Almost 28 years have passed. I chanced to see this piece and the eyes slid down the memory lane :
વીતેલાં વર્ષમાં મારાં અંતરતલને તીવ્રતાથી સ્પર્શી જનારી ઘટના? યાત્રા? મુલાકાત? વ્યક્તિ? – આ તમામ પ્રશ્નાર્થો સામે એક જ ઉત્તર સાંપડે છે : હરીન્દ્ર દવેની સ્થૂળ ગેરહાજરી અને સતત અનુભવાતી સંનિધિ. બસ. પછી પૂર્ણવિરામ ! આ કેવી ઘટના છે? એક દાયકાથી પણ દીર્ઘ સાન્નિધ્યની એક સંપન્ન યાત્રા, વ્યક્તિત્વને મહોરવા મોકળું આકાશ આપતી તાઝગીભરી મુલાકાતો, પુસ્તકોની મનગમતી વાતો – આ બધા પર ૧૯૯૫ના માર્ચ મહિનાની ૨૯મી તારીખે મૃત્યુની અફર આંગળીએ ’સ્ટોપ’ લખી નાખ્યું, પૂર્ણવિરામ મૂકી દીધું. એ અક્ષરોને ભૂંસવાની જીવનની તાકાત નથી. પરંતુ મૃત્યુની પંહોચ માત્ર સ્થૂળ હયાતી સુધી જ છે, જ્યારે જીવન તો વિસ્તરે છે સૂક્ષ્મ સુધી.
આપ્તજનની વિદાયથી અનુભવાતી આ સ્થૂળ-સૂક્ષ્મ વચ્ચેની દ્વિધાને કવિ-ચિત્રકાર પ્રસન્નએ તીવ્ર અભિબ્યક્તિ આપી છે :
What is real?
Your being here
Or, your going away?
હરીન્દ્રભાઈ સાથેનો પરોક્ષ પરિચય ઘણો જૂનો, પણ પ્રત્યક્ષ પરિચય તો પત્રકારત્ત્વના વ્યવસાયમાં આવ્યાં પછી જ થયો. બાર વર્ષ(૧૯૮૩થી ૧૯૯૫)માં એ પરિચયમાં ઊંડી આત્મીયતાનું તત્ત્વ ઉમેરાયું. સતત શીખતાં રહેવાની, નવું નવું જાણવાની – સમજવાની મારી ઉત્સુકતાને સંતોષે એવું તેમનું પ્રતિભાશાળી વ્યક્તિત્વ. વળી આસપાસના સહુ કોઈના વિકાસમાં રાચે. કેટલીક વ્યક્તિઓને મળતાં કે તેમની સાથે વાતો કરતાં આપણે ભીતરથી વધુ સમૃદ્ધ થતા હોવાનો અહેસાસ કરીએ. હરીન્દ્રભાઈ સાથેના સંવાદમાં આવી સમૃદ્ધિનો અનુભવ મને અનિવાર્યપણે થયો છે. કેટલીક વાર ધસમસતા પ્રવાહ જેવો મારો જૂસ્સો ઓગળીને ઘાયલ અને હતાશ યોદ્ધાની આજાર-અવસ્થામાં પલટાઈ જતો. અનેકવાર ઝંઝાવાતી સમંદરમાં ઊછળતાં વિકરાળ મોજાં વચ્ચે પોતાના નાનકડાં બાહુથી એક ટચૂકડી નાવને સંતુલિત કરતી, તેને તરતી રાખવા મથતી એકલવાઈ છોકરી મારાં માનસપટ પર છવાઈ જતી. અસહ્ય અકળામણ અને બોજ મને ઘેરી વળતા. પણ ’આપણું હ્રદય ખોલીએ ના’ એ પંક્તિને દૃઢપણે પાળું ને હોઠો પર મૌનનું તાળું સજાવેલું જ રાખું. તે છતાં મારી આ મન:સ્થિતિને સમજી, તટસ્થપણે તેનું વિશ્લેષણ કરી, તેમાંથી બહાર આવવાની દિશા તેમણે ચીંધી આપી હતી. અનેક પ્રસંગોએ, અનેક વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં પણ એમની સર્જકતા અને શબ્દોનું દૈવત અનુભયાં. પત્રકારત્વ, સાહિત્ય, કળા, સંસ્કૃતિ, અધ્યાત્મ, માનવસંબંધો, સમાજ, રાજકારણ, રમત-ગમત, જ્યોતિષ, તંત્ર, – એક્પણ વિષય એવો નહોતો જે એમની સાથે ચર્ચી ન શકાય. દરેક વખતે મારી જ્ઞાનની ક્ષિતિજો વિસ્તરતી. એ બૌદ્ધિક માહોલ અત્યંત સંતર્પક હતો. ‘જન્મભૂમિ પ્રવાસી’ની સાપ્તાહિક પૂર્તિના સંપાદક તરીકે એમના હાથ નીચે તૈયાર થવાની તક એ મારા જીવનનો અત્યંત સુભગ સંયોગ હતો. એમની પાસેથી આટલું બધું પામ્યાંની આભારવશતા વ્યક્ત કરતી ત્યારે હરીન્દ્રભાઈ હસીને કહેતા : આપણી વચ્ચે સર્જનાત્મક સંવાદ થયો છે. એનાથી હું પણ સમૃદ્ધ થયો છું. અલબત્ત એ એમની લાક્ષણિક વિનમ્રતા હતી.
આવી આ સભર યાત્રા પર અચાનક ફૂલસ્ટોપ મૂકાઈ ગયું! અમારા સંવાદમાં સોપો પડી ગયો. એમના જ શબ્દોમાં કહું તો ’શાણપણની સઘળી દીવાલો હચમચી ઊઠી.’ પરંતુ એ ચંદ મહિનાના અનુભવે મને એક પ્રતીતિ કરાવી : પ્રગટ વાણીનો – વૈખરીનો – ના સહી, અમારી વચ્ચે મૌનનો – પરાવાણીનો- સંવાદ તો અકબંધ છે. જ્યારે જ્યારે મેં ઘેરી શૂન્યતા અનુભવી ત્યારે અચાનક પરિચિત અને ક્યારેક તો તદ્દન અજાણ્યા પાસેથી પણ પરિતૃપ્ત કરતી લાગણી સાંપડી ગઈ છે. વ્યાવસાયિક મૂંઝવણ અનુભવી તો કોઈ અનપેક્ષિત ખૂણેથી માર્ગદર્શન મળી આવ્યું છે. પરમ તત્ત્વમાંની તેમની ઊંડી શ્રદ્ધા મારી શ્રદ્ધાની વાટને પણ સતત સંકોરતી રહે છે. અનેક પ્રસંગોએ એ શ્રદ્ધાનો પડધો સાંભળ્યો છે. આજે એક પ્રસંગની વાત કરું.
પહેલી જૂન એટલે ‘જન્મભૂમિ’ સાથેની મારી જર્નીનો પ્રથમ દિન. ૧૯૯૮૩માં આ દિવસે હું ‘જન્મભૂમિ પ્રવાસી’માં ઉપસંપાદક તરીકે જોડાયેલી. દર વર્ષે એ દિવસે તેમને પ્રણામ કરી તેમના આશીર્વાદ પામતી. ૧૯૯૫ની પહેલી જૂને તેમની ગેરહાજરી બહુ સાલી. તેમના આત્મીય આશીર્વચનો વગર એ દિવસ ઉદાસીમાં વીત્યો. દિવસ દરમિયાન બે-ત્રણ વાર મેં ટેલિફોનની ડાયરી ખોલી. હું કોઇક એવા મિત્રનો નંબર શોધતી હતી જેને ફોન જોડીને કહું ‘એક સરસ ગીત સંભળાવ’. પણ બધીવાર નિરાશ થઈને ડાયરી મૂકી દેવી પડી. કામમાં ખૂંપીને દિવસ પૂરો કર્યો. રાત્રે ઘરે પાછી ફરી રહી હતી. ચર્ચગેટથી લોકલ ટ્રેનમાં ચડી. બારી પાસેની સીટ પર બેઠી. હું એકલી જ હતી. આંખ મીંચીને હું કોઇક ગીત ગાતી હતી. મારી આંખો વહેતી હતી. મન પર છવાયેલી એકલતાને ખંખેરવા હવે હું જુસ્સાવાળું ગીત ગાઈ રહી હતી : ’હમ હોંગે કામિયાબ એક દિન ….’ થોડીવારે મેં આંખો ખોલી. સામે એક સાદી છતાં આકર્ષક યુવતી બેઠી હતી. અમારી આંખો મળી. તેણે મને પૂછ્યું :
’તમે ગાયક છો?’
’ના’ .
’તો શું તમે પ્રાર્થના કરી રહ્યાં હતાં?’
’ના, હું ગાતી હતી. એકલી હોઉં ત્યારે મારા અંતરની લાગણીને આ રીતે વ્યક્ત થવા દઉં છું. ખૂબ સારું લાગે છે.’ મેં કહ્યું. એની આંખોમાં ચમક આવી ગઈ. એ બોલી :
’ખરેખર, સંગીત સંવેદનાની અભિવ્યક્તિનું અત્યંત સક્ષમ માધ્યમ છે. મને પણ બચપણથી ગાવાનો બહુ શોખ છે.’
તેની સાથેની વાતોમાંથી જાણ્યું કે સુપ્રસિદ્ધ ફિલ્મ ‘સાઉન્ડ ઑફ મ્યુઝિક’ના નાટ્યરુપાંતરમાં એ મુખ્ય ભૂમિકા ભજવવા જઈ રહી હતી. મેં એને કહું :
‘એ ફિલ્મનું ગીત ‘I must have done something good…’ મને ખૂબ જ ગમે છે. તું પ્લીઝ એ ગાશે?’
તેણે આસપાસ નજર ફેરવી. ટ્રેન હવે પહેલાં જેટલી ખાલી નહોતી. હું તેનો સંકોચ કળી ગઈ. મેં કહ્યું : ’એમાં શું … ગાને!’
‘પણ વાયોલિન વગર તો હું ગાઈ જ ન શકું.’ તેણે કહ્યું.
‘પ્લીઝ ટ્રાઈ કરને…!’
અને એણે ગાયું :
Somewhere in my miserable youth
There must have been a moment of Truth …
For here you are,
Standing there, loving me whether or not you should
For somewhere in my youth or childhood
I must have done something good ..’
આંખો બંધ કરી હું એનું ભાવવાહી ગાન સાંભળી રહી હતી. ગીતનાં બોલ અને એના સ્વરની મીઠાશ માણ્યાં જ કરું એમ થતું હતું. એણે ગાવાનું પૂરું કર્યું. છલોછલ હૈયે અને આંખે મેં એનો આભાર માન્યો. એવા જ લાગણીશીલ અવાજે એણે કહ્યું :
’તમે માનશો, જિંદગીમાં પહેલીવાર વાયોલિન વગર ગાયું છે – તમારે માટે. તમારી આ તીવ્ર સંવેદનશીલતાનું જતન કરજો. ઇટ ઇઝ રેર.’
એના સૂર અને શબ્દોએ મને તરબતર કરી દીધી. સવારથી ઝંખતી હતી એ શુભેચ્છા જાણે મને મળી ગઈ. મારી સઘળી ઉદાસી ખરી પડી. ફરી એક્વાર પ્રસન્નના શબ્દો યાદ આવ્યા :
‘The pebble is gone,
Sound no more
Just ever widening circles of water
Still there’
વિવિયનને ઊતરવાનું સ્ટેશન આવી ગયું. અમે છૂટાં પડ્યાં પણ ઘર સુધી એનું ગીત મારા હોઠ પર ગુંજતું રહ્યું :
I must have done something good ..
સૌજન્ય : તરુબહેન કજારિયાની ફેઇસબૂક દીવાલેથી સાદર