બાંગલાદેશની સ્વાધીનતાની સુવર્ણજયંતી અને બંગબંધુ શેખ મજિબૂર રહેમાનની શતાબ્દીનો અવસર કેવળ ભારતીય ઉપખંડ સારુ જ નહીં વિશ્વમાનવતાની દૃષ્ટિએ સુધ્ધાં એક સીમાઘટના છે, અને એમાં પણ ભારતે ભજવેલ મુક્તિભૂમિકાની રીતે આપણે માટે એની સાથે ભાવાત્મક સંધાન સવિશેષ હોય તે સ્વાભાવિક છે. એટલે શેખ હસીનાના વિશેષ નિમંત્રણથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એમાં સત્તાવાર સહભાગી ન કરાયા હોત તો એ અજુગતું જ લેખાત. આપણા વડા પ્રધાનનું સામેલ થવું યોગ્ય જ થયું, એમ કહેવું તે વાસ્તવકથન માત્ર છે.
બાંગલા સ્વાધીનતાની સુવર્ણજયંતીએ આપણે પક્ષે હરખ અને સ્વરાજચિંતન બંને સહજ હતાં અને છે. જો કે વડા પ્રધાન મોદીએ એમની અવસરસહજ ઊલટથી બાંગલા મુક્તિસંગ્રામની પોતાની સહભાગિતા અધોરેખિત ઢબે બોલી બતાવી એણે મિશ્ર પ્રતિભાવો સહિતનાં ટીકાટિપ્પણ પ્રેર્યાં હોઈ એ સંદર્ભમાં ઘટતી નુકતેચીનીને અવશ્ય અવકાશ છે. એને વિશે સહેજસાજ બે શબ્દો કહી આપણે એક જ ઉપખંડના યથાસંભવ હમવતનીને ધોરણે વ્યાપક સહવિચારમાં જવું પસંદ કરીએ તે ઈષ્ટ લેખાશે.
‘સંઘર્ષમાં ગુજરાત’ એ પુસ્તકની આરંભિક આવૃત્તિને પાછલે પૂંઠે બાંગલા મુક્તિ સત્યાગ્રહમાં સામેલ થઈ તિહારમાં જેલ (અલબત્ત પ્રતીકાત્મક સંકેત રૂપ) વહોરવાની જિકર નવી આવૃત્તિમાં નથી એવી ટીકા (અને મૂળ વિગત બાબતે પ્રશ્નાર્થ) સાંભળવા મળે છે. પણ એને વજન આપવાપણું હોય તો એટલું જ છે કે નવી આવૃત્તિ વખતે એ વાત એટલી અગત્યની નહીં જણાઈ હોય; પરંતુ વખતનાં વાજાં વખતે વાગે એ ન્યાયે ઢાકાની સરજમીં પર સુવર્ણગાનના હિસ્સા તરીકે એનું મહત્ત્વ ઢેકો કાઢે એ પણ સહજ છે. બાકી, મોદી ગુજરાતના મુખ્ય મંત્રી થયા તે પછી એમની સત્તાવાર વેબસાઈટ પરના હુલાવેલાફુલાવેલા પરિચયદાવા અને જાહેર ટીકા પછી એમાં થયેલી સુધારચેષ્ટા હવે ઇતિહાસવસ્તુ છે તે છે.
પણ તિહાર જેલમાં પ્રતીકવાસ લગી લઈ ગયેલ સત્યાગ્રહ વિશે થોડું સમજી લેવું જરૂરી છે. ઈંદિરા ગાંધી વડા પ્રધાન તરીકે બાંગલા સ્વાધીનતા સંગ્રામની તરફે વધુ સક્રિય બને એવી માંગ સાથેનો એ ‘સત્યાગ્રહ’ હતો. તે ઉપરાંત એમાં જેમ પાકિસ્તાન સરકારની કુચેષ્ટાનો વિરોધ નિહિત હતો તેમ એટલો જ બોલકો વિરોધ ઈંદિરા ગાંધીની સરકારે સોવિયત રશિયા સાથે જે મૈત્રી સંધિ કરી એનો પણ હતો. બાંગલા પ્રશ્ને અમેરિકા અને બીજાંની પાકતરફી રુખનો રાજનયિક ઉત્તર ઇંદિરાજીએ આ સંધિ રૂપે શોધ્યો હતો. જનસંઘે ત્યારે એ વિશે જે પણ કહ્યું હોય, જનતા અવતારમાં તેમ પહેલી એન.ડી.એ. સરકારમાં અને આજની તારીખે રશિયા સાથેનો આ સંબંધ બરકરાર છે અને નરેન્દ્ર મોદીનાં સત્તાવાર ઉદ્ગારોમાં પણ યથાપ્રસંગ આ મૈત્રી છલકતી માલૂમ પડે છે.
જ્યાં સુધી વડા પ્રધાન ઇંદિરા ગાંધીએ (એટલે કે ભારત સરકારે) બાંગલા સ્વાધીનતા સંગ્રામની તરફે વહેલી સક્રિયતા દાખવવાનો સવાલ છે, એમણે એ બાબતમાં લશ્કરી વડા સાથે મંત્રણાપૂર્વક ચોક્કસ સમયપત્રક નક્કી કર્યું હતું અને એ મુજબ આગળ વધ્યાં હતાં. માણેકશાએ સૂચવેલ સમયપત્રકની યથાર્થતા ફતેહ સાથે અંકિત થયેલી છે.
લશ્કરી કારવાઈ વહેલી હાથ ધરાઈ હોત તો પૂર્વ બંગાળમાં જાનહાનિ અને મહિલા રંજાડ ઓછાં થયાં હોત એવી ટીકાને અવશ્ય અવકાશ છે, પણ કોને ખબર મામલો ફતેહને બદલે ‘ડ્રો’માં યે પરિણ્મયો હોત. ગમે તેમ પણ, માણેકશાએ જે મુદ્દત પાડી એનો ઇંદિરા ગાંધીએ સંબંધિત વિશ્વસત્તાઓને સમજાવવામાં ઉપયોગ કર્યો.
વિશ્વભરમાં લોકમત ઘડતરની એવી જ એક બળુકી કોશિશ એ ગાળામાં કરનાર એક શખ્સિયત તે જયપ્રકાશ નારાયણ હતા. બાંગલાદેશની સુવર્ણજયંતીને અવસરે એમનું સ્મરણ આ ઉપખંડના એકંદર મુક્તિસંઘર્ષની રીતે તેમ વિશ્વમાનવતાના વ્યાપક સંદર્ભમાં લાજિમ છે. કૉંગ્રેસની જે બેઠકમાં ગાંધીજીએ વિભાજન નહીં સ્વીકારવાની છેલવેલ્લી વાત કરી તેમાં એમની તરફેણમાં જે અણુમતી અવાજો ઊઠયા તે જેપી, લોહિયા, બાદશાહ ખાન એમ ગણ્યાગાઠયા હતા. ભાગલા પડીને જ રહ્યા તે પછી પણ ભારત-પાક સમજૂતી માટેની ગેરસરકારી કોશિશમાં જેપી હંમેશ સક્રિય રહ્યા. ઉર્દૂ અને બંગાળીના મુદ્દે, પૂર્વ બંગાળ (પાકિસ્તાન) પર કરાચી-રાવલપિંડીની જોહુકમી તેમ જ તે સિવાયનીયે શોષણશાહી અને છતી બહુમતીએ પણ શેખ મુજિબૂર રહેમાનને સમગ્ર પાકિસ્તાનના વડા પ્રધાન નહીં થવા દેવાની દાંડાઈ સહિતના આંતરપ્રવાહોથી જયપ્રકાશ પરિચિત હતા અને ઉત્તરોત્તર પૂર્વ બંગાળ જાણે ઈસ્લામાબાદ હસ્તકનું સંસ્થાન (કોલોની) હોય એવી બદહાલત બાબતે તે સભાન અને સમસંવેદિત હતા. જ્યારે પૂર્વ બંગાળમાં મુક્તિસંગ્રામનો પ્રથમ પ્રસ્ફોટ થયો ત્યારે મુસહરી(બિહાર)ના આંતરિયાળ ગામડામાં દટાઈ નક્સલસંત્રસ્ત ઇલાકામાં સામાન્ય કાર્યકરોની સલામતીની બાલાશ સાથે જનસાધારણની સહભાગી સુખાકારી માટે સેવાજીવનમાં ડૂબેલા જયપ્રકાશે બહારની દુનિયા તરફ ખેંચાઈ વિશ્વમત કેળવવામાં પોતાનો ધર્મ જોયો.
ભાગલા પછી અને છતાં વિનોબા, જયપ્રકાશ, લોહિયા સૌ આખા ઉપખંડને એક એકમ તરીકે કલ્પતા રહ્યા અને કોઇ સમવાયી, અર્ધસમવાયી સમજૂતી ઝંખતા રહ્યા. વિનોબાએ તો એ.બી.સી. ત્રિકોણ – અફઘાનિસ્તાન, બર્મા (મ્યાંમાર) અને સિલોન જેવું એકમ – સૂચવ્યું હતું. એક વાકયમાં કહેવું હોય તો ધર્મકોમને નામે રાષ્ટ્રની વ્યાખ્યાનું અને એને અનુસરતા ભાગલાનું સર્મથન એમણે કદાપિ કર્યું નહીં. બાંગલાદેશની ઘટનાને ધર્મકોમ પર આધારિત દ્વિરાષ્ટ્રવાદને નકારનારા ઉન્મેષ તરીકે તેમ સંસ્થાનવાદમાંથી પ્રજાકીય મુક્તિની અથાગ ચાહ તરીકે જયપ્રકાશે જોઈ અને વિશ્વલોકમતને કેળવવા એ નીકળી પડયા. ઇંદિરા ગાંધીના નેતૃત્વમાં, માણેકશાના યોજકત્વમાં લશ્કરી કારવાઇ અડોઅડની આ બિનસરકારી કોશિશ કેટલી અસરકારક રહી હશે એનો અંદાજે અણસાર શેખ મુજિબે છુટકારા પછી લંડન અને દિલ્હીનાં સંબોધનોમાં જે રીતે આદર, આભાર અને કૃતજ્ઞતા સહ જયપ્રકાશનું નામ લીધું એના પરથી આવે છે, પણ ઇંદિરા સરકારે એમના પર જે દબાવ બનાવ્યો એને પરિણામે બંગબંધુએ ઢાકા પહોંચ્યા પછી જે સંબોધન કર્યું એમાંથી જેપીનું નામ ગાયબ હતું. આગળ ચાલતાં એમણે બાંગલાદેશમાં એકાધિકારનો બિનલોકશાહી રવૈયો લીધો જે ઇંદિરાજીના ૧૯૭૫-૭૭ના કટોકટીવાદ જેવો જ હતો.
ખરું જોતાં, કેમ કે ચિત્રમાં હિંદુત્વ રાજનીતિ આધારિત ભા.જ.પ. છે, બાંગલાદેશ સંદર્ભે બેત્રણ વિશેષ નિરીક્ષણો લાજિમ છે. ભા.જ.પ. બાંગલાદેશનું સમર્થન કરે છે ત્યારે હિંદુત્વ રાજનીતિની ધર્મકોમ આધારિત રાષ્ટ્રવ્યાખ્યાનું શું થાય છે ? ભા.જ.પ. એ વિગત જરૂર આગળ કરી શકે કે અમારા (જનસંઘના) સ્થાપક મુખર્જી પ્રથમ પ્રધાનમંડળમાં જોડાયા ત્યારે હિંદુ મહાસભા સાથે પૂર્વે સંધાન છતાં પ્રધાનમંડળ છોડયા પછી એમણે એમાં પાછા ફરવું યોગ્ય નહોતું ગણ્યું, કેમ કે હિંદુમુસ્લિમ સૌને સાર્વત્રિક પુખ્તવયમતાધિકારના પ્રજાસત્તાક બંધારણ પછી કોઇ એક ધર્મકોમબધ્ધ પક્ષ હોય તે એમને ઇષ્ટ નહોતું લાગતું. જનસંઘનું સભ્યપદ મુસ્લિમો માટે આરંભથી જ ખુલ્લું હતું. આ વિગત સાચી છતાં વસ્તુતઃ લંઘાતી અને ઊણીઅલૂણી છે; કેમ કે ભા.જ.પે. રાષ્ટ્રની ધર્મકોમનિષ્ઠ વ્યાખ્યાનો હિંદુત્વવિચાર છોડયો નથી. જો મુખર્જી હિંદુ મહાસભામાં પાછા ન ફર્યા એ વિચારતાંતણો આગળ લંબાવીએ તો એમણે રાષ્ટ્રની વ્યાખ્યામાં ધર્મકોમ છાંડીને આજકાલ જેને બંધારણીય અગર નાગરિક રાષ્ટ્રવાદ (કૉન્સ્ટિટ્યુશનલ / સિવિક નૅશનલિઝમ) કહેવાય છે તેમાં ઠરવાપણું હતું.
અખંડ બંગાળ અને એના નેતૃત્વની વાત નીકળી જ છે તો મુખર્જી વિશેનો એક કોયડો રજૂ કરું? એ બંગાળમાં ફઝલૂલ હક મંત્રીમંડળના સભ્ય હતા. ૧૯૪૦માં મુસ્લિમ લીગના અધિવેશનમાં પાકિસ્તાનનો જે વિધિવત્ ઠરાવ થયો તે એમણે મૂકેલો હતો. તેમ છતાં, હિંદુ મહાસભાના અગ્રણી મુખર્જી હક પ્રધાનમંડળમાં ચાલુ રહ્યા હતા. દેશને પૂછ્યા વગર અંગ્રેજ સરકારે વિશ્વયુદ્ધમાં આપણને સંડોવ્યા ત્યારે પ્રાંતિક સ્વરાજ અનુસાર રચાયેલાં કૉંગ્રેસ પ્રધાનમંડળોએ રાજીનામાં આપવું પસંદ કર્યું હતું. હક-મુખર્જી મંત્રીમંડળને આ પ્રકારે વિરોધ નોંધાવવું જરૂરી લાગ્યું નહોતું. આગળ ચાલતાં હિંદ છોડો ચળવળના દિવસોમાં, આ ચળવળ બ્રિટિશ યુદ્ધયત્નમાં અવરોધ કરતી હોઈ તેના નેતાઓને સરકારે પકડવામાં વિલંબ ન કરવો જોઈએ એવી મુખર્જીની સલાહ પણ રેકર્ડ પર છે. (મારા ખયાલ પ્રમાણે મધોકે મુખર્જીનું ચરિત્ર લખ્યું છે. બને કે એમાં આ અંગે કોઈક ખુલાસો કે સમજૂત હોય.) દરમિયાન, અહીં એ પણ સાંભરે છે કે ભારત-પાક વિભાજનની ચર્ચાના મહિનાઓમાં સ્વતંત્ર બંગાળનો વિચાર પણ ચાલ્યો હતો. નેતાજીના ભાઈ શરદચંદ્ર બોઝ વગેરેએ એની પહેલ કરી હતી. મુખર્જી એમાં નહોતા, કેમ કે સ્વતંત્ર બંગાળમાં મુસ્લિમ બહુમતી હોત. આવી જ અમૂઝણ અખંડ પંજાબના રાજકારણમાં પૂર્વે લજપતરાય જેવાઓને પણ થયેલી સમજાય છે. ભારતમાં હિંદુ બહુમતી પણ પંજાબમાં મુસ્લિમ બહુમતી એ પ્રશ્ન હતો. બંધારણીય અને નાગરિક રાષ્ટ્રવાદના ખયાલ પાસે એનો ઉકેલ હોઈ શકતો હતો, પણ … પ્રાંતિક સ્તરે મુસ્લિમ બહુમતીના ખયાલે બંગભંગ વખતની એકતાને આગળ ચાલતાં પાછી પાડી અને જે ‘ભદ્રલોક’ હતો તેને મુસ્લિમ બહુમતીવાળા અખંડ બંગાળથી હટીને વિભક્ત ભારતમાં ગોઠવાવું વધુ સલાહભર્યું લાગ્યું એ ઇતિહાસવસ્તુ છે.
સ્વરાજ માત્ર કૉંગ્રેસને નથી મળ્યું, સૌને મળ્યું છે એવી પકવ સમજને ધોરણે ગાંધીનહેરુપટેલની સ્વરાજત્રિપુટીએ જેમાં હાડના કૉંગ્રેસવિરોધી આંબેડકર અને મુખર્જી પણ હોઇ શકે એવું પ્રધાનમંડળ રચવાનો પથ પ્રશસ્ત કર્યો હતો. પૂર્વ બંગાળ(પાકિસ્તાન)માંથી હિંદુ હિજરત ચાલુ રહી ત્યારે મુખર્જીએ પ્રધાનમંડળ છોડયું હતું અને પશ્ચિમ બંગાળ પાછા ફર્યા હતા. નેહરુએ પાકિસ્તાન સાથે સમજૂતી કરી કે સરહદની બંને બાજુએ લઘુમતી પંચ હોવું જોઇએ જેથી ભારતના મુસ્લિમો કે પાકિસ્તાનના હિંદુઓ પોતાને અરક્ષિત ન અનુભવે. પાકિસ્તાન સાથે સમજૂતીની જરૂરત ક્ષુબ્ધ ને રોષે ભરાયેલ પશ્ચિમ બંગાળને સમજાવવાની ફરજ ભાંગલી તબિયતે કોલકાતા પહોંચી વલ્લભભાઇએ બજાવી હતી. (૨૦૦૨ના ગુજરાતમાં સત્તામંડળીને સારુ લઘુમતી પંચ અને માનવ અધિકાર પંચ નઠારા વિપક્ષરૂપ બલકે શત્રુવત્ હતાં, એ સાંભરે છે?)
૧૯૯૨ની ૬ઠ્ઠી ડિસેમ્બરને પગલે બાંગલાદેશમાં હિંદુવિરોધી હુલ્લડો થયાં હતાં એ જાણીતું છે. એ અરસામાં આપણે ત્યાં એક સંવેદનશીલ વીરનાયિકા લેખે ઉભરેલું વ્યક્તિત્વ તસલિમા નસરીનનું હતું. ‘લજ્જા’ નવલકથામાં એમણે બંગબંધુ સમર્થક હિંદુ પરિવાર પરનો કોમી આતંક ચીતર્યો હતો. સ્વાભાવિક જ ભા.જ.પ. વર્તુળોમાં (જેમ દેશના મોટા ભાગના લોકોમાં) નસરીનનું નામ ઉંચકાયું હતું. બાંગલા મુલ્લાશાહીથી સંત્રસ્ત તસલિમાએ ભારતમાં શરણ લીધા પછી કેટલેક વર્ષે ‘લજ્જા’ની અનુનવલ લખી છે જેમાં પેલો બાંગલા હિંદુ પરિવાર ભારતમાં સ્થાયી થઇ હિંદુત્વ રાજનીતિમાં જોડાઇ અંતે કેવો પાછો પડે છે અને હતાશા અનુભવે છે એનું ચિત્ર જોવા મળે છે. ભાઇ, ઉગાર ધર્મકોમની રાજનીતિમાં નથી પણ બંધારણીય રાષ્ટ્રવાદ ખીલવવામાં છે. આજના બાંગલાદેશમાં પણ બિનસાંપ્રદાયિક અભિગમ છતાં આ પ્રકારના પ્રશ્નો જાગતા રહે છે એમ વખતોવખત મળતા હેવાલો પરથી સમજાય છે. ગમે તેમ પણ, ‘લજ્જા’ વખતે ગા-ગા-લ-ગા સૌને સારુ એની અનુનવલ જાતતપાસમાં મદદરૂપ જરૂર થઈ શકે. બાંગલાદેશની સુવર્ણજયંતીએ ભારત સારુ એમાં ખાસું ખાણદાણ રહેલું છે.
બાંગલાદેશની સુવર્ણજયંતી જેમ હરખટાણું તેમ પડકારટાણું લઇને આવે છે. ઇતિહાસનો બોધપાઠ સરહદની બંને બાજુએ સદૈવ સંભળાતો અને સમજાતો રહો. બંગબંધુ અને ઇંદિરા ગાંધી કે શેખ હસીના અને નરેન્દ્ર મોદી, અવામી લીગ કે ભા.જ.પ.થી હટીને એ મૂલ્યો પણ ધ્યાન ખેંચતાં રહો જે ગાંધીનહેરુપટેલની આબોહવામાં ભારત સરકારે સ્થાપવા કોશિશ કરી હતી અને ગાંધીજેપીલોહિયાની પ્રજાસૂય ભૂમિકામાં જેની સતત જિકર થતી રહે છે. .
સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઍપ્રિલ 2021; પૃ. 02 તેમ જ 15