લૂલી કરે દલીલ લૂલી,
લૂલી ઉર્ફે ઉર્દૂમાં બોલે તો જબાન
જબાન કા પક્કા.
જબાન સંભાલ કે બોલના ભાઈ,
અંગ્રેજી મેં કહતે હૈ ટંગ
એમાંથી આવી મધરટંગ!
દેખાડો તો તમારી જીભ?
ઓહ! આ તો બેધારી છે!
એક ધારથી આમ બોલો ને બીજી ધારથી તેમ?
વાગેશ્વરીના નેત્રસરોવરનું ચાંગળુંક નીર પીને
કામે વળગેલા મારા વિપ્લવખોર મિત્રો!
ખાવું હોય તે ખાવ, પીવું હોય તે પીઓ,
લઈ લો લાડવો, આખેઆખો. પણ કાં કરો દેખાડો?
અમારે તો અપ્પા ને એકાદશી છે!
તમારા ધોળાધફ અબોટિયામાં પડેલા ડાઘાં બોલે છે
સબડકા તાણીતાણીને પીધી છે દાળ,
ગયા ગયા તો ગયારામ, કાશી ગયા તો કાશીરામ,
કોશિયાની ભલામણ કરનારા પ્રમુખ
આપણા જ હતાને?
એ ય તમને જોઈ ફરી બોલશે – હે, રામ !
ઉ. જો. પૂછશે
સૃષ્ટિ આખી મુક્ત, તું સર્જક જ કાં ગુલામ ?
સુ.જો. જનાન્તિકે જણાવશે,
સરકારી રોશનીની ઝાકમઝાળમાં
ક્યાં ખોવાઈ ગયા, મારા આગિયા!
લૂલી, વાગ્દેવીનું વાહન તું
કેમ પડી ભૂલી?
e.mail : bhratmehta864@gmail.com
સૌજન્ય : “નિરીક્ષક”, 01 જુલાઈ 2015; પૃ. 05