અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ
રેડિયો માટે છ હજાર કરતાં વધુ કાર્યક્રમ લખ્યા અને ભજવ્યા
જ્યારે ગોવિંદજીના પાત્રને મારી નાખ્યા પછી સજીવન કરવું પડ્યું
‘અદુલી, ટું આંય સું કરે ચ!’ આ શબ્દો સાંભળ્યા છે દાયકાઓ પહેલાં, તે વખતના ઓલ ઇન્ડિયા રેડિયોના મુંબઈ કેન્દ્ર પરથી. આ શબ્દો જેમાં અચૂક બોલાતા તે કાર્યક્રમ એટલે ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ અદુલી એટલે અદી મર્ઝબાન. અને આ શબ્દો બોલતાં તે કાર્યક્રમમાં તેમનાં પત્ની જરબાનુ જે હતાં વાસ્તવિક જીવનમાં અદીનાં પત્ની સિલ્લા મર્ઝબાન. અદી મર્ઝબાન એટલે નખશિખ પરફોર્મન્સનો માણસ. ૧૯૧૪ના એપ્રિલની ૧૭મી તારીખે જન્મ.
મોટા દિલના મોટા બાવા અદી મર્ઝબાન
દાયકાઓ પહેલાંની વાત છે. બોરીબંદર કહેતાં વી.ટી. નજીક એક્સેલસિયર થિયેટર. ૧૮૮૭માં નાટકો ભજવવા માટે શરૂ થયેલું. એ થિયેટરમાં અદી મર્ઝબાને એક હરીફાઈ યોજેલી. નિર્ણાયક તરીકે બોલાવેલા ચંદ્રવદન મહેતાને. અદીએ પોતે તેમાં કરુણ રસથી છલકાતું ‘માયની માયા’ નામનું નાટક રજૂ કર્યું અને પહેલું ઇનામ જીત્યા. થોડા દિવસ પછી અદી પહોંચ્યા ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશન પર. જઈને કહે કે મારે મળવું છે ચંદ્રવદન મહેતાને. એ વખતે સી.સી. સ્ટાફ મિટિંગમાં. પણ મળવા બહાર ગયા. અદીની સીધી વાત : ‘મારે રેડિયો પર પ્રોગ્રામ કરવો છે.’ ‘ઠીક અદીભાઈ. ‘ટાંકણીની અણી’ પર પંદર મિનિટનો સ્કેચ લખી લાવો. ભજવવાની ગોઠવણ થઈ જશે. બીજે દિવસે સવારે સી.સી. રેડિયો સ્ટેશન પર પહોંચ્યા ત્યારે ટેબલ પર પડેલું ‘ટાંકણીની અણી,’ બરાબર પંદર મિનિટ ચાલે એવું હાસ્ય ભરપૂર રેડિયો રૂપક. આ વાત ૧૯૪૦ની. ત્યારથી ૧૯૮૫ સુધીમાં અદીએ ઓલ ઇન્ડિયા રેડિયો માટે પુષ્કળ લખ્યું, ભજવ્યું. સરવાળો માંડો તો છ હજાર કરતાં વધુ પ્રોગ્રામ થાય!
‘લાઈવ પ્રોગ્રામ’ના જમાનામાં જે લખાયું-ભજવાયું તેમાંનું ઘણું ખરું હવામાં ઊડી ગયું. અદીના કાર્યક્રમો એમાં અપવાદ. તેમની બીજી ઓળખાણ તે ‘જામે જમશેદ’ અખબારના માલિક-તંત્રી. એટલે પોતાની એકેએક સ્ક્રિપ્ટ જેવી લખાય કે તરત જાય કમ્પોઝ કરવા. ભાગ લેનારા દરેક કલાકારના હાથમાં છાપેલી સ્ક્રિપ્ટ હોય. રેડિયો સાચવે કે ન સાચવે, અદીએ એકેએક સ્ક્રિપ્ટ સાચવી રાખી. તેઓ બેહસ્તનશીન થયા પછી એ ખજાનો એન.સી.પી.એ.ને સોંપાયો જ્યાં આજે પણ તે સુરક્ષિત છે.
જૂનું એક્સલસિયર થિયેટર
અદીનો બીજો પ્રેમ સ્ટેજ. અનેક અંગ્રેજી અને પારસી ગુજરાતી નાટકો પોતે લખ્યાં, તેનું દિગ્દર્શન કર્યું, તેમાં અભિનય કર્યો. પારસી સમાજના પ્રશ્નો તેમાં ચર્ચાતા, પણ ચર્ચા લાગે તેવી રીતે નહિ. અંગ્રેજી મિશ્રિત પારસી બોલીનો ભરપટ્ટે ઉપયોગ, અને એવું જ ભરપટ્ટે હોય હાસ્ય. એક જમાનામાં અદીનાં આ નાટકો જોવા બિન-પારસીઓ પણ મોટી સંખ્યામાં જતા અને નાટકોને ભરપૂર માણતા. અદીએ પારસી નાટકની કાયાપલટ કરી નાખી. અદી પહેલાંનાં પારસી નાટકો પાંચ-સાત કલાક ચાલે, અનેક દૃશ્યો હોય, ઘણાંબધાં ગીતો ગવાય, ચીતરેલા પડદા પડે ને ઉપડે. અદીનો ખેલ અઢી-ત્રણ કલાકનો. ગીતો નહિ. દૃશ્યોની સંખ્યા મર્યાદિત. મોટે ભાગે એક જ સેટ પર ભજવાય. ટૂંકમાં અદીએ પારસી નાટકને મોડર્ન બનાવ્યું.
પણ અદી એટલે માત્ર પારસી નાટકો જ નહિ. કનૈયાલાલ મુનશીમાં માણસને પારખવાની અને તેને યોગ્ય સ્થાને બેસાડવાની ગજબની સૂઝ હતી. એટલે તેમણે અદીને ભારતીય વિદ્યા ભવનના કલા કેન્દ્ર સાથે જોડ્યા. તેના બેનર નીચે અદીએ ‘શુદ્ધ ગુજરાતી’માં પણ અનેક નાટકો સફળતા પૂર્વક રજૂ કર્યાં. અદીનું પહેલું નોંધપાત્ર પારસી નાટક ‘પિરોજા ભવન’ પણ ૧૯૫૪માં કલાકેન્દ્રના બેનર નીચે ભજવાયેલું, એટલું જ નહિ, પચ્ચીસ શો સુધી થિયેટર પર ‘હાઉસ ફૂલ’નું પાટિયું લટકતું હતું.
પછી ૧૯૭૨ના ઓક્ટોબરની બીજી તારીખથી દેશમાં આવ્યું ટી.વી.. અને પહેલા જ દિવસથી અદી ટી.વી.ના કાર્યક્રમો સાથે સંકળાયા. ત્યારે આજ જેવી ચેનલોની ભરમાર નહિ. સરકારી દૂરદર્શનની પહેલાં તો એક જ ચેનલ. એ પણ રોજના છ-આઠ કલાક જ ચાલે. મુંબઈ કેન્દ્ર પરથી ગુજરાતીમાં નિયમિત રીતે કાર્યક્રમો થાય. તેમાં સૌથી વધુ લોકો સુધી કોઈ કાર્યક્રમ પહોંચી શક્યો હોય તો તે અદીનો ‘આવો મારી સાથે.’ રેડિયોના સ્પોકન વર્ડનો માણસ ટી.વી. પર પણ છવાઈ ગયો.
લોકોની નાડ અદી બરાબર પારખી શકતા. હસતાં-હસાવતાં સારી અને સાચી વાત તેઓ સિફતથી કહી શકતા. બુદ્ધિ ધાનશાક મંડળ કાર્યક્રમની લોકપ્રિયતા તેનો પુરાવો. અદી, સિલ્લા, અને ગોવિંદજીના પાત્રમાં ચંદ્રવદન મહેતા જે ધમાલ કરતા! ચન્દ્રવનદનભાઈ તો રેડિયો પર નોકરી કરે. એમની બદલી અમદાવાદ સ્ટેશને થઈ. એટલે ગોવિંદજીના પાત્રને મારી નાખવું પડ્યું. પણ એ પછી શ્રોતાઓએ હજારો પત્રો લખી જે કકળાટ મચાવ્યો છે! સરકારી તંત્ર ઝૂક્યું. દર હપ્તે આ કાર્યક્રમમાં ગોવિંદજીનું પાત્ર ભજવવા સી.સી. અમદાવાદથી મુંબઈ આવશે એમ ઠરાવાયું. અને એટલે ગોવિંદજીના પાત્રને અદીએ ફરી સજીવન કર્યું.
અદી અને સિલ્લા મર્ઝબાન
પણ, બુદ્ધિ ધાનશાક મંડળ એ તે વળી કેવું નામ? એ જમાનામાં બી.બી.સી. રેડિયો પરથી ‘બ્રેઈન ટ્રસ્ટ’ના નામે થતા પ્રોગ્રામો ભારે લોકપ્રિય. ગુજરાતી અને મરાઠી વિભાગના પ્રોડ્યુસરોને પોતપોતાની ભાષામાં એવો કાર્યક્રમ કરવાની સૂચના ‘ઉપરથી’ આવી. સી.સી.એ નામ સૂચવ્યું ‘બુદ્ધિવર્ધક મંડળ’ અને એ કામ સોપ્યું અદીને. ત્યારે તો હા ભણીને અદી ચાલ્યા ગયા, પણ કલાક પછી પાછા આવી કહે કે ‘બોસ, તમારા ટાઈટલની પેરેડી કરીએ તો? સી.સી. કહે, તો ‘બુદ્ધિધ્વંસક મંડળ’ રાખો. પણ અદી કહે કે અમારા પારસી પોરિયાઓને એવું બોલતા જ નહિ આવડે. પછી કહે કે આવતી કાલે હું સ્ક્રિપ્ટ લખીને લઈ આવું, પછી એ વાંચી-વિચારી ટાઈટલ નક્કી કરશું. બીજે દિવસે સ્ક્રિપ્ટની સાથે ટાઈટલ પણ લઈ આવ્યા – ‘બુદ્ધિ ધાનશાક મંડળ.’ કહે, આ ધાનશાક પારસીઓની એક બહુ જ પોપ્યુલર ડિશ છે. બસ, તે દિવસથી બાર વર્ષ સુધી અદીના આ ધાનશાકનો સ્વાદ રેડિયોના શ્રોતાઓને કાને વળગી ગયો.
અદી પરફોર્મન્સના માણસ એ વાત સો ટકા સાચી, પણ વ્યવસાયે તો એ હતા પત્રકાર. બાવીસ વરસની ઉંમરે મુંબઈના ‘જામે જમશેદ’ અખબારના અને ‘ગપસપ’નામના હાસ્યના સામયિકના તંત્રી બન્યા અને પૂરાં પચાસ વર્ષ તંત્રીની ખુરસી પર બેઠા. પણ માનશો? એ ખુરસી પર બેસીને નવરાશની પળોમાં અદી હાથમાં સોયા અને દોરા લઈ ભરત-ગૂંથણ કરતા. કોઈ પૂછે તો જવાબ આપતા : ‘બધ્ધું સિખવાનું.’ ગુજરાતી પત્રકારત્વના આદિપુરુષ ફરદુનજી મર્ઝબાનના તેઓ છેલ્લા સીધા વારસ હતા એ વાત બહુ ઓછી ધ્યાન પર આવી છે. ૧૮૨૨માં પહેલવહેલું ગુજરાતી અખબાર શરૂ કરનાર ફરદુનજીસાહેબનો જન્મ ૧૭૮૭માં. તેમની પાંચમી પેઢીએ થયેલા અદી મર્ઝબાનનું અવસાન થયું ૧૯૮૭ના ફેબ્રુઆરીની ૨૬મી તારીખે. આ પૂરાં ૨૦૦ વર્ષ સુધી મર્ઝબાન કુટુંબનો કોઈ ને કોઈ નબીરો ગુજરાતી પત્રકારત્વ સાથે જોડાયેલો રહ્યો. ફરદુનજીના પાંચમી પેઢીના વારસ અદી તે આ કુટુંબના છેલ્લા તંત્રી. એક જ કુટુંબની પાંચ પેઢીના સભ્યો પત્રકારત્વ સાથે સતત સંકળાયેલા રહ્યા હોય તેવા દાખલા આખી દુનિયામાં પણ ઓછા જ જોવા મળશે.
અદીનું એક ખૂબ લોકપ્રિય થયેલું નાટક હતું ‘મોટા દિલના મોટા બાવા’. નાટકોનાં રિહર્લ્સર દરમ્યાન નટ-નટીઓને એક વાક્ય મોટા દિલના મોટા બાવા એવા અદીને મોંએથી ઘણી વાર સાંભળવા મળતું : ‘શું ભૂલી જવાનું, તે યાદ રાખવાનું.’ પણ અદીબાવા, તમને ભૂલી જવાનું અમે ક્યારે ય યાદ નહિ રાખી શકીએ, કારણ તમને ભૂલી જવા એટલે ગુજરાતી રેડિયો અને રંગભૂમિના એક સોનેરી પ્રકરણને ભૂલી જવું.
*
બે વર્ષા: નીચેવાળી અને ઉપરવાળી
ઓલ ઇન્ડિયા રેડિયો અંગેના લેખો માટે જે પ્રતિભાવો મળ્યા તેમાંથી બે : ક્વીન્સ રોડ પરના રેડિયો સ્ટેશનથી ચાલતાં માંડ પાંચ-સાત મિનિટ દૂર આવેલું એક મકાન, નામે ગુલબહાર. આજે પણ અડીખમ ઊભું છે. એક જમાનામાં તેમાં એક નહિ, બે વર્ષા રહે. અડોશીપડોશી તેમને ઉપરવાળી વર્ષા અને નીચેવાળી વર્ષા તરીકે ઓળખે. ‘ઉપરવાળી’ તે જાણીતાં પત્રકાર-લેખક લાભુબહેન મહેતા અને મોહનભાઈ મહેતા ‘સોપાન’ની દીકરી વર્ષા મહેતા (હવે દાસ). અને બીજી તે અગ્રણી લેખક ગુણવંતરાય આચાર્યની દીકરી વર્ષા આચાર્ય (હવે અડાલજા). બંને કોલેજ-કાળથી આ લખનારની મૈત્રિણીઓ. (બંને વર્ષાનો અહીં મૂકેલો ફોટો ‘નીચેવાળી’ વર્ષાના સૌજન્યથી.) દિલ્હીથી વર્ષા દાસ લખે છે : મેં child artist તરીકે 'લોહીની સગાઈ' નાટકમાં ભાગ લીધેલો. વસુબહેન દિગ્દર્શક, દીનાબહેન ગાંધી મારી મા અને હું એમની મૂંગી દીકરી . મારે તો મોઢેથી જાતજાતના અવાજો જ કાઢવાના હતા. રેકોર્ડિંગ પૂરું કરીને પછી ડ્યૂટી રૂમમાં જવાનું ને ત્યાં બેઠેલાં એક પારસી કે ક્રિશ્ચિયન બહેને એક કાગળ પર મારી સહી લીધી ને મને પાંચ રૂપિયાની કડકડતી નોટ આપી. મારી આ પહેલી કમાણીથી હું તો રાજી રાજી. ઓલ ઇન્ડિયા રેડિયોનું મકાન ઘરની નજીક જ હતું . હું તો દોડતી, કૂદતી ઘરે આવી અને રુઆબભેર એ પાંચ રૂપિયા બાના હાથમાં મૂક્યા! એ આખો પ્રસંગ મને આજે, ૭૯ વર્ષની ઉંમરે પણ યાદ છે. તમારો લેખ વાંચીને યાદ તાજી થઈ!
તો વર્ષા અડાલજા લખે છે : મારું ઘર રેડિયો સ્ટેશનની બાજુમાં એટલે પપ્પા પાસે લખાવવા ગિજુભાઈ જાતે જ આવે. હું રેડિયો પર એનાઉન્સર હતી ત્યારે મને ખૂબ આગ્રહ કરેલો એક્ઝામ આપવા માટે જેથી હાયર કાયમી પોસ્ટ મળે. પણ બદલી થવાના ડરથી મેં પરીક્ષા ન આપી. ભવનની એક નાટ્યસ્પર્ધામાં અમે સાથે જજ હતાં, અમારા ઇનામના નિર્ણયથી વિદ્યાર્થીઓ ગિન્નાયા અને ટોળું તોફાને ચડ્યું ત્યારે આગ્રહપૂર્વક મને પાછલે બારણેથી ભગાડી અને ગિજુભાઈ ફેસ્ડ ધ મ્યુઝીક.
હવે આપણે પણ રેડિયોના પાછલે બારણેથી નીકળીએ અને જઈએ … ક્યાં? ધીરી બાપુડિયાં.
e.mail : deepakbmehta@gmail.com
xxx xxx xxx
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”, 29 જાન્યુઆરી 2022