નૈઋત્ય પાકિસ્તાનના છેવાડે, રણ ખેડીને રોશન નામનો ઊંટ મૂલ્યવાન બારદાનનું વહન કરે છે: કોરોના વાઈરસને લીધે થયેલાં લૉકડાઉનને કારણે શાળામાં નહીં જઈ શક્તાં બાળકો માટે પુસ્તકો.
આ બાળકો જે છેવાડાનાં ગામોમાં રહે છે ત્યાં ફળિયા એટલા સાંકડા છે કે વાહનોનું પ્રવેશવું શક્ય નથી. એટલે બાળકો પોતાના નવા વસ્ત્રો પહેરીને રોશનને મળવા દોડી જાય છે. બૂમો પાડતા એની આજુબાજુ ટોળે વળે છે : “ઊંટ આવી પહોંચ્યું છે.”
કોવિડ-૧૯ની મહામારીના પરિણામે માર્ચ ૨૦૨૦માં પાકિસ્તાનની શાળાઓ પ્રથમ વખત બંધ કરવામાં આવી. વચ્ચે વચ્ચે ખુલતી રહી છે. લગભગ પાંચ કરોડ શાળા અને યુનિવર્સિટીનાં વિદ્યાર્થીઓ ઘરે રહી શિક્ષણ મેળવી રહ્યાં છે. ઈન્ટરનૅટ સેવાઓ નહિવત્ હોવાને કારણે બલોચિસ્તાન જેવા પ્રદેશના ગામોમાં ખૂબ મુશ્કેલી નડે છે.
રાહિલા જલાલ હાઈસ્કૂલનાં આચાર્યા છે અને એમણે એમની બહેન, જે ફૅડરલ મંત્રી છે, એમની સાથે મળીને કૅમલ લાઈબ્રૅરી પ્રૉજૅક્ટની સ્થાપના કરી છે. એ કહે છે કે એમણે ગયા ઑગસ્ટમાં આ પુસ્તકાલય શરૂ કર્યું કારણ કે શાળાઓ બંધ હોવા છતાં છેવાડાના એમના વતનમાં બાળકો શિખતા રહે એવું એ ઈચ્છતા હતાં.
પાકિસ્તાનમાં ૩૬ વર્ષોથી બાળકો માટે પુસ્તકાલય પ્રકલ્પ ચલાવતી બે સ્વયંસેવી સંસ્થાઓ ફિમેલ એજ્યુકેશન ટ્રસ્ટ અને અલિફ લૈલા બુક બસ સોસાયટીના સહયોગથી આ પ્રકલ્પ ચાલી રહ્યો છે.
કૅચ જિલ્લાનાં ચાર ગામોમાં રોશન પુસ્તકો પહોંચાડે છે. અઠવાડિયામાં ત્રણ વાર એ ચારે ય ગામોમાં જાય છે અને દરેક ગામમાં બે કલાક રોકાય છે. બાળકો પુસ્તકો લઈ જાય છે અને બીજી વેળા જ્યારે રોશન જાય છે ત્યારે પરત કરે છે.
“મને ચિત્રોવાળાં પુસ્તકો ગમે છે, કારણ કે જ્યારે હું ચિત્રો અને ફોટા જોઉં છું ત્યારે હું વાર્તા સારી રીતે સમજી શકું છું,” નવ વર્ષના અંબારીન ઈમરાને રોયટર્સ ન્યુઝ એજન્સીને જણાવ્યું.
જલાલ આશા સેવે છે કે વધુ ગામોને આવરી લેવા માટે પ્રકલ્પનો વિસ્તાર થાય અને પ્રકલ્પ ચાલુ રખાય, પરંતુ એ માટે નાણાંકીય સહાયની જરૂર છે. રોશન માટે મહિને $ ૧૧૮ની જરૂર છે.
મુરાદ અલી, રોશનના રખેવાળ, કહે છે કે પ્રથમ વાર આ પ્રકલ્પ સંદર્ભે એમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે એમને આશ્ચર્ય થયું હતું પરંતુ એ માને છે કે પરિવહન માટે ઊંટ સૌથી સમજુ માધ્યમ છે.
એમને આ ફેરા કરવામાં અને બાળકોની ખુશી જોવાની મોજ પડે છે. બળતણ માટેનાં લાકડાંની ખેપ કરવામાં કમાતા હતા એટલી જ કમાણી આ કામથી તેઓ કરે છે.
પાકિસ્તાનમાં લગભગ અડધોઅડધ હિસ્સામાં ફેલાયેલું બલોચિસ્તાન અલ્પ વસ્તી ધરાવે છે અને દેશનો સૌથી ગરીબ પ્રાંત પણ છે.
સ્રોત: https://mattersindia.com/2021/04/roshan-the-camel-brings-books-to-pakistans-homeschooled-children/