હૈયાને દરબાર
સુગમ સંગીત ક્ષેત્રે ગાયનની જુગલબંદી ઓછી જોવા મળે. એમાં ય ગુરુ-શિષ્ય સાથે ગાતા હોય એ દૃશ્ય તો ભાગ્યે જ દેખાય. ફાગણી ફોરમનું એવું જ એક મઘમઘતું ગીત ફાગણના આરંભે સાંભળીને ખૂબ મજા આવી. હોળી-ધુળેટી દરમ્યાન ફાગણનાં ગીતોનો ગુલાલ સર્વત્ર ઊડતો હોય છે. વોટ્સએપ અને ફેસબુક ઉપર આ ગીતો સતત સર્ક્યુલેટ થતાં હોય છે. કવિ મેઘબિંદુએ લખેલું, પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકનમાં પુરુષોત્તમભાઈ અને અમેરિકા સ્થિત એમના શિષ્ય કૃષાનુ મજમુદારે સાથે ગાયેલું ગીત ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ, પછી મલક્યા વિના તે કેમ રહીએ?’ આવી જ રીતે મળ્યું અને મજા પડી ગઈ. પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે તો એ સાંભળ્યું જ હતું, પરંતુ કૃષાનુ સાથેની આ જુગલબંદીની મજા અનોખી હતી.
કૃષાનુ મજમુદાર અમેરિકા સ્થિત સોફ્ટવેર એન્જિનિયર છે, પરંતુ સંગીત જાણે ગળથૂથીમાં મળ્યું છે. માતા માનસીબહેન સારું ગાઈ શકે છે, પિતા હરેનભાઈ સિતાર વગાડે છે. સાડાત્રણ વર્ષની ઉંમરે પહેલી વાર દૂરદર્શન પર ગીત રજૂ કર્યા બાદ વિવિધ ગુરુઓ પાસે એમણે તાલીમ લીધી. મુંબઈમાં જમનાબાઈ સ્કૂલમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધ્યક્ષ પરાશર દેસાઈ કૃષાનુના મોટા મામા અને કૃષાનુ એ જ સ્કૂલમાં ભણે એટલે એ કૃષાનુને ઘણું માર્ગદર્શન આપતા. સંગીતકાર રાસબિહારી દેસાઈ, પંડિત વિનાયક વોરા ઈત્યાદિ પાસે તાલીમ લીધા બાદ કૃષાનુએ સુગમ સંગીત સમ્રાટ પુરુષોત્તમ ઉપાધ્યાય પાસે વિશેષ તાલીમ લીધી હતી.
‘હિન્દુ કોટ સ્ત્રી મંડળના એક કાર્યક્રમમાં પુરુષોત્તમભાઈનાં પત્ની ચેલનાબહેને પહેલી વાર મને સાંભળીને પુરુષોત્તમભાઈને મારું નામ સૂચવ્યું હતું કે આ છોકરો ટેલન્ટેડ લાગે છે. એ વખતે અમે મુંબઈમાં અંધેરીમાં રહેતા હતા. મારી કોલેજ ટાઉનમાં હોવાથી પછીથી તો હું પુરુષોત્તમભાઈની અનુકૂળતા મુજબ એમની પાસે સંગીત શીખવા પહોંચી જતો. ગાયનમાં ભાવ અને ઠહેરાવ ખૂબ અગત્યના છે એ હું પુરુષોત્તમભાઈ પાસેથી જ શીખ્યો. અત્યારે અમેરિકામાં મારી જોબમાં વ્યસ્ત છું છતાં સંગીત સાથેનો નાતો બરકરાર છે. સુગમ સંગીત, હિન્દી ફિલ્મ સંગીત, ગઝલ, સૂફી અને નવરાત્રિના ગરબા પણ કરાવું છું. મારી પત્ની દિતિ ખૂબ સરસ ગાય છે એટલે અમે સાથે પણ પ્રોગ્રામો કરીએ છીએ. અમારાં સંતાનોને પણ સંગીતમાં રસ છે. આઠ વર્ષની દીકરી તો અત્યારથી ‘પિચ’ પરફેક્ટ છે. જે સ્કેલ સંભળાવો એ તરત પારખી જાય. દીકરો પણ ગાવાનો શોખીન છે. આમ, પરદેશમાં હોવા છતાં અમે ભારતીય સંસ્કૃતિ સાથે સંપૂર્ણ જોડાયેલાં છીએ,’ કૃષાનુ કહે છે.
૧૯૯૫માં ‘સારેગમ’ શોમાં ભાગ લઈ ચૂકેલા કૃષાનુએ પુરુષોત્તમ ઉપાધ્યાય સાથે અન્ય એક ગીત, ‘મારાં લાલ રે લોચનિયાં…’માં પણ સરસ જુગલબંદી કરી છે. એની રસપ્રદ વાત કૃષાનુનાં માતા માનસીબહેને કરી.
એ કહે છે, ‘કૃષાનુ કોલેજમાં હતો ત્યારે પુરુષોત્તમભાઈનો એક કાર્યક્રમ જુહુના જલારામ ઓડિટોરિયમમાં હતો. કૃષાનુ કોલેજથી થાક્યો-પાક્યો આવ્યો હતો પણ અમારે એ કાર્યક્રમમાં જવું જ હતું એટલે અમને લઈ ગયો. અમે સહેજ મોડાં હતાં તેથી છેક છેલ્લી સીટમાં જઈને બેસી ગયાં. પુરુષોત્તમભાઈની નજર શાર્પ. એમણે કૃષાનુને જોયો, સ્ટેજ પર બોલાવ્યો અને ‘લાલ રે લોચનિયાં …’ ગીતમાં સાથ આપવા કહ્યું. પ્રસન્નકારી રાગ નંદનો સ્પર્શ ધરાવતું, ખાસ્સું અઘરું અને એક-બે વખત જ પુરુષોત્તમભાઈ પાસે સાંભળેલું આ ગીત એ સરસ નિભાવી ગયો. પુરુષોત્તમભાઈ આવી ચેલેન્જ ઘણી વાર આપતા. એટલે ગુરુ-શિષ્યની જુગલબંદીનાં અમારે માટે તો આ બે યાદગાર સંભારણાં છે. લાલ રે લોચનિયાં અને ફાગણનો ફાગ એમ બે ગીતો કૃષાનુને જુગલબંદીમાં ગાવાની તક મળી.’
પુરુષોત્તમભાઈનાં ગીતોની કમાલ એ જ છે. સાંભળવામાં સરળ અને ગાવામાં અઘરાં. છતાં એમણે કૃષાનુ જેવા અનેક શિષ્યો તૈયાર કર્યા છે. પુરુષોત્તમભાઈની ગાયકીની અસર એમના શિષ્યોમાં ય જોવા મળે છે. ગાવાની ક્ષમતા ધરાવતા અનેક નવોદિતોને પુરુષોત્તમભાઈએ તક આપી છે. તેઓ માને છે કે ગુજરાતીઓમાં કળાની પરખ છે. એમના સુધી સારું સાહિત્ય-સંગીત પહોંચવું જોઈએ.
આ તાજગીસભર ગીતના કવિ મેઘજીભાઈ ડોડેચા ‘મેઘબિંદુ’ છે. ‘ફાગણનો ફાગ …’ ગીતના સર્જન વિશે એ કહે છે, ‘પચીસેક વર્ષ પહેલાં હું ચિંતક હરિભાઈ કોઠારીની એક શિબિરમાં વડોદરા ગયો હતો. એપ્રિલની શરૂઆત હતી. સવારનું વાતાવરણ ખૂબ સરસ હતું. મોર-કોયલના ટહુકારા સંભળાતા હતા. પવન તો જાણે આપણને અડકીને જ રોમાંચિત કરતો હોય એવું લાગતું હતું. સવારનો વોક લઈ પાછો ઘરે આવ્યો અને ગીતની પહેલી પંક્તિ સ્ફૂરી; ‘ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ પછી મલક્યા વિના તે કેમ રહીએ …!’ પછી પાંચ-સાત મિનિટમાં આખું ગીત લખાઈ જતાં સંગીતકાર મિત્ર પુરુષોત્તમ ઉપાધ્યાયને તરત ફોન કર્યો અને આ પંક્તિ સંભળાવી. તેઓ બહુ જ ખુશ થઇ ગયા. કહે કે તમે મને નિરાંતે આ ગીત સંભળાવજો. પછી થોડા જ દિવસમાં એમનો સામેથી ફોન આવ્યો કે મેઘજીભાઈ, પેલું ગીત આપો. એ ગીત લઈને હું એમના ઘરે ગયો. એમણે થોડા જ સમયમાં કમ્પોઝ કરી દીધું હતું. ગીત સંભળાવવા એમણે સંગીતકાર દક્ષેશ ધ્રુવને ખાસ ઘરે નિમંત્ર્યા હતા. દક્ષેશભાઈએ મને ફોન કરીને કહ્યું કે કવિ તમે તરી ગયા. પુરુષોત્તમભાઈએ ગીત ઉત્તમ કંપોઝ કરી દીધું છે. ખરેખર એમ જ થયું. આ ગીત પછીથી ઘણું લોકપ્રિય થયું.’
ઉલ્લેખનીય છે કે કવિ મેઘબિંદુનાં, જુદા જુદા સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયેલાં ગીતોમાંથી ૮૦ જેટલાં ગીતોનું સંકલન એમના ભાઇ મોહનકુમાર ડોડેચાએ તાજેતરમાં જ કર્યું તથા જામનગર સ્થિત લેફ્ટ. ડો. સતીશચંદ્ર વ્યાસની પરિકલ્પનામાં રમેશ જોશીએ એ ગીતોને યુટ્યુબ પર અપલોડ કર્યાં. મિત્ર સતીશચંદ્ર વ્યાસે મેઘબિંદુના ૮૦મા જન્મદિવસે એ ૮૦ ગીતોની પુસ્તિકા તૈયાર કરી અને એનું વિમોચન જામનગર ખાતે ચોથી માર્ચ ૨૦૨૧ના દિવસે જ કર્યું હતું. આ પણ એક સારું કામ થયું. સુગમ સંગીત ડિજિટલ પ્લેટફોર્મ પર સચવાય એ જરૂરી છે. કવિ રમેશ પારેખની જાણીતી રચના ‘ફાગણની ઝાળ ઝાળ સુક્કી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું …’ એ ગીત નયનેશ જાનીના સ્વરાંકનમાં કૃષાનુએ સરસ ગાયું છે. ફાગણ મહિનો જ રંગ-રાગ, મોજ-મસ્તીનો છે. કેસૂડાએ ધરતી પર કામણ કર્યાં હોય ત્યારે આપણે ય રંગાઈ જઈએ આ રંગોમાં!
—————— ————–
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ
કામણ કીધાં અહીં કેસૂડે એવાં
કે મહેક્યા વિના તે કેમ રહીએ
ફૂલની ફોરમની પકડીને આંગળી
ફરવાને નીકળ્યો પવન
પાન-પાન ડાળ-ડાળ ઝૂમી ઊઠ્યાંને
ઝૂમે છે આખું ઉપવન
કલરવની કેડીએ રમતા પતંગિયાને
પકડ્યા વિના તે કેમ રહીએ…
મઘમઘતી મંજરીની કાયા બદલાઇ
સાંભળીને વેણુ વસંતની
લીલેરા પાન સંગ ગાતા ગુલમહોર
લ્હાણી કરે છે સુગંધની
અરધી ભરાય મારા ઉમંગની હેલ
પછી છલક્યા વિના તે કેમ રહીએ
ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીએ…!
• કવિ : મેઘબિંદુ • સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય
• ગાયક : કૃષાનુ મજમુદાર – પુરુષોત્તમ ઉપાધ્યાય
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 01 ઍપ્રિલ 2021
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=687842