આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ,
સહુ ખેલો ગુલાલ લાલ રંગ !
વન વનનાં, પલાશ કેરાં વૃક્ષોને,
મોર્યાં કેસૂડાં અનંત !
મ્હોરતી વસંત કેરે,
હૈયેથી ઝીલ્યો, કેસૂડાંનો રંગ !
આજ અમે ઘોળ્યો, કેસૂડાંનો રંગ !
ભડકે ભભૂકેલી કાળની, હુતાશનીમાં,
દેખ્યો ‘તો શોણિતનો રંગ !
ભારેલા અગ્નિના, અંતરપટ શોધતાં,
લાધ્યો ગુલાલ લાલ રંગ !
આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ !
ધૂળ હટી (ધૂળેટી )આજ હવે રંગનાં હુલામણાં
સંસ્કારે રંગાયેલાં સહુને વધામણાં !
તમે ખેલો ગુલાલ લાલ રંગ,
આજ અમે ઘોળ્યો કેસૂડાંનો રંગ!
(સ્વાતંત્ર સેનાની મારા પિતાશ્રી એક સમયે તારક ઉપનામથી, હસ્ત લિખીત માસિક ચલાવતા. એમની જ લખેલી, આજે, એમની 115 વર્ષની જન્મતિથિ નિમિત્તે)
—વસુધા ઇનામદાર
27 માર્ચ 2024
e.mail : mdinamdar@hotmail.com