ચાલો, કબૂલ કરીએ કે … ‘અમને જરીકે ખબર નહોતી કે ..’ એમ બોલી શકાય એવી આ પરિસ્થિતિ જ નથી
કટોકટી મોટી તો ખરી, પણ ન પંચોતેરવાળી, ન પંદરવાળી, વળી પાછી સાવ ખુલ્લેખુલ્લીયે નહીં, એકદમ ઢંકાયેલી, સંતાયેલી, સહેલાઈથી પરખાય નહીં, અને ઉગ્ર ચર્ચા માટેનો મુદ્દો ન બની શકે એવી. છતાં હાજરાહજૂર એની અસર ધીમા ઝેર જેવી. એનું મારણ શોધવામાં વાર લાગે તો સો ટકા જીવલેણ.
ચાલો, કોઈ પણ એક કૌભાંડનું નામ લઈએ. હાથવગાં ઘણાં છે. એટલે એમાં વાર નહીં લાગે. વ્યાપમ? ભલે, વ્યાપમનો વ્યાપ વિચારીએ. બારથી ચાલે છે કે ચૌદથી એની પંચાત નથી કરવી. સાવ ઉપરછલ્લી નજરે જોવામાંયે એનો ઘેરાવો કેટલો ડરામણો લાગે છે ! સાદો ભ્રષ્ટાચાર નહીં, આ તો ખેલ ખતરનાક. એની મેલી નજર પડે કે ભલભલાં લાકડું થઈને પડે. કેમ મર્યા, ક્યાં મર્યા, કોણે માર્યા, એ પછી ચાલતી પીંજણ, હકીકત એટલી કે એ મરી ગયા.
એક સમુદાય છે સાધારણ પરિવારોમાંથી આવતાં યુવતીઓ અને યુવાનોનો નાનીનાની ઈચ્છાઓ પોષતાં, અને જીવનમાં બે ચાર પાંદડે લીલાં થવાની અભિલાષા સેવતાં. બીજો સમુદાય છે થોડીક વગ ધરાવનારાઓનો આ બધાં કશુંક કરી શકવાની સ્થિતિમાં છે. આ કશુંક એટલે પૈસાના બદલામાં ગેરરીતિ આચરવાની આવડત અને પોતાના નાના-મોટા હોદ્દાનો દુરુપયોગ આ બંને સમુદાયની ઉપર છે ટોચની વ્યક્તિઓ, જેમના અંતરાત્મા નિદ્રાધીન છે, જે સાચા-ખોટાથી અને નીતિ-અનીતિથી પર છે. ઉત્તરદાયિત્ત્વ અને જવાબદારી જેવા શબ્દો એમને માટે અન્ય ગ્રહ પર બોલાતી અને ન સમજાતી ભાષાના શબ્દો છે.
કૌભાંડ કોઈ પણ હોય, એમાં અગણિત માથાંઓ સંડોવાયેલા હોય છે. ખોટું થઈ રહ્યું છે. એની જાણકારી હોવી, ખોટું કરવામાં ભાગીદારી હોવી, ખોટું થયા પછી જે લાભ મળે એ અંકે કરવો, ખોટું ચલાવી લેવું – આ સમગ્ર પ્રક્રિયામાં અનેક સામેલ છે. જે દેખાતાં નથી અને ગણાતાં નથી એવાં અનેક. આ સંખ્યા બાબતે શાંતિથી વિચાર કરતાં તમ્મર આવી જવાનાં. પ્રત્યેક ષડયંત્રનું એક આખે આખું તંત્ર હોવાનું. એમાં તળિયેથી લઈને ઉપર લગી. પૂરી સાવધાનીથી, ચોક્કસાઈ અને ચાલાકીથી, ઝીણવટ અને પરિપૂર્ણતાથી છેતરપિંડીનું જાળું રચાયું હશે. અત્યારના સમયમાં મળતાં અનેક આધુનિક સાધનોનો લાભ લેવાયો હશે.
નાનામોટા અનેકોએ ભેગાં મળીને આ પ્રપંચજાળ ગૂંથી હશે. ઝાઝાં સહાયકો વગર આવડું મોટું ભોપાળું શક્ય નથી. એમાં કેટલાયે નામો એવાં હશે જે ક્યારે ય પ્રકાશમાં નહીં આવે, છતાં સહિયારા પરિશ્રમના ફળ એમણે પણ ચાખ્યાં તો હશે જ ને! ભોળાભટાક બનીને ‘અમને જરીકે ખબર નહોતી કે .. ’ એમ બોલી શકાય એવી આ પરિસ્થિતિ જ નથી. આટલી પ્રચંડ વ્યૂહરચના સ્વયં જાહેર કરે છે કે એક વિશાળ જનસમૂહ હાથ કાળા કરીને બેઠો છે.
– તો આ છે કટોકટી. જે પ્રજાનો આવો મોટો ભાગ (યુવાવર્ગ, શિક્ષિતો, હોદ્દેદારો વત્તા લાગતાંવળગતાં સહુ) પોતાના આચરણમાં અને જીવનવ્યાપારમાં મૂળભૂત પ્રામાણિકતાની સદંતર ઉપેક્ષા કરે, કાયદાની પકડમાંથી બચવા જાતભાતની પ્રપંચલીલા બેશરમીથી ખેલે અને અપકૃત્યોની જવાબદારી સ્વીકારવાને બદલે નફ્ફટાઈથી અન્યોને દોષિત ઠેરવવા મથે તો એની પાત્રતા કઈ ? રાષ્ટ્રીય ચરિત્રનું અને પ્રજાકીય નીતિમત્તાનું માપ જો કાઢવાનું હોય તો આપણે કયે સ્થાને? નીચે એટલે કેટલાં નીચે?
સમાજ પાસે સારપ નથી બચી એમ ન કહેવાય. એમ હશે ત્યારે જ તો પાંચ – દસ મરજીવા એકાદ સ્થળેથી ફૂટી નીકળે છે અને જાતને જોખમમાં મૂકીને માહિતીના અધિકારનો કસ કાઢીને, ગાંઠનું ગોપીચંદન કરીને, સમય અને શક્તિનો ભોગ આપીને જે કંઈ કરવા જેવું લાગે છે તે કરતા રહે છે. પણ આ તો કૌભાંડના આચરણ પછીની વાત. આચરણ પહેલાંનું ચિત્ર તો ભયાવહ જ છે. આપણે એક એવી પરિસ્થિતિ સર્જી છે, જેમાં આદર્શો, સિદ્ધાતો, નીતિમત્તા અને પ્રામાણિકતા શોધવા પડે છે.
વાસ્તવમાં એક સ્વતંત્ર અને આત્મસન્માન ધરાવતી પ્રજા માટે આ મૂલ્યો સહજ હોવાં ઘટે. એ જેમની પાસે ન હોય એ અપવાદરૂપ. આજે દશા ઉલટી છે. વ્યાપમ દ્વારા ચોખ્ખું થયું કે શિક્ષણ પર મદાર બાંધી ન શકાય. એક શિક્ષિત વ્યક્તિ એટલે એક સમજદાર અને જાગરૂક નાગરિક, એમ કહેવાનું સાહસ કરતાં દસ વાર વિચાર કરવો પડશે.
ખરેખર તો માનવસમાજનો વિકાસ એટલે મૂલ્યો માટેનો આગ્રહ – પોતાને મળતા લાભ, કીર્તિ કે સંપત્તિની ગણતરી નહીં. પરંતુ મૂલ્યો સંદર્ભે સહેજ પણ બાંધછોડ ન કરે એવો મુક્ત મિજાજ અને દઢ નિર્ધાર. લગભગ સિત્તેર-બોંતેર વરસ પહેલાં એક નક્કર માણસ એના ધરખમ સાથીદારો સાથે મુડદાલ પ્રજામાં પ્રાણસંચાર કરવાનો ચમત્કાર કરી શકેલો. આજે એ જ પ્રજા આટલી મંદપ્રાણ શી રીતે બની ગઈ, એની નવાઈ લાગવા જેટલી નરવી આબોહવાએ આજે ક્યાં ? જે પોલું અને સડેલું છે એ વહેલું કે મોડું ઉઘાડું પડે એ ઠીક છે, છતાં સમાજના મોટા સમૂહે જે ખતરનાક ખેલ આંરભ્યો છે એનો અંત ક્યાંયે દેખાતો નથી. ક્રૂરતા,જડતા અને લાપરવાહી પ્રજાને જે ઝડપથી ગ્રસી રહ્યાં છે એનો અંદાજ આર્થિક વિકાસના કે પછી ભૌતિક સિદ્ધિઓના કોઈ હેવાલમાથી નહીં મળે.
આજે એક તો કાલે વળી એથી એ ચડિયાતું એમ ક્રમશ : ભ્રષ્ટ કથાઓ – સત્યકથાઓ બહાર પડતી જાય છે, જેના મૂળમાં છે એક માંદલો, નબળો, મૂલ્યવિહીન અને સ્વકેન્દ્રી માણસ. થોડા નઠારાઓને લીધે આપણી મૂલ્ય – મહેલાતો ક્કડભૂસ થવા બેઠી હોત તો થોડુયે સાંત્ત્વન હાથ લાગ્યું હોત. અહીં તો સઘળું ફોલી ખાવા અને કોરી ખાવાનો રઘવાટ દેખાય છે. ખૂણેખાંચરે આજુબાજુ ઉપરનીચે ઝૂંટાઝૂટ છે. લાભાર્થીઓ ટાંપીને બેઠાં છે. ચાપુચપટી આપીને એમને ચૂપ કરી દેવાનું કેટલું સહેલું છે! પોતાની હથેળીમાં અથવા ગજવામાં કેટલું આવ્યું એની જ ખેવના કરવાની. દેશ, સમાજ અને સિદ્ધાંત જાય જ્યાં જવાનાં હોય ત્યાં.
નાકથી આગળ જોવાનું જે ભૂલતો જાય છે એ જનસમુદાય માટે છે કોઈ સ્વચ્છતા – અભિયાન? વિચારદારિદ્રયની, સિદ્ધાંતનિષ્ઠાની અને મૂલ્યહ્રાસની આ મહાભયાનક કટોકટીનો ઇતિહાસ ક્યારેક લખાશે, ત્યારે એ દિવસોમાં આપણો અવાજ કેટલો બુલંદ થયો, કેટલાં સામે પ્રવાહે તરવા પડ્યાં કે કેટલા માથાં ટટ્ટાર રહ્યાં એ બહાર આવશે. જે હીર સાચવવા જેવું હતું તે કેમ ન સાચવ્યું, એવા પ્રશ્ન સામે કયું બચાવનામું બચ્યું હશે આપણી પાસે ?
ચાલો, કબૂલ કરીએ કે સ્વતંત્રતા મળ્યા બાદ આપણે રાષ્ટ્રીય ચરિત્રઘડતરનો એક અત્યંત મહત્ત્વનો તબક્કો સાવેસાવ ઓળંગીને એનું અસ્તિત્વ જ ભૂલી ગયાં છીએ.
સૌજન્ય : “દિવ્ય ભાસ્કર”, 31 જુલાઈ 2015