કોરોના વાઇરસની પ્રકૃતિ ખૂબ જ ચેપી છે તેથી તેનાથી બચવા માટે માસ્ક, ગ્લોવ્ઝ, પી.પી.ઇ. કીટ વગેરેનો મોટા પાયે ઉપયોગ થાય છે. વપરાયા પછી તે ખૂબ જ ચેપી કચરો બની જાય છે. આવો કચરો મોટા પ્રમાણમાં હૉસ્પિટલો, પૅથોલોજિકલ લેબોરેટરીઝ અને ક્વૉરન્ટીન સેન્ટરોમાં પેદા થાય છે. વાઇરસના અધિક ફેલાવાના દિવસોમાં ચીનના વુહાનમાં બાયો-મૅડિકલ કચરાની માત્રા છ ગણી વધી ગઈ હતી. ભારતના સંદર્ભમાં હજુ આવું કોઈ અધ્યયન થયું નથી, પરંતુ ધારી શકાય છે કે અહીં પણ બાયો-મૅડિકલ વેસ્ટનું પ્રમાણ ખૂબ વધી ગયું હશે. એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કે હૉસ્પિટલોનો કચરો — દવા, દવાનાં પૅકેટ, પાણીની બોટલ, કાગળ વગેરે અત્યાર સુધી બિનચેપી માનવામાં આવતાં હતાં. પરંતુ કોરોના વાઇરસ તેની ઉપર પણ જીવંત રહી શકે છે. એટલે હવે તેને પણ ચેપી કચરો ગણવાનો છે.
શું ભારત આટલા મોટા પ્રમાણમાં પેદા થઈ રહેલા બાયો-મૅડિકલ વેસ્ટના નિકાલ માટે સક્ષમ છે? ભારતમાં રોજ આવો ૬૦૮ ટન કચરો પેદા થાય છે. તેના નિકાલ માટે આપણી પાસે ૧૯૮ કૉમન બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટની સુવિધાઓ છે. તે ઉપરાંત ૨૨૫ હૉસ્પિટલોના પોતાના ઇન્સિનરેટરમાં કચરો સળગાવી દેવામાં આવે છે. આ સંખ્યા દેશમાં મોજુદ ૨.૬૦ લાખ હૅલ્થ કેર ફેસિલિટીના હિસાબે ઘણી જ ઓછી છે. એ પણ નોંધવું જોઈએ કે દેશનાં સાત રાજ્યોમાં કોઈ કૉમન વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી નથી! એટલે હંમેશાં દવાખાનાંનો ઘણો બધો કચરો ગમે ત્યાં ફેંકેલો કે મ્યુનિસિપાલિટીના કચરાના ઢગલામાં જોવા મળે છે. સામાન્ય દિવસોમાં પણ તે ખતરનાક ગણાય. પણ એ જોખમ દેશના ૪૦ લાખ બેહદ ગરીબ અને દલિત કચરો વીણનારા માટે હોય છે. એટલે નીતિનિર્ધારકોને તેમની કોઈ ચિંતા હોતી નથી.
પરંતુ કોવિડ-૧૯થી અલગ સ્થિતિ પેદા થઈ છે. સંશોધનો પરથી જણાય છે કે જાડા કાગળ કે પૂંઠા પર કોરોના વાઇરસ ૨૪ કલાક, ધાતુ તથા પ્લાસ્ટિક પર ૭૨ કલાક એટલે કે ત્રણ દિવસો સુધી સક્રિય રહે છે. ખૂબ જ ચેપી હોવાથી આ વાઇરસ તેના સંપર્કમાં આવતા લોકોને ચેપ લગાડે છે. અત્યાર સુધી કોરોનાના પ્રત્યેક દરદીઓની સારવાર નિર્ધારિત કોવિડ હૉસ્પિટલોમાં જ થતી હતી. તે સિવાયના સંભવિત દરદીઓને નિર્ધારિત ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવતા હતા. એટલે આ જગ્યાઓએ જે કચરો પેદા થતો હતો, તેની દેખરેખ અને સુરક્ષિત રીતે નિકાલ શક્ય હતાં જો કે આવું કેટલી હદે કરવામાં આવતું હતું, એ કહેવું મુશ્કેલ છે.
પરંતુ હવે લાખો લોકો શહેરોથી ગામો અને નગરો તરફ જઈ રહ્યા છે. તેમાંના ઘણાંને ક્વૉરન્ટીન કરવામાં આવશે. શક્ય છે કે તે પૈકીના ઘણાંને તેમના ઘરમાં જ અલગ રાખવામાં આવશે. તે સિવાયનાં મામૂલી લક્ષણો ધરાવતા કોવિડ-૧૯ દરદીઓની પણ ઘરે રહીને સારવાર કરવામાં આવશે. તે તમામ લોકોને, કમ સે કમ સૈદ્ધાંતિક રીતે, ચેપ ફેલાવવા માટે સક્ષમ માનવામાં આવશે. સવાલ એ છે કે આ લોકોના ઘરે જે કચરો પેદા થશે તેનું શું કરવામાં આવશે? શું તે અલગથી સંગ્રહીને પીળા રંગની ખાસ પોલિથીન બેગમાં રાખવામાં આવશે? શું પછી તેને એકઠો કરીને નિકાલ માટે નિર્ધારિત બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી સુધી પહોંચાડવામાં આવશે? શું તેને હૉસ્પિટલોના ઈન્સિનરેટરમાં સળગાવી દેવામાં આવશે? જો આમ નહીં થાય તો આ કચરો બીજા સામાન્ય કચરા ભેગો કચરાના ખડકલામાં પહોંચીને બીજા લોકોને સંક્રમિત નહીં કરે?
હવે એવું તો માની લેવાય નહીં કે ચેપ કચરાના સંપર્કમાં આવનાર સુધી જ સીમિત રહેશે અને એ તેનો વાહક નહીં બને. એટલે કે બીજાને ચેપ નહીં લગાડે અને તેનો ફેલાવો નહીં કરે. યાદ રહે, મહાનગરોના જે વિસ્તારોને રેડ ઝોન ઘોષિત કર્યા છે ત્યાં પણ ચોકીદાર અને સફાઈ કામદારને આવતા બંધ કરવામાં આવ્યા નથી. તે સિવાય સફાઈ કામદાર અને તેના પરિવારના સભ્યો ઘણીબધી જગ્યાએ જશે. એટલે જો સફાઈ કામદાર સંક્રમિત થાય તો આ બીમારી બહુ મોટી વસ્તીમાં પ્રસરી શકે છે, એટલું સમજી લેવું જોઈએ.
આ વાત આ રીતે એટલે કહેવામાં આવી રહી છે કે જો જોખમ માત્ર સફાઈ કામદારોના માથે જ હોત તો બાકીનો સમાજ તેમને મરવા દેત. પરંતુ આ વખતે ઉચ્ચ વર્ગ અને મધ્યમ વર્ગ માટે તે શક્ય નથી. સંક્રમણનું જોખમ એમને પણ છે. કોરોનાકાળમાં ‘પવિત્ર’ અને ‘અપવિત્ર’ લોકોનાં હિત બહુ વિચિત્ર રીતે એક થઈ ગયાં છે. જો સફાઈ કર્મચારીઓને મોટી સંખ્યામાં ચેપ લાગે તો એ પણ જોખમ છે. હાલમાં ઘણાંબધાં સફાઈ કામદારો સંક્રમણથી કોરોના પૉઝિટિવ બન્યા છે જ. તેમ છતાં તેમને કામ કરવા મજબૂર કરવામાં આવશે? શક્ય છે કે ઘણાંબધાં સફાઈ કામદારો તો જાણતા પણ નહીં હોય કે ચેપગ્રસ્ત કચરો પણ જીવલેણ નીવડી શકે છે. પરંતુ શક્ય છે કે હવે તેમને આ બાબતની ખબર પડે. બલકે જરૂરી તો એ છે કે તેમને આ જોખમથી વાકેફ કરવામાં આવે. જાન અને જહાનમાંથી — જિંદગી અને રોજગારમાંથી — જો સફાઈ કામદારો રોજગારને બદલે જિંદગીની પસંદગી કરશે તો પરિણામ શું આવશે? શું તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી શકાશે? મોટા ભાગના સફાઈ કામદારો હંગામી અને રોજમદાર છે પગારના નામે તેમને મહિને દસેક હજાર રૂપિયા આપવામાં આવે છે આવા કામદારોને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી કેટલી કારગત નીવડી શકે? ઘણાની જિંદગી તો કચરાના નિકાલ દરમિયાન તેમાંથી મળતી વસ્તુઓ પર જ નિર્ભર છે અને તેમને કોઈ જ પ્રકારનું વેતન મળતું નથી. આવા લોકોને આપણે કઈ નોકરીમાંથી કાઢી મુકીશું? શું આ લોકો પર એસેન્શિયલ સર્વિસ મેઇન્ટેનન્સ એકટ લગાવીને તેમને જેલમાં મોકલી શકાશે?
જો સફાઈ કામદારની કામગીરી આવશ્યક છે, તો તે બાબતને પ્રાથમિકતા આપીને તેમને યોગ્ય વેતન કેમ આપવામાં આવતું નથી? તેમને માસ્ક અને ગ્લોવ્ઝ વિના કામ કેમ કરવું પડે છે? તે જીવ જોખમમાં મુકીને કામ કરે છે, તો સરકાર તેમનો વીમો ઉતરાવી તેનું પ્રીમિયમ કેમ ભરતી નથી? ગટરમાં ઉતરનારા સફાઈ કામદાર વિશે માનવામાં આવે છે કે ત્યાં મોતનું જોખમ ભારત-પાકિસ્તાન સરહદ પર નોકરી કરતા સેનાના જવાન કરતાં પણ વધુ છે. તો પછી દેશ તેમનો યોગ્ય ખ્યાલ કેમ રાખતો નથી ?
આગામી સંકટથી બચવા માટે ઘણાં કામ કરવાં પડશે. સૌથી પહેલાં તો તમામ સફાઈ કામદારોને પ્રાથમિકતાના ધોરણે તમામ સુરક્ષા સાધનો આપવામાં આવે. તેમને આવાં જોખમી કામ માટે એટલો આકર્ષક પગાર આપવામાં આવે કે કોઈને કામ છોડીને જવાનું મન ના થાય. બધાં ક્વૉરન્ટીન સેન્ટર અને ઘરમાં ચેપી કચરો અલગ રાખવા બાબતે જાગૃતિ ફેલાવવામાં આવે. સામાન્ય રીતે વરસે દહાડે હૉસ્પિટલો, ક્લિનિક, પૅથોલોજિકલ લેબોરેટરી અને બાયો-મૅડિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીમાં કચરાના નિકાલ માટેની ગાઈડલાઈનનો ભંગ થવાના આશરે ૨૭,૦૦૦ કેસ જાહેર થાય છે. કોવિડ-૧૯ના સમયે તો આ લાપરવાહી જીવલેણ સાબિત થઈ શકે છે. એટલે બધાને નિયમોથી માહિતગાર કરીને તેનો સખ્તાઈથી અમલ કરવાનું સુનિશ્ચિત કરવું પડશે.
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે કોવિડ-૧૯ના કચરાના નિકાલ અંગે વિસ્તૃત ગાઈડલાઈન પ્રગટ કરી છે. તેનો સઘન પ્રચાર આમજનતા સુધી કરવામાં આવે. કેમ કે હવે કોવિડ-૧૯ના દરદીઓ ઘરે પણ રહેશે. બાયો-મૅડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ ફેસિલિટી અને ઈન્સિનરેટર બનાવવાનું રાતોરાત શક્ય નથી. પરંતુ કમ સે કમ દેશના પ્રત્યેક જિલ્લામાં આ પ્રકારની સુવિધા હોય તે દિશામાં આજથી જ કામ શરૂ કરી દેવું જોઈએ. એ ખરું કે આ લાંબા ગાળાનું કામ છે પરંતુ તે પૈકીનું કેટલું કામ જો કોરોનાકાળમાં થઈ શકતું હોય, તો તે માટે પ્રયત્નો કરવા જોઈએ.
અનુવાદ :ચંદુ મહેરિયા
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 20 મે 2020