દેશ-દુનિયામાં કોઈપણ મુદ્દા પર લોકોના અભિપ્રાયો એકત્ર કરવા માટે સોશિયલ મીડિયા એક મજબૂત મંચ છે. આ મંચનો ઉપયોગ સકારાત્મક અને નકારાત્મક બન્ને પ્રકારના માણસો કરે છે. ડિજિટલ ઈન્ફ્લુઅર્સ આપણા દૃષ્ટિકોણ પર વ્યાપક પ્રમાણમાં અસર કરે છે અને આપણી માનસિક્તા બદલી શકે છે. નકારાત્મક દૃષ્ટિકોણવાળા અને એજેન્ડાધારી લોકોમાં માનસિક પ્રદૂષણ ફેલાવે છે, અભદ્રતા ફેલાવે છે. સત્તાધારી પક્ષના IT Cell અને ગોદી મીડિયા આ પ્રદૂષણનું ઉદ્દભવ સ્થાન છે. દેશાના CJI-ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા માનનીય ચંદ્રચૂડ વિશે સોશિયલ મીડિયામાં હુમલા થયા છે : ”ઘરના દુ:શ્મન. વિદેશી એજન્ટ. લોકતંત્ર માટે જોખમી. વૈશ્વિક હિતોથી સંચાલિત. હિન્દુ વિરોધી.” જો દેશના ચીફ જસ્ટિસને આવી રીતે વગોવતા હોય તો કોઈ પણ જાગૃત નાગરિકને ટ્રોલ-સેના કઈ હદે માનસિક ત્રાસ આપતી હશે, તેનો અંદાજ લગાવી શકાય છે.
સવાલ એ છે કે સોશિયલ મીડિયા પર અભદ્રતા રોકવાનું કામ પોલીસનું નથી? પોલીસ ઈચ્છે તો આવી અભદ્રતા અટકી શકે છે. નમૂનારૂપ કેસ કરીને સખ્ત કાર્યવાહી કરી આ કામ થઈ શકે. પરંતુ પોલીસ ઈચ્છે તો ને? પોલીસ સત્તાપક્ષના નિયંત્રણ હેઠળ છે. દિલ્હી પોલીસ POCSO એક્ટના આરોપી બ્રિજભૂષણ સિંહને એક મહિનાથી એરેસ્ટ કરતી નથી; આશારામ જેવો જ આ કેસ છે છતાં વડા પ્રધાન બ્રિજભૂષણ સિંહને બચાવે છે ! ટ્રોલ-સેના ગંદી ગાળો / અભદ્ર ટીકાની નીચે ‘જય શ્રી રામ’/ ‘હિન્દુ રાષ્ટ્ર’ વગેરે લખે છે. તેમની ID ફેઈક હોય છે. શું સરકારનું ગુપ્તચર તંત્ર આ બાબત જાણતું નહીં હોય?

સંજય ઈઝાવા
અભદ્રતા શા માટે? ભિન્ન મત ધરાવનારનો નૈતિક જુસ્સો તોડી પાડવા અને તેને ચૂપ કરવા માટે. અભદ્રતા લોકતંત્ર માટે ઘાતક છે ! સામાન્ય રીતે ટ્રોલ સેનાની અભદ્રતા સામે કોઈ શીંગડા ભરાવતું નથી. ભૂંડ સાથે કુસ્તી ન કરાય; આપણાં કપડાં ખરડાય અને ભૂંડની ખંજવાળ ભાંગે ! એમ માની ટ્રોલિયાઓને બ્લોક કરવાનો આપણે રસ્તો લઈએ છીએ. પરંતુ કોઈએ તો અવાજ ઊઠાવવો પડે. આ કામ સુરતના RTI એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ હાથ ધર્યું છે.
સંજયે 28 મે 2023ના રોજ સુરત શહેરના પાલ પોલીસ સ્ટેશનમાં ફેસબૂક પોસ્ટ પર અભદ્ર કોમેન્ટ કરવા સબબ IPC કલમ-354A/ 354D/ 503/ 509/ 292/ 298/ 499 તથા IT એક્ટ કલમ- 66E/ 67/ 67A હેઠળ 22 ઈસમો સામે FIR નોંધી કાયદેસર કાર્યવાહી કરવા લેખિત અરજી કરી છે. સંજયે 22 મે 2023ના રોજ ફેસબૂક પર હિન્દી ફિલ્મ ‘કેરાલા સ્ટોરી’ પર આંકડાકીય વિશ્લેષણ સાથે એક પોસ્ટ મૂકી હતી. તેમાં કોઈ વ્યક્તિગત આક્ષેપ ન હતો. પોસ્ટમાં સંસદીય ભાષા હતી. પરંતુ 22 ઈસમોએ બિન સંસદીય, ઉશ્કેરણીજનક, અભદ્ર, વાચકોને શરમમાં મૂકે તેવી કોમેન્ટ્સ કરી હતી અને ગંદા ફોટો મૂકેલ હતા. સંજયની પોસ્ટ પર ટ્રોલ ઈસમોએ કાઁગ્રેસની ભયંકર માનહાનિ કરતાં ચિત્રો મૂકેલ છે. સુરતની કોર્ટ રાહુલ ગાંધીને બદનક્ષી સબબ 2 વરસની સજા કરી શકતી હોય તો, ગુજરાત કાઁગ્રેસે તેમનો આત્મા જાગતો હોય તો ટ્રોલ ઈસમો સામે બદનક્ષી સબબ કેસ કરવો જોઈએ.
સંજયે અભદ્રતાના ઝેરીલા કાળા નાગને નાથવાની હિમ્મત કરી છે; પરંતુ પોલીસ અભદ્ર ઈસમો સામે FIR નોંધી સખ્ત પગલાં ભરશે તેવી આશા નથી; કેમ કે અભદ્રતા આચરવાનો પરવાનો સત્તાપક્ષે ટ્રોલ-સેનાને આપેલો છે ! સંજય કહે છે : “જો સ્થાનિક પોલીસ FIR નહીં નોંધે તો પોલીસ કમિશ્નર / DGP / ગૃહ સચિવ સમક્ષ રજૂઆત કરીશ. Gujarat State Police Complaints Authority સમક્ષ ફરિયાદ કરીશ. છેવટે કોર્ટમાં IPC કલમ – 166 (A) 166(B) હેઠળ ફરિયાદ કરીશ. આખરે સોશિયલ મીડિયા પર અભદ્રતાને ડામવી છે !” લોકો નિર્ભય બની પોતાના અભિપ્રાયો વ્યક્ત કરી શકે તે લોકતંત્ર માટે અનિવાર્ય છે. આપણે બીજું કંઈ ન કરીએ તો ચાલશે, પણ સંજયની સાથે ઊભા રહીએ !
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર