‘સ્પૅલિન્ગ બી’ સ્પર્ધાથી સ્પર્ધકોમાં અખૂટ ભાષાપ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગે છે.
ભાષા-સાહિત્યના સૌ હિતૈષીઓ – પ્રૌઢો અને વયસ્ક સમકાલિકો – અવારનવાર ગુજરાતી ભાષાની ચિન્તા કરતા રહ્યા છે. જોડણી, લિપ્યન્તરણ, પારિભાષિક શબ્દો, પરભાષાના અનૂદિત શબ્દો, વગેરેમાં સુધારાવધારા માટે એમના તરફથી અંગત ભૂમિકાનાં વિવિધ મત-મન્તવ્યો મળતાં રહ્યાં છે, પણ હજી લગી કશી બહુસ્વીકૃત એકવાક્યતા પર પહોંચી શકાયું નથી. તાજેતરમાં હેમન્ત દવેએ ‘સૌથી સારો – કે સૌથી ઓછો ખરાબ – ગુજરાતી શબ્દકોશ કયો ?’ શીર્ષક હેઠળ પૂરા ખન્તથી કોશવિષયક અધ્યયનલેખ કર્યો છે. (જુઓ ‘નિરીક્ષક’, ૧ જૂન ૨૦૧૭). હું માનું છું કે એથી કોશસુધારની વળીને એક માતબર અને સંગીન તક જન્મી છે. હેમન્ત દવે ઉપરાન્ત ઊર્મિ દેસાઇ, યોગેન્દ્ર વ્યાસ, બાબુ સુથાર અને અન્ય તદ્વિદોના નેજા હેઠળ ગૂજરાત વિદ્યાપીઠ, અન્ય યુનિવર્સિટીઓ અને સાહિત્યસંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે નવ-દિવસીય ૨-૩ કાર્યશાળાઓ કરીને જોડણીવિષયક એક એવી પરિશુદ્ધ ભૂમિકા હાંસલ કરવી ઘટે છે, જેના સત્ત્વબળે ફરીથી એક વાર ઘોષણા કરી શકાય કે — હવે પછી કોઇને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.
જો કે, વડીલોના આ વારસા કે વાંક સાથે ગુજરાતીભાષી વિદ્યાર્થી- વિદ્યાર્થિનીઓનું ખાસ કશું જોડાણ રહ્યું નથી. તેમ છતાં, મને લાગે છે કે કશા પણ ભાષા-સુધાર માટે એઓને લઇને શુભારમ્ભ કરીએ તો લેખે લાગે, કેમ કે પાકા ઘડે કાંઠા નથી ચડવાના. જોગાનુજોગ, હું આજે ‘સ્પૅલિન્ગ બી’ની વાત કરવાનો ’તો. હવે કરું. અમેરિકામાં વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અંગ્રેજી શબ્દોની જોડણી, ઉચ્ચારો, વ્યાખ્યા, વ્યુત્પત્તિ વગેરેની જે મહા સ્પર્ધામાં ભાગ લે છે, એનું નામ ‘સ્પૅલિન્ગ બી’ છે. ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ સંસ્થા આ સ્પર્ધા યોજે છે. ભાગ લેનારને ‘સ્પૅલર’ કહે છે. ભાષાનિષ્ણાતોએ જોયું છે કે છેલ્લા દસકથી ઇન્ડિયન-અમેરિકન છોકરા-છોકરીઓએ ‘સ્પૅલિન્ગ બી’ કૉમ્પિટિશનમાં નામ કાઢ્યું છે બલકે સ્પર્ધાને સાર્થક ઠેરવી છે. છેલ્લા વર્ષના ૧૦ ટૉપર્સમાં ૭ સ્પૅલર્સ ઇન્ડિયન હતા. ફ્રેસ્નો, કૅલિફોર્નિયાની માત્ર ૧૨ વર્ષની છોકરી અનન્યા વિનય ૨૦૧૭-ની ‘સ્ક્રિપ્પસ નૅશનલ સ્પૅલિન્ગ બી’ બની છે. નૉર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીનાં નૃવંશવિજ્ઞાની શાલિની શંકર આ ‘સ્પૅલિન્ગ કલ્ચર’ વિશે પુસ્તક લખી રહ્યાં છે. લોક એમને મજાકમાં પૂછતું હોય છે કે ઇન્ડિયન બ્રેઇનમાં એવું તે કયું જન્મજાત તત્ત્વ છે જે આ સ્પર્ધા સાથે સુસંગત થઇ સ્પર્ધકને વિજય લગી પહોંચાડે છે ? કશો ‘સ્પૅલિન્ગ જિન’ છે એમાં ? સંસ્થાનાં ડાયરેક્ટર પૅઇજ કિમ્બલ એમ કહે છે કે આ દેશમાં (અમેરિકામાં) સાઉથ એશિયન્સ વધુ ને વધુ ઇન્ટિગ્રેટ થતાં રહે છે, સ-ફળ થવા પરિશ્રમ કરે છે, એ પરિબળનો આ સફળતામાં મોટો હિસ્સો છે.
એ બેનને ક્યાં ખબર છે કે એશિયન-અમેરિકન, આપણી વાત કરીએ તો, ગુજરાતી મા-બાપો, ભારતીય સંસ્કૃિત સાથે સંલગ્ન રહેવા માટે પોતાથી થાય એ બધું જ કરે છે. સન્તાનો ‘સ્પૅલિન્ગ બી’ માટે જ નહીં પણ ભારતીય અને અમેરિકી સંસ્કૃિતના ગજગ્રાહ વચ્ચે ઘણી જહેમતથી પોતાનો રસ્તો આકારે છે. રવિવારની સવારે ઇન્ડિયન ટૅમ્પલમાં જઇ સંસ્કૃતમાં ગીતાપાઠ કરે ને તેને અંગ્રેજીમાં સમજી ચિત્તમાં જ્યાં ગોઠવાય ત્યાં ગોઠવે. રામાયણ-મહાભારતમાંથી આવડે એવી ભજણીઓ કરે. કોઇ કૃષ્ણ બને, કોઇ રાધા, કોઇ રામ-સીતા, કોઇ રાવણ. બપોરે હોમવર્ક કરે, સાંજે બેઝબૉલની પ્રૅક્ટિસ માટે જાય, ને રાત્રે કશી વિડીઓ ગેમમાં થોડી તડાફડી કરી ઝટપટ સૂઇ જાય, કેમ કે સવારે વહેલા ઊઠી એ જ અઠવાડિક રફતારમાં એમણે મચી પડવાનું હોય છે. અને હા, આ બધો વખત એમને પપ્પા-મમ્મીનું કે મૉમ-ડૅડીનું સાચી-ખોટી વાક્યરચનાવાળું અને ગુજરાતી ઍક્સેન્ટથી ભરમાયેલું અંગ્રેજી સાંભળવું પડે છે, સહેવું પડે છે. એ જ સન્તાનોને ઘરની બહાર પગ મૂકતાંની વારમાં, ટોટલિ અમેરિકન ઍમ્બિયન્સમાં – માહોલમાં – જીવવું રહે છે. આ દશા માત્ર ગુજરાતી સન્તાનોની નથી, તેલુગુ કન્નડ મરાઠી કે પંજાબીની પણ છે. તેમ છતાં, તેમ છતાં, જો એ સન્તાનો પરિશ્રમપૂર્વક ‘સ્પૅલ બી ટૉપર્સ’ થઇને કારકિર્દી બુલંદ કરતાં હોય તો મને એ પેઢીમાં રસ પડે છે. કશી પણ ભાષા-આશા એમનાથી ફળીભૂત થઇ શકે એવો ભરોસો પડે છે. કેમ કે એટલું નક્કી છે કે આ સ્પર્ધાથી એમનામાં અખૂટ ભાષા પ્રેમ અને સંસ્કૃિત માટેની જિજ્ઞાસા જાગી હોય છે.
ગુજરાતમાં ય સન્તાનો કઠિનાઇઓ સાથે ઊછરતાં હોય છે. મા-બાપો ‘ગુજરેજી’ બોલતાં હોય. કાકા-કાકી કહેતાં રહે, અંગ્રેજી પાકું કર, એ વિના તારો ઉદ્ધાર નથી. માસીબા ઠસાવતાં રહે, બેટા, માતૃભાષાને વીસરી જઇશ તો ઘણું ગુમાવીશ. બૉયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ એને મલ્ટિપૅક્સમાં વેસ્ટર્ન મૂવી જોવા સાગ્રહ લઇ જાય છે. કૉલેજ-વયનાં કોઇને તો હવે ડેટિન્ગ જેવા વેસ્ટર્ન ઍપિસોડ માટે પણ ‘ફોર્સ’ વેઠવો પડે છે. એ બાપડી કે બાપડો કરે તો, કરે શું ? મારી દૃષ્ટિએ આ પેઢી નિર્દોષ છે તેથી કરુણાપાત્ર છે પણ આગલી પેઢી દયાજનક છે. અમેરિકામાં ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ મુખ્યત્વે દુનિયાભરની ચીજો માટેના અંગ્રેજી શબ્દો માટે યોજાય છે. આજે એની વાત કરીને હું એમ કહેવા માગું છું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના શબ્દો માટે આ સ્પર્ધા યોજવી જરૂરી છે. પ્રિલિમિનરીથી ફાઇનલ સુધીના પ્રોગ્રામનું સુનિયોજન કરવું જરૂરી છે. માધ્યમિક શાળાઓમાં પછી આન્તરશાળાકીય સ્તરે તેમ જ યુનિવર્સટીઓમાં ને પછી ઇન્ટર-યુનિવર્સિટી લેવલે સ્પર્ધા રાજ્યવ્યાપી બની રહે એમ કરી કરવું અશક્ય નથી. સાચો ઉચ્ચાર, સાચો અર્થ, એ બે બાબતોથી શુભારમ્ભ કરી શકાય. વ્યાખ્યા, વ્યુત્પત્તિ, પછીથી દાખલ કરાય. મેં સાંભળ્યું છે કે ગુજરાતમાં ક્યાંક યોજાય છે. પણ એવા રડ્યખડ્યા પ્રયાસોથી આપણું ભાષા-દુ:ખ નહીં મટે કેમ કે બહુ જૂનું છે. અરે યાર! મારા પ્યારા કેટલાક સાહિત્યકારોને, કેટલાક વહાલા મારા ગુજરાતીના અધ્યાપકોને, ઍચોડીઓને અને પીઍચડી-પદવીધારકોને પણ, સાચા ઉચ્ચાર અને સાચા અર્થના, કેટલીયે વાર સાંસા પડી જાય છે. ત્યાં, પડોશી મનુભાઇની કે કરિયાણાવાળા કાનજીભાઇની તો વાત જ શી કરવી ! શિક્ષિત કે અ-શિક્ષિત સૌ ગુજરાતીઓને ગાડું ગબડાવવું છે. બધાંને મમ્ મમ્-થી કામ છે. શું કરો !
સફેદ લૅંઘો-ઝભ્ભો-બંડી ને સફેદ સૅન્ડલમાં ડાર્ક ગોગલ્સધારી આયોજનસમર્થ દીસતા એક નેતાસદૃશ જણને મેં આ વાત કરી, તો ક્હૅ, સ્પૅલિન્ગ તો પ્રાથમિક બાબત કહેવાય, કેવું લાગે ! શરમ આવે ! મેં કહ્યું, વાત શરમાવા જેવી તો છે ! કરશો તો જાણશો કે અંધારાં કેટલાં ઊંડાં છે. પાછું એ ન પૂછતા કે ‘સ્પૅલિન્ગ બી’ પ્રોગ્રામ ગોઠવવો હોય તો એમાં કરવાનું શું. મેં કહ્યું, આપણને લોકોને અન્તકડીથી માંડીને સ્પૉર્ટ્સની સ્પર્ધાઓ ગોઠવતાં આવડે. જ્ઞાતિનાં સમ્મેલનો આવડે, ડેસ્ટિનેશન વેડિન્ગ આવડે. યુનિવર્સિટી-સૅનેટનાં કે કોઇપણ ઇલેક્શનોનાં મૅનેજમૅન્ટ આવડે. સ્માર્ટ ફોન અને મલ્ટિ-યુઝ હાઇડેફિનેશન ટીવી વાપરતાં આવડે. અને એ બધું જી-વ-ન ગુજરાતી આતમરામની જોડે તો જીવીએ છીએ ! તો આ શા માટે નહીં ? ભલા માણસ, એટલું સમજો કે સવાલ ભાષાના ભવિષ્યનો છે. શુભ શરૂઆતનો છે, પ્રામાણિક ઇચ્છાનો છે. એઓશ્રી ‘ઓકે’ કહીને તો ગયા છે. હું એમની રાહ જોતો બેઠો છું …
===
સૌજન્ય : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 17 જૂન 2017