સરકાર ચૂપ છે, BJPના પ્રવક્તાઓ ચૂપ છે, હિન્દુ સંસ્કૃિતના ઠેકેદારો ચૂપ છે અને ભક્તોને કેફમાં રાખનારાઓ પણ ચૂપ છે. આ બાજુ જેણે બોલવું જોઈએ એ વિરોધ પક્ષો ચૂપ છે અને પત્રકારો પણ ચૂપ છે. તમારા દીકરાના ખિસ્સામાં કોઈકે હળવેકથી ઝેરના ગુટકાનું પાઉચ નાખી દીધું છે અને કોઈ અવાજ પણ નથી કરતું
મહારાષ્ટ્ર સરકારે ગુટકાના વેચાણ પરનો પ્રતિબંધ હળવેકથી ઉઠાવી લીધો છે. એવી રીતે ઉઠાવ્યો છે કે એ વિશે ઝાઝો ઘોંઘાટ ન થાય. મહારાષ્ટ્રની કે દેશની ન્યુઝ-ચૅનલો આ વિશે ઊહાપોહ તો શું ન્યુઝ પણ નથી આપતી. મુંબઈનાં બે-ચાર છાપાંઓમાં અંદરનાં પાને વાચકોનું ખાસ ધ્યાન ન જાય એ રીતે ન્યુઝ છપાયા છે. પહેલાં તો મને એમ લાગ્યું કે ‘મુંબઈ મિરર’માં અંદરનાં પાને છપાયેલા પ્રતિબંધ ઉઠાવી લેવાના સમાચાર ખોટા હોવા જોઈએ. આવડો મોટો જીવલેણ નિર્ણય અને કોઈ પ્રતિક્રિયા નહીં? મારી દીકરીએ આનો સરસ ખુલાસો આપ્યો હતો. તેણે કહ્યું કે આ સમાચાર ખરેખર સાચા હોવા જોઈએ, કારણ કે મહારાષ્ટ્ર સરકાર ચૂપ છે. જો સમાચાર ખોટા હોત તો પ્રજાવત્સલ મહારાષ્ટ્ર સરકારે ઘોંઘાટ કર્યો હોત કે અમે એટલા નીચ નથી કે આખી ને આખી યુવા પેઢીને કૅન્સરના મોંમાં ધકેલી દઈએ. સરકાર ચૂપ છે, BJPના પ્રવક્તાઓ ચૂપ છે, હિન્દુ સંસ્કૃિતના ઠેકેદારો ચૂપ છે અને ભક્તોને કેફમાં રાખનારાઓ પણ ચૂપ છે. આ બાજુ જેણે બોલવું જોઈએ એ વિરોધ પક્ષો ચૂપ છે અને પત્રકારો પણ ચૂપ છે.
આવી જ ભેદી અને મારા જેવા ઉત્પાતિયાઓ માટે અસહ્ય ચુપકીદી દિલ્હીમાં જોવા મળી રહી છે. યોગેન્દ્ર યાદવ અને પ્રશાંત ભૂષણના સ્વરાજ અભિયાને દિલ્હીમાં જય કિસાન આંદોલન શરૂ કર્યું છે. આ ઉપરાંત તામિલનાડુના ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. દેશભરમાંથી આવેલા અંદાજે દસ હજાર ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે, પરંતુ એ વિશેના સમાચાર અખબારો અને ન્યુઝ-ચૅનલોમાં આવતા નથી. તમારે સમાચાર જાણવા હોય તો એને માટે જહેમત લઈને તમારે બે-ચાર જવાબદાર છાપાંઓના કે બે-ચાર જવાબદાર ન્યુઝ-ચૅનલોના કે બે-ચાર જવાબદાર ન્યુઝ-પોર્ટલોને શરણે જવું પડે. નેશન વૉન્ટ્સ ટુ નોનો ઘોંઘાટ કરનારાઓને એમ નથી લાગતું કે દિલ્હીમાં આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો શા માટે આંદોલન કરી રહ્યા છે એની નેશનને જાણ કરીએ.
નેશનને શું જણાવવું અને શું ન જણાવવું એ મૅનેજ કરવામાં આવી રહ્યું છે. નેશને કઈ વાતે ચિંતા કરવી અને કઈ વાતે ઘેરી ઊંઘમાં રહેવું એ મૅનેજ કરવામાં આવી રહ્યું છે. કોઈ કાશ્મીરી કિશોર બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના જવાન પર પથ્થર ફેંકે એ ચોવીસે કલાક રાષ્ટ્રીય ચિંતાનો વિષય બને, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો આંદોલન કરતા હોય અને આખી યુવા પેઢીને કૅન્સરના મોઢામાં ધકેલી દેવામાં આવતી હોય એ વિશે હરફ પણ ઉચ્ચારવામાં ન આવે. આનો અર્થ તો એટલો જ થયો સાહેબ કે આ દેશમાં ધાન ઉગાડનારાઓ કરતાં ગુટકાનું ઉત્પાદન કરનારાઓ વધારે પાવરફુલ છે. ખેડૂતો પાસે મીડિયાની હેડલાઇન ખરીદી શકવા જેટલા પૈસા નથી અને ગુટકાનું ઉત્પાદન કરનારાઓ પાસે એટલા બધા પૈસા છે કે તેઓ બનતી હેડલાઇન હેડલાઇન બને એ પહેલાં જ ખરીદી લે છે.
કેન્દ્ર સરકાર નથી ઇચ્છતી કે આ દેશમાં કોઈ અસંતુષ્ટ છે એવા સમાચાર પ્રગટ થાય. દેશમાં સોનું પાકી રહ્યું છે, દૂધની નદીઓ વહી રહી છે, સર્વત્ર રામરાજ્ય છે, વડા પ્રધાન જ્યાં જાય છે ત્યાં જગતને આંજી દે છે એવા સમાચાર પ્રગટ થવા જોઈએ. એની વચ્ચે જો કોઈ ગંદાં લૂગડાં બહાર આવી જાય તો પથ્થર ફેંકનારા કાશ્મીરી કિશોરને પકડીને દેશપ્રેમનો અને દેશદ્રોહનો દેકારો મચાવવાનો. એ છતાં જો ઇકૉનૉમિસ્ટ જેવા લબ્ધપ્રતિષ્ઠ સામયિકમાં ભારતના વિકાસના માફક ન આવે એવા આંકડા પ્રકાશિત થાય તો મટનનો ધંધો કરનારાઓના ટેમ્પો આંતરવાના અને ધબધબાટી બોલાવી દેવાની. વિકાસની ચિંતા કરનારાઓ સેક્યુલરિઝમની ચિંતા કરવા લાગશે. એની વચ્ચે હળવેકથી ગુટકા પરનો પ્રતિબંધ હટાવી દેવાનો અને મીડિયાને મૅનેજ કરી લેવાનું.
ખેડૂતોની પીડા શાસકોના કાને પહોંચતી નથી અને પહોંચે છે તો શાસકો સાંભળતા નથી એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે. ગુટકાનું ઉત્પાદન કરનારાઓને સરકાર સાંભળે છે અને તેમને થઈ રહેલા નુકસાનથી શાસકો ચિંતિત છે એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે. ખેડૂતોને એના પરસેવાના દામ સરકાર નથી ચૂકવતી એવું પ્રજાને ન લાગે માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે તો બીજી બાજુ ગુટકા ઉત્પાદકોનો મોતનો મસાલો સરકાર વેચવા દે છે એવું પ્રજાને ન લાગે એ માટે મીડિયાને મૅનેજ કરવામાં આવે છે.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કેન્દ્રીય પ્રધાન ગુટકાને કારણે થયેલા મોઢાના કૅન્સરથી માંડ-માંડ બચ્યા છે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન ગુટકાને કારણે થયેલા મોઢાના કૅન્સરથી મૃત્યુ પામ્યા છે. એ સમયે કૉન્ગ્રેસ-NCPની સરકાર હતી અને કૅન્સરગ્રસ્ત બન્ને નેતાઓ NCPના હતા એટલે સ્મશાન વૈરાગથી પ્રેરાઈને ગુટકાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે સરકાર બદલાઈ ગઈ છે એટલે વૈરાગ માટે કોઈ કારણ નથી અને લક્ષ્મી ચલિત કરી રહી છે. તમને શું લાગે છે આ મહારાષ્ટ્ર સરકારને વધારે રેવન્યુ મળે એ માટે લેવામાં આવેલો નિર્ણય છે? તમે જો એમ માનતા હો તો મૂર્ખ છો. ઝેર વેચવા દેવાનો અને યુવા પેઢીને મોતના મુખમાં ધકેલી દેવાનો આ નિર્ણય ગજવા ભરવા માટેનો છે. તેમના ખભે ચડીને દિલ્હી પહોંચાય છે.
એક સમયે કૂપમંડૂકના ઉપનામે લોકપ્રિય કૉલમ લખનારા મારા મિત્ર હોમી દસ્તુર મને પૂછતા હતા કે આ ઘેટાં નાગરિક ક્યારે બનશે? મેં તેમને કહ્યું હતું કે ઘેટાં નાગરિક ન બને અને અનુયાયી મુમુક્ષુ સાધક ન બને એ માટે આખી એક ચૅનલ કામ કરી રહી છે. અબજો ડૉલરની આ ઇન્ડસ્ટ્રી છે જે ખોટાને મહાન બનાવે છે, લંપટને સંત બનાવે છે અને કોઈ આંખ ઉઘાડવાનો પ્રયાસ કરે તો તેને રસ્તામાંથી હડસેલવાનું કામ કરે છે. તમારા દીકરાના ખિસ્સામાં કોઈકે હળવેકથી ઝેરના ગુટકાનું પાઉચ નાખી દીધું છે અને કોઈ અવાજ પણ નથી કરતું.
પ્રતિબંધો નિરર્થક છે એવી વાહિયાત દલીલોનો કોઈ અર્થ નથી. કાયદાને સાર્થક કરવો પડતો હોય છે, પરંતુ એ પહેલાં શાસકોએ શાસકધર્મ સાર્થક કરવો પડતો હોય છે અને એની તો મોટી ખામી છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 26 જુલાઈ 2017