અનામત-માગણીના વિવાદની નવી મોસમમાં, તાજેતરમાં પ્રકટ બે દલિત બૌદ્ધિકોના આત્મવૃતાંતો –પ્રા.મણિલાલ રાનવેરિયાનું ‘વડફળિયુ” અને પ્રા.ડો. મહેશચંદ્ર પંડ્યાનું “પુરુષાર્થનો પમરાટ” — વિચારપ્રેરક વાચન પૂરું પાડે એવાં છે. ત્રણેક દાયકા મુંબઈમાં અધ્યાપન પછી નિવૃત થયેલા મણિલાલ રાનવેરિયાનું વતન દક્ષિણ ગુજરાતમાં આવેલું છે. બાળપણ-કિશોરાવસ્થાનો અનુભવ વર્ણવતાં લેખક લખે છે : ‘‘ગામમાં થોડાંક દરબારોના ઘર. 95 ટકા વસ્તી આદિવાસીઓની. તેમાં ય ટકા ઢોડિયા પટેલની વસ્તી. આદિવાસીઓ માટે પણ અમે અસ્પૃશ્યો હતા. દીવાળી અને હોળી પર રોટલા માંગવા જઈએ તો આદિવાસી બાઈ પાણી લોટાથી ઉપરથી રેડે. તે ખોબો માંડીને પીવાનું. નિશાળમાં પરબે જાતે પાણી પી શકાય નહીં. આદિવાસીઓના ઓટલે ચઢાય પરંતુ ઘરમાં પ્રવેશ નહીં’’.
દલિતોની એક પ્રભુત્વ ધરાવતી માહ્યાવંશી જ્ઞાતિ પ્રત્યે આદિવાસીઓની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિની આ અસ્પૃશ્યતા અચરજ પમાડે તેવી છે. અસ્પૃશ્યતાને જેઓ ગઈગુજરી માને છે તેમના લાભાર્થે રાનવેરિયાનો આ અનુભવ : ‘હવે રાજપૂતો – આદિવાસીઓ આદરપૂર્વક વર્તે છે. આગ્રહપૂર્વક ચા-પાણી કરાવતા હોય છે. મારે એમને ત્યાં લગભગ ફરજિયાત ચા પીવી પડે છે. જ્યારે મારે ત્યાં એ લોકો નમ્રતાપૂર્વક એ વાતને ટાળે, આક્ષેપ ટાળવા પાણી પી લે.’
ભારતીય સમાજવ્યવસ્થાની ભારે વિચિત્ર એવી જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતા દલિતોમાં માહોમાંહ પણ કેવી છે એનો અનુભવ ડો. મહેશચંદ્ર પંડ્યાના આત્મવૃત્તાંતમાં વાંચવા મળે છે. લુણાવાડાના મામાસાહેબ ફડકેના અંત્યજ વિદ્યાર્થીઓના આશ્રમમાં મહેશચંદ્ર દસમા ધોરણમાં હતા ત્યારે આશ્રમમાં એક વાલ્મીકિ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવ્યો. એના વિરોધમાં લેખક સહિતના મોટાભાગના દલિત વિદ્યાર્થીઓને એમના વાલીઓએ આશ્રમમાંથી ઉઠાવી લીધા હતા. આ અનુભવો એ દર્શાવે છે કે ભારતની જડ જ્ઞાતિ પ્રથા અને એના લક્ષણરૂપ આભડછેટથી ન તો આદિવાસી બાકાત છે કે ન તો કહેવાતો અસ્પૃશ્ય દલિત.
2014ના વર્ષના અંતે પ્રગટ થયેલા અસ્પૃશ્યતા વિશેના એક દેશવ્યાપી સર્વેક્ષણમાં કહેવાયું છે કે દર ચોથો ભારતીય અસ્પૃશ્યતા પાળે છે. ઈ.સ. 1956માં સ્થપાયેલી સૌથી જૂની અને સૌથી મોટી સ્વતંત્ર સંશોધન સંસ્થા ‘નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિચર્સ’ અને અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીનો સંયુક્ત અભ્યાસ દેશમાં પ્રવર્તતી આભડછેટનો બિહામણો ચહેરો ઉજાગર કરે છે અને આભડછેટને પૂર્ણ ભૂતકાળ માનનારા લોકોને ભોઠા પાડે છે.
વર્ષ 2011-12નો ‘ઇન્ડિયા હ્યુમન ડેવલપમેન્ટ સર્વે’, અખિલ ભારતીય સ્તરે અને બિનસરકારી ધોરણે, ઘરોમાં કરાયેલો સૌથી મોટો સર્વે છે. દેશના સેમ્પલ સર્વે હેઠળનાં 42,000 ઘરોમાં જઈને પ્રશ્ન પૂછાયો હતો કે, ‘તમારા ઘરમાં કોઈ વ્યક્તિ કે તમે પોતે અસ્પૃશ્યતા પાળો છો ? અને જો તમે નથી પાળતા તો અનુસૂચિત જાતિની ( દલિત) વ્યક્તિને તમારા ઘરના રસોડામાં દાખલ થવા દેશો ? એને તમારા વાસણ વાપરવા દેશો ?’ આ સર્વેક્ષણના વચગાળાના તારણો ભારતીય સમાજ કેટલો ભારોભાર ભેદભાવથી ભર્યોભર્યો છે તે દર્શાવે છે. સર્વેક્ષણનું તારણ છે કે દેશનો દર ચોથો ભારતીય અને દર ત્રીજો હિંદુ આભડછેટ પાળે છે.
ઊંચ-નીચ જાતિક્રમમાં ટોચે મનાતા બ્રાહ્મણો એકવીસમી સદીના બીજા દાયકે પણ સૌથી વધુ આભડછેટ પાળે છે. દેશની કુલ બ્રાહ્મણ વસ્તીના અડધા કરતા વધુ — 52 ટકા બ્રાહ્મણો આજે પણ છૂતાછૂતમાં માને છે. અસ્પૃશ્યતાના આચરણમાં બ્રાહ્મણો પછીના ક્રમે વર્ણવ્યવસ્થાની ચોથા વર્ણની શૂદ્ર જ્ઞાતિઓ — જે લોકશાહી ભારતમાં અન્ય પછાત વર્ગો (ઓ.બી.સી.) તરીકે ઓળખાય છે — તે આવે છે. ૩૩ ટકા પછાત વર્ગો, 22 ટકા આદિવાસીઓ અને 15 ટકા દલિતો પણ આભડછેટ આચરે છે. હિંદુ ધર્મની પેદાશ એવી વર્ણવ્યવસ્થા અને આભડછેટથી ભારતના અન્ય ધર્મો પણ વેગળા રહી શક્યા નથી. 30 ટકા જૈનો, 23 ટકા શીખો, 18 ટકા મુસલમાનો અને 4 ટકા ખ્રિસ્તીઓ આભડછેટમાં માને છે. બૌદ્ધ ધર્મીઓમાં આભડછેટનું પ્રમાણ 1 ટકો નોંધાયું છે.
આખા ભારતમાં વ્યાપ્ત આભડછેટ ઉત્તર ભારતમાં સવિશેષ જોવા મળે છે. દેશમાં સૌથી વધુ આભડછેટ આચરતું રાજ્ય મધ્ય પ્રદેશ ( 52 ટકા) છે, તો સૌથી ઓછી આભડછેટ આચરતા રાજ્યો કેરળ અને પશ્ચિમ બંગાળ (2 ટકા) છે. ફૂલે – શાહુ – આંબેડકર પરંપરાનાં મૂળિયાં જ્યાં મજબૂત છે એવા મહારાષ્ટ્રમાં 4 ટકા આભડછેટ જોવા મળી છે. આ સર્વેક્ષણના વચગાળાનાં તારણોમાં ગુજરાતની આભડછેટની વિગતો નથી. પરંતુ જાન્યુઆરી 2010માં ગુજરાતના 56 તાલુકાના 1589 ગામોમાં પ્રવર્તતી આભડછેટના ‘નવસર્જન ટ્રસ્ટ’ દ્વારા પ્રગટ થયેલા અભ્યાસમાં દલિત – બિનદલિત વચ્ચેની આભડછેટનાં 98, તો દલિત – દલિત વચ્ચેની આભડછેટનાં 99 સ્વરૂપો જોવાં મળ્યાં હતાં.
ગાંધીજી અને ડો. બાબાસાહેબ આંબેડકરે પોતપોતાના અભિગમથી આભડછેટ નાબૂદી માટે કામ કર્યુ હતું. ડો. આંબેડકરનું સ્વપ્ન જાતિવિહિન સમતામૂલક ભારતનું હતું. 16મી સપ્ટેમ્બર 1954ના રોજ રાજ્ય સભામાં ‘અસ્પૃશ્યતા અપરાધ વિધેયક 1954’ પરની ચર્ચામાં એમણે આ વિધેયકના નામને ‘સાવ જ ફૂવડ’ ગણાવ્યું હતું અને તેનું નામ ‘નાગરિક અધિકાર સંરક્ષણ કાયદો’ હોવું જોઈએ એમ સૂચવ્યું હતું. બાબાસાહેબના મનમાં આઝાદ અને પ્રજાસત્તાક દેશમાં ન કોઈ સ્પૃશ્ય હતા, ન અસ્પૃશ્ય. સૌ નાગરિક હતા, સમાન નાગરિક. અસ્પૃશ્યતાનું આચરણ એમને મન એક નાગરિકના અધિકારનું હનન હતું. એટલે તેઓ આ કાયદાને નાગરિકસુરક્ષાનો કે નાગરિકહકનો કાયદો બનાવવા માગતા હતા.
ડિસેમ્બર 1955માં બી.બી.સી. સાથેના ઈન્ટરવ્યુમાં બાબાસાહેબે કહ્યું હતું : અમે અસ્પૃશ્યતા નાબૂદ કરવા માંગીએ છીએ. સાથોસાથ અમે સમાન તકની પણ માગણી કરીએ છીએ. ફક્ત અસ્પૃશ્યતા જતી રહે એનો કશો અર્થ નથી. આ વરસે જેની સ્થાપનાની શતાબ્દી છે તે અમદાવાદના કોચરબ આશ્રમમાં એક ‘હરિજન કુટંબ’ને પ્રવેશ આપીને ગાંધીજીએ વિરોધીઓની ઝીંક ઝીલી હતી. સ્પૃશ્યતાનિવારણ અને દલિત પ્રશ્નને દેશના સામાજિક- રાજકીય એજન્ડા પર મૂકી આપવાનું બહુ મોટું કામ ગાંધીનું છે. તેમણે પણ કહેલું, ‘અંત્યજોનો પ્રશ્ન કોઈપણ રીતે આ પેઢી દરમિયાન અથવા આવતી કેટલીક પેઢીઓ દરમિયાન નહીં પણ હમણાં જ ઉકેલવાનો છે. નહીં તો તે કદી ઉકલવાનો નથી,’
બંધારણ થકી સમાનતાનો અધિકાર અને અસ્પૃશ્યતાનું આચરણ ગેરબંધારણીય અને સજાપાત્ર ગુનો ઠરાવ્યા પછી સ્થિતિ ખાસ સુધરતી ન હોય અને મંથર ગતિની પ્રગતિ હોય, સંવિધાન નિર્માતાની દલિતો માટેની સમાન નાગરિકની એષણા કે રાષ્ટ્રપિતાની અંત્યજ પ્રશ્ન અબઘડી ઉકેલવાની તાલાવેલી ભારતને સાડા છ દાયકે પણ જો ન સમજાતી હોય, તો આભડછેટની સંપૂર્ણ નાબૂદી ઠાલો આશાવાદ કે ભવિષ્યમાં આભડછેટના સ્વીકારનો નકાર તો નહીં બની રહેને ?
http://www.divyabhaskar.co.in/news/ABH-untouchability-found-especially-in-northern-india-in-across-country-5065080-PHO.html
સૌજન્ય : ‘સિક્કાની બીજી બાજુ’ નામક લેખકની કૉલમ, “દિવ્ય ભાસ્કર”, 27 જુલાઈ 2015