રિટન સામે તે વામણો પુરવાર થયો. તેનાં ગામ વડેકની તારીખ ૧૬ ફેબ્રુઆરી, ૧૮૬૮ની આખરી લડાઈમાં જોરિયો પરાસ્ત થયો અને અંગ્રેજોએ અન્ય ચાર નાયક યોદ્ધાઓ સાથે જોરિયાને ફાંસીએ લટકાવી દીધો. સેંકડોની સંખ્યામાં નાયક યુવાનો શહીદ થયા તે જુદું. આમ, આદિવાસીઓના પહેલા સ્વાયત્ત રાજ્યના સપનાનું બાળમૃત્યુ થયું. બિરસા મુંડાની લગોલગ બિરાજે તેવો જોરિયા જેવો કદાવર આદિવાસી નેતા બિન-આદિવાસીઓ માટે તો ખરો જ, ખુદ આદિવાસીઓમાં પણ વિસ્મૃતપાત્ર રહ્યો છે.

આદિવાસીના સ્વાયત્ત રાજ્યનું બીજું ઉદાહરણ ભરૂચનાં તળાવિયાઓએ પૂરું પાડ્યું છે. લખાભગત નામના એક ધાર્મિક ગુરુ તેમના નેતા હતા. તેમની ગણતરી હતી કે જિલ્લાનો વહીવટ કરનાર કલેક્ટર જ સરકાર ગણાય અને તેને મારી નાંખીએ, તો આપણું રાજ આવી જાય. તેને અમલમાં મૂકવા તારીખ ૨૨ નવેમ્બર, ૧૮૮૫ના રોજ તેમની ૧૫૦ માણસોની ટોળી ભરૂચના રસ્તાઓ પર સશસ્ત્ર નીકળી પડી. તેમણે ફરવા નીકળેલા પ્રેસ્કોટ નામના પોલીસ-સુપ્રિટેન્ડન્ટને કલેક્ટર સમજી મારી નાંખ્યો અને ભરૂચમાં આવેલી બૉમ્બે પ્રેસિડેન્સી બૅન્ક પર હુમલો કર્યો. તળાવિયાઓએ તીરકામઠાં અને તલવારોથી ભરૂચમાં ભય ફેલાવી દીધો. ત્યાં થયેલી ઝપાઝપીમાં બંને પક્ષે હતાહત થઈ હતી. થોડા સમય માટે સંતાકૂકડી ચાલ્યા પછી કેટલાક બળવાખોરો ઝડપાઈ ગયા. તેમાંથી ત્રણને ફાંસી અને ૫૧ને  જન્મટીપની સજા પછી તળાવિયાઓનું સ્વાયત્ત રાજ્યનું સપનું પણ અધૂરું રહ્યું. ગુજરાતના ઇતિહાસનો આટલો મહત્ત્વપૂર્ણ ઉપક્રમ હોવા છતાં ડૉ. સી.સી. ચૌધરીના અપવાદને ગણતાં બહુ ઓછા સંશોધકોનું ધ્યાન તે તરફ ગયું છે.

તળાવિયાઓનું પ્રકરણ પૂરું થયા પછી અનુક્રમમાં સ્વામી ગોવિંદગુરુ અને ભગતઆંદોલન (૧૯૦૫–૧૯૩૧) એ ભીલ રાજ્ય સ્થાપનાનો મહત્ત્વપૂર્ણ મુકામ હતો. મૂળ તો ગોવિંદ ગુરુ (૧૮૭૪–૧૯૩૧) નામના વણઝારા જાતિના ગુરુએ આદિવાસીઓમાં સંપસભા (૧૯૦૫) નામનું સંગઠન ઊભું કરી તેઓમાં સામાજિક અને ધાર્મિક સુધારણાનું ઉત્તમ વાતાવરણ તૈયાર કર્યું હતું. તેમની સુધારા-પ્રવૃત્તિઓને પરિણામે લાખો ભીલો તેમના ભક્તો બન્યા હતા. માંસાહાર–મદ્યપાનનિષેધ અને આદિવાસીઓના જંગલના હક્કો, વેઠ પ્રથા જેવા મુદ્દાઓ ઉપાડી ગોવિંદ-ગુરુએ ભીલોની ચેતનાને ઝંકૃત કરી હતી. તેમની પ્રવૃત્તિઓને પરિણામે દેશી રજવાડાંઓ અને અંગ્રેજ સરકારની દારૂમાંથી થતી આવકમાં ધરખમ ઘટાડો થયો હતો. પ્રતિક્રિયા રૂપે સ્થાપિત હિતો ભગત-આંદોલનને કચડવા તૈયાર થયા. સામંતશાહી શક્તિઓએ ભીલોની ધાર્મિક આસ્થાઓને જલીલ કરવામાં કોઈ કસર ન છોડી. આખરી ઉપાય રૂપે ગોવિંદગુરુએ માનગઢ ખાતે દોઢ લાખ ભીલોને ભેગા કરી ભીલરાજનું રણશિંગું ફૂક્યું. પરિણામે ગુજરાત અને રાજસ્થાનના સીમાડે આવેલા માનગઢ ખાતે ભીષણ હિંસક સંઘર્ષ થયો. ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ બનેલી માનગઢની ઘટનામાં સેંકડો ભીલો શહીદ થયા હતા, ગોવિંદ ગુરુ અને તેમના મુખ્ય શિષ્ય પૂંજા ધીરજી પારગી સમેત સેંકડો ભીલોને જન્મટીપથી લઈ આકરી કેદની સજાઓ કરવામાં આવી. માનગઢ હત્યાકાંડ જલિયાંવાલા બાગ હત્યાકાંડ કરતાં પણ વધુ કરુણ ઘટના ગણાય છે. ભગત-આંદોલન થકી ઊભો થયેલો ભીલરાજ્યનો વિચાર ભલે ચરિતાર્થ ન થયો, પરંતુ લાંબા સમય સુધી આદિવાસી સ્વાયત્ત રાજ્યની સ્થાપનાનું પોષણ આદિવાસી અગ્રજો તેમાંથી મેળવતા રહ્યા હતા. આજે તો પંચમહાલ અને દક્ષિણ રાજસ્થાનનાં લાખો આદિવાસીઓ માટે માનગઢધામ અને ગોવિંદગુરુ પ્રેરણાસ્રોત સમાન છે અને આદિવાસી યુવાઓ સંપસભા જેવાં ગોવિંદગુરુએ સ્થાપેલા સંગઠનના નકશેકદમ પર સંગઠિત થવા કમર કસી રહ્યા છે.

માનગઢ અને ભગતઆંદોલનની સમાંતર યાદ કરાતી બીજી ઘટના ઓસવાળ વણિક જ્ઞાતિના મોતીલાલ તેજાવત (૧૮૮૮-૧૯૬૩) પ્રેરિત એકી ચળવળ અને દૃઢવાવ હત્યાકાંડ છે. ૭ માર્ચ, ૧૯૨૨ના રોજ સર્જાયેલા દૃઢવાવ હત્યાકાંડ એ એકી આંદોલનની કરુણાંતિકા હતી. આદિવાસીઓના સામાજિક-આર્થિક મુદ્દાઓને લઈ આંદોલન છેડનાર મોતીલાલે ભીલ સમાજની સમસ્યાઓનું સમાધાન ન આવતા ભીલરાજનો ઉપાય અજમાવ્યો હતો. પણ તેમનો આ પ્રયત્ન પણ ગોવિંદ ગુરુના ભગતઆંદોલનની જેમ નિષ્ફળતાની કડી જ પુરવાર થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દૃઢવાવ હત્યાકાંડમાં પણ શહીદોની સંખ્યા સેંકડોમાં હતી. એકી ચળવળ ભીલરાજના મુકામને આંબવામાં ભલે અસફળ રહી હોય, પણ મોતીલાલ તેજાવતે પોતાના ભીલરાજ આંદોલન થકી આદિવાસીઓની બિનઆદિવાસી નેતા પ્રત્યે ત્યાગ અને સમર્પણની ઉચ્ચતમ મિસાલ પેશ કરી છે.

૧૯૪૭માં રૂમઝૂમ કરતી આઝાદી આવી, પણ આદિવાસીઓ જેવાં અનેક વંચિત જૂથો માટે ભારતની રાજકીય આઝાદી કોઈ નવો સંદેશ લાવી ન હતી. ભારતમાં સત્તાપરિવર્તન જરૂર થયું હતું, પણ આદિવાસીઓની હાલતમાં કોઈ વિશેષ પરિવર્તન આવ્યું ન હતું. પરિણામે આદિવાસી સમસ્યાઓ અને સ્વાયત્ત રાજ્ય બાબતે નવેસરથી વિચારણા શરૂ થઈ હતી. તેમાં કેટલીક વિચારસરણીઓએ આદિવાસીઓને ઈંધણ પૂરું પાડ્યું હતું. આઈ.પી. દેસાઈએ તેમના અભ્યાસમાં સામ્યવાદી, પ્રજાસમાજવાદી પક્ષ અને સ્વતંત્ર પક્ષને સ્વાયત્ત આદિવાસી રાજ્ય આંદોલનના પોષક ગણાવ્યા છે.

આઝાદી પછી આદિવાસીઓનું અલગ રાજ્ય હોવું જોઈએ, તેનો સૌથી અસરકારક નમૂનો કેસરીસિંહ ગામીતે પૂરો પાડ્યો છે. તેમની ચળવળ સતીપતિ અથવા આપકી જયવાળા કે આરતીસમાજ તરીકે પણ ઓળખાઈ હતી. કેસરીસિંહ મૅટ્રિક પાસ અને આદિવાસી સમસ્યાઓની સારી સૂઝ ધરાવતા હતા. કેસરીસિંહે ૧૫ જેટલી પ્રાર્થનાઓની પણ રચના કરી હતી. દર પૂનમ અને અમાસના દિવસે હજારો અનુયાયીઓ તેમનો ધાર્મિક ઉપદેશ સાંભળવા વ્યારા તાલુકાના કટાસવણ ગામે આવતાં હતાં. દારૂ-તાડી અને માંસાહારનો ધિક્કાર, સાદું-નિષ્પાપ જીવન તથા બિનઆદિવાસીઓથી આદિવાસી સમાજ અને સંસ્કૃતિને કેવી રીતે બચાવવી એ તેમના ઉપદેશનો કેન્દ્રીય સૂર રહેતો હતો. સતીપતિના અનુયાયીઓએ પોતે મૂળ નિવાસી હોવાથી જમીન–મહેસૂલ ન ભરવું, વીજળી બિલ ન ભરવું વગેરે સરકારી પ્રયોજનોને પડકારવાનું શરૂ કર્યું, પરિણામે ઘણે ઠેકાણે સતીપતિના અનુયાયીઓ અને સરકારી કર્મચારીઓ વચ્ચે સંઘર્ષ પણ સર્જાયો હતો. સતીપતિના અનુયાયીઓ પરસ્પરને મળતી વખતે ‘આપ કી જય’ બોલી એકબીજાનું અભિવાદન કરતા હતા. શિક્ષિત આદિવાસીઓને ‘ભેંસોનું ટોળું બની રહેવું સારું કે ગધેડાઓનું’ એમ કહેનાર કેસરીસિંહ સતીપતિવાળાને શાસન ચલાવવાની સત્તા બ્રિટિશ શાસન દ્વારા મળી હોવાનું જણાવતા હતા. ઇંગ્લૅન્ડની મહારાણી સાથે તેઓ પત્રવ્યવહાર પણ કરતાં હતા. સતત હિંસક સંઘર્ષ પછી કેસરીસિંહે પોતાના કાર્યક્ષેત્રમાં તબદીલી કરી હતી. પાછળથી તેમના સંગઠનને આધ્યાત્મિક જ્યોત, જ્યોતિ પ્રદીપ્ત સમાજ અને વંશીય સંબંધોનું બોર્ડ અને વિવાદ પતાવટ સમિતિ એવાં નામો આપ્યાં હતા. મતદાન ન કરવું, વ્યવહારમાં હિન્દીનો ઉપયોગ, મૃત્યુ પ્રસંગે રોવું–કૂટવું નહિ અને દાદા ઉર્ફે કેસરીસિંહ ગામીતની હાજરીમાં સાદાઈથી લગ્નવિધિ વગેરે સતીપતિ આંદોલનના વિશેષ હતાં. આદિવાસી સ્વાયત્ત રાજ્યના ઇતિહાસમાં કેસરીસિંહનું કેસરીસિંહદાદા તરીકે આજે પણ આદરપૂર્વક સ્મરણ થાય છે

આદિવાસી સ્વાયત્ત રાજ્ય સ્થાપનામાં કેટલીક રાજકીય વિચારધારાઓએ પણ ઝંપલાવ્યું હતું. ઉદાહરણ તરીકે ૧૯૬૯માં ગુજરાત વિધાનસભાની બજેટબેઠકમાં પ્રજાસમાજવાદી પક્ષના સભ્ય અને ડાંગ વિસ્તારના નેતા રતનસિંહ ગામીતે કહ્યું હતું કે હાલનું રાજ્ય ડાંગીઓના પ્રશ્નો હલ કરી શક્યું નથી, અમે ડાંગી સેના ઊભી કરી અલગ રાજ્યની માંગણી કરીશું. તે પછી ડાંગના પાટનગર આહવામાં મે, ૧૯૬૯માં આદિવાસી સ્વાયત્ત રાજ્યની માંગણી કરતી પરિષદ મળી હતી અને દક્ષિણ ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યનું સૂત્ર વહેતું થયું હતું. પાછળથી તેઓએ ડાંગના મહારાષ્ટ્રમાં વિલીનીકરણને બદલે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની માંગ કરી હતી. તેઓ પાડોશના તાલુકાના ઢોડિયા આદિવાસીઓને પણ બહારના ગણતા હતા (જુઓ : આઈ.પી. દેસાઈ, પૃષ્ઠ. ૧૭) આ જ  શુન્ખલામાં ૧૫ જૂન, ૧૯૭૦નાં રોજ સ્વતંત્ર પક્ષના ચાર આદિવાસી ધારાસભ્યોએ સ્વાયત્ત આદિવાસી રાજ્યની માંગણી અર્થે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવાનું જાહેર કર્યું હતું. પંચમહાલ જિલ્લામાં ભીલરાજની માંગણી પૂર્વસાંસદ સોમજીભાઈ ડામોરે કરી હતી. રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભીલ બાહુલ્યવાળા વિસ્તારમાં ભીલ રાજ્ય સ્થાપવાની તેમની ખેવના હતી. તેણે થોડો સમય પૂર્વ ગુજરાતમાં હલચલ ઊભી કરી અને પછી દૂધના ઊભરાની જેમ શમી ગયું હતું.

ટૂંકમાં, ગુજરાતમાં સ્વાયત આદિવાસી રાજ્યની સ્થાપનાનો ઇતિહાસ વિચારસરણી, નેતૃત્વ અને કાર્યપદ્ધતિની રીતે વિવિધરંગી રહ્યો છે.

આદિવાસીઓના સ્વાયત રાજ્યરચનાનાં ૧૫૦ વર્ષના પ્રયાસોની ઝાંખી અહીં આપણે જોઈ. તે પછી ભૂતકાળમાં થયેલી આદિવાસી રાજ્યની માંગને ન્યાયી ઠેરવવા કે નકારવા એવા સવાલોમાં અહીં પડવું નથી. પણ આદિવાસી રાજ્યની માંગ કરતી વખતે આટલા મુદ્દાઓ ગાંઠે બાંધવા જેવા છે :

૧.       આદિવાસીઓનું પોતાનું રાજ્ય બની જશે, તો તેમની બધી સમસ્યાઓનું સમાધાન મળી જશે? સ્વાયત્ત રાજ્યમાં આદિવાસી સમાજજીવન સમસ્યામુક્ત બની જવાનું હોય, તો તે માટેના પ્રયાસો આજથી જ શરૂ થઈ જવા જોઈએ .

૨.       ગુજરાતના આદિવાસીઓમાં ૨૫ જેટલાં પેટા જૂથો છે. શું તે તમામ જૂથોને સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં વિકસવાની સમાન તક મળશે? કારણ કે અહીં મુખ્ય ધારાના સમાજના પ્રભાવમાં આદિવાસી ઉત્કર્ષને અવકાશ નથી માટે સ્વાયત્ત આદિવાસી રાજ્ય જરૂરી છે, એવો ખ્યાલ આદિવાસીઓની પ્રભાવી જાતિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રકારની માંગણી સ્વાયત્ત આદિવાસી રાજ્ય બન્યા પછી તેમની સમસ્યાઓનું નિવારણ ન આવતાં અન્ય જૂથો નહીં કરે તેની કોઈ ખાતરી ખરી? શું સ્વાયત્ત આદિવાસી રાજ્યમાં આદિવાસી સમાજ પેટાજાતિવાદમાંથી મુક્ત રહી શકશે?

૩.       કોમ, ધર્મ, સંપ્રદાય અને ભાષાઈ ધોરણે રચાયેલાં રાજ્યો કે રાષ્ટ્રો તેમની સ્વાયત્તતાની માંગણી પહેલાની વિચારધારાને સ્વાયત્ત રાજ્ય સ્થપાયા પછી કેટલી સાચવી શક્યાં છે, તેનાં ઇતિહાસમાં પણ લટાર મારવા જેવી છે. ઉદાહરણ તરીકે આપણું પાડોશી પાકિસ્તાન અને બાલ્કન સમુદ્રના કાંઠે વસેલાં કેટલાક રાજ્યો.

૪.       ગુજરાતમાં સ્વાયત્ત આદિવાસી રાજ્યના અનેક સૂચિતાર્થો હતા. તેના માટેની માંગણી ખુદ આદિવાસી સમાજમાંથી ઓછી અને બાહ્ય પરિબળોથી પ્રેરિત વધુ હતી. કહો કે આદિવાસીઓના ખભે બંદૂક મૂકી સ્વાયત્ત રાજ્યનો પ્રયત્ન વધુ થયો હતો. એ જે પણ રાજકીય પરિબળોથી પ્રેરિત હોય એ ખરું પણ તેનાથી આદિવાસીઓની રાજકીય અને પ્રજાકીય સભાનતાને ઉત્તેજન મળ્યું એ પણ નક્કર વાસ્તવિકતા છે .

૫.       આદિવાસી સ્વાયત્ત રાજ્યની ખેવનામાં જે-જે નેતાઓએ રણશિંગું ફૂંક્યું હતું. તેમાં મોટા-ભાગના કિસ્સાઓમાં આદિવાસી અનુયાયીઓએ બહુ મોટી કુરબાની આપવી પડી હતી. તે જોરિયાનું નાયક આંદોલન, તળાવિયાઓની ચળવળ, માનગઢ-આંદોલન કે છેલ્લે કેસરીસિંહ ગામીતની સતીપતિ ચળવળ હોય તેમાં મોટા પ્રમાણમાં જાનહાનિ થઈ હતી. પંચમહાલમાં નાયક જેવી ઝુઝારુ જાતિ તો નાયકીરાજના પ્રયાસોમાં કાળની ગર્તામાં વિલીન થઈ ગઈ હતી. આજે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નાવરિયા ગામે વસતાં જોરિયા નાયકના વંશજોની દયનીય સ્થિતિના તો અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ. એ જ રીતે ૧૮૮૫માં ભરૂચમાં આદિવાસી રાજ્યનું સ્વપ્ન સેવનાર લખાભગતના તળાવિયા વારસદારો તો આજે શોધ્યા જડતા નથી.

સાંપ્રતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યની વિચારણા એ આજે કશું કરી છૂટવા થનગની રહેલી, વૈશ્વિક ફલક પર ડગલાં માંડી રહેલી યુવા આદિવાસી પેઢીને રિવર્સ ગિયરમાં નાંખવા જેવી પ્રવૃત્તિ બની શકે તેમ છે. ઇતિહાસ એ માનવઅનુભવોની પ્રયોગશાળા છે, અતીત એ શીખવા અને પદાર્થપાઠો મેળવવાનું ઠેકાણું છે, ભૂલોને દોહરાવવાનું નહિ. એ આદિવાસીઓ અને વંચિતો માટે સમયનો તકાદો પણ છે. સારો વિકલ્પ એ છે કે ભારતીય સંવિધાનમાં આદિવાસીઓના ઉત્કર્ષ માટે થોકબંધ જોગવાઈઓ થઈ છે. તેનો આદિવાસી સમુદાયોએ વધતેઓછે અંશે લાભ પણ લીધો છે. એ આપણે કેમ પામી શક્યા ? આ જ પરંપરામાં બાકીના બંધારણીય હક્કો આદિવાસીઓ કેમ ન મેળવી શકે? હિંસક સંઘર્ષોનો દોર ક્યારનો ય પૂરો થઈ ચૂક્યો છે. તેમાં આદિવાસીઓનાં ફાળે ગુમાવવા સિવાય કશું જ આવ્યું નથી. હવે બંધારણીય માર્ગ અને કૂટનીતિનો રાજકીય માર્ગ બચ્યો છે. કયા માર્ગે જઈશું ?

E-mail : arun.tribalhistory@gmail.com

સંદર્ભસાહિત્ય

૧.       આઈ.પી. દેસાઈ, દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સ્વાયત્ત રાજ્યનું સૂત્ર, સુરત, ૧૯૭૦.

૨.       અરુણ વાઘેલા, સાંસ્થાનિક ગુજરાતની આદિવાસી ચળવળો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ, ૨૦૧૯.

૩.       સંજય પ્રસાદ, અરુણ વાઘેલા અને અન્ય (સંપા.), ગુજરાતની આદિવાસી ચળવળોનો ઇતિહાસ, અમદાવાદ, ૨૦૧૯.

૪.       ઈશ્વરલાલ દેસાઈ, રાનીપરજમાં જાગૃતિ, સુરત, ૧૯૭૧.

૫.       આદિલોક (દ્વિમાસિક), જુલાઈ–ઑગસ્ટ, ૨૦૧૦માં ‘દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજ પર સતીપતિ પંથનો પ્રભાવ’ નામનો  ડૉ. રાજેશ ગામીતનો લેખ.

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2022; પૃ. 10-12

Loading

4 June 2022 અરુણ વાઘેલા
← ઝટ ભેળું કરી લ્યો, વખત ઓછો છે!
સહઅસ્તિત્વને એક ચાન્સ શા માટે આપવામાં ન આવે ? →

Search by

Opinion

  • બિઈંગ નોર્મલ ઈઝ બોરિંગ : મેરેલિન મનરો
  • અર્થ-અનર્થ – આંકડાની માયાજાળમાં ઢાંકપિછોડા
  • ચૂંટણી પંચની તટસ્થતાનો કસોટી કાળ ચાલી રહ્યો છે.
  • હે ભક્તો! બુદ્ધિનાશે વિનાશ છે!
  • પ્રમુખ કેનેડી : અમેરિકા તો ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

Diaspora

  • આપણને આપણા અસ્તિત્વ વિશે ઊંડા પ્રશ્નો પૂછતી ફિલ્મ ‘ધ બ્લેક એસેન્સ’
  • ભાષાના ભેખધારી
  • બ્રિટનમાં ગુજરાતી ભાષા-સાહિત્યની દશા અને દિશા
  • દીપક બારડોલીકર : ડાયસ્પોરી ગુજરાતી સર્જક
  • મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા

Gandhiana

  • કર્મ સમોવડ
  • સ્વતંત્રતાનાં પગરણ સમયે
  • આપણે વેંતિયાઓ મહાત્માને માપવા નીકળ્યા છીએ!
  • ગાંધીજી જીવતા હોત તો
  • બે પાવન પ્રસંગો

Poetry

  • વચ્ચે એક તળાવ હતું
  • ઓલવાયેલો સિતારો
  • કારમો દુકાળ
  • વિમાન લઇને બેઠા …
  • તારવણ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day
  • Destroying Secularism
  • Between Hope and Despair: 75 Years of Indian Republic

Profile

  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર
  • મૃદુલા સારાભાઈ
  • મકરંદ મહેતા (૧૯૩૧-૨૦૨૪): ગુજરાતના ઇતિહાસલેખનના રણદ્વીપ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved