ભારતની પ્રતિષ્ઠા એક શાંતિપ્રિય દેશ તરીકેની છે, પણ તેને એવા પાડોશી મળ્યા છે, જેને નથી શાંતિની કદર કે નથી યુદ્ધની શરમ. પાકિસ્તાન અને ચીન એવા બે પાડોશી છે, જેને ભારત શાંતિથી રહે, એ સહન થતું નથી. આ બન્ને પાડોશી સાથે આપણે યુદ્ધો લડી ચૂક્યાં છીએ. આજે ભારતની લશ્કરી તાકાત ઉપરાંત પરમાણુ શસ્ત્રોની શક્તિને કારણે તેમને આપણી સાથે પંગો લેવો પોષાય એમ નથી, પરંતુ તેઓ સરહદ પર નાનાં-મોટાં છમકલાં કરીને ભારતની કનડગત ચાલુ રાખતા હોય છે.
પાકિસ્તાન જાણે છે કે ભારત સાથે યુદ્ધ કરીને જીતી શકાશે નહીં એટલે તેણે છેલ્લાં કેટલાંય વર્ષોથી કાશ્મીરના ખભે બંદૂક રાખીને ભારતમાં આતંક ફેલાવવાનો માર્ગ અપનાવ્યો છે. ભારત સાથે પ્રોક્સી વોર કરવા તે આતંકવાદીઓની ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરાવે છે. પાકિસ્તાનનું આખું પોલિટિક્સ જ ભારતદ્વૈષ પર ટકેલું હોવાથી આઈએસઆઈ અને તેના સૈન્યને ભાવતું મળી જતું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે પોતાના દેશમાં હીરો બની જવા માટે ઈ.સ. ૧૯૯૯માં ભારતના કારગિલ ક્ષેત્રમાં મોટા પાયે ઘૂસણખોરી કરીને કાશ્મીરનો અમુક પ્રદેશ પડાવી લેવાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, ભારતના વીરજવાનોએ દુશ્મનોના દાંત ખાટા કરી નાખ્યા હતા. પાકિસ્તાન કોઈ પણ સંજોગોમાં ભારતને હરાવી શકે નહીં, તેનો પરચો તેને ત્રીજી વાર મળ્યાને આજે ૧૬ વર્ષ થશે.
આજે એટલે કે ૨૬ જુલાઈના રોજ સમગ્ર ભારતમાં ૧૬મો કારગિલ વિજય દિવસ મનાવાશે. પાકિસ્તાનને બોધપાઠ ભણાવ્યાનો અને વિજયનો હરખ ચોક્કસ મનાવીએ, દેશ માટે જાન ન્યોછાવર કરનારા વીરજવાનોને સો સો સલામ ચોક્કસ કરીએ, પણ કારગિલ સર્જાયું તેની પાછળની આપણી ભૂલોને ભૂલી જવા કે નજરઅંદાજ કરવાની મૂર્ખામી કરવા જેવી નથી. એક તરફ તત્કાલીન વડાપ્રધાન વાજપેયી પાકિસ્તાન સાથે દોસ્તીનો હાથ લંબાવીને લાહોર ગયા હતા તો બીજી તરફ પાકિસ્તાને કારગિલમાં ઘૂસણખોરી કરાવીને પીઠમાં ખંજર ભોંક્યું હતું. આજના સમયમાં યુદ્ધ વાહિયાત વિકલ્પ છે અને સંવાદ-મંત્રણાનો માર્ગ જ હિતાવહ છે, એની ના નહીં. પાકિસ્તાન સાથે સંબંધો સુધારવાની તમામ કોશિશ કરવી જ જોઈએ, પણ સરહદ કે સૈન્યની તાકાતના મામલામાં ગાફેલ રહેવાની ભૂલ કરવા જેવી નથી. આશરે ૫૦૦૦ જેટલા પાકિસ્તાનના સૈનિકો અને આતંકીઓ આપણી સરહદોમાં ઘૂસી આવ્યા હતા અને આપણને મોડી જાણ થઈ હતી, એ ખરેખર તો આપણી સરહદ સુરક્ષા અને ગુપ્તચર તંત્રની મોટી ચૂક-નિષ્ફળતા જ હતી. આ નિષ્ફળતામાંથી દેશ ઘણું બધું શીખ્યો છે, છતાં વધારે સુધારા જરૂરી છે. કારગિલના યુદ્ધમાં ભારતીય સેનાની ત્રણેય પાંખ વચ્ચેના તાલમેળની ખામીઓ પણ નજરે પડી હતી, તેની દુરસ્તીની સાથે સાથે સરહદ પર આધુનિક શસ્ત્રો અને ઉપકરણોનો મુદ્દો મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે. વૈશ્વિક માહોલ જોતાં યુદ્ધની શક્યતા નથી, છતાં ઘૂસણખોરીની ઘટનાઓ નાનું-મોટું કારગિલ સર્જી શકે છે ત્યારે સક્ષમ અને સજ્જ રહેવું જરૂરી છે.
હવે વાત કરીએ શહીદોના સન્માનની. કારગિલ યુદ્ધમાં ભારતના ૫૨૭ જવાનો શહીદ થયા હતા અને ૧૩૬૩ જવાનો ઘાયલ થયા હતા. કારગિલ વિજયને એક દાયકો પૂરો થયો ત્યારે પણ અમુક શહીદોના પરિવાર સુધી જાહેર થયેલી સહાય પહોંચી નહોતી અને એમાં પણ કૌભાંડ થયાં હતાં. આજે પણ કારગિલના સૌરભ કાલિયા જેવા શહીદ સાથે ન્યાય થયો નથી, એ દુઃખદ બાબત છે.
કારગિલ યુદ્ધે પાકિસ્તાનની પોલ ખોલી હતી તો ભારતની નબળાઈઓ પણ બહાર આવી હતી. ભારતે સરહદ, સેના અને શહીદોના મામલે જરાય ગાફેલ રહેવું પોષાય એમ નથી. કારગિલનું ષડયંત્ર રચીને મુશર્રફે ખોટું કર્યું હોવાનો એક મત પાકિસ્તાનમાં ઊભો થયો છે, છતાં પાકિસ્તાન ક્યારે સુધરશે, એ કોઈ કહી શકે એમ નથી, કારણ કે પાકિસ્તાનનું સમગ્ર રાજકારણ ભારતદ્વૈષ પર રમાય છે. ભારતમાં પણ પાકિસ્તાન-દ્વૈષનો રાજકીય લાભ લેવાના પ્રયાસો થાય છે. સરહદ કે રાષ્ટ્રીય સુરક્ષાના મામલે રાજકારણ ન જ રમાવું જોઈએ, પણ આપણા નેતાઓની માનસિકતા કોણ બદલે?
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકનિ કૉલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, July 26, 2015
e.mail : divyeshvyas.amd@gmail.com