આજે 75મો ગણતંત્ર દિવસ. આજે ભારતના મુખ્ય અતિથિ છે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મેક્રોં. એક બીજો સંયોગ થયો તે કર્પૂરી ઠાકુરને, તેમની 100મી જન્મજયંતી ટાણે, મરણોપરાંત ભારત રત્નની જાહેરાત ! 26 જાન્યુઆરી, 1950ને રોજ આપણને ભારતીય બંધારણ મળ્યું. જગતમાં ભારતનું બંધારણ જ એવું છે, જેમાં અશોકથી અકબર અને રામ, કૃષ્ણ અને ગીતાના સચિત્ર ઉલ્લેખો પણ છે. વિશ્વનાં સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતનાં બંધારણીય ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની સાથે સૌ સ્વાતંત્ર્ય સેનાનીઓનું પણ સ્મરણ થવું સહજ છે. અનેક દેશભક્તોએ, વીર જવાનોએ પ્રાણની આહુતિ આપીને આપણને ગણતંત્ર સુધી પહોંચડ્યાં છે, એ સૌ વિભૂતિઓને વંદન જ હોય. ભારતનું બંધારણ સર્વ ધર્મ સમભાવની કે બિનસાંપ્રદાયિકતાની વાત કરે છે, પણ એ મામલે પ્રમાણિકતા ઓછી જ છે. દાયકાઓનાં કાઁગ્રેસી શાસનમાં વાતો તો બિનસાંપ્રદાયિક્તાની જ થઈ, પણ એમાં બહુમતી હિન્દુઓની અવગણના અને લઘુમતીની મત મેળવતી ખુશામત કેન્દ્રમાં રહી. આજે ફેર એટલો પડ્યો છે કે બહુમતીની ગણના અને લઘુમતીની અવગણના કેન્દ્રમાં છે. એમાં કોઈ શંકા નથી કે ભારતીય લોકશાહીએ વૈશ્વિક સ્તરે પ્રગતિ અને વિકાસ સાધ્યાં છે.
ગઈ 22મી જાન્યુઆરી, 2024ને રોજ અયોધ્યામાં બાળ રામની પ્રાણપ્રતિષ્ઠા થઈ અને આખું વિશ્વ થોડી ક્ષણો માટે અયોધ્યા કેન્દ્રી થયું, એ જ સૂચવે છે કે રામ ભારતના જ નહીં, વિશ્વના છે, પણ એ સાથે જ મીરામાર્ગ, મુંબઇમાં શાંતિ ડહોળવાનાં પ્રયત્નો પણ થયા. એક સમય હતો જ્યારે બહુમતી પીડિત હોવાનો અનુભવ કરતી હતી, એ સ્થિતિ હવે લઘુમતીની છે. બહુમતીની અવમાનના યોગ્ય ન હતી, તો લઘુમતીની પણ યોગ્ય નથી જ ! કેટલા ય મુસ્લિમોએ મંદિરોમાં સેવા આપી છે, કેટલા ય રામાયણ, રામચરિત માનસ, દર્શનનાં પંડિતો છે. એક તરફ આ સ્થિતિ છે તો, બીજી તરફ ઘણા મુસ્લિમ દેશો રામ મંદિરથી રાજી નથી. એ પણ વિચિત્ર છે કે બહુમતીની અવમાનના થતી હતી ત્યારે કોઈ દેશની એને માટે સહાનુભૂતિ ન હતી ને હવે લઘુમતીની ઉપેક્ષા થતી લાગે છે તો 57 મુસ્લિમ દેશોનું સંગઠન ઓ.આઇ.સી.એ. કહે છે કે બાબરી તોડીને મંદિર થયું છે તે સામે અમારો વિરોધ છે. એ સંગઠનને પૂછી શકાય કે બાબરી કોને તોડીને બંધાઈ હતી? એ પણ જવા દો, કાશી, મથુરા કે અન્ય સ્થળોની મસ્જિદોનો ઇતિહાસ તો જુઓ. સાચું તો એ છે કે કોઈ પણ ધર્મની આસ્થાને ઠેસ પહોંચે, તેવું કોઈ પણ ધર્મ દ્વારા ન થવું જોઈએ, પણ એવું થાય છે ને તે ઠીક નથી.
દેશે ઘણી આર્થિક પ્રગતિ કરી છે ને તે દુનિયાની ઇકોનોમીમાં મોખરે પહોંચવા કોશિશ કરે છે, પણ ત્યાં પહોંચવા માટે જે માર્ગો સ્વીકારાય છે તેમાં સાધન શુદ્ધિનો અભાવ છે. પેટ્રોલ-ડિઝલનો જ દાખલો લઇએ, તો સાત એપ્રિલ, 2022થી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં ઘટાડો થયો નથી. જુલાઈ, 2022માં જ ક્રૂડ ઓઇલ 114 ડોલર પ્રતિ બેરલ હતું. એ અગાઉ, 120 ડોલર ભાવ હતો, ત્યારે પણ પેટ્રોલ સો રૂપિયે લિટર વેચાયું ન હતું, પછી તો ભાવ આજે 80 ડોલરથી નીચે ગયો છે, પણ રૂપિયામાં પેટ્રોલનો ભાવ ઘટતો નથી. એનો અર્થ એ થયો કે ક્રૂડનો ભાવ ઘટે તો ભારતમાં ભાવ ઘટતો નથી, બલકે, ક્યારેક વધે પણ છે. કોરોનામાં નાગરિકોએ, એ અનુભવ્યું છે. આમ કરીને સરકારે પોતે આવક કરી છે ને સરકારની જ પેટ્રોલિયમ કંપનીઓએ નફો કર્યો છે. ઇન્ડિયન ઓઇલ કંપનીનો 2023-‘24નો છેલ્લાં નવ મહિનાનો નફો 34,781.15 કરોડ છે. આ નફો, ક્રૂડના ભાવ ઘટવા છતાં ન ઘટાડીને, ડ્યૂટી/કમિશન વધારીને થયો છે. એમાંથી કે બીજેથી સોર્સિસ ઊભાં કરીને સરકાર આજ સુધી મફત અનાજ આપીને 80 કરોડ ગરીબોનું પેટ પાળતી રહી છે, તે માટે તેની પીઠ થાબડવી પડે, પણ સવાલ એ છે જ કે ગાયને દોહીને બકરીને પાવાનો અર્થ ખરો? અર્થ એટલે નથી લાગતો કે મોટા ભાગની ગરીબ પ્રજા મફત અનાજના લાભને કારણે કામધંધો ન કરતાં પ્રમાદી થઈ ગઈ છે. સરકારની આ અને જી.એસ.ટી.ની લાખો કરોડની આવક પ્રજાનાં શોષણનું જ બીજું નામ છે. સ્વતંત્રતા કે ગણતંત્રનાં 75 વર્ષ પછી પણ સરકારનો જ કારભાર પારદર્શી ન હોય તો પ્રજા પાસેથી એની અપેક્ષા કેવી રીતે રાખી શકાય?
આવું નફાખોર માનસ એટલે વકરી શકે કે સરકારને પડકારી શકે એવો મજબૂત વિપક્ષ જ નથી. કોઈ પૂછનાર જ ન હોય તો સારો માણસ પણ નફાખોર થઈ શકે. બીજી તરફ વિપક્ષો કેવળ પાંગળા છે. પક્ષનું હિત જોવામાં વિપક્ષો દેશહિત જોઈ શકતા નથી. વિપક્ષોએ મજબૂત થવા I N D I A નામક 28 વિપક્ષોનું ગઠબંધન સર્જ્યુ, પણ તે નિરર્થક એટલે છે કે તેઓ એક થયા છે, પણ અનેક રહેવાનું ભૂલ્યા નથી. વડા પ્રધાન કોઈ એક જ થઈ શકે તે જાણવા છતાં, દરેક પક્ષને પોતાનો વડા પ્રધાન જોઈતો હોય તેમ તેઓ ભેગા થઇને કોઈ એક સર્વસંમત નામ આગળ કરી શકતા નથી. એ તો ઠીક, સૌ સાથે રહીને સામનો કરી શકે એવું પણ નથી. તૃણમૂલ કાઁગ્રેસનાં મમતા બેનરજી અને આમ આદમી પાર્ટીના ભગવંત માને કાઁગ્રેસ સાથે ન રહેવાનું જાહેર કર્યું છે. બ.સ.પા.નાં માયાવતીએ પણ અલગ રહેવાનું જ સ્વીકાર્યું છે. પ્રદેશ કક્ષાએ પણ ખેડા-આણંદ જિલ્લા કાઁગ્રેસમાં ભંગાણ પડ્યું છે, એ જ રીતે સાબરકાંઠા કાઁગ્રેસમાં પણ ગાબડું પડ્યું છે ને ઢગલાબંધ કાઁગ્રેસીઓએ લોકસભાની ચૂંટણી પૂર્વે ભગવો ખેસ પહેરી લીધો છે. એમ લાગે છે કે કેટલાક પક્ષોની વફાદારી, નફાદારીના દાખલા જ ગણે છે. પ્રજા એટલું જરૂર પામી ગઈ છે કે સત્તા પ્રાપ્તિ સિવાય વિપક્ષોનો કોઈ હેતુ નથી. લોકસભા ચૂંટણીમાં ભા.જ.પે. જીતવા માટે તીવ્ર સંઘર્ષ કરવો પડે એવી સ્થિતિ જ નથી, સિવાય કે કોઈ ચમત્કાર થાય !
આ સૌમાં આશ્વસ્ત કરનારી એક ઘટના તે ઇસરોનું ચંદ્રયાન-3 દ્વારા ચંદ્ર પર સંશોધનાત્મક પદાર્પણ ! ચંદ્ર પરનાં ભારતીય પગલાંએ એટલું તો પુરવાર કરી દીધું કે બ્રહ્માંડનાં રહસ્યો ખોલવામાં ભારત કોઇથી પાછળ નથી. વધારામાં એ જ ઇસરોએ આદિત્ય એલ-1ની ઉડાન દ્વારા સૂર્યમિશન આરંભ્યું એ પણ વહેલું અને પહેલું સાહસ છે.
ગણતંત્રને 75મું બેઠું, પણ આરોગ્ય, ઇલાજની સમસ્યાઓમાંથી મુક્તિ નથી. ગુજરાતમાં એકાએક એટેકોથી થતાં મૃત્યુની સંખ્યા વધતી જ આવે છે. એક વૈશ્વિક ચાલ એવી પણ છે કે લોકો સતત કોઈ વાયરસના ભયમાં જ જીવે. વિશ્વ આરોગ્ય સંસ્થાથી માંડીને ચીનની ઈચ્છા એવી લાગે છે કે કોઈ વાયરસ એવો વકરે કે લાખો માણસો એમાં સપડાય. બાકી હતું તે વિશ્વના આરોગ્ય નિષ્ણાતો અને વૈજ્ઞાનિકો એવી આગાહી કરી ચૂક્યા છે કે કોઈ X મહામારી એવી આવવાની છે, જેમાં પાંચ કરોડ લોકો મરી જવાના છે. આગાહી કોઈ એવોર્ડની જેમ થાય છે. આ મહામારી કોરોના કરતાં વધુ ભયંકર હશે. આવું કહી કહીને લોકોને ડરેલાં રાખવાં ને પોતાના ઈરાદાઓ પાર પાડવા એવી જાણે કોઈ વૈશ્વિક રમત ચાલે છે. એ દ્વારા હેતુ ઇકોનોમીને છંછેડવાનું પણ ખરું.
આખું જગત કોઈને કોઈ કાવતરામાં વ્યસ્ત ને મસ્ત જણાય છે. શાંતિ ખપતી ન હોય તેમ યુદ્ધમાં કેટલાક દેશો સંડોવાયા છે. એમ લાગે છે કે વિશ્વના દેશો યુદ્ધને સહજ વ્યવહારમાં વણી લેવા માંગે છે, જેથી તેનો ભય જ ન રહે. એમાં થતો વિનાશ કોઠે પાડવાના પ્રયત્નો થાય છે. હવે અરેરાટીમાં નહીં, પણ સનસનાટીમાં સૌને રસ છે. બધાં જ વોર પ્રૂફ થઈ ગયા હોય તેમ કોઈ યુદ્ધ રોકવા ઉત્સુક નથી. આ સ્થિતિ હોય તો માનવું પડે કે જગત યુદ્ધથી શાંતિ સ્થાપવા માંગે છે. દેશની વાત કરીએ તો ચીન અને પાકિસ્તાન સરહદી છમકલાંઓથી ભારતને ત્રસ્ત રાખવાની ફિકરમાં છે, તો મણિપુરની હિંસા જાણે ભારતની ન હોય તેમ સરકાર તટસ્થ અને મૌન છે. માલદીવ્સનાં ભારત વિરોધી વલણની ત્યાંના જ વિપક્ષોએ એમ કહીને ટીકા કરી છે કે એ દેશનો વિકાસ રૂંધશે. કેનેડા સાથેના સંબંધોમાં ખટાશ ઉમેરાય એ બધું ઘણી રીતે ઉપદ્રવ કરનારું છે, પણ ભારતને અન્ડર એસ્ટિમેટ કરવામાં છેતરાવાનું થશે. એટલી શાખ તો ભારતે વૈશ્વિક સ્તરે અર્જિત કરી જ છે કે તે કોઈનાં સમર્થન વગર એકલું ન પડે.
ગુજરાતે યુવકોને આવેલા હાર્ટ એટેકમાં ઘણાં કુટુંબો નિરાધાર થતાં જોયાં છે. છેલ્લે છેલ્લે વડોદરામાં હરણી તળાવમાં માસૂમ બાળકોએ જળસમાધિ લીધી એ અત્યંત દારૂણ ઘટના છે. સરકાર વળતર આપીને ફરજ મુક્ત થઈ જાય છે, પણ જેનું બાળક ગયું છે એ કુટુંબ તો કેવી રીતે આશ્વસ્ત થાય? ભ્રષ્ટાચારને મામલે વડા પ્રધાન ભલે એમ કહેતા હોય કે ખાતો નથી, તે કબૂલ, પણ ખાવા દેતો નથી એ ધરાર ખોટું છે. કાલના જ સમાચાર છે કે તેલંગાણાના મેટ્રો રેલના પ્લાનિંગ અધિકારી બાળકૃષ્ણને ત્યાંથી 100 કરોડથી વધુની સંપત્તિ ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો(ACB)ને હાથ લાગી છે. હજી લોકર્સ તો ખૂલ્યાં નથી. તે ખૂલશે તો આંકડો મોટો થશે. અધિકારી કક્ષાની વ્યક્તિ આટલી સંપત્તિ ભેગી કરે તો કેટલી ગેરરીતિઓ થઈ હશે એનો અંદાજ લગાવવાનું મુશ્કેલ નથી. આવાં તો ગણ્યા ગણાય નહીં એટલા છે, પછી નાનાં માણસો સુધી સરકારનો પૈસો પહોંચે જ કેવી રીતે? એટલી હદે આ દેશ ભ્રષ્ટ થયો છે કે કોઈ વિકાસ વિશ્વસનીય નથી લાગતો. ગણતંત્ર દિનને પ્રજાસત્તાક દિન કહ્યો છે તે એ રીતે સાચું છે કે પ્રજા પર અનેક અધિકારીઓ, નેતાઓ સટ્ટા રમી રહ્યા છે ને બધું અપાય પણ કૈં ન મળે એવી અનુભૂતિ તીવ્ર બનતી આવે છે. શિક્ષિતોની બેકારી, સ્ત્રી શોષણ, AIનું માણસને વિકલ્પે વધતું આવતું વર્ચસ્વ … વગેરે એટલી બધી સમસ્યાઓ છે કે સત્તા અને સટ્ટા વચ્ચે બહુ ફરક રહ્યો નથી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 26 જાન્યુઆરી 2024