આઈ.આઈ.ટી. કરી, યુ.એસ.માં પીએચ.ડી. – પંદર વર્ષ નોકરી કરી, આયોજનપૂર્વક અમુક આર્થિક સદ્ધરતા કેળવી લઈ ભારતમાં સ્થાયી થયેલાં, અંતરિયાળ વિસ્તારનાં બાળકોને ગણિત વિજ્ઞાન શિખવતાં યુગલ સાથે વાત થતી હતી. બહેને કહ્યું, "આપણે ત્યાં ટ્રાફિકનો નિયમ તોડીએ તો કૉન્ટેબલ ખીજાય, છોકરો ડ્રાઈવ કરતો હોય તો ગાળો ય બોલે, સ્ત્રી હોય તો 'આવડતું નથી ને નીકળી પડ્યા છો' એમ કહે. પણ પછી જવા દે. યુ.એસ.માં અમલદાર 'સર/મૅડમ વીલ યુ પ્લિઝ.…’ વગર વાત ના કરે, પણ જવા ના દે. તમે નિયમ તોડ્યો, દંડ ભરો, સીધી વાત."
ગામમાં ચૂંટણી સભાઓમાં જતી, બાળક તરીકે. એક ઘટના તાદૃશ્ય છે- પછીથી (કૉન્ગ્રેસ કાળમાં) મુખ્ય મંત્રી થયેલ વ્યકિતએ પ્રવચનમાં કહ્યું, "ફલાણાભાઈ, આમ તો પી.ટી.સી. બારમા પછી કરવાનું શિક્ષણશાસ્ત્રીઓ કહે છે, પણ નહીં કરીએ જાવ. તમારા બે ય છોકરા પી ટી સી થઈ જાય પછી કરીશું." મારું માથું ભમી ગયેલું. સમાજનું કલ્યાણ થાય તેવા નિયમને વ્યક્તિગત મુદ્દે ઠેલવાનો અને પાછું તેનું ગૌરવ લેવાનું? આઠમામાં હતી, હું ત્યારે. વિષય તરીકે નાગરિક શાસ્ત્ર તે જ વર્ષે અભ્યાસક્રમમાં આવેલું. બોર્ડમાં ચોરી માટે ખ્યાત મારા ગામના સામૂહિક સાંસ્કૃતિક વંટોળમાં મેં ય સગાંવ્હાલાંને ચોરી કરાવી હતી. પણ મારા પોતા પર આવ્યું ત્યારે સમજાયેલું, "ના કરાય. ભણતરમાં ચોરી ના કરાય." મેં દસમું ગામમાં નહોંતું કર્યું.
કર્મચારી તરીકે જોડાઈ ત્યારથી મને સિસ્ટમ સમજાતી નથી. નોકરીએ હાજર થઈ ત્યારે મારા પગે ફૅક્ચર હતું. ડૉક્ટરે કહ્યું હતું કે બેઠકને સમાંતર પગ રાખવો. અધિકારી મુલાકાતે આવ્યા. વર્ગના દરવાજે ઘડીક રોકાઈ ઑફિસમાં ગયા. હું તો ઓળખું નહીં એટલે આમ ડોકાઈને જતી રહેતી વ્યક્તિને ખાસ તવજજો ના આપી. મને ઑફિસમાં તેડાવવામાં આવી ત્યારે જાણ્યું કે તેઓ સાહેબ છે. પ્રાથમિક પરિચય થયો ત્યાં સુધી હું ઊભી રહી. પણ, મારા સ્વાસ્થ્ય અંગે સભાન હોવાથી, 'મને ફૅક્ચર છે, બેસું ખુરશીમાં?' એમ રજા લઈ બેસી. મારા આચાર્ય થથરતા જીવે સાહેબની બાજુમાં ઊભેલાં. તેમનું થથરવું મને સમજાતું નહોતું. … સાહેબના ગયા પછી આચાર્યે કહ્યું, "ખરાં છો તમે તો, સાહેબથી બીતાં ય નથી?"
તે સમયે હું એટલી બાઘી હતી (ચપટી સુધારો થયો છે) કે મેં એમ પૂછ્યું, "એટલે સાહેબથી બીવાનું એવો કોઈ નિયમ છે?" આચાર્યને જોઈને મને સાચે જ એમ લાગેલું કે તેવો નિયમ હોઈ શકે અને નિયમ તોડાય નહીં.
આદર અને કરપ્શન વચ્ચે ભેદ છે, આટલો જ. સાહેબ આવે ત્યારે માનપૂર્વક ઊભા થવું, આપણા કામનો હિસાબ આપવો, ના આવડતું હોય તો સલાહ લેવી – તેમને માલિક બનાવ્યા વગર (બોલ્ડમાં).
વિજ્ઞાનમાં (સાદી ભાષામાં) કામ/Workની વ્યાખ્યા આમ છે: સ્થિતિમાં (state of the…) બદલાવ. મેં એક દડાને ધક્કો માર્યો અને તે ના ખસ્યો તો તે કામ થયું ના કહેવાય. ભાષાકીય રીતે કહેવાય 'Not done'. એમ કહેવામાં 'work' શબ્દ પણ ખપમાં નથી લેવાતો. મારે એવાં એવાં કામ કરવાનાં થાય છે, જેને કામ જ ના કહેવાય. જ્ઞાની મિત્રોનું મગજ અને જીવ ખાઈને મેં સમજવા પ્રયત્ન કર્યા છે કે અમુક પત્રકનો end હેતું શું? જવાબ : 'બસ, system / પરંપરા / નિયમ છે.' પણ હું મૂઈ માસ્તર છું અને સભાન જીવ છું – સિસ્ટમમાં ન બંધાવું, મારા વિદ્યાર્થીને તે પ્રત્યે સભાન કરવો તે મારી નૈતિક ફરજ છે. પણ, Alas…. સિસ્ટમમાં રહીને ખૂબ કામ કર્યાં છે બૉટમ ટુ ટૉપ – અને એવા અધિકારી મળ્યા છે જે 'Get things done and that too qualitatively, with human touch', પણ, પ્રશ્ન એ છે કે તે વ્યવસ્થાનું નિહિત ચલણ કેમ નથી, અપવાદ કેમ છે?
રસોઈ કરવાની હોય, ધંધો કરવાનો હોય કે વર્ગ લેવાનો હોય, કામ કરનાર પાસે તેની બ્લુ પ્રિન્ટ હોય. ના હોય તે બૈરું ફૂવડ કહેવાય, ધંધો ના ચાલે, માસ્તર ફેઈલ જાય. પણ, ભારતનું વહીવટીતંત્ર એમ જ ચાલે છે.
અને Quality? કઈ બલાની વાત કરો છો?
સિલીકોન વૅલી – અમેરિકાની અને ભારતની – દુનિયાભરની સિસ્ટ્મ્સ માટે સૉફ્ટવેર બનાવે છે અને તેમાં ભારતીયો નોંધપાત્ર છે. આવી સિસ્ટમ્સની પ્રાથમિક જરૂરિયાત તરીકે હોય 'કસ્ટમર ફ્રેન્ડલીનસ'. આપણી દેશી કોઈ પણ સાઈટ કે ઍપ લઈ લો. ઍવરેજ કસ્ટમર જાણે ચંબલનો ડાકુ હોય એમ તેની વ્યવસ્થા હોય. મને થાય, "આ લોકો પેલા પ્રોગ્રામર નવયુવાનને એમ કહેતા હશે, પ્રોજેક્ટ પ્રપોઝલ વખતે – 'make it least customer friendly, સૌંદર્ય બોધ બને તેટલો નકારાત્મક?' આપણા નવા કન્ટ્રકસન જુઓ, જગ્યા ઉપરાંતના રિસોર્સિસનો ઉપયોગ જાણે કુરુપતા નિર્માણ માટે કરાયો હોય. ઉદાસીનતા એક તબક્કો છે અધ્યાત્મનો, પણ આ તે માટેનો રસ્તો તો નથી!
વિકસીત – ફર્સ્ટ વર્લ્ડ દેશોમાં ય વ્યવસ્થા ના તો દૂધે ધોયેલી છે, ના હૉલિવુડની ફિલ્મો જેવી છે. પણ, આમ નાગરિક દંડાતો, પીલાતો, પીસાતો નથી. અને એમ થાય તો ન્યાય માંગી શકાય છે અને મળે પણ છે.
આરોગ્ય સેતુ ઍપનો શો ઉપયોગ કર્યો? વૅક્સિનેશનના રજિસ્ટ્રેશનના ડેટા કેટલા પ્રકારના ઍનેલિસીસ માટે વાપર્યા? આ બે હોવા છતાં કેમ સેકન્ડ વેવ પારખવામાં મોડું થયું? ગત વર્ષથી કોવિડ માટે ચોક્કસ – અલગ માળખું કેમ નથી?
શા માટે સત્તાધારી પક્ષના હોદ્દેદારો સેવા માટે નીકળે, શા માટે સરકારી માણસોની ચૅનલ ના હોય?
કેમ આપણે આત્મનિર્ભર નથી? ઍટ લિસ્ટ, આપણા આધ્યાત્મની શાખે?
કેમ આપણી બાબુશાહી આટલી જડસુ છે?
શું હજી ય અંગ્રેજોનું રાજ ચાલે છે?
આપણે ચૂંટ્યા, ચલાવ્યા કેમ આવા લોકોને?
અત્યારે જે થઈ રહ્યું છે- એ આપણું સામૂહિક પાપ છે.
સૌજન્ય : લેખિકા, છાયાબહેન ઉપાધ્યાયની ફેઇસબૂક દિવાલેથી સાદર, 28 ઍપ્રિલ 2021