પંજાબના વિદ્રોહી કવિ 'પાશ'ની અંગારા જેવી ધગધગતી એક કાવ્યપંક્તિ છે, "સમય બડા કૂત્તા હૈ મેરી બુલબુલ …." સમય માટેના આક્રોશનું કારણ એ છે કે સમય કોઈનો થયો નથી કે થવાનો પણ નથી. સમય પોતાની ગતિએ ચાલે છે, તે કોઈની શેહમાં આવતો નથી અને સમય સામે સૌ મજબૂર હોય છે. સમય જ તમને બળવાન બનાવે છે અને સમય જ તમારી શક્તિઓ હણી લેતો હોય છે, એનો એક સજ્જડ દાખલો મહાભારતમાં પણ ઉપલબ્ધ છે. મહાભારતની એક જાણીતી પંક્તિ છે, સમય સમય બલવાન હૈ, નહીં મનુષ બલવાન, કાબે અર્જુન લૂંટયો, વહી ધનુષ વહી બાણ …. સમય જેટલો શક્તિશાળી છે, એટલો ક્રુર પણ છે અને સમયની ક્રુરતાથી સમયના સાક્ષી જ નહિ બલકે પ્રવક્તા ગણાય, એવી ઘડિયાળો પણ બચી શકી નથી. એકવીસમી સદીમાં કોમ્પ્યુટર અને મોબાઇલ ફોનનો સમય જામ્યો છે ત્યારે પરંપરાગત ઘડિયાળોનો અંતિમ સમય આવી પૂગ્યો હોય એવું લાગે છે. કાંડા ઘડિયાળ હવે સમય જોવાના સાધન તરીકે નહીં તો પણ ફેશનની ચીજ કે એક્સેસરીઝ તરીકે પહેરાય છે, પણ સૌથી દયનીય હાલત ટાવર પરની ઘડિયાળોની થઈ ગઈ છે. એક જમાનામાં સમય જોવાના સાધન તરીકે દુનિયાભરમાં જેના ડંકા વાગતા હતા, એવી ટાવરની ઘડિયાળના વાગતા ડંકા પર આજે ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. લોકો પાસે જાણે ટાવરની ઘડિયાળ પર નજર નાખવાનો 'સમય' જ નથી રહ્યો !
આજે ટાવરની ઘડિયાળને યાદ કરવાનું નિમિત્ત પૂરું પાડનાર છે – દુનિયાની ડંકા વગાડતી સૌથી ઊંચી ટાવર ઘડિયાળ બિગ બેન. બ્રિટનના પાર્લમેન્ટ હાઉસ એટલે કે લંડનના વેસ્ટમિનિસ્ટર મહેલના ઉત્તર છેડે ઊભેલા એલિઝાબેથ ટાવર પરની આ ઘડિયાળની આજે વર્ષગાંઠ છે. ૩૧મી મે, ૧૮૫૯ના રોજ આ ઘડિયાળ કાર્યરત થઈ હતી અને તેના ડંકા વાગવા માંડયા હતા. બિગ બેનનો સંક્ષિપ્ત ઇતિહાસ જોઈએ તો ઓક્ટોબર-૧૮૩૪માં વેસ્ટમિનિસ્ટર મહેલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. આ મહેલને ફરી બાંધવામાં આવ્યો અને તેના ઉત્તર છેડે દુનિયાની સૌથી ઊંચી અને સમયમાં એકદમ ચોક્કસ ઘડિયાળ બેસાડવાનો નિર્ણય કરાયો. રોયલ એસ્ટ્રોનોમર સર જ્યોર્જ એરીએ સમયમાપનના વિજ્ઞાનમાં ખાંટું મનાતા એડમંડ બેકેટ ડેનિસનની મદદથી સમયની સાથે ચુસ્તપણે ચાલતી ઘડિયાળ તૈયાર કરી હતી. સમયે સમયે ડંકા વગાડવા માટે સોળ ટનનો મોટો ટોકરો (ઘંટ) તેની સાથે જોડવામાં આવ્યો હતો. આા ટોકરો ગ્રેટ બેલ તરીકે જાણીતો છે અને તેના આધારે જ આ ઘડિયાળ અને ટાવર બિગ બેન તરીકે ઓળખાય છે. બિગ બેનના સેન્ટ સ્ટીફન્સ ટાવરનું નામ ૨૦૧૨માં ઇંગ્લેન્ડનાં મહારાણી એલિઝાબેથ-બીજાના શાસનના હીરક મહોત્સવ (૭૫ વર્ષ) નિમિત્તે બદલીને એલિઝાબેથ ટાવર કરાયું હતું. જો કે દુનિયા તેને બિગ બેન ટાવર તરીકે જ ઓળખે છે.
૧૮મી સદીમાં કાંડા ઘડિયાળ તો દૂરની વાત થઈ પણ ઘરમાં દીવાલો ઘડિયાળો પણ દુર્લભ હતી. એ જમાનામાં લોકોને સમયનો અંદાજ આવે એ માટે નગરોમાં ઊંચા ટાવર પર ઘડિયાળ રાખવાનો ટ્રેન્ડ શરૂ થયો હતો. ટાવર ઘડિયાળનું ચલણ વિકસ્યું એમાં પણ બિગ બેનની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી. દુનિયાની ઐતિહાસિક ટાવર ઘડિયાળોમાં મુંબઈની રાજબાઈ ટાવર ઘડિયાળનો સમાવેશ થાય છે. બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો પાયો નાખનારા પ્રેમચંદ રાયચંદે પોતાની માતાની સ્મૃિતમાં આ ટાવર ઘડિયાળ બનાવડાવી હતી. અંગ્રેજ આર્કિટેક્ટ જ્યોર્જ ગિલ્બર્ટ સ્કોટે લંડનની બિગ બેનના આધારે જ રાજબાઈ ટાવર ઘડિયાળ બનાવી હતી.
સમયના વહેણમાં ટાવર ઘડિયાળો વહી જવાની છે, પણ જૂની પેઢીનાં તેની સાથેનાં સ્મરણો સાચવી રાખવાં જેવાં છે. તમારાં માતા-પિતા કે દાદા-દાદી પાસેથી જાણીને તેને નોંધી લેવાનું ચૂકતાં નથી, બાકી તમે જાણો જ છો, સમય બડા કૂત્તા હૈ … !
સૌજન્ય : ‘સમય સંકેત’ નામક લેખકની કોલમ, “સંદેશ”, 31 મે 2015
e.mail : divyeshvyas.amd@gmail.com