બાપુ ગમે કે ન ગમે, તેમની નીડરતાને તો નમવું જ રહ્યું
ગાંધી ઘણાને નથી ગમતા. આ અણગમો સમજી શકાય તેવો છે. શૌર્ય, સેના, રણમેદાન, એક ઘા ને બે કટકા પસંદ કરનારા લોકોને ગાંધી પસંદ ન પડે તે સ્વાભાવિક છે. પણ અહીં એક વાત ખાસ સમજી લેવા જેવી છે કે ગાંધી શસ્ત્રબળ કરતાં શરીરબળને વધુ આદર આપતા. શસ્ત્ર કે સત્તા કે પૈસાના જોરે કોઈના પર ચડી બેસવા કરતાં સીધેસીધી શારીરિક બાથંબાથીને ગાંધી સારી ગણાવતા. ‘હિંદ સ્વરાજ’માં એમણે લખેલું – ‘‘(આધુનિક સુધારા અપનાવી ચૂકેલો માણસ બાવડાંના જોરે ફેંકાતા) ભાલાને બદલે એક પછી એક પાંચ ઘા કરી શકે એવી ચક્કરડીવાળી બંદૂકડી વાપરે છે … અગાઉ માણસો જ્યારે લડવા માગતા ત્યારે એકબીજાનું શરીરબળ અજમાવતા. હવે તો તોપના એક ગોળાથી હજારો જાન લઈ શકે છે … અગાઉ માણસોને મારીને ગુલામ કરતા; હાલ માણસોને પૈસાની અને ભોગની લાલચ આપીને ગુલામ બનાવે છે.’’
આનો અર્થ એવો નથી કે ગાંધી મારીને ગુલામ બનાવવાની કે શારીરિક મારામારીની કે ભાલાના ઉપયોગની તરફેણ કરે છે. ના, મામલો સાપેક્ષતાનો છે. લડવું જ પડે તો પોતાના બાવડાના જોરે લડવું સારું, એવો ગાંધીનો દૃઢ મત હતો. અલબત્ત, એ જાણતા હતા કે વિજ્ઞાન-યંત્રો-શસ્ત્રોના ક્ષેત્રે થયેલા વિકરાળ વિકાસ બાદ હવે માણસો યુદ્ધે ચડશે ત્યારે આધુનિક શસ્ત્રોનો જ ઉપયોગ થવાનો. સીધી વાત છે કે આજે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના કિમ જોંગ-ઉન કંઈ પંજા નથી લડાવવાના કે મલ્લકુસ્તી નથી કરવાના કે પછી પેલા વાઈલ્ડ રેસલર્સની જેમ એકમેકના માથે ખુરસીઓ ફટકારીને સટાસટી નથી બોલાવવાના. એ લોકો ચાંપ દાબીને લડશે, અણુશસ્ત્રોની ચાંપ. એક ચાંપ દાબી કે લાખો-કરોડોનો ખાતમો. ગાંધી આ જોખમ બહુ સારી રીતે જાણતા હતા. એટલે તેમનો આગ્રહ હતો કે લડવું જ પડે તો હાથોહાથ લડવું સારું. બાકી, સશસ્ત્ર યુદ્ધો તો ટાળવામાં જ સાર છે.
તો, ગાંધીનો લડતની પસંદગીનો ક્રમ આ પ્રમાણે હતોઃ શસ્ત્રો વડે લડવા કરતાં હાથથી લડવું સારું અને હાથથી લડવા કરતાં પણ અહિંસક ઢબે, આત્મબળથી, તપના જોરે, આપભોગ વડે લડવું વધારે સારું.
ગાંધી અહિંસક હતા, શસ્ત્રવિરોધી હતા, યુદ્ધવિરોધી હતા, પણ એ ભીરુ નહોતા. ગાંધીને કાયર, વેવલા, ભારતદ્રોહી, પાકિસ્તાનપ્રેમી વગેરે જેવાં અનેક વિશેષણો દ્વારા નવાજવાનું પ્રમાણ ધીમી પણ મક્કમ ગતિએ વધી રહેલું જોવા મળી રહ્યું છે ત્યારે કમસે કમ આ એક મામલે સ્પષ્ટતા ખાસ જરૂરી છે કે આ માણસ બીજું ગમે તે હોય, કાયર નહોતો. અસલમાં એમને કાયરતા સામે ભારે ચીડ હતી. ચીડ તો એમને અનેક ચીજો સામે હતી (જેમાંની એક ચીડ સેક્સ -ગણતરીપૂર્વક સંતાનપ્રાપ્તિ માટે કરવામાં આવેલા સમાગમ સિવાયના તમામ સમાગમો – સામે પણ હતી અને એમની આ ચીડ મારા નમ્ર મત મુજબ અયોગ્ય હતી), પરંતુ કાયરતા સામેની એમની ચીડ કાબિલેદાદ હતી. ૧૯૧૬ની ચોથી ફેબ્રુઆરીએ બનારસમાં આપેલા જે ભાષણને કારણે ગાંધી ભારતભરમાં છવાઈ ગયા એ ભાષણમાં એમણે બનારસમાં ઠેર ઠેર જાસૂસોની ફોજ ખડકી દેનાર લોર્ડ હાર્ડિંજ પર એવો કટાક્ષ કરેલો કે આવા અવિશ્વાસ અને ડર સાથે મરી મરીને જીવવા કરતાં તો મોત સારું. અંગ્રજોના રાજમાં અંગ્રેજ વાઈસરોયને કાયરતાના મામલે છેડેચોક આવી વાત કહેવા માટે જે છાતી જોઈએ એ ગાંધીમાં હતી.
નીડરતામાં ગાંધીનો મુકાબલો કરે એવા બહુ ઓછાં રત્નો પૃથ્વી પર પેદા થતાં હોય છે. ભારતની વાત કરીએ તો નીડરતાના મામલે શિવાજી-પ્રતાપ-ભગતસિંહની હરોળમાં વટથી બેસી શકે એવી એક હસ્તી હતા, વીર ગાંધી. કોમી રમખાણોમાં ભડકે બળી રહેલા બંગાળમાં મુસ્લિમોના એરિયામાં પોતાને રામભક્ત હિન્દુ ગણાવનાર આ ભડવીર આરામથી ભટકતો હતો. ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ એમના પર જીવલેણ હુમલો થયો એ પહેલાં પણ એમને મારવાના ચાર પ્રયાસો થઈ ચૂકેલા. છતાં, એમણે પોલીસરક્ષણની ના પાડી દીધેલી. એક રીતે જોતાં આ મૂર્ખામી પણ લાગી શકે. જ્યારે તમને ખબર હોય કે કેટલાક લોકો તમને મારવા માટે મન બનાવી ચૂક્યા છે, ત્યારે પણ ખુલ્લી છાતીએ (બૂલેટપ્રૂફ બખ્તર તો ઠીક, સાદા ગંજી વિનાની ખુલ્લી છાતીએ) ટોળાં વચ્ચે ફરવું એમાં મૂર્ખામી હોય તો પણ, એ માટે બહાદુરી જોઈએ.
‘શોલે’માં ઠાકુર જ્યારે જય-વીરુને કહે છે કે હું કાનૂનની રક્ષા માટે લડું છું અને તમે કાનૂન તોડવા લડો છે, ત્યારે સ્માર્ટ જયે કહેલું, ‘ઔર દોનોં હી કામોં મેં બહાદુરી કી ઝરૂરત હોતી હૈ.’ એ જ રીતે, જેમ શસ્ત્ર વડે લડવામાં પણ બહાદુરી જોઈએ તેમ નિઃશસ્ત્ર ઘુમવામાં પણ બહાદુરી જોઈએ. ઇન ફેક્ટ, વધુ બહાદુરી જોઈએ.આજની તારીખે, આખી દુનિયામાં, ગાંધી જેટલી બહાદુરી દાખવી શકનાર કોણ છે? કદાચ કોઈ નથી. આ વાતે, આજે એમની મૃત્યુિતથિ નિમિત્તે, આ ભડવીરને, આ ‘વીર અહિંસાવાળા બાપુ’ને એમના ચાહકોએ તો ઠીક, વિરોધીઓએ પણ એક સલામ કરવી રહી.
સલામ, બાપુ.
(આજના મિડ-ડેમાં છપાયેલો લેખ, ઝીણા સુધારાવધારા સાથે)
સૌજન્ય : ‘આર્ટ અૉફ થિન્કિંગ’, “ગુજરાતી મિડ-ડે”, 30 જાન્યુઆરી 2018
https://www.facebook.com/dipak.soliya.1/posts/10156024359350138