પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ સંજય દેશમુખની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે
આ લખનારે ૧૯૮૦ના ડિસેમ્બર મહિનામાં વીસ દિવસનો જેલવાસ ભોગવ્યો હતો. કારણ એવું હતું કે ઔરંગાબાદની મરાઠવાડા યુનિવર્સિટીને ડૉ. ભીમરાવ આંબેડકરનું નામ આપવા માટે ત્યારે સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો જેમાં અમે ભાગ લીધો હતો. મૂળમાં દલિતોએ આવી કોઈ માગણી નહોતી કરી. એ સમયની મહારાષ્ટ્ર સરકારે સામેથી મરાઠવાડા યુનિવર્સિટીનું નામ બદલીને બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી કરવાનો ઠરાવ કર્યો હતો. સરકારના ઠરાવનો મરાઠવાડાના કેટલાક નેતાઓ, સ્વાતંત્ર્યસૈનિકો, વિચારકો, પ્રાધ્યાપકો અને સાહિત્યકારોએ વિરોધ કર્યો હતો. આશ્ચર્ય એ વાતનું હતું કે નામાંતરનો વિરોધ કરનારા લોકોમાં એવા આદરણીય લોકો હતા જેમને કોઈ અર્થમાં દલિતદ્વેષી ન કહી શકાય. જેમની પાસેથી સમાનતાના અને ઉદારમતવાદી વિચારધારાના સંસ્કાર મળ્યા હતા એવા લોકોએ યુનિવર્સિટીને ડૉ. આંબેડકરનું નામ આપવામાં આવે એનો વિરોધ કર્યો હતો. આદરણીય અને પ્રતિષ્ઠિત લોકોએ વિરોધ કર્યો એટલે સરકારે પીછેહઠ કરી જેની સામે સત્યાગ્રહ કરવો પડ્યો હતો.
આ વાત આટલાં વર્ષે અહીં એટલા માટે યાદ કરી છે કે હવે એમ લાગે છે કે વડીલો સાચા હતા. શિક્ષણસંસ્થાઓને જેમાં લાંબા ગાળે સંકુચિતતાની સંભાવના હોય એવા રાજકારણથી મુક્ત રાખવી જોઈએ, પછી ભલે વર્તમાનમાં આ ક્ષણે એમાં પ્રગતિશીલતા નજરે પડતી હોય. એ સમયે સામાજિક સમાનતાનું ભૂત અમારા પર સવાર હતું. હવે સમજાય છે કે સામાજિક સમાનતા આવાં નામકરણોનાં પ્રતીકો દ્વારા આવતી નથી. સાચી સમાનતાની જગ્યાએ આવાં પ્રતીકો શિક્ષણસંસ્થાઓને રાજકારણનો અખાડો બનાવી મૂકે છે. એ આંદોલનના પરિણામે દલિતોને જેટલો ફાયદો થયો છે એના કરતાં વધુ દલિતોને અને દેશને નુકસાન થયું છે. સાચી સમાનતાની જગ્યાએ સમાનતાનાં પ્રતીકોના રાજકારણે આક્રમક અને એકાંગી દલિત રાજકારણને જન્મ આપ્યો છે. એ સમયે નામાંતરનો વિરોધ કરનારા પ્રસિદ્ધ મરાઠી ચિંતક નરહર કુરુંદકરે કહ્યું હતું કે ડૉ. આંબેડકર પરમ આદરણીય છે, પરંતુ ડૉ. આંબેડકરના વિચારો લોકો સુધી પહોંચાડવા હશે તો મુક્ત શિક્ષણસંસ્થાઓ જરૂરી છે. જો શિક્ષણસંસ્થાઓ મુક્ત નહીં હોય તો ગાંધીને, મહાત્મા ફૂલેને, આંબેડકરને કે જવાહરલાલ નેહરુને એમ દરેકને ચોક્કસ રંગે રંગવામાં આવશે. એક દિવસ એવો આવશે જ્યારે કેટલાક લોકોનાં વસ્તુિનષ્ઠ મૂલ્યાંકનો પણ શક્ય નહીં બને.
‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રતાપ ભાનુ મહેતાએ યોગ્ય જ કહ્યું છે કે ઉચ્ચ કેળવણી સાથે ચેડાં કરવાનું કામ ૧૯૬૦ પછી શરૂ થયું હતું. ત્યારે ભાષાવાર પ્રાંતરચનાઓ થઈ હતી અને પ્રાદેશિક અને ભાષાકીય અસ્મિતાઓને યુનિવર્સિટીઓમાં ઝૂકતું માપ આપવાનું શરૂ થયું હતું. વાસ્તવમાં પરંપરા દ્વારા શોષિતોને, દલિતોને, આદિવાસીઓને, સ્ત્રીઓને, પ્રાદેશિક અસ્મિતાઓને, ભાષાઓને ન્યાય આપવાના નામે શિક્ષણસંસ્થાઓમાં પ્રતીકોનું રાજકારણ શરૂ થયું હતું. કેળવણી વ્યાપકતા ગુમાવવા લાગી હતી અને પ્રતીકોનો શિકાર બનવા લાગી હતી. મુંબઈ યુનિવર્સિટીમાં કોઈ બંગાળી કે દક્ષિણ ભારતીય ઉપકુલપતિ હોય એની કલ્પના કરવી મુશ્કેલ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનારા વિદ્વાનો પ્રાદેશિક, ભાષાકીય કે એવા બીજા નાના ગજમાં સમાતા નથી એટલે તેમને શિક્ષણસંસ્થાઓમાંથી બહાર રાખવામાં આવે છે. ડૉ. અમર્ત્ય સેન, જગદીશ ભગવતી, હરગોવિંદ ખુરાના, સુબ્રમણ્યમ ચન્દ્રશેખર, વેન્કટરમણ રામક્રિષ્ણન જેવા ભારતીય વિદ્વાનો વિદેશોની યુનિવર્સિટીઓમાં ટોચના સ્થાને પહોંચી શકે, નોબેલ પારિતોષિક પણ મેળવી શકે; પરંતુ તેઓમાંનું કોઈ મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિ ન બની શકે. શું મહારાષ્ટ્ર વાંઝિયું છે એવો ટોણો મારવામાં આવશે?
આમાં તો પરંપરાગત સમાજે જેમને સેંકડો વર્ષથી હાંસિયામાં રાખ્યા હતા તેમના પડખે ઊભા રહેવાનો ઇરાદો હતો. ઇરાદો ભલે નેક હતો, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને અધ્યયનની મોકળાશને તો એમાં નુકસાન જ પહોંચ્યું છે. આની સામે કલ્પના કરો કે જ્યાં ઇરાદો જ વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાનો હોય ત્યાં શું નહીં થાય? પાકિસ્તાન વિદ્યાર્થીઓના માનસને ચોક્કસ રંગે રંગવાની કિંમત ચૂકવી રહ્યું છે. જાણીતા શાયર ફૈઝ અહમદ ફૈઝે કહ્યું હતું કે જે દિવસે પાકિસ્તાને સિંધુ સભ્યતા માટે ગર્વ લેવાનું ટાળ્યું એ દિવસે પાકિસ્તાન માટે સંકટનાં બીજ રોપાયાં હતાં અને જે દિવસે બૌદ્ધોની તક્ષશિલા વિશ્વવિદ્યાલયને પરાઈ સભ્યતાના પ્રતીક ગણાવાઈ હતી એ દિવસે પાકિસ્તાનના વિનાશનું કાઉન્ટડાઉન શરૂ થયું હતું.
એમ લાગે છે કે ભારતના વર્તમાન શાસકો પાકિસ્તાન પાસેથી કોઈ ધડો લેવા માગતા નથી. એટલે તો અમર્ત્ય સેને ભારત આવીને જાહેરમાં ઊહાપોહ કરવો પડ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારત સરકાર ઇરાદાપૂર્વક ઉચ્ચ શિક્ષણસંસ્થાઓને તાબામાં લઈ રહી છે જેથી એનું ભગવાકરણ કરી શકાય. જેમ પાકિસ્તાને શિક્ષણસંસ્થાઓને ઇસ્લામિક રંગે રંગી હતી એવી યોજના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)ની છે અને નરેન્દ્ર મોદીની સરકાર એમાં સહયોગ કરી રહી છે. નાગપુરથી આવનારી દરખાસ્તોને બુદ્ધિ ચલાવ્યા વિના સ્વીકારી લે એવી અલ્પમતી ધરાવતી વ્યક્તિની શાસ્ત્રીભવનમાં જરૂર હતી જે તેમને સ્મૃિત ઈરાનીના સ્વરૂપમાં મળી ગઈ છે. અન્યથા સ્મૃિત ઈરાની જેવી વ્યક્તિ શિક્ષણપ્રધાન હોય? જે વ્યક્તિ પોતે જ પોતાની લાયકાત ખોળી રહી હોય તે ભારત જેવા દેશનાં શિક્ષણપ્રધાન હોય એને તો બલિહારી જ કહેવી પડે.
એમાં કોઈ શંકા નથી કે પ્રાદેશિક, ભાષાકીય અને વાંશિક અસ્મિતાઓએ શિક્ષણસંસ્થાઓને જેટલા પ્રમાણમાં અભડાવી છે એનાથી વધુ નુકસાન શિક્ષણનું તેમ જ શિક્ષણસંસ્થાઓનું હિન્દુકરણ કરશે. આનો પ્રતિકાર કરવો જ જોઈએ. મુંબઈ યુનિવર્સિટીના ઉપકુલપતિપદે જે ભાઈની નિયુક્તિ કરવામાં આવી છે એ કોઈક સંજય દેશમુખ નામના માણસનું હજી સુધી કોઈએ નામ નહોતું સાંભળ્યું. તેમના બાયોડેટામાં તેમની સિદ્ધિઓ વાંચશો તો માન ઊપજવાની જગ્યાએ દયા આવશે. તેમની સૌથી મોટી અને મહત્ત્વની લાયકાત એ છે કે તેઓ RSSના સ્વયંસેવક છે.
સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કૉલમ, “ગુજરાતી મિડ-ડે”, 20 જુલાઈ 2015
http://www.gujaratimidday.com/features/columns/2015-07-20-07-08-33