પર્યાવરણ તો ગાંધી સમાજનું પણ બદલાયું છે. આ સમાજ નિષ્પ્રભાવી થઈ ગયો છે. જે સંસ્થાઓ સામાજિક કાર્ય માટે બની હતી, તે સંસ્થાઓમાં આજે હવે સત્તા, સાધન અને સંપત્તિના મુદ્દાને લઈને ખેંચતાણ થવા માંડી છે. ગાંધીવિચારનું કાર્ય માત્ર પ્રભાવ અને પ્રેરણાથી જ થઈ શકે છે. આજે ગાંધીજીને માત્ર પ્રતીક બનાવીને જ છોડવા જોઈએ નહિ, પરંતુ ગાંધીજીને પોતાનાં વિચાર અને મૂલ્યોનાં કેન્દ્રમાં રાખો.
મહાત્મા ગાંધીના જન્મનાં ૧૫૦ વર્ષ મનાવવા માટે તમામ લોકો પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યાં છે. એવું સહેજ પણ નથી કે ગાંધીવિચારનું મહત્ત્વ તેમનાં ૧૪૯માં વર્ષમાં ઓછું હોય અને ૧૫૦માં વર્ષમાં વધી જાય. આ ૧૫૦ તો માત્ર એક આંકડો છે. કે જેવી રીતે સફર પર નીકળેલા લોકો માટે કોઈ ચોક્કસ લક્ષ્ય હોય છે, કંઈક એવી રીતે જ ‘ગાંધી ૧૫૦’ આપણા માટે છે. અહીં પહોંચીને આપણે હિસાબ માંડીએ છીએ કે આપણે ક્યાંથી નીકળ્યા હતાં અને કેટલાં દૂર આવી ગયાં છીએ? ક્યાં જઈ રહ્યાં છીએ? શું આપણો પથ યોગ્ય છે, શું આપણી દિશા યોગ્ય છે? આપણે જ્યાં પહોંચવા માંગીએ છીએ, ત્યાં સુધી પહોંચવા માટે શું કરીશું?
ગાંધીજીની લોકશક્તિએ ગુલામીની રાજશક્તિનો પડકાર ઝીલ્યો હતો અને તે મુજબ સક્ષમ પણ બન્યા હતા. તેમણે નબળા લોકોને મજબૂત બનાવવા માટે બે રસ્તા દેખાડ્યા, એક સત્ય અને બીજો અહિંસા. દેશની રાજનૈતિક આઝાદીના સમયે આપણી સમક્ષ એક બહુ મોટો પડકાર હતો. આપણે સામાજિક, આર્થિક, યાંત્રિક અને સાંસ્કૃિતક સ્વતંત્રતા તરફ આગળ ધપવાનું હતું. રાજનૈતિક આઝાદી તો એકમાત્ર સાધન હતું કે જેના થકી આપણા સમાજમાં જવાબદારી, સંયમ અને સ્વાધ્યાય લાવી શકાય. ગાંધીજીના ઘણાં સહયોગીઓએ તેમનું આ કાર્ય તેમના પશ્ચાત્ પણ ખૂબ જ મન લગાવીને કર્યું.
ભૂદાન અને સર્વોદય આંદોલન આ પ્રવૃત્તિનાં બે અગત્યના ઉદાહરણ છે. તે સમયના નેતૃત્વને ગાંધીજીએ જાતે જ તૈયાર કર્યું હતું અને વિનોબા, જે.સી. કુમારપ્પા અને કાકા કાલેલકર જેવા મહાનુભાવોએ ગાંધીજીની સાથે એકતાથી કાર્ય કર્યું હતું. ગાંધીવિચારને તેઓએ પુસ્તકો થકી નહોતો પ્રાપ્ત કર્યો. તેઓમાં તે દેશી પરંપરા જીવંત હતી કે જેને ગાંધીજીએ પોતાની જીવન-સાધનાથી જાગૃત કરી હતી. તેમનામાં સામાજિક ઊંચાઈ હતી, ઉદારતા હતી અને પ્રવીણતા હતી.
આઝાદીનાં ૧૫-૨૦ વર્ષ બાદ સુધી લોકશક્તિ એકઠી કરવાનું કાર્ય ગાંધીવિચારના ભાવથી થતું રહ્યું. પરંતુ, ત્યારબાદ લોકશક્તિનો વ્યાપ થવાની જગ્યાએ તેનો અભાવ વધતો ગયો. તેની સાથે-સાથે રાજશક્તિનો પ્રભાવ તમામ ક્ષેત્રમાં વધતો ગયો.
અત્યારે સ્થિતિ ખૂબ જ ઝડપથી વણસી રહી છે. અત્યારે તમામ ક્ષેત્રમાં રાજશક્તિનો વ્યાપ વધી રહ્યો છે અને લોકશક્તિની વૃદ્ધિ ધીમી પડી રહી છે. ખેડૂતો અને વણકરોની દુર્દશા વિશે તો બધાને ખબર જ છે. રોજગારી, વિજ્ઞાન, શોધ, ઉદ્યમ, યાંત્રિકીકરણ જેવાં તમામ ક્ષેત્રમાં આજે રાજશક્તિનું કદ વધી ગયું છે. માત્ર આટલું જ નહિ, જે કોઈ પણ જગ્યાએ લોકશક્તિ પોતાને સંયોજિત કરવાનો પ્રયાસ કરે છે તે તમામ જગ્યાઓએ રાજસત્તાનાં પ્રતિષ્ઠાન થકી તેમનાં કાર્ય પર પ્રશ્ન ઉઠાવવામાં આવે છે. કે જાણે જનતા અને સમાજની મત આપવા સિવાય દેશ-સમાજમાં કોઈ ભૂમિકા જ નથી. આ પ્રમાણે તો કોઈ પણ સ્વસ્થ સમાજ ઊભો રહી શકે નહિ. આપણી ગુલામીનું કારણ પણ ઇતિહાસ આમાં જ જણાવી રહ્યો છે, આપણી લોકશક્તિએ રાજશક્તિ સમક્ષ હથિયાર હેઠા મૂકી દીધાં હતાં.
આજે આપણી પાસે રાજનૈતિક સ્વતંત્રા છે, પણ આપણે પોતાના જ થકી તૈયાર કરવામાં આવેલી વ્યવસ્થાઓ સામે પરાધીન થઈ રહ્યા છીએ. આપણે ‘વિકાસ’ની ગુલામીમાં ફસાઈ રહ્યા છીએ. એવો વિકાસ કે જે પ્રાકૃતિક સાધનોનો નાશ કરે છે અને તેના થકી તૈયાર થયેલાં સાધનો રાજશક્તિને અર્પણ કરી દે છે. આટલી તાકાત રાજશક્તિ પોતાના થકી પેદા કરી શકતી નથી અને આટલાં સાધન પચાવી પણ શકતી નથી. માટે જ આ રાજશક્તિ નિરંકુશ પૂંજીવાદ અને બજારને પોતાનો આધાર બનાવી રહી છે. બજાર અને રાજસત્તાએ ‘વિકાસ’ નામનાં બાળકને પોતાનો કેદી બનાવી લીધો છે.
આનાથી તદ્દન વિરુદ્ધ, ગાંધીજીએ સૌથી નબળા લોકોને તાકાત આપી હતી અને તેમના મનમાંથી રાજશક્તિનો ડર હટાવ્યો હતો. તેમણે પ્રમાણિત કર્યું હતું કે ઉદ્યમ એ અનૈતિક જ હોય એ જરૂરી નથી, સામાજિક સમરસતાથી લોકો ધર્મ અને જાતિની સંકુચિત માનસિકતામાંથી બહાર આવી શકે છે. પરંતુ, આ નવો વિકાસ તો નિર્બળને વધારે પરાધીન બનાવે છે અને નબળાની બલિ ચઢાવે છે. આજે ગરીબીનાં વમળમાં ફસાતા લોકો માટે વિકલ્પ તરીકે માત્ર ગુનો અને હિંસા જ બચેલાં રહ્યાં છે. સત્ય અને અહિંસા આધારિત ઉદાહરણનો અભાવ છે.
આપણા દેશની એક વિશેષતા રહેલી છે. આપણા દેશમાં ગરીબ અને સામાન્ય લોકોની રોજગારી પ્રાકૃતિક સંસાધનો પર આધારિત છે, પર્યાવરણની સ્થિતિ પર ટકેલી છે. પર્યાવરણની આધુનિક ચેતનાની પાછળ પણ ગાંધી-પરિવારના એક સર્વોદયી કાર્યકર્તા જ હતા. ચંડીપ્રસાદ ભટ્ટના નેતૃત્વ હેઠળ ચિપકો આંદોલને સમગ્ર દુનિયાને દેખાડ્યું હતું કે સામાન્ય લોકો પોતાનાં વન, પોતાનાં પર્યાવરણની રક્ષા કરવા માટે સક્ષમ છે. કારણ કે તેમનો પોતાનાં પર્યાવરણની સાથે જીવંત સંબંધ છે. તેઓની રોજગારી જંગલ-પાણી પર આધારિત છે. રાજશક્તિને જંગલમાં માત્ર કાપવા લાયક લાકડાં જ દેખાય છે. ચિપકો ગ્રામીણ મહિલાઓનું આંદોલન હતું, પર્યાવરણીય ચેતનાનો નારો.
પરંતુ, આપણા સમાજનાં સાધન-સંપન્ન વર્ગનો ખેડૂત અને શ્રમિક વર્ગની સાથે કોઈ જ સંબંધ જોવા મળતો નથી. આ સાધન-સંપન્ન વર્ગને સસ્તું ભોજન તો જોઈએ છે પરંતુ તે ખેડૂત અને ખેતીની માટી માટે જરા ય પણ ચિંતિત નથી. જો આ સાધન-સંપન્ન વર્ગની આપણી ખેતી થકી જરૂરિયાત પૂર્ણ નહિ થાય તો તે આંતરરાષ્ટ્રીય બજારની તાકાતથી વિદેશી ખાદ્ય વસ્તુઓ લાવી શકે છે. બજાર પર આધારિત સંબંધ બજારુ જ હોય છે, તેમાં સામાજિક બંધનોની મીઠાશ હોય જ નહિ. બેરોજગાર વણકરો આત્મહત્યા કરી રહ્યા છે, પરંતુ આપણો અભિજાત્ય વર્ગ આયાત કરેલાં વસ્ત્રો પહેરીને તૃપ્ત છે. આપણા લોકો, આપણો દેશ, આપણી માટી, આપણાં નદી-તળાવ પ્રત્યે તેઓમાં કોઈ રાગ જ નથી. માત્ર અમર્યાદિત લાલચ અને ઉપભોગ છે, જેને લૂંટવામાં અને અનીતિ કરવામાં તેને કોઈ સંકોચ નથી થતો.
બજાર અને રાજશક્તિનાં નશામાં ધૂત આ વર્ગનાં માપદંડ પશ્ચિમનાં તે સમાજમાંથી આવે છે કે જે સમાજનાં અતિશય ઉપભોગના કારણે આજે પૃથ્વીનો જળવાયુ બદલાઈ રહ્યો છે. વૈજ્ઞાનિકો માને છે કે જળવાયુ-પરિવર્તનથી મોટું સંકટ અને તેનાં કરતાં પણ મોટો પ્રલય મનુષ્ય જાતિએ ક્યારે ય જોયો જ નથી. આગામી શતાબ્દીમાં આ ઘટના આપણી દુનિયાને એવી તો ઊંધી કરશે કે જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેની સૌથી ખરાબ આપણા જેવા અનેક ગરીબ દેશ પર પડશે અને તેના માટે જવાબદાર છે પશ્ચિમના દેશ, ઉપભોગની તૃષ્ણા પૂર્ણ કરનાર અનેક ઔદ્યોગીકરણ કે જેના વિનાશકારી સ્વભાવ વિશે ગાંધીજીએ આપણને અગાઉ જ ચેતવી દીધા હતા.
ગાંધીજીનાં લખાણમાં પર્યાવરણ શબ્દ જોવા નથી મળતો, કારણ કે તેમનાં સમયમાં પર્યાવરણનાં વિનાશે આવું રૌદ્રરૂપ નહોતું ધારણ કર્યું કે જેવો આપણે આજે પર્યાવરણનો અનુભવ કરી રહ્યા છીએ. છતાં, ગાંધીજીનાં લખાણમાં અને તેમના જીવન-કર્મમાં, સાધનો પ્રત્યે ખૂબ જ સાવધાની જોવા મળે છે. કારણ કે ગાંધીજીને એ વાતની ખબર હતી કે પર્યાવરણની રક્ષામાં સૌથી નબળા લોકોના હિતોની રક્ષા છે. જે ‘ગ્રામસ્વરાજ્ય’ની વાત ગાંધીજીએ કરી, તેમાં માત્ર નદી, કૂવા અને તળાવ જ નહિ, માટી, પશુ-પક્ષી અને અન્ય તમામ જીવજંતુઓને માટે સ્થાન છે. તેમાં સંબંધ માત્ર ઉપયોગ અને ઉપભોગ પૂરતાં નથી પરંતુ સમગ્ર સૃષ્ટિને પોતાનાપણા અને મમતાસભર રીતે જોવાની વાત છે. નહિ તો આજે પર્યાવરણની વાત કરનાર લોકો ગાંધીજીને આટલા કેમ માનતા હોત?
પર્યાવરણ તો ગાંધી સમાજનું પણ બદલાયું છે. આપણે નિષ્પ્રભાવી થયા છીએ. જે સંસ્થાઓ સામાજિક કાર્ય માટે બની હતી, તે સંસ્થાઓમાં આજે હવે સત્તા, સાધન અને સંપત્તિના મુદ્દાને લઈને ખેંચતાણ થવા માંડી છે, મનભેદ પણ જોવા મળી રહ્યા છે. ગાંધીવિચારનું કાર્ય માત્ર પ્રભાવ અને પ્રેરણાથી જ થઈ શકે છે. નિયંત્રણ અથવા તિકડમથી થઈ શકે નહિ. જો ગાંધીજીને સત્તા અને પ્રભુત્વથી કામ કરવું હોત તો તેમણે સત્ય અને અહિંસાનો આશરો કેમ લીધો હોત? કોઈ ચૂંટણી લડ્યા હોત, કોઈ મહત્ત્વપૂર્ણ પદ પર બિરાજમાન થઈ ગયા હોત. પણ, તેમણે આવું કર્યું નહિ. ગાંધીજીને કોઈ પ્રતિષ્ઠાન પર નહિ, આપણા દિલ પર રાજ કરવું હતું.આજે આપણે પોતપોતાની સંસ્થાઓમાં, પ્રતિષ્ઠાનોમાં નિયંત્રણની લડાઈ લડી રહ્યા છીએ. આ આત્મઘાત જ છે. આપણે આપણા પથથી ભટકી રહ્યા છીએ, માટે જ આપણો પ્રભાવ ઘટી રહ્યો છે. સંસ્થાઓમાં નવી ઉર્જાનો સંચય થાય તેવા નવા અને પ્રતિભાશાળી લોકો રહ્યા નથી. આપણે સામાજિક કાર્યકર્તા છીએ છતાં પણ આપણે લોકોની ચોક્કસ નસ શોધી શક્યા નથી. તેઓને આપવા માટે જે સ્નેહ અને પ્રેમ આપણી પાસે હોવો જોઈએ, તેને આપણો આંતરિક વિગ્રહ નષ્ટ કરી રહ્યો છે.
આ ભટકાવથી આપણે બચવું પડશે, એકબીજાનો સાથ આપવો પડશે. આપણાં વિચાર અને મૂલ્યોને વર્તમાન જરૂરિયાતના હિસાબથી તાજાં કરવાં પડશે. એ તો નિશ્ચિત જ છે કે જો આપણે આ નહિ કરીએ તો આપણે મરવું પડશે. આપણા વિચાર પર આધારિત કર્મ વિના આપણું વજૂદ લાંબા સમય સુધી બચી નહિ શકે.
લોકશક્તિનાં સંયોજન માટે અઢળક પ્રેમ જોઈએ અને સાથે ખૂબ લગાવ અને સામાજિકતા પણ જોઈએ. નહિ તો રાજશક્તિ અને પૂંજીની સામે સત્ય અને અહિંસા હારી જશે. સત્ય અને અહિંસા એટલા માટે નહિ હારે કારણ કે તેનામાં તાકાત નથી. તે એટલા માટે હારશે કારણ કે સત્ય અને અહિંસામાં માનનાર લોકોમાં પોતાનાં મૂલ્યો પ્રત્યેનો વિશ્વાસ નબળો પડી ગયો છે.
આપણા દ્વેષ એટલા ઊંડા પણ નથી. જો આપણે એકબીજાથી હારવા માટે તૈયાર થઈ જઈએ, તો આપણા તમામની જીત પાક્કી છે. આપણે ગાંધીજીને માત્ર પ્રતીક બનાવીને જ છોડવા જોઈએ નહિ, પરંતુ ગાંધીજીને પોતાનાં વિચાર અને મૂલ્યોનાં કેન્દ્રમાં રાખીએ.
અનુવાદ – નિલય ભાવસાર
e.mail : nbhavsarsafri@gmail.com