કોરોનાનું ધુમ્મસ ખસે છે જ ક્યાં?
પૃથ્વી પર માનવ વસે છે જ ક્યાં?
છે ચારે તરફ ઊંચી નીચી દીવાલો,
ઝરણ સ્નેહનું ખળભળે છે જ ક્યાં?
બધા ચહેરા જાણે કે બહેરામૂંગા,
જીવનનું જન્તર બજે છે જ ક્યાં?
અડાબીડ જંગલમાં લાગ્યો છે દવ,
લહર શિત અહીં તો શ્વસે છે જ ક્યાં?
પૂર્વ હો યા પશ્ચિમ, ગમે તે કહો પણ,
દિશા જેવું દર્પણ ઝગે છે જ ક્યાં?
બધું હાથતાળી દઈ વિલસી ગયું,
હવે રાત દિવસ ઊગે છે જ ક્યાં?
કહો, ઉત્તરો શોધવા ક્યાં જવું?
વિના પ્રશ્નો કશુંયે ધસે છે જ ક્યાં?
સૌજન્ય : “નિરીક્ષક” − ડિજિટલ આવૃત્તિ; 31 મે 2020