= = = = સુરેશભાઈને કહી શકાય કે ગુજરાતને આસ્વાદક કે વિવેચક નામની મધ્યસ્થીની જરૂરત જ ન પડે, અને આનન્દશંકરને કહી શકાય કે વિવેચનની ભૂખ જાગે જ નહીં, એવું સ્વાયત્ત સાહિત્ય, સ્વૈર, સુબોધ, ન-અઘરું, જે વિશેષણ વાપરવું હોય, લખાઈ રહ્યું છે = = = =
સૌ દર્શક-શ્રોતા મિત્રોને નમસ્કાર.
સુજોસાફો – આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવનો આ ૧૩-મો ઍપિસોડ ૨૬ માર્ચે રજૂ કરી શકાયો નહીં એ વાતનું દુ:ખ છે. કારણ માત્ર ટૅક્નિકલ હતું.
આપ સૌનું સ્વાગત છે.
આ ઍપિસોડના સહભાગીઓ છે, અજય રાવલ, નરેશ શુક્લ અને પ્રબોધ પણ્ડિત.
‘પણ્ડિત’ કહીને મેં કશી ગફલત નથી કરી. આપણે સૌ જાણીએ છીએ એમ એ, પ્રબોધ પરીખ છે. પણ મને ઉમાશંકરનું એક વચન યાદ આવ્યું. એક સભામાં એમણે મારા સહિતના ત્રણ-ચાર જણ માટે કહેલું : આ પાઘડી વિનાના પણ્ડિતો છે : હું એમના એ વચનનો વિનિયોગ કરીને કહું કે પ્રબોધ પાઘડી વિનાનો પણ્ડિત છે. પાઘડી પ્હૅરે તો પાઘડી જેટલી જ વિદ્વત્તાસૂચક જે ટાલ છે એ ઢંકાઈ જાય; એ કદી પ્હૅરશે જ નહીં, પણ વિદ્વત્તાની વાત સૌએ અંકે કરવી જોઈશે.
અમે વર્ષોથી મિત્રો છીએ. મોડાસામાં પરિષદનું પહેલું જ્ઞાનસત્ર યોજાયું, કદાચ ત્યારથી, કદાચ ૪૫-૪૬ વર્ષ થઈ ગયાં.
અમારા બધા માટે એ માત્ર પ્રબોધ છે પણ આજે હું વચ્ચે વચ્ચે, ‘પ્રબોધભાઈ’ પણ કહીશ. મુમ્બઈની મીઠીબાઈ કૉલેજમાં ફિલૉસૉફીના અધ્યાપક હતા. નિવૃત્તિ પછી મીડિયા ઍન્ડ કૉમ્યુનિકેશન માટેની વ્હીસ્લિન્ગ વૂડ્સ ઇન્ટરનેશનલ સ્કૂલમાં તેઓ હાલ સેવાઓ આપે છે.
ફ્રાન્સની સોરબોન યુનિવર્સિટીથી માંડીને દેશવિદેશનાં અનેક વિદ્યાધામોમાં અધ્યયન-અધ્યાપન તેમ જ વ્યાખ્યાનો માટે ગયા છે.
એક જ શબ્દ પ્રયોજું કે પ્રબોધ પરીખ વિદ્યાવ્યાસંગી જીવ છે.
એમણે મુમ્બઇની જયહિન્દ કૉલેજમાં ફિલૉસૉફી અને ગુજરાતી સાહિત્યનું અને પછી અમેરિકાના ઑકલોહામામાં વળી ફિલૉસૉફીનું અધ્યયન કર્યું છે. મને બરાબર યાદ છે, દાહોદમાં રિલ્કે વિશેના પરિસંવાદમાં ભાગ લેવા પ્રબોધ આવ્યો, સાલ હતી કદાચ ૧૯૮૫, ત્યારે, અમેરિકા જવા-આવવા વપરાય છે એ મસમોટી બૅગ લઈને આવેલો. મેં પૂછેલું – સીધા ઍરપોર્ટથી? તો એણે હસીને ના પાડેલી.
નૉંધપાત્ર વાત એ છે કે પ્રબોધ હસી શકે છે, એ હસતો નિખાલસ નિર્દમ્ભી પણ્ડિત છે.
દલીલ અસરકારક કરે પણ પછી પૂછડું પકડીને બેસી ન રહે, પોતાની ભૂલ કબૂલે, ‘તારી વાત બરાબર છે’ કહીને સંવાદ ચાલુ રાખે.
મૂળે એ સર્જક છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમી માટે લાભશંકર ઠાકર પર ફિલ્મ બનાવી છે. સાહિત્યકારને વિશેની ફિલ્મ શું હોઈ શકે તેનો એ એક આદર્શ નમૂનો છે. પ્રબોધે કાવ્યો કર્યાં છે, વાર્તાઓ લખી છે. ‘કારણ વિનાના લોકો’ નામના વિશિષ્ટ વાર્તાસંગ્રહે બહુ મોટી આશા બંધાવેલી, પણ પછી પ્રબોધભાઈએ દિશા બદલી લીધી. મૂળે નડિયાદના છે, હાલ મુમ્બઇ રહે છે.
સરસ વાંચે છે, વિચારે છે, લખે છે, પણ પ્રકાશિત કરે છે બહુ જ ઓછું. મિત્રોની એ વિશેની ફરિયાદ સાંભળે પણ પછી એવાં વ્યાખ્યાનો કરે કે – આપણને થાય, ભલે, જે કરે છે, સરસ કરે છે. ચિત્રો કરે છે, એ ચિત્રો સર્રીયાલિસ્ટ જેવી કશી છાપથી ઓળખાવાય એવાં નથી, એ પ્રબોધિસ્ટ છે. આપણને ગમે, જોઈ રહીએ, એ આકારો, રંગો અને રૂપોને.
મને એમ કહેવાનું સૂઝે છે કે પ્રબોધ કશી અવ્યાખ્યાયિત પણ અનેક વ્યાખ્યાઓના સાર સમી નિર્નામ કલાસૂઝ ધરાવે છે અને એને કારણે ગુજરાતી સાહિત્ય વિશે જે કંઈ વિચારે છે એ નિરાળું હોય છે. સુરેશશબ્દના સમજુ જણોમાં પ્રબોધ પરીખ છે. એણે ક્યારેક મને કંઈક એવું કહેલું કે ગુજરાતી સાહિત્યમાં ગાંધી એક બિન્દુ છે એમ સુરેશ જોષી એક બિન્દુ છે. મને એમાં ઉમેરવાનું મન થાય છે કે નર્મદ એવું જ એક બિન્દુ છે. એ ત્રણેય બિન્દુથી કેવાંક વર્તુળ રચાયાં એ, આમ તો, જાણીતું છે; એથી એ વિસ્તરણમાં નથી જતો.
પ્રબોધ ધાણીફૂટ અંગ્રેજી બોલે છે પણ હું આશા રાખું કે આજે એ એવું ગુજરાતી બોલશે.
પ્રબોધ, ઑન બીહાફ ઑફ સુજોસાફો, આઈ વૅલકમ યુ …
અજય રાવલ અને નરેશ શુક્લ આ ઉત્સવમાં બીજી વાર જોડાયા છે એનો આનન્દ છે, એમનું સ્વાગત છે. બન્ને મિત્રોથી સૌ ઠીક ઠીક પરિચિત છે તેથી એ વીગતો દોહરાવતો નથી, પણ કહું કે આ ઍપિસોડમાં બન્ને મિત્રોએ પોતાનાં વક્તવ્યો ઉપરાન્તનો અન્ય સહયોગ પણ દાખવ્યો છે. નરેશે આ બ્રૉડકાસ્ટની તમામ વ્યવસ્થા ઉપાડી લીધી. ‘સુરેશ જોષી સાહિત્યવિશ્વ’-માં અને અન્યત્ર જોવા મળેલી અક્ષમ્ય છાપભૂલો અને અધૂરી માહિતી – પુસ્તકની પ્રકાશનસાલ જ નહીં – વગેરે વિશે મને શંકાઓ પડેલી, એનું અજયે ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકની મૂળ આવૃત્તિ જોઈને નિવારણ કર્યું. બન્ને મિત્રોનો ખૂબ આભાર.
જાહેર કર્યું છે એ મુજબ, આજના ઍપિસોડનો વિષય છે ''સુરેશ જોષીકૃત ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ'’. ઉપક્રમ એવો રાખ્યો છે કે સૌ પહેલાં અજય, પછી નરેશ અને છેલ્લે પ્રબોધભાઈ સુરેશશબ્દ સાથેના પોતાના અનુબન્ધની વાતો કરશે.
પણ એ મિત્રો કહે એ પહેલાં, મારે જે કહેવું છે એ કહું :
‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ પુસ્તકની પહેલી આવૃતિમાં ૨૨ આસ્વાદલેખનો છે. આસ્વાદો કહી શકાય, પણ એને આસ્વાદલેખનો કહેવાનું મને ગમે છે. મૂળે ભોગીલાલ ગાંધીના તન્ત્રીપદે ચાલતા સામયિક ‘વિશ્વમાનવ’-માં દર અંકે એક-ના ધોરણે એ પ્રગટ થયેલાં. મને બરાબર યાદ છે, અમે રાહ જોતા અને કલ્પના કરતા કે આવતા અંકે કયા કવિના કયા કાવ્યનો આસ્વાદ આવશે.
સુરેશભાઈએ કહ્યું છે કે ‘કાવ્ય અને એના ભાવક વચ્ચેનું અન્તર વધતું જાય ત્યારે વિવેચકને માથે એ બંને વચ્ચે મધ્યસ્થનું કાર્ય બજાવવાનું આવે’. એમનું નિરીક્ષણ છે કે ‘આપણા જમાનાની રફતાર ભારે તેજ છે. પરિવર્તનોને પૂરાં સમજી લઈએ તે પહેલાં તો જમાનો કેટલો ય આગળ વધી ગયો હોય છે. બાહ્ય પરિસ્થિતિમાં થતાં રહેતાં પરિવર્તનો, એ પરિસ્થિતિ પ્રત્યેના આપણા પ્રતિભાવો પર પડતી એની અસર, યાન્ત્રિકતાના વધતા વર્ચસ્-ને કારણે આપણું કુણ્ઠિત થતું જતું ઊર્મિજીવન – આ બધું પણ કાવ્ય અને ઇતર સર્જનાત્મક પ્રવૃત્તિઓ પ્રત્યેના આપણા વલણ પર અસર પાડે છે’.
આ પુસ્તકનું પહેલવારકું પ્રકાશન ૧૯૬૨માં થયું છે. સુરેશભાઈએ દાખવેલી આ ચિન્તાને ૫૯ વર્ષ થઈ ગયાં. આજે તો, કાવ્ય અને ભાવક વચ્ચેનું અન્તર ખૂબ વધી ગયું છે અને જમાનો તો અનેકશ: અનેકગણો આગળ વધી રહ્યો છે.
લાગે કે આજે આસ્વાદો, માત્રકાવ્ય માટે નહીં પણ વાર્તા કે કોઈ પણ સર્જનાત્મક રચના માટે અનિવાર્ય બન્યા છે. જો કે આસ્વાદકો ઘટી ગયા છે. એ સવાલ પણ પુછાય છે કે સુન્દર અને અનિવાર્યપણે આસ્વાદ્ય હોય એવું લખાય છે ખરું.
કાવ્યવિષયક લેખન આપણે ત્યાં પ્હૅલાં ન્હૉતું એમ નથી. સુરેશભાઈએ ‘મુખબન્ધ’-માં નૉંધ્યું છે કે ‘કાન્તનાં જ કાવ્યો લઈને આનન્દશંકર, બ.ક. ઠાકોર, ડોલરરાય માંકડ, રતિલાલ જાની, મનસુખલાલ ઝવેરી, ભૃગુરાય અંજારિયા વગેરેએ ઝીણવટથી કાવ્યચર્ચા કરી છે.’
સુરેશભાઈએ એને વ્યંગમાં ‘સૂચક ઘટના’ કહી છે. એટલા માટે કે એ પ્રવૃત્તિ માત્રકાન્તનાં કાવ્યો માટે થઈ હતી.
પણ મારે એ કહેવું છે કે સુરેશભાઈએ કરાવેલા આ કાવ્યાસ્વાદો અપૂર્વ છે. એમનાં આ લેખનોએ ‘કાવ્યચર્ચા’ શબ્દને તિલાંજલિ આપી દીધી અને ‘કાવ્યાસ્વાદ’ શબ્દને ચલણી કરી દીધો. એટલે સુધી કે છાપાંવાળાઓએ કાવ્યાસ્વાદની કૉલમો શરૂ કરી. અરે, કાવ્યમાં કશું આસ્વાદ્ય ન હોય તો પણ આસ્વાદ લખાવા માંડ્યા, હજી લખાય છે. પણ મારે નૉંધવું જોઈએ કે નીવડેલા વિવેચકોમાં હૉંશથી અને મોટી સંખ્યામાં કાવ્યાસ્વાદો કરાવનાર કોઈ હોય, તો તે રાધેશ્યામ શર્મા છે.
‘મુખબન્ધ’-માં પ્રારમ્ભે જ સુરેશભાઈએ આનન્દશંકરે પૂછેલા એક પ્રશ્નની યાદ દેવરાવી છે. પ્રશ્ન છે : ‘ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે પણ તે કરતાં એ રસપાનનું તરસ્યું હોય તો વધારે સારું નહિ?’ આનન્દશંકરે ‘વિવેચન’ અને ‘રસવિવેચન’ એવો ભેદ કર્યો છે એમ જણાવીને સુરેશભાઈ ‘રસવિવેચન’ શબ્દને ગમાડે છે.
હું એ જ શબ્દને પકડી લઈને આ આસ્વાદલેખનોને રસવિવેચન કહું છું. એને ગુજરાતી વિવેચન-સાહિત્યનો એક આગવો પ્રકાર પણ કહી શકાય. પણ ‘વિવેચન’ સંજ્ઞાને બ્રૅકેટમાં મૂકીને જુદું કહું કે એમનાં આ લેખનો એમના જેવા સમૃદ્ધ સહૃદયે કરેલાં મૂળે તો ભાવનો છે, અને ઉમેરું કે એ ભાવનોથી એમના આ આસ્વાદકાર્યની જમીન બની છે. સાર એવો મળે છે કે જાતે ભાવન કર્યા વિના બીજાને આસ્વાદ ન કરાવી શકાય.
બીજો સાર એ કે એ પ્રકારના આસ્વાદન અને અનુગામી વિવેચન વચ્ચે પાકો સમ્બન્ધ છે. જુઓ ને, સુરેશભાઈને, તેઓ પોતે કહે છે એમ, ‘આ કાવ્યોની ચર્ચાને નિમિત્તે કાવ્યવિવેચનના કેટલાક પાયાના પ્રશ્નો આપોઆપ છેડવા પડ્યા છે’.
એ પ્રશ્નોની થોડીક વાત અજય કરશે.
મને એમ કહેવાનું મન થાય છે કે ભાવન અને આસ્વાદન વિનાનું વિવેચન સર્વસામાન્યપણે તનુતુચ્છ રહી જવાનું – સુક્કું ! સમ્યક્ આસ્વાદન જતે દિવસે એના વિવેચકને વિપથમાર્ગે જતાં રોકવાનું અને એ પ્રકારે વિવેચન-વિદ્યાશાખા લાભાન્વિત થવાની. આસ્વાદનું એટલું મોટું મૂલ્ય છે.
જો કે સુરેશભાઈ પોતાને મહાન સહૃદય નથી ગણતા. એમણે લખ્યું છે કે ‘આ કાર્યને માટે મારાથી વિશેષ અધિકાર ધરાવનાર સહૃદયો છે તે હું જાણું છું. મારા પ્રયત્નને એઓ ક્ષમાદૃષ્ટિથી જોઈને યથાયોગ્ય માર્ગદર્શન આપશે તો હું એમનો ઋણી રહીશ’. આ આસ્વાદકર્મને સુરેશભાઈ યત્કિંચિત્ કર્યાનો નમ્ર પ્રયત્ન ગણે છે. એના મૂળ કારણમાં કાવ્યને માટેની પોતાની પ્રીતિને ગણાવે છે. એમની આ વિશિષ્ટ નમ્રતાની નૉંધ લેવી જોઈશે.
લાગણી ઊર્મિ અભિગ્રહ કે નૈતિક ભાવના વગેરે વસ્તુને નિમિત્તરૂપ ગણીને સર્જક જે સરજે તેનો, કહો કે, સર્જનની પ્રક્રિયાનો, સુરેશભાઈને મન મહિમા છે. એને તેઓ ‘અદ્વિતીય રૂપનિર્માણને માટેનું સર્જનકર્મ’ કહે છે. અને એને જ તેઓ આસ્વાદનો વિષય ગણે છે.
જણાવે છે કે કવિ વ્યવહારની ભાષામાંથી જ નવા સંકેતો ઊપજી આવે એવો સંદર્ભ રચે છે. એ સંદર્ભની રચના સમજવી અને શબ્દમાંથી પ્રગટતી એ શક્તિનો પરિચય આપવો, એ એમને મન રસાસ્વાદની પ્રવૃત્તિનું અનિવાર્ય અંગ છે; એમાં જ તેઓ કવિ-કર્મનો વિશેષ જુએ છે.
આસ્વાદક પાસે તેઓ માગે છે કે એ જાણે સર્જનપ્રક્રિયાનો સાક્ષી હોય એ રીતે એ પ્રક્રિયાનો પરિચય કરાવે; બતાવે કે વ્યવહારનો અનુભવ કવિની વિશિષ્ટ સર્ગશક્તિથી નવ્ય રૂપ પામ્યો અને કેવો તો રસાસ્વાદની સામગ્રી બની ગયો.
બીજા શબ્દોમાં એમ કહેવાય કે આસ્વાદકે પોતાનું લક્ષ વસ્તુના રૂપાન્તરણની પ્રક્રિયાને વિશે કેન્દ્રિત કરવું જોઈશે. શાસ્ત્ર નહીં પણ સર્જનકર્મ એના ધ્યાનનો વિષય બનવો જોઈશે.
આ લેખનોમાં સુરેશભાઈએ એ બધું કરી દાખવ્યું છે. પણ કવિતા વિશેના લેખનને તેઓ સાહસ ગણે છે. કવિતાની રચનાને પણ સાહસ ગણે છે. અને જણાવે છે કે સમકાલીનોની કવિતા વિશે લખવું એ તો દુ:સાહસ જ ગણાય.
પોતે એવું દુ:સાહસ શા માટે કર્યું એની એમણે કેફિયત આપી છે. ‘કેફિયત’ શબ્દ એમણે પ્રયોજ્યો છે.
એમાં એમણે કેવાં કેવાં વલણ અને આશય રાખ્યાં છે, એ જાણવું જરૂરી છે :
કાવ્યાસ્વાદને અપ્રસ્તુત એવા અનેક પ્રશ્નોની તદ્વિદો વડે થતી વિદ્વત્તાપૂર્ણ ચર્ચાઓને નકારી છે. કેમ કે, એમનું મન્તવ્ય છે કે એથી કાવ્યને તો કશો લાભ થાય જ નહીં. બને કે પૃથક્જન કાવ્યથી દૂર રહી જાય; એ વિદ્વાનોની પરિભાષા પોતે જ વાડ બની રહે; દુર્બોધતાની ફરિયાદ થવા લાગે; કવિ પણ પોતાના અલગારીપણાને ખુમારીથી માણતો થઈ જાય.
બીજું, એમને કાવ્યના ગદ્યાન્વય નથી કરવા, કેમ કે એથી તો કાવ્યનો અર્થ જ મળે. તેઓ લખે છે કે ‘વાચકને કાવ્યમાં અનિવાર્યતયા રહેલી, નિહારિકાના જેવી, સમૃદ્ધ અસ્પષ્ટતા કે સન્દિગ્ધતાના સમ્પર્કમાં મૂકી દેવો ને એ રીતે એની કલ્પનાને વ્યાપારશીલ બનાવી કાવ્યના મર્મ સુધી આપમેળે પહોંચવા અગ્રસર કરવો એ વલણ મેં રાખ્યું છે’.
ત્રીજું, એઓ કહે છે એમ, એમણે કર્તાને નહીં પણ કૃતિને લક્ષમાં રાખી છે. કાવ્યને વિશેની કોઈ નિશ્ચિત વિભાવનાને સમ્પ્રજ્ઞાતપણે મનમાં નથી રાખી. કેમ કે એમનો ઝોક આસ્વાદનતરફી છે, નહીં કે મૂલ્યાંકનતરફી.
ચૉથું એમણે એ દર્શાવ્યું છે કે કવિ આપણી ભાષાની ગુંજાયશને કેવી રીતે વધારતો રહ્યો છે.
એમણે એ બધું પણ બતાવવું છે કે કાવ્યબાની કેવીક ઘડાઈ છે, છન્દવિનિયોગ માટે કેવા કેવા પ્રયત્ન થયા છે, અલંકારરચનાની દૃષ્ટિમાં કેવુંક પરિવર્તન આવ્યું છે, કાવ્યત્વ કેટલી માત્રામાં સિદ્ધ થયું છે …
વગેરે વાનાંની વાતો બન્ને મિત્રો વીગતે કરવાના જ છે.
ટૂંકમાં, મનમાં એમણે આસ્વાદનું આ જાતનું એક આગવું રૂપ રાખીને આ લેખનો કર્યાં છે. સરવાળે તો, તેઓ ઇચ્છે છે કે વાચક પોતાની કલ્પનાને વ્યાપારવતી બનાવે અને કાવ્યના મર્મ સુધી આપમેળે પ્હૉંચવાને અગ્રસર થાય.
એમણે પોતાના આ કાર્યને ‘પ્રયત્ન’-થી વધારે નથી કથ્યું. અન્યાય થયો એમ લાગ્યું હોય તેઓની એમણે ક્ષમા યાચી છે. એમની એ નમ્રતાની પણ નૉંધ લેવી જોઈશે.
આ પુસ્તકનું મૂલ્યાંકન કરનારે એમના આ આસ્વાદોની તે તે કાવ્યોને સામે રાખીને સમીક્ષા કરવી જોઈશે. એમનાં આ બધાં વલણો અને આશયો સિદ્ધ થયાં છે કે કેમ તેની પણ તપાસ કરવી જોઈશે. એવા સાધાર મૂલ્યાંકન વિના પુનર્મૂલ્યાંકન કરનારાઓ જે કહેશે તે ઘણે ભાગે યદ્વાતદ્વા હશે એમ માનવાને કારણ રહે છે. એમ હું માનું છું અને ચૉક્કસ માનું છું. કેમ કે સમીક્ષાત્મક મૂલ્યાંકન વિના, અને એને સમજ્યા વિના, કદી કોઈપણ બાબતનું પુનર્મૂલ્યાંકન થાય નહીં, કરાય નહીં.
આનન્દશંકરના એ વચનને દોહરાવીને હું એ કહેવા માગું છું કે આજે ગુજરાત વિવેચનનું ભૂખ્યું છે, રસપાનનું તરસ્યું પણ છે. પરન્તુ રસવિવેચન લગભગ નથી કેમ કે રસાસ્વાદ માગે એવું ખન્તીલું ભાવન પણ હવે ભાગ્યે જ જોવા મળે છે. રચનાપ્રક્રિયાને અનુસરતા કવિ-કર્મલક્ષી વિવેચન લગી કોઈને જવલ્લે જ પ્હૉંચવું હોય છે. પરિભાષાનો પ્રશ્ન જ નથી. પરિભાષાના જાણતલો જ ઘટી ગયા છે. એટલે, શાસ્ત્રીય પરિભાષા પ્રયોજાવાને લીધે આસ્વાદકાર્યને હાનિ થાય એ ભય પણ અસ્થાને છે. દુર્બોધતાની ફરિયાદ પણ ક્યાં છે? ઘણાં બધાંને ઘણુંબધું સુબોધ લાગે છે, કેમ કે સુબોધ ઘણું લખાય છે.
સુરેશભાઈને કહી શકાય કે ગુજરાતને આસ્વાદક કે વિવેચક નામની મધ્યસ્થીની જરૂરત જ ન પડે, અને આનન્દશંકરને કહી શકાય કે વિવેચનની ભૂખ જાગે જ નહીં, એવું સ્વાયત્ત સાહિત્ય, સ્વૈર, સુબોધ, ન-અઘરું, જે વિશેષણ વાપરવું હોય, લખાઈ રહ્યું છે.
આ પરિસ્થતિ દુ:ખદ છે કે કેમ એ પ્રશ્ન છે અને એ ગમ્ભીર પ્રશ્ન છે.
= = =
(April 3, 2021: USA)
(સુજોસાફો – આયોજિત સુરેશ જોષી જન્મશતાબ્દી ઉત્સવના ૧૩-મા ઍપિસોડમાં આપેલું વક્તવ્ય)