મારી વાત હું બે હિસ્સામાં કરવાનો છું. આરંભે અમદાવાદ, દલિતો, આભડછેટ અંગેની ઐતિહાસિક વિગતો આપવી છે, તે પછી થોડા અંગત અનુભવો.
અમદાવાદને લગતા સઘળા ઇતિહાસગ્રંથોમાં દલિતોનું સ્થાન સાવ જ નગણ્ય કે હાંસિયામાં જોવા મળે છે. ’મહાગુજરાતના મુસલમાનો’ જેવી અમદાવાદનાં ઓરગણાંઓ વિશેની ઇતિહાસ-કિતાબ જૂની પેઢીના સબાલ્ટન ઇતિહાસના આલેખક, મકરંદ મહેતા કે નવી પેઢીના અરુણ વાઘેલાની પ્રતીક્ષામાં છે. જે કોઈ આછીપાતળી ઐતિહાસિક વિગતો અમદાવાદના દલિતો સંદર્ભે મળે છે, તે શહેરમાં દલિતોની દયનીય સ્થિતિ દર્શાવે છે.
પંદરમી સદીમાં અમદાવાદ સ્થપાયું તે પૂર્વે આશા ભીલનું આશાપલ્લી કે સાબરમતીની પેલે પાર કર્ણાવતી હોવાના પુરાવા મળે છે. મુસ્લિમ સલ્તનત, મુગલ સામ્રાજ્ય, મરાઠાયુગ, બ્રિટિશ શાસન અને આઝાદી પછીનું અમદાવાદ, એવા પાંચ ભાગમાં અમદાવાદનો ઇતિહાસ વહેંચાયેલો છે.
‘અમદાવાદનો ઇતિહાસ’માં મગનલાલ વખતચંદ અમદાવાદની વસતીની જાતિવાર તપસીલ કંઈક આમ આપે છેઃ
‘હિંદુમાની ઊંચ વરણના લોકો માણેકચોકની આસપાસ અથવા શહેરની મધ્ય ભાગમાં રહે છે. દક્ષિણ ભાગમાં બાંધણીગરા, ભાઉસાર તથા કણબી રહે છે. પૂર્વ ભાગમાં વાંણઈયા, કણબી તથા મુશલમાંનની વસતી છે. ઉત્તર ભાગમાં કાલુપુરમાં મુશલમાંન તથા ખાતરી વણનાર રહે છે, ને ઉત્તર ઇંદૂડીઆમાં તથા શાહપુરમાં હિંદુ તથા મુસલમાન, કાગદી તથા સપેતી વણનાર રહે છે. પશ્ચિમ ભાગમાં ભદર તથા ગાયકવાડ હવેલી છે, ત્યાં મુશલમાંન ને પારસી રહે છે.’ (પૃષ્ઠ – ૩)
આ વર્ણન પરથી સમજાય છે કે નગર અમદાવાદમાં દલિતોનું સ્થાન કશા દરજ્જા વગરના નાગરિકનું હશે. દલિતોનો સાક્ષરતાદર આજે ગુજરાતના સામાન્ય સાક્ષરતાદર કરતાં લગીર વધારે છે. ત્યારે એ વખતના અમદાવાદના દલિતોના શિક્ષણની સ્થિતિ અંગેનું ઇતિહાસ સત્ય આપણને વિચારવા પ્રેરે એવું છે. મગનલાલ વખતચંદ લખે છે : ‘સરકારી અંગ્રેજી નિશાળ થવાનું ખરું કારણ એ લાગે છે કે જ્યારે એ પાદરીની નિશાળ વલંદાની હવેલીમાં હતી, ત્યારે એક ઢેડનો છોકરો ભણવા આવ્યો. તેહને સ્કૂલમાસ્ટરે નિશાળમાં દાખલ કર્યો. તે ઉપર છોકરાઓએ તકરાર લીધી કે એ ઢેડ આવશે તો અમે નહીં આવીએ. પછી માસ્ટરે ઢેડ ને નિશાળની બહાર બેસાડ્યો. પણ એવી રીતે બે-ત્રણ વાર થયું. તેથી નગરશેઠ હિમાભાઈ તથા બીજાએ મળીને અંગ્રેજ કલેક્ટરને અંગ્રેજી નિશાળ કરવા વિનંતી કરી.’ (પૃષ્ઠ-૭૪)
હા, તો સાહેબો, અમદાવાદમાં પહેલી સરકારી અંગ્રેજી શાળા દલિતના શાળાપ્રવેશને અટકાવવા, તેના વિરોધમાં કે તેનાથી જુદા પડવામાંથી થાય છે!
ઈ.સ. ૧૮૯૬માં અમદાવાદની વિક્ટોરિયા જ્યુબિલી હૉસ્પિટલમાં એક દલિત સ્ત્રીને પ્રસૂતિ માટે દાખલ કરતાં બાકીની સ્ત્રીઓ હૉસ્પિટલ છોડી જાય એવું પણ બન્યું છે.
આભડછેટ અને ભેદભાવ, નગર અમદાવાદમાં દલિતોનો પીછો છોડતાં નથી. દાદાસાહેબ માવળંકર અને ચંદુલાલ ભગુભાઈ દલાલે, ‘રાષ્ટ્રીય ચળવળમાં અમદાવાદ મ્યુિનસિપાલિટીનો ફાળો’ એ કિતાબમાં નોંધ્યું છે :
માંડવીની પોળના રહીશોની અરજી આવી કે પોળ પાસેની ટાંકીમાંથી પહેલાં શ્રાવકો અને વાણિયા જ પાણી ભરતા હતા, પરંતુ હવે તો બધી જ જ્ઞાતિના ભરે છે, એટલે પાણી દૂષિત થાય છે. તેથી ઉચ્ચ વર્ણની આ બે જ કોમો પાણી ભરે તેવો બંદોબસ્ત થવો જોઈએ. આ મુજબની વ્યવસ્થા કરવા માટે ૨૩-૧-૧૮૬૩ની સભામાં બહુમતે મંજૂર થયું. તા. ૪-૯-૧૮૬૯ની કાર્યવાહી પરથી જણાય છે કે કાલુપુર રસ્તાના સમારકામ માટે ઢેડાને મોકલવા એ મતલબથી એક અરજી લલ્લુ નથ્થુ નામના એક માણસે કરી હતી. એ જ કાર્યવાહી પરથી જણાય છે કે ઢેડોને જાહેર જાજરૂ વાપરવાની છૂટ નહોતી, તેથી એમના માટે અલગ જાજરૂ બનાવવા ઠરાવવામાં આવ્યું. (પૃષ્ઠ : ૩૧)
શું શિક્ષણ કે શું પાણી, શું જાજરૂ કે શું પહેરવું – સર્વે વાતે દલિતો પ્રત્યે ભેદ હતા અને તેમને રંજાડવામાં આવતા હતા. અમદાવાદની હદના હાથીજણમાં દલિતો એક છેડે ધોતી પહેરે, તો પટેલો માર મારે અને કહે કે ‘સાલા પટેલ થઈ ગયા છો !’ જો બે છેડે ધોતી પહેરે તો ઠાકોરો વાંધો લે. એટલે દલિતોને ઢીંચણ ઊઘાડાં રહે તેવું પંચિયું પહેરવું પડતું.
તમે કહેશો સાહેબો કે આ તો બધી ગયા જમાનાની વાતો. આજે તો અમદાવાદ બદલાઈ ગયું છે. હા, ૧૯૧૫માં ગાંધીજીનું આગમન થાય છે. કોચરબ આશ્રમ સ્થાપે છે. ખાસ્સી ઝીંક ઝીલીને તેમાં એક હરિજન કુટુંબને વસાવે છે. એ પછીનાં વરસોમાં સાબરમતીના તટે આશ્રમ સ્થાપે છે. તેનું નામ પાડે છે : હરિજન આશ્રમ. પણ આજે આશ્રમના સંચાલકોને એ નામ ગમતું નથી. એનું નવું નામ ‘ગાંધીઆશ્રમ’ કે ‘ગાંધીસ્મૃિત સંગ્રહાલય’ બની ગયું છે. એટલો ફેર જરૂર પડ્યો છે.
ગાંધીજીના અમદાવાદ આગમનપૂર્વે ૧૮૬૧માં શેઠ રણછોડલાલે અમદાવાદમાં કાપડની મિલ શરૂ કરી અને ઔદ્યોગિક અમદાવાદનો જન્મ થયો. મૂળગામી દલિતો ઉપરાંત ગામેગામથી દલિતો અમદાવાદમાં આવી વસ્યા અને પેટિયું રળવા લાગ્યા. જો કે અમદાવાદની મિલોમાં પણ આભડછેટ રખાતી. વણકરીનો દલિતોનો પરંંપરાગત ધંધો છતાં તેમને સાળ ખાતામાં રાખવામાં આવતા નહીં. કેમ કે જો સૂતરના તાર તૂટે તો તે થૂંક વડે સાંધવો પડતો તેથી આભડછેટ લાગે. એટલે દલિતોને સાળ ખાતા સિવાયનાં ખાતાંઓમાં – ઓછા પગારવાળાં ખાતાંઓમાં જ-નોકરીએ રખાતા.
ગાંધીનું ગુજરાત અને સરદારનું અમદાવાદ આવી સ્થિતિમાં પણ દલિત ચળવળથી આઘું ન રહી શક્યું. તુલસીદાસ આચાર્યના ગૃહપતિ પદે અમદાવાદના ખાનપુર વિસ્તારમાં ચાલતી ડિપ્રેસ્ડ ક્લાસીઝ હૉસ્ટેલ વિશે ચર્ચા કરવા શાયદ પ્રથમ વાર ડૉ. બાબાસાહેબ આંબેડકર ૨૮મી જૂન, ૧૯૩૧ના રોજ અમદાવાદ આવેલા. એ ઘટનાને હવે તો ખાસ્સા આઠ-સાડા આઠ દાયકા થઈ ગયા છે. અમદાવાદમાં સફાઈ-કામદારોની હડતાળો થઈ છે, તો ૧૯૪૨ની હિંદછોડો ચળવળમાં દલિતો સહિતના સૌ મિલ-કામદારોએ ત્રણ-ત્રણ મહિના મિલો બંધ રાખી હતી. દલિતોના બસપ્રવેશ, હોટલપ્રવેશ અને મંદિરપ્રવેશના કાયદા તો થયા, પણ તેના અમલ માટે ખુદ દલિતોએ સત્યાગ્રહ કરવા પડ્યા હતા. પરંતુ ઇતિહાસના ગાંધીયુગીન સત્યાગ્રહોમાં દલિતોના આ સત્યાગ્રહોને ક્યાં ય સ્થાન મળ્યું નથી.
આભડછેટ અને અનામત સંદર્ભે અમદાવાદનું (આઝાદીપૂર્વેના અને આઝાદી પછીના તુરતના અમદાવાદનું) વલણ સમજવા બે નોંધપાત્ર બનાવોનો મારે ખાસ ઉલ્લેખ કરવો છે :
ઈ.સ. ૧૮૩૪માં અસ્પૃશ્યતા-નાબૂદીનો ખરડો વડી ધારાસભામાં આવ્યો, ત્યારે અમદાવાદ મ્યુિનસિપાલિટીએ પણ તેના ટેકાનો પ્રસ્તાવ કરેલો. કૃષ્ણાચાર્ય રામાનુજાચાર્ય પંડિત અને ભગુભાઈ ગોવિંદલાલ શાહ, એ બે હિંદુ સભ્યોએ આ ઠરાવનો વિરોધ કર્યો હતો, એ તો સમજાય છે, પણ આભડછેટ-નાબૂદીના કાયદાનું સમર્થન કરતાં આ ઠરાવ અંગે અમદાવાદ મ્યુિનસિપાલિટીના છ મુસલમાન અને એક પારસી સભ્ય તટસ્થ રહ્યા હતા! વળી, તટસ્થ રહેનારાઓ પૈકી ત્રણ તો સરકાર નિયુક્ત સભ્યો હતા.
એક મુસ્લિમ સભ્યે ઈ.સ. ૧૯૩૪માં અમદાવાદ મ્યુિનસિપાલિટીના નોકરવર્ગમાં મુસ્લિમોનું પ્રમાણ તેમની સંખ્યાના પ્રમાણમાં ન થાય, ત્યાં સુધી ૫૦ ટકા અનામત મુસ્લિમો માટે રાખવાની દરખાસ્ત કરી હતી. એ સમયે તો આવો ઠરાવ ન થઈ શક્યો, પછી ૧૯૪૨માં મ્યુિનસિપાલિટી બરતરફ થઈ પછી અમલી બનેલી મૅનેજમેન્ટ કમિટીએ ૫૦ ટકા મુસ્લિમો, ૨૫ ટકા દલિતો અને ૨૫ ટકા બાકીનામાંથી ભરતી કરવા ઠરાવેલું. આઝાદી પછીના બીજા જ મહિને એટલે કે ૩૦-૧૦-૧૯૪૭ના રોજ મ્યુિનસિપલ બોર્ડે આ ઠરાવ રદ કરેલો!
અને હવે થોડી મારી અંગત વાતો …
અમદાવાદના (પૂર્વ અમદાવાદના – સાબરમતી નદી પછીના તળ અમદાવાદની પેલી મેરના અમદાવાદના) રાજપુર વિસ્તારની ચાલીમાં મારો જન્મ. ખાસ્સા ચાર દાયકા ત્યાં રહેવાનું થયું છે. આજે પણ ત્યાં ઘર છે અને અવારનવાર ત્યાં જવાનું થાય છે. મારું વીકએન્ડ મોટા ભાગે ગાંધીનગરને બદલે અમદાવાદના ચાલીનાં ઘરમાં પસાર થાય છે. મારી ચાલીનું નામ અબુકસાઈની ચાલી. અમદાવાદની ચાલીનાં નામો પણ બહુ રસપ્રદ છે. એનાં નામો મોટા ભાગે એના માલિકોનાં નામ પરથી કે તેમની જાતિ પરથી પડ્યાં છે. એટલે અમદાવાદમાં કસાઈની ચાલી છે, તો કડિયાની ચાલી છે. મોદીની ચાલી છે, તો ધોબીની ચાલી છે. જેઠીની ચાલી છે, તો રામીની ચાલી છે. નગરશેઠની ચાલી છે, તો નાણાવટીની ચાલી છે. દેવાજીની ચાલી છે, તો દોસ્ત મહંમદની ચાલી છે. નારણપીઠાની ચાલી છે, તો નાથુરામ દગડુની ચાલી છે. મૅજિસ્ટ્રેટની ચાલી છે, તો જજસાહેબની ચાલી પણ છે. અને આ ચાલી એટલે કેવી? આજે તો ચાલીઓ ઘણી બદલાઈ છે. ઘણી સુવિધાઓ આવી છે. પણ ગઈ કાલના અમદાવાદની ચાલીનું વર્ણન દાદાસાહેબ માવળંકરના શબ્દોમાં જોઈએ :
ચાલ એવા પ્રકારની હતી કે એને ઓટલો નહોતો. એટલું જ નહીં, પરંતુ ઓરડીની ભોંય, આજુબાજુની જમીન કરતાં દોઢ ફૂટ નીચી હતી. એટલે એમાં જવું એ એક ભોંયરામાં પેસવા જેવું હતું. એની બાંધણીમાં પાકી ઈંટો વપરાયેલી નહોતી, પણ લોખંડનાં પતરાં વપરાયેલાં હતાં. આ પતરાં પણ ખીલા ઠોલીને બેસાડેલાં નહીં, પણ લાકડાની વળીઓ સાથે બાંધીને ઊભાં જ કરેલાં હતાં. સાડા પાંચ ફૂટનો માણસ ટટ્ટાર ઊભો પણ ન રહી શકે એટલી આ ઓરડીની ઊંચાઈ હતી અને લાંબા પગ કરીને સૂઈ ન શકાય એટલી એની પહોળાઈ હતી. ચાલી માટે પાણીની ખાસ સગવડ નહોતી. જાજરૂ જે હતાં તે એટલાં થોડાં અને એવાં ગંદાં હતાં કે આ પૃથ્વી ઉપર નર્કલોકનું જો પ્રત્યક્ષ દર્શન કરવું હોય તો બીજે જવાની જરૂર નથી એમ લાગે. (પૃષ્ઠ : ૪૫૫)
આ સંદર્ભમાં એક આબાદ નિરીક્ષણ કે ટિપ્પણ જે કોઈ દલિત લેખક – કર્મશીલને સૂઝવું જોઈએ તે ‘અમૃતા’ના જ નહીં ’કાચા સૂતરને તાંતણે’ના પણ લેખક રઘુવીર ચૌધરીને સૂઝ્યું છે. આ વરસે જ વિહેદ થયેલા અમદાવાદના એક મોટા મિલમાલિક કસ્તૂરભાઈના દીકરા શ્રેણિકભાઈ કસ્તૂરભાઈને શ્રદ્ધાંજલિ આપતા લેખમાં જુલાઈ ૨૦૧૪ના ’પરબ’માં રઘુવીરભાઈ લખે છે :
‘ધર્મ અને શિક્ષણની ઉમદા સખાવતો સાથે મજૂરોનાં રહેઠાણ માટે કશુંક કરવું જોઈતું હતું. આટલા બધા ઉદાર અને શાણા, ધાર્મિક અને માનવતાવાદી મિલમાલિકો થઈ ગયા છતાં અમદાવાદ આટલું મેલું કેમ છે, એ મને સમજાતું નથી.’ (પૃષ્ઠ : ૫૩)
હા, તો આવા મેલા અમદાવાદની એક ચાલીમાં મારા બાપ-દાદા આવી વસેલા. વસેલા નહીં, એમણે જાતે જ ચાલીઓ, ઓરડીઓ બનાવેલી. બાપાને હું પૂછતો કે તમે અમદાવાદ કેવી રીતે આવેલા? તો એમનો જવાબ હતો, ’ગાંડઘહણીયે’. મને આશ્રર્ય થતું. એ વખતના ખેડા અને આજે આણંદ જિલ્લાનું અમારું ગામ, આજે અને એ વખતે પણ વતનથી અમદાવાદ આવવું હોય તો ખારી, મેશ્વો, વાત્રક અને શેઢી એ ચાર નદીઓ પસાર કરવી પડે. એટલી, નદીઓ પસાર કરવા સહિતનું અંતર કાપીને દલિતો કાં પગપાળા કે પછી ટ્રેનોમાં અમદાવાદ આવેલા. તે પછી જ્યાં પહેલુંવહેલું શહેર જેવું, વસ્તી જેવું કંઈક દેખાયું હશે ત્યાં જ રહી પડેલા. એટલે જ આજે પણ ખેડા આણંદ-જિલ્લાના દલિતો મણિનગર, ખોખરા, રાજપુરમાં વધુ જોવા મળે, ધોળકા બાજુના બધા વેજલપુર વસી ગયા છે, તો દહેગામ બાજુના બધા નરોડા અને ઉત્તર ગુજરાતના દલિતો સાબરમતી, રાણીપ, ચાંદખેડા તરફ.
બાપાના બાપા મારા દાદાએ અમારી ચાલી ચણેલી. ઓરડી બનાવેલી એ વખતે મિલોમાં માસ્તરો, મેમ્બરોનો ભારે કડપ. કામ શિખવાડતાં માત્ર અપમાનિત નહોતાં કરતાં, માર પણ મારતા. રાજપુરની જે ચાલીમાં હું જન્મ્યો, ઊછર્યો તે ચાલીમાં મોટે ભાગે ખેડા જિલ્લાના ચરોતરના ચમારો વસે. આજુબાજુની સઘળી ચાલીઓમાં મોટા ભાગે મહેસાણાના વણકરો વસે, એટલે અમારી ચાલી ’ચણોતરાની ચાલી’ તરીકે જાણીતી. ઉર્વીશ કોઠારી જેવા મિત્રના પ્રતાપે જો મારે આત્મકથા જેવું લખવાનું થશે, તો હું મારી આત્મકથાનું નામ મધુ મંગેશ કર્ણિકની ’માહીમની ખાડી’ની જેમ ’ચણોતરાની ચાલી’ રાખીશ.
શું ચમારો કે શું વણકરો, સૌ કોઈ અહીં પેટનો ખાડો પૂરવા કે પછી ગામમાં સવર્ણોના ત્રાસ કે આભડછેટથી ત્રાસીને આવી વસેલા. ગઈ પેઢીના એકએક દલિત પાછળ સવર્ણોના ત્રાસની એકએક કહાની છુપાયેલી છે. પણ શહેરોમાં આવીને એમની દલિત બિરાદરી ન બની શકી. હા, વચમાં એક વાત એ ખાસ કરી દઉં કે આ સ્થળાંતરિત દલિતો ઉપરાંત અમદાવાદમાં મૂળગામી દલિતો પણ હતા. અમદાવાદમાં દલિતોનાં ૧૫ ગામ-મહોલ્લા કે વિસ્તારો હતા. અમારા રાજપુરમાં આવા બે મોટા વાસ – મોટો વણકરવાસ અને નાનો વણકરવાસ – છે.
હા, તો હું વાત કરતો હતો શહેરમાં આવી વસેલી દલિતોની એકતાની, એમની દલિત બિરાદરીની. બહુ નાનપણથી જ ભેદભાવના, જુદા હોવા-નીચા હોવાના, પેલાવાળાથી ડરવાના પાઠ હું શીખ્યો હતો. અમે ચરોતરના ચમારો એટલે અમે ’ચણોતરા’ કહેવાતા તો અમે અમારી આસપાસના મહેસાણાના વણકરોને અમે ’પાટણવાડિયા’ કહેતા. આજે પરંપરાગત અર્થમાં જેને ‘આભડછેટ’ કહીએ છીએ એવું તો કશું નહીં પણ જુદાપણું ભારોભાર. સમાજશાસ્ત્રી શ્રીનિવાસનની સંસ્કૃિતકરણની થિયરી અહીં સાવ જ ઊલટી જોવા મળે. જે લોકો ગામડાંની ગરીબી, આભડછેટ, અત્યાચાર, શોષણ સહીને અહીં આવી વસેલા એ જ બીજાને નીચા ગણે, હલકા ગણે અને અત્યાચાર કરે. દબંગઈ તો એટલી હદની કે વાતેવાતે ગાળાગાળી અને મારામારી થાય.
’મેયર્સ બંગલો’ના મારા આત્મકથનાત્મક લેખમાં મેં લખ્યું છે એમ, અમારી ચાલીનાં જાજરૂ નહીં એટલે બાજુની હીરાલાલની ચાલીનાં જાજરૂમાં જવું પડે. એનો ભારે ત્રાસ. ’ચણોતરા’ કહી ચીડવે, અડધા જાજરૂ ગયે ઊઠી જવું પડે કે જાજરૂની લાઇનમાં નંબર આવે અને કોઈ પાટણવાડિયો આવી ચડે તો ઊભા રહી એને જ જવા દેવો પડે. ચાલીના નળે કોઈ ચણોતરી (ચમાર સ્ત્રી) પીવાનું પાણી ભરતી હોય, તો એના ઉપરથી કોઈ દબંગ વણકર જાજરૂ જવાને ચંબુ ધરાર ભરે જ ભરે. એક દૃશ્ય તો મને બરાબર આજે ય યાદ આવે છે. અમારી ચાલીમાં પહેલું ઘર બાલા ઢેડનું. ખેડા જિલ્લાના વણકર, એટલે પાટણવાડિયા માટે એ ’ચણોતરા’. એમના છાપરામાં (નાના કાચા ઝૂંપડાને છાપરું કહેવાય છે.) નેનો મારાજ નામે એક દલિતોના ગરોડા બ્રાહ્મણ કહે. મિલમાં નોકરી કરતા નેનો મારાજ સાંજ પડે ફૂટપાથ પર ખાટલો નાંખી બેસે, ત્યારે એમનો સાવજ બાદશાહ જેવો રુઆબ. એ સમયે અને હંમેશાં જો અમારી ચાલીનું કૂતરું પણ બહાર ભસતું-ભસતું આવે, તો નેનો મારાજ છૂટું લાકડું ફેંકે અને ત્રાડ પાડી ઊઠે : “મોંય પેહ, મોંય ..” ભાઈ માર્ટિન મેકવાને એમના અસ્પૃશ્યતા વિશેના બૃહદ્દ અભ્યાસમાં દલિત-બિનદલિત વિશેની ૯૮ પ્રકારની અને દલિતો-દલિતોની માંહોમાંહેની (અંદરોઅંદરની) ૯૯ પ્રકારની આભડછેટ ખોળી છે. પણ મારે મારી આ આભડછેટને, એના સ્વરૂપને, ક્યાં મૂકવી? હવે તો ચણોતરાની ચાલી વેરવિખેર થઈ ગઈ છે. રાજપુર પોતે પણ તૂટતું રહ્યું છે, છતાં પેલી ભેદભાવની દીવાલો તૂટતી નથી. દલિત બિરાદરી બનતી નથી. આ વખતની દિવાળી પહેલાં રાજપુર જવાનું થયું, ત્યારે માએ ભારે નિરાશા સાથે કહેલું, ‘આપણું એક ઘર વે’ચઈ જ્યુ. અંબાલાલે ઘર વેચી નાંચ્છ્યું. દલાભાઈને આલ્યું. ચાલીના ચાર મોખરા સાચવતાં ચાર જ ઘર આપણાં હતાં. અવ તંયણ જ રયાં.’
આ રાજપુરમાં દલિતો જ રહે છે એવું નથી. ૧૯૮૧-૮૫નાં અનામતવિરોધી રમખાણોપૂર્વે કે ૧૯૯૨ના બાબરીધ્વંસનાં કોમી રમખાણોપૂર્વે રાજપુરની ચાલીમાં સવર્ણો પણ રહેતા હતા અને મુસ્લિમો પણ રહેતા. મારા ઘરની સહિયારી પછીત જ મુસ્લિમ પાડોશીની. બરકત બીબી, જમાદાર અને એમના જવાન દીકરા. કોમી રમખાણો પછી એ ઘર વેચી ગયા, તો મરિયમ માસી પણ જીંજર જઈ વસ્યાં છે.
આ રાજપુરમાં જૈનો, હા, જૈનો વસતા હતા. ચાલીમાં એમની કરિયાણાની દુકાનો અને ઘર પણ હતાં. એમની દીકરીઓને દલિત બહેનપણીઓ પણ. એટલે પેલી જૈન છોકરીનો ઘરવાળો આવે તો ’અલી તારો ઢેડ આયો’ એમ કહેવાતું હશે?
રાજપુરમાં મને એક વાતનું બહુ આશ્ચર્ય. અહીં કરિયાણાની દુકાનો કરતાં સોના-ચાંદીની દુકાનો વધારે હતી. તે એટલી હદ સુધીની કે દલિત પેન્થરના પેન્થર માસિકના પ્રથમ અંકમાં રાજપુરના એક સોના-ચાંદીના વેપારીની જાહેરાત છે! જરા વિરોધાભાસી કે વિચિત્ર લાગે પણ પેન્થરના અંકમાં પાને-પાને ’હલ્લાબોલ’નાં સૂત્રો છેઃ મૂડીવાદ પે હલ્લાબોલ, શોષણખોર પે હલ્લાબોલ અને એમાં સોના-ચાંદીના વેપારી, રાજપુરની ચાલીના સોના-ચાંદીના વેપારીની, જાહેરાત છે. મોટપણે પછી સમજાયું કે અહીં સોના-ચાંદીના દાગીના ન બનાવાય છે, ખરીદાય છે કે વેચાય છે. પણ નાણાંની ધીરધારનો, શરાફનો ધંધો ચાલે છે.
અડવાની આભડછેટ એટલે શું એનો એક ભારોભાર અનુભવ પણ મને રાજપુરમાં જ થયેલો છે. એક વાર નહીં, વારંવાર. ગભરાશો નહીં, મને ખુદને કોઈ અડતાં અભડાતું નહીં, પણ જેને અડતાં અભડાવાતું એને વારંવાર અડવાનો આ તો અનુભવ છે.
જરા ચોખ્ખી વાત કરું? અમારા રાજપુરમાં, મારી ચાલીની બાજુમાં જેઠીબાઈની ચાલી ને તેની સામે મનસૂરીની ચાલી. આ ચાલીમાં ઉત્તર ભારતના કેટલાંક કુટુંબો રહે. અહીં ઉત્તરપ્રદેશના એક બ્રાહ્મણ પંડિતનું કુટુંબ પણ રહે. પંડિતજી રોજ સવારે ઊઠીને રાજપુરની છેવાડે આવેલા ગોમતીપુર ગામના સવર્ણોના મહાદેવના મંદિરે, જાગનાથ મહાદેવે પૂજા કરવા જાય. અબોટિયું પહેરી, હાથમાં કળશ અને પૂજાનો સામાન લઈ ચાલતા આ પંડિતજીને રાજપુરના દલિત છોકરાઓ અચૂક અડી લે. એટલે પંડિત ઘરે પાછા જાય. ફરી નહાય ને ફરી પૂજા કરવા નીકળે. પેલા અડીને પંડિતને અભડાવનારા દલિતો થાક્યા કે વારંવાર અભડાઈને નાહી નાંખતા પંડિત થાક્યા એ તો ખબર નથી. હવે એ પંડિત કૈલાસવાસી છે કે સાકેતવાસી એ તો ખબર નથી, પણ આ જોણું રોજનું હતું. જો કે અડવાણા પગે જ દેરાસર જતા કોઈ જૈનને દલિતો આ રીતે પજવતા હોય, એવું મારા સ્મરણમાં એકેય દૃશ્ય નથી. હા, એ તો અન્નદાતા હતાને .. નાણાં ય ધીરતા અને અનાજે ય ઉધાર આપતા.
આ રાજપુર, મારી જન્મ અને કર્મભૂમિ. રાજપુર મારી સામાજિક-સાંસ્કૃિતક-સાહિત્યિક અને સવિશેષ રાજકીય પ્રયોગશાળા. રાજપુરમાં કેટકેટલા પ્રયોગો થતા જોયા છે. અહીં ડાબેરીઓ છે, તો દલિત પેન્થરો પણ છે. જરી આકરી લાગે એવી વાત કરું? આ રાજપુરમાં કર્દમ અને અશ્વિન, કર્દમ ભટ્ટ અને અશ્વિન દેસાઈ એ બે ડાબેરી કાર્યકરો, સી.પી.આઈ.એમ.એલ.ના ગુજરાતના સ્થાપક સભ્યો, તો ભાડે આવીને વસેલા. એમણે રાજપુરમાં કશી ક્રાંતિ કરી હોય એવું એમના એક મિત્ર તરીકે અને એ વિસ્તારના રહીશ તરીકે મને યાદ નથી. પણ આ જ રાજપુરના બે દલિત યુવાનો, આઈ રિપિટ બે જન્મે દલિત યુવાનોએ, અમદાવાદના પોલીસ-કમિશનરની કચેરીએ ન ભૂતો ન ભવિષ્યતિ એવા નક્સલવાદનાં પોસ્ટરો ચોંટાડ્યાં હતાં. મારી કિશોરાવસ્થામાં મારા જેવા અનેકના એ હીરો હતા. પણ અહીં જ ’દલિત બિરાદરી’ વિકસી શકી નથી.
હમણાં મિત્ર સંજય ભાવેએ, પ્રોફેસર સંજય શ્રીપાદ ભાવેએ, પૂણે યુનિવર્સિટીના નામ-વિસ્તાર અને એના સાવિત્રીબાઈ ફૂલે, પૂણે યુનિવર્સિટી થવા સંદર્ભે અગ્રણી દલિત લેખક અને તંત્રી-પત્રકાર ઉત્તમ કાંબળેના ’સકાળ’માં પ્રકટ એક લેખ તરફ આપણાં સૌનું ધ્યાન દોર્યું છે. ઉત્તમ કાંબળેએ લેખનું મુખડું કંઈક આમ બાંધ્યું છે :
એક માધ્યમિક શાળામાં કોઈ કાર્યક્રમમાં એ ગયાં છે. આઠમી-નવમીમાં ભણતી એક કિશોરી ઉત્તમ કાંબળેના ઑટોગ્રાફ માંગે છે. લેખક તેને અમસ્તા જ પૂછી બેસે છે, ‘તને નિશાળમાં પહેલાં દિવસે કોણ બેસાડવા આવેલું?’ આ પ્રશ્નનો સહજ જવાબ તો હોય મા-બાપ, દાદા-દાદી, કાકા-કાકી કે માસા-માસી. પણ પેલી કિશોરીનો જવાબ હતો, ’સર, મને નિશાળમાં પહેલા દિવસે સાવિત્રીબાઈ મૂકવા આવેલાં.’
મારા બાપા માંડ બે-ચાર ચોપડી ભણેલા. એ કહેતા સયાજીરાવે, વડોદરાના સુધારાવાદી, અસ્પૃશ્યતાવિરોધી મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે, અસ્પૃશ્યો માટેની નિશાળો તો ખોલેલી પણ બ્રાહ્મણ શિક્ષકોએ અંત્યજોને ભણાવવાને બદલે નોકરીઓ છોડી દીધેલી. એટલે બ્રાહ્મણોને બદલે, સવર્ણ શિક્ષકોને બદલે, દલિતોની પહેલી પેઢી મુસલમાન કે ખ્રિસ્તી શિક્ષકોના ભણાવ્યે ભણી છે. પણ અમારા રાજપુરમાં આ કામ એક પટેલે કર્યું છે, એવું જો તમને કહું તો તમે માનશો? અહીં રાજપુરના થોડા મિત્રો છે. કદાચ એ શાખ પૂરશે કે રાજપુરમાં એક પૂંજાલાલ પટેલની નિશાળ હતી. દલિત બાળકોને એ ઘેર ઘેર ફરીને પોતાની નિશાળે લાવતાં. પોતાની સાઇકલ પર બેસાડીને એક જ સાઇકલ પર પાંચ-સાત દલિત બાળકોને બેસાડીને ચાલુ સાઇકલે પેડલ મારતા જાય અને એમને બચીઓ કરતા જાય. એવા પૂંજાલાલ પટેલને જેમણે જોયા છે, એ ધન્ય છે. આ પૂંજાલાલના બાલમંદિરમાં, પૂંજાલાલના હાથે ભણેલા, કેટકેટલા દલિત છોકરાઓ આજે પણ સારી સારી સરકારી નોકરીએ વળગ્યા છે. પણ દલિતોની વર્તમાન પેઢીને જો પૂંજાલાલ પટેલની નિશાળનો જ ખ્યાલ નથી, તો પછી સયાજીરાવની અંત્યજ શાળા, મુસ્લિમ અને ખ્રિસ્તી શિક્ષકના હાથે ભણેલા એના કાકા-બાપાનો તો ક્યાંથી ખ્યાલ હોય!
અહીં મજૂરમહાજન હતું અને જ્યોતિસંઘ હતું. પરીક્ષિતલાલ મજમુદાર અને રવિશંકર મહારાજ રાજપુરમાં આવતા, તો ઉમાશંકર જોશી, ઈશ્વર પેટલીકર, દિનકર મહેતા, એસ. આર. ભટ્ટ, પુરુષોત્તમ માવળંકરને પણ મેં રાજપુરની સડકસભામાં સાંભળ્યા છે. જ્યોતિસંઘનું બાળકેન્દ્ર, આંગણવાડી, સીવણક્લાસ અને સાંસ્કૃિતક પ્રવૃત્તિઓ તો યુનિયન ઉપરાંતની મહાજનની પ્રવૃત્તિઓ. ખાસ કરીને વાંચનાલય એ જાણે કે ગઈ સદીની વાતો બની રહી છે.
આજના અમદાવાદમાં આભડછેટ છે ..? કોઈ કહેશે કે દલિતને સવર્ણ વિસ્તારમાં રહેવા ઘર નથી મળતું. જો મારી વાત સાચી ન લાગતી હોય તો ઇન્કમટૅક્ષ પછીનો ગાંધીપુલ ઊતરીને અમર બાવળિયાથી આગળના શાહપુર વિસ્તારની પોળોના નાકે લાગેલાં પેલાં બોર્ડ વાંચી લેજો. ભાઈ બિનીત મોદીએ તો એની તસ્વીરો પણ પાડી છે. એ પોળોના નાકે પોળના જ્ઞાતિપંચના નામે સ્પષ્ટ સૂચના લખી છે કે કોઈ નીચલી વરણના, હલકી વરણના લોકને મકાન વેચવું નહીં અને આ જ અમદાવાદમાં વીસમી સદીના પહેલા દાયકે એક સવર્ણ, બ્રહ્મક્ષત્રિય બ્રાહ્મણ, નામે પ્રિયતમરાય દેસાઈએ દલિતોની પહેલી હાઉસિંગ સોસાયટી બાંધેલી, જે આજે ય અમદાવાદના ગિરધરનગર વિસ્તારમાં પ્રિતમપુરા સોસાયટી તરીકે ઊભી છે, એવું જો સંભારું તો તમને કેવું લાગશે ?
અમદાવાદમાં આભડછેટનું એક ક્લાસિક ઉદાહરણ જાણવું છે? અસ્પૃશ્યતાનાબૂદી ધારામાં કોઈ દલિતને બિનદલિત દ્વારા જાતિસૂચક નામે બોલાવવા કે અન્ય પ્રકારના અત્યાચાર અંગે સજાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ દર ત્રણ મહિને સમીક્ષાબેઠક બોલાવવાની હોય છે. અમદાવાદ શહેરમાં, અમદાવાદ શહેરના પોલીસ-કમિશનરની હકુમત હેઠળનાં પોલીસ-સ્ટેશનોની સમીક્ષાબેઠકમાં, એ વાત ઘણીવાર ઉજાગર થઈ છે કે અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં, હા, હું આંબાવાડી નહીં, અમરાઈવાડી કહું છું, દલિત અત્યાચાર પ્રતિબંધક ધારા હેઠળ સૌથી વધુ ફરિયાદો નોંધાય છે. હવે આ અમરાઈવાડી વિસ્તારમાં દલિતો બહુમતીમાં છે. દલિતોની માંહોમાંહેની આભડછેટની આ કાયદામાં કશી જોગવાઈ નથી. તો પછી આભડછેટ અને અત્યાચારના સૌથી વધુ કેસો અમદાવાદના નામચીન બની બેઠેલા અમરાઈવાડી વિસ્તારમાં કેમ નોંધાતા હશે ..? જરા વિચારજો અને જવાબ જડે તો મને કહેજો.
હરિકથા અનંતા જેવું છે આ આભડછેટની કથાનું તો. ક્યાંક તો અટકવું પડે એટલે બે નાનકડી વાતો નોંધીને મારી વાત સમેટું.
ભાનુભાઈ અધ્વર્યુએ ’રુદ્રવીણાના ઝંકાર’માં મરાઠાવાડા યુનિવર્સિટીના નામાંતરનો પ્રશ્ન વિવાદમાં હતો એ વખતની એમની ઔરંગાબાદની મુલાકાત અંગે લેખ કર્યો છે. ભાનુભાઈ લખે છે :
ગોષ્ઠિની બેઠકોના વચ્ચેના ગાળામાં અમે નજીકની હોટલમાં વારંવાર ચા-પાણી માટે જતાં. ગલ્લા પર બેઠેલો હોટલમાલિક ગ્રાહકો સાથે ઢગલો મરાઠી છાપાંઓનાં પાનાં ઉથલાવતો, દેશ-પરદેશના બનાવો અંગે ચર્ચા કરતો હોય. અમે એક વખત એની આગળ નામાંતરનો પ્રશ્ન ઉખેળ્યો. બંને ગાલોફાં વચ્ચે દબાવેલા પાનને સાચવતાં તેણે ઔરંગાબાદના વિકાસમાં બાબાસાહેબના પ્રદાનને સ્વીકારતા, મરાઠાવાડા યુનિવર્સિટી સાથે ડૉ. આંબેડકરનું નામ જોડાય, તો મરાઠાવાડાની અસ્મિતાને ઠેસ પહોંચે એટલે નામાંતરનો વિરોધ કરતાં યુનિવર્સિટીને બદલે શહેર આખાનું નામ ઔરંગાબાદને બદલે ભીમરાવનગર રાખવા સૂચવ્યું. એની આ ઉદાર દરખાસ્તનો ઘટસ્ફોટ કરતાં તેની નજીક બેઠેલા ગ્રાહકે તરત જ જણાવ્યું કે, અમારા શહેર સાથે કોઈ મિયાંભાઈનું નામ જોડાયેલું હોય તેના કરતાં ભીમરાવનું નામ હોય તો વધારે સારું.
આવો એક બીજો પ્રસંગ, દિલીપભાઈએ, આજે દિલીપ ચંદુલાલ તરીકે જાણીતા વડીલમિત્રે, મને લખેલો જાહેર પત્ર, જે ’અનામતની આંધી’માં છપાયો છે તે યાદ કરું. દિલીપભાઈએ અનામત-રોસ્ટર વિરોધી રમખાણો પછી પોતાની બ્રાહ્મણ જાતિસૂચક ’ત્રિવેદી’ અટક છોડી દીધી છે અને હવે દિલીપ ચંદુલાલ તરીકે જ ઓળખાય છે. તેમણે લખ્યું હતું:
એક સવર્ણ મિત્રએ દલિતો પોતાની અટકો બદલે છે, તેનો ઉપાલંભ કરતાં સૂચન કર્યું કે આપણામાંના કોઈકે આપણી અટક બદલીને ’ઢેડ’ રાખવી જોઈએ. એટલે અટકથી બોલાવવાનો જ્યાં ચાલ છે, ત્યાં ’શ્રી ઢેડ’ કે ’ઢેડભાઈ’ કહીને આપણને બોલાવવામાં આવે. એટલે ’ઢેડ’ શબ્દ ઉચ્ચારવાથી થતી કાયદાકીય સજાની સંભવિતતામાંથી બચી જવાશે અને ’ઢેડ’ શબ્દ પાછો અમલી બનાવી શકાશે. ઔરંગાબાદનો પેલો મરાઠા હોટલમાલિક અને અમદાવાદ-ગાંધીનગરના પેલો બ્રાહ્મણ જે હિંદુ સંકુચિતતા ધરાવે છે, જે ધર્મભેદ અને જાતિભેદને પોષતી માનસિકતા ધરાવે છે, ત્યાં સુધી નવા રૂપે, નવા રંગે અહમદશાહના અમદાવાદમાં, સફાઈકામને આધ્યાત્મિક અનુભવ લેખાતા નરેન્દ્ર મોદીના કર્ણાવતીમાં, આભડછેટ અજરાઅમર રહેવાની છે.
જૉસેફ મેકવાન આંગળિયાતમાં લખે છે : “વાતો ય ખાસ્સી મનમેળાપીપણાથી થાય, પણ તન ના હેળવાય.” ડૉ. આંબેડકરે આઝાદી પછીનાં વરસોમાં જ્યારે આભડછેટ-નાબૂદીનો કાયદો બનવાનો હતો, ત્યારે એ કાયદાના નામકરણનો જ વિરોધ કર્યો હતો. તેમણે કહેલું કે હવે એક નાગરિક, એક મત, એક મૂલ્યનું સમતાવાદી બંધારણ અસ્તિત્વમાં છે. દેશમાં ન કોઈ સ્પૃશ્ય છે કે ન અસ્પૃશ્ય છે. સૌ નાગરિક છે. એટલે આ કાયદાનું નામ ’અસ્પૃશ્યતા-નાબૂદી કાયદો નહીં’, પણ ’નાગરિકહક સંરક્ષણધારો’ રાખવું જોઈએ અને સરકારે એ વાત સ્વીકારી હતી. ’અપના અડ્ડા’ના આપણે સૌ અમદાવાદના નાગરિકોએ મનના મેળાપીપણાથી અને તન પણ હેળવાય તેવી નાગરિકતાના પાઠ શીખવા અને શિખવાડવા જોઈશે એવી આશા સાથે મારી વાત પૂર્ણ કરું છું.
[ગુજરાત-મુંબઈ રેશનાલિસ્ટ એસોસિયેશન પ્રેરિત અને સમર્પિત યુવાનો માટેના રેશનલ પ્રવૃત્તિ જૂથ ‘અપના અડ્ડા’ના નિયમિત બિનદલિત યુવાનોની સદંતર ગેરહાજરી અને પ્રથમવાર દલિત યુવાનોની મોટી હાજરીમાં, ‘રંગમંડળ’ અમદાવાદ ખાતે તારીખ 22 નવેમ્બર 2014ના રોજ બોલાયેલું.]
સૌજન્ય : “નિરીક્ષક”, 16 જુલાઈ 2015, પૃ. 12-16