હૈયાને દરબાર
જૂની રંગભૂમિ એનાં ગીત-સંગીતને લીધે વધારે સમૃદ્ધ હતી. નાનપણમાં કેટલાંક હાસ્યાસ્પદ અને હાસ્યરસ પ્રધાન ગીતો સાંભળ્યાં હતાં પણ એ વખતે ખબર નહોતી કે આ ગીતો આપણી જૂની રંગભૂમિનાં ગીતો હતાં! આવાં ફારસ ગીતોમાં તરત યાદ આવે એવાં ગીતો એટલે, છગન મગન તારે છાપરે લગન, તમે જોજો ના વાયદા વિતાવજો પિયુ પહેલી પેસેન્જરમાં આવજો, સામી સડક પર બંગલો, ગુડબાય ગુડબાય ટાટા ટાટા તથા ઝટ જાઓ ચંદનહાર લાવો ઘુંઘટ નહીં ખોલું હું …!
ઝટ જાઓ ગીત પછીથી ‘અખંડ સૌભાગ્યવતી’ ફિલ્મમાં લેવાયું હતું. આજે ય ગીત-સંગીતની મહેફિલમાં હોટ ફેવરિટ છે. આપણા કવિઓએ ગુજરાતી નાટકો માટે હિન્દી ગીતો પણ લખ્યાં હતાં.
જૂની રંગભૂમિમાં ગીતો હોવાં જ જોઈએ એવો આગ્રહ માત્ર કવિ કે ગાયકનો જ નહીં દરેક નાટ્યકારનો રહેતો. તખ્તા પર પ્રસંગો આકાર પામે, વાતાવરણ સર્જાય અને કોઈક કટોકટી કાળે ગીત હાજર થતાં સંવાદો અટકે અને ઊર્મિ તંત્ર સાબદું થાય. શ્રોતાઓને તરબતર કરી દે એવું સંગીત પિરસાય અને તખ્તાનો માહોલ બદલાય. પ્રાચીન રંગભૂમિમાં મુખ્યત્વે હાર્મોનિયમ, તબલાં અને ક્યારેક પખાવજ અને પાવાનો ઉપયોગ થતો. આ વાદ્યો સાથે પાત્ર સ્ટેજ પર ગીત ગાય. કેટલીકવાર કથા કંઈક જુદી ચાલતી હોય અને લોકોના મનોરંજન માટે વચ્ચે કોઈ ગીત આવી જાય.
ત્યાર પછી જમાનો બદલાયો. ટેકનોલોજીના વ્યાપ સાથે નાટકનું સ્વરૂપ બદલાયું. પરંતુ, નવી રંગભૂમિમાંથી સંગીતનું મહત્ત્વ જરા ય ઓછું થયું નથી. આધુનિક રંગભૂમિમાં કેટલા ય ઉત્તમ સંગીતકારોએ સંગીત આપ્યું છે.
જો કે, આ વાતને ય વર્ષોનાં વહાણાં વાયાં. નાટકમાં હવે તો ગીત-સંગીતની આખી સ્ટાઈલ જ બદલાઈ ગઈ છે. નવી રંગભૂમિમાં છેલ્લે સાંભળેલાં ઉત્તમ નાટ્યગીતોમાં ‘અમે બરફનાં પંખી’, ‘સંતુ રંગીલી’, ‘ખેલૈયા’, ‘એવા મુંબઈમાં ચાલ જઈએ’, ‘અમસ્તા અમસ્તા’, ‘તાથૈયા’, ‘માસ્ટર ફૂલમણિ’, ‘કલાપી’, ‘અખો આખાબોલો’, ‘મીરાં સામે પાર’, ‘મારો પિયુ ગયો રંગૂન’ જેવાં નાટકનાં ગીતો અચૂક યાદ આવે. ‘અમસ્તા અમસ્તા’ નાટક દ્વારા આપણા સચિન-જિગર જોડીમાંના એક સચીન સંઘવી લાઈમ લાઈટમાં આવ્યા હતા.
પરંતુ એ પછી દોર આવ્યો ગુજરાતી નાટકોમાં ફિલ્મી ગીતો ઘુસાડવાનો. દરેક નાટકમાં ફિલ્મી ગીતોની મેડલી અથવા ફિલ્મી ડાન્સ હોય જ. શું ગુજરાતી પ્રેક્ષકોને બધે જ ફિલ્મી ગીતોના વઘારનો છંટકાવ જોઈએ છે? કે નિર્માતાઓ ધારી લે છે કે ફિલ્મ સંગીત વિના ગુજરાતી નાટકો ના ચાલે? તો પછી ઉપર દર્શાવ્યાં એ તમામ નાટકોનાં ગુજરાતી ગીત લોકહૈયે કેવી રીતે વસ્યાં?
અલબત્ત, તાજેતરમા લંડનની ‘શિવમ’ નાટ્યસંસ્થા દ્વારા રજૂ થયેલાં બે રમૂજી નાટક ‘મારી હનીને ભાવે મની’ તેમ જ ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ વીડિયો પર ઓનલાઈન જોયાં. ઓન ડિમાન્ડ આ નાટકો જોઈ શકાય છે. સોશિયલ કોમેડીથી સામાન્ય રીતે હું દૂર રહું છું. પરંતુ, આ બન્ને નાટકોમાં ભદ્દી કોમેડીને બદલે સામાજિક સંદેશ સાથે હળવી રમૂજ હતી. એ ય પાછી લંડનવાસીઓની ટિપિકલ ગુજરાતીમાં. છોગામાં ગીતો ય ખરાં. જૂની રંગભૂમિનાં ગીતોના ઢાળ ઉપર નવા શબ્દો. ઝટ જાઓ ચંદનહાર પ્રકારનું ગીત; ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે, જીવનમાં ભંગ પડ્યો રે મારા ભૈ કે આજ મારી પૂરી ફજેતી થઈ, હું તો લકી ડીપ ભરી ભરી થાકી કાનુડા તારા મનમાં નથી, આ મારી વાઈફ અને આ મારી લાઈફ …જેવાં ગીતો જૂની રંગભૂમિની યાદ અપાવતાં હતાં.
આ વિશે આ નાટકોના નિર્માતા, દિગ્દર્શક, લેખક કિરણ પુરોહિત કહે છે, "લગભગ ત્રીસેક વર્ષથી હું લંડનમાં નાટ્યપ્રવૃત્તિ કરી રહ્યો છું. ૧૯૮૫માં લંડન આવ્યો ત્યારે શરૂઆતમાં ભારતીય વિદ્યાભવન સાથે નાટ્યપ્રવૃત્તિ કરતો હતો. ફૂલ ટાઈમ ડ્રામા ડિરેક્ટર તરીકે જોડાયો હતો. ત્યારબાદ મારી સર્જનાત્મકતા વિકસાવવા ૧૯૯૩માં મેં મારા દીકરાના નામ પરથી ‘શિવમ થિયેટર્સ’ શરૂ કર્યું. એ સાઉથ એશિયન થિયેટર કંપની છે. સૌથી પહેલું નાટક મૂળરાજ રાજડાની સ્ક્રિપ્ટ પરથી ‘ચકડોળ’ કર્યું જેનું નામ અમે ‘એક ભૂલ ડબ્બાડૂલ’ રાખ્યું હતું. ખૂબ વખણાયું. એ પછી મેં પોતે જ લંડનની સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને નાટકો લખવાનાં શરૂ કર્યાં. લંડનની અંડરગ્રાઉન્ડ ટ્યુબ રેલવે લાઈનનો નકશો જેમને ખબર હશે તેઓ સમજી શકશે કે કેટલી બધી લાઈનોનાં ક્રોસ કનેક્શન હોય છે. દરેક પાટા એકબીજાને અડકીને છૂટા પડી જાય. જોબ માટે ટ્રેનમાં જતો ત્યારે મેં આ નોંધ્યું અને વિચાર્યું કે માનવસંબંધો પણ આવા અટપટા અને ટચ એન્ડ ગો જેવા જ હોય છે. એક જ છત નીચે રહે છતાં સૌ એકબીજાથી અલગ. આત્મા અને ફેમિલી બોન્ડિંગ વગરનું ઘર. એ થીમ પરથી ’પપ્પા પરણ્યા ત્રીજી વાર’ નાટક લખ્યું. એક છત નીચે રહેતો પરિવાર એકબીજાથી સાવ દૂર છે પરંતુ ઘરમાં બનતી એક દુ:ખદ ઘટના એમને નજીક લાવે છે એ નાટકનો મુખ્ય સૂર હતો. આ નાટક અત્યંત સફળ નિવડ્યું. એને ઇંગ્લેન્ડ આર્ટ કાઉન્સિલની ગ્રાન્ટ પણ મળી. ગુજરાતી નાટક માટે આ બહુ મોટી ઘટના કહેવાય.
“ત્યારપછી લગભગ દર વર્ષે હું એકાદ-બે નવાં નાટકો કરતો. અમારાં ગુજરાતી નાટકો ઘણીવાર અંગ્રેજો પણ જોવા આવે છે. અંગ્રેજો નાટકના ખૂબ શોખીન છે. લંડનનાં નાટ્યગૃહો છ મહિના પહેલાં હાઉસફૂલ થઈ જાય છે. એમને ઘણીવાર ગુજરાતી નાટકોમાં ય રસ પડે છે. તેથી આખા ગુજરાતી નાટકને અમે એવા શોમાં ગુજલિશ બનાવી દઈએ છીએ. જાણીને આશ્ચર્ય થશે પરંતુ ગયા વર્ષે રજૂ થયેલા ‘મારી હનીને ભાવે મની’ નાટકને પણ ‘આર્ટ્સ કાઉન્સિલ ઑફ ઇંગ્લેન્ડ’ તરફથી એવોર્ડ મળ્યો છે. અત્યાર સુધીમાં ૮૦ શો કર્યા પરંતુ લોકડાઉનમાં થિયેટર્સ બંધ હોવાથી થોડા સમય પૂરતાં સ્થગિત છે. આ નાટકમાં આશિત દેસાઈએ સંગીત આપ્યું છે. આ નાટકની થીમ લોટરીમાં રાતોરાત કમાઈને પૈસાદાર થઈ જવાની વૃત્તિ વિશે છે. અવનવી ઘટનાઓ બાદ લોભી પરિવારને ખાતરી થાય છે કે ‘મની કાન્ટ બાય હેપીનેસ’. એટલું જ નહીં, ભગવાને તમને જે કલા-કારીગરી આપી છે એના પર જ ફોકસ કરવું. પૈસા રળવા બીજે ફાંફાં ન મારવાં એ પણ આ નાટકનો સંદેશ છે. આર્ટ કાઉન્સિલે આ નાટકને આખા યુ.કે.ની ટૂર કરવા માટે ફંડ પણ આપ્યું છે એ અમારે માટે ગર્વની વાત છે. ‘શિવમ થિયેટર’ અત્યારે આખા યુ.કે.નું એક માત્ર સ્વતંત્ર અને સ્વનિર્ભર પ્રોડક્શન હાઉસ છે.”
નાટકનાં ગીતો લખનાર અને પોતે જ ગાનાર કિરણ પુરોહિત ગીતોનાં સંદર્ભમાં કહે છે કે, "મ્યુઝિકલ પ્લે હંમેશાં દર્શકોનું મનોરંજન કરે છે. એમાં ય હું લંડનના ગુજરાતીઓની માનસિકતાને આધારે, અહીં બોલાતી ગુજરાતી ભાષા પ્રમાણે હાસ્ય નિષ્પન્ન થાય એવાં જ ગીતો લખું છું. આ ગીતોમાં ક્યાં ય બેઢંગ કે અશોભનીય ભાષા નથી હોતી. નાટકની કથા પ્રમાણે શુદ્ધ મનોરંજન આપવાનો જ હેતુ છે. લેસ્ટરના ચંદુભાઈ મટ્ટાણીએ આશિત દેસાઈનું નામ સૂચવ્યું હતું. એમણે નાટકને અનુરૂપ સરસ બેકગ્રાઉન્ડ મ્યુઝિક અને ગીતોનું ડબિંગ કરી આપ્યું હતું.’
સંબંધોની નોકઝોંક દર્શાવતાં ગીતો તથા લંડનના ગુજરાતીઓની ભાષા સાંભળવી એ આ નાટકોનો લહાવો છે. જૂની રંગભૂમિને ૨૧મી સદીના સંવાદો સાથે સજીવન કરી હસતાં હસાવતાં જીવનના સાચાં મૂલ્યો આ નાટકો સમજાવે છે. દરેક શહેરની, એના વિસ્તારોની અમુક ખૂબીઓ હોય છે. મુંબઈનાં નાટકોમાં જેમ મરીન ડ્રાઈવ, કાંદિવલી-બોરીવલી કે બાન્દ્રાની વાત સાહજિક રીતે વણાઈ જાય એમ આ નાટકોમાં વેમ્બલીનાં ખાખરા-થેપલાં, વોટફર્ડના હાઈ ફંડાની વાત પણ આવે. પિકાડેલી સર્કસના ઓટલે પાનનો ગલ્લો ખોલવાનું તો એક ગુજરાતી જ વિચારી શકે. વાત મૂળ એ છે ભાંગવાડી બંધ થઈ, જૂની રંગભૂમિ ગઈ પણ એનાં ગીતો વિદેશમાં ય હજુ ગાજે છે. સંગીતની આ જ તો કમાલ છે!
—
ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે
મને લેવો છે જેકપોટનો લહાવો
રસોડે નહીં રાંધું રે
ન મળે ફ્રીઝરમાં ફ્રોઝન ફૂડ ને
નહીં મળે દાળ-ભાત
જેકપોટ જો નહીં લાગશે,
તો વારે વારે હું પાડીશ હડતાલ રે,
રસોડે નહીં રાંધું રે …
આ..હા.. નાણાંનાં નખરાં બધાં ને
નાણાંના સૌ નાદ
સમજીને માગવાનું તું નહીં મૂકે,
મને મુકાવીશ લંડન શહેર રે …
અરે, હેરોડ્ઝમાં શોપિંગ કરીશ
અને કરીશ લંડનમાં લહેર, સમજ્યાને!
લોટરી લાગી તો હું બદલીશ તમારી ચાલ રે ..
ઝટ જાઓ લકી ડીપ લાવો રસોડે નહીં રાંધું રે!
• ગીતકાર : કિરણ પુરોહિત • સંગીત : આશિત દેસાઈ • ગાયકો : કિરણ પુરોહિત અને રમીલા હાલાઈ
સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 05 નવેમ્બર 2020
http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=658907