[મૂલ્યનિષ્ઠ વરિષ્ઠ પત્રકાર રમેશ ઓઝાની કોલમ બંધ થઈ, ત્યારે વાંચકોનો આભાર વ્યક્ત કર્યો.]

રમેશ ઓઝા
હું ગદ્દગદ્દ છું. ‘મિડ – ડે’માં મારી ‘કારણ તારણ’ કૉલમ બંધ થઈ, એ પછી તેનું કારણ જાણવા એટલાં બધાં ફોન, ઈ-મેઈલ્સ, મેસેજીઝ અને ફેસબુક પર પોસ્ટ આવી જેની મેં કલ્પના નહોતી કરી. કેટલાંક એવા મિત્રો પણ હતા જેઓ મારા વિચારનો વિરોધ કરતા હોવા છતાં મને વાંચતા હતા અને હું લખતો રહું એમ ઈચ્છતા હતા.
હું ગદ્દગદ્દ એટલા માટે નથી કે તમે મને વાંચો છો અથવા મારા પણ મોટી સંખ્યામાં વાચકો છે. વાચકોની સંખ્યા ગણવાના અને ગણીને પોરસાવાના સંસ્કાર તો જ્યારથી લખવાનું શરૂ કર્યું ત્યારથી વિકસવા દીધા નથી. જો એવો મોહ હોત તો સસ્તું ચિંતન અને જ્ઞાનની ગોળી પીરસવાની ચેષ્ટા કરી હોત ! પવનની દિશા જોઇને લોકોને ગમે એવું લખવાની ચેષ્ટા કરી હોત ! લોકપ્રિય થવાના પદાર્થોથી હું અજાણ નથી. હું ગદ્દગદ્દ એટલા માટે છું કે જે ભારતના અને જે સમાજના પડખે હું ઊભો રહું છું એના પડખે ઊભા રહેનારાઓની સંખ્યા મેં ધારી હતી એના કરતાં પણ ઘણી મોટી છે. જે નથી ઊભા રહેતા એમાંના ઘણા એવા છે જે એમ માને છે કે ‘આ ભાઈ ભલે આપણને ગમે એવી વાત નથી કરતા; પણ કરે છે વ્યાપક સમાજહિતની, અંગત એજન્ડા વિનાની, પક્ષપાત વિનાની, તાર્કિક વાત.
હું બે નિસબત સાથે જીવું છું અને પ્રસંગ પડ્યે લખું કે બોલું છું. પહેલી નિસબત છે મૂળભૂત માનવીય મૂલ્યો. પરસ્પર માનવીય આદર અર્થાત્ બંધુતા, સહિષ્ણુતા, દરેક પ્રકારની સમાનતા, સ્વતંત્રતા, સર્વધર્મ સમભાવ, લોકતંત્ર, વહીવટી પારદર્શકતા, જવાબદાર રાજ્ય વગેરે. આ મૂળભૂત માનવીય મૂલ્યો છે જે દેશ અને સમાજ માટે હિતકારી છે. આને પાછા આપણા બંધારણમાં પણ આમેજ કરવામાં આવ્યા છે, એટલે આપણે માટે તે અનિવાર્ય અને પવિત્ર બને છે. આમ જે સકળ સમાજ માટે હિતકારી હોય તેનું જતન કરવું જ જોઈએ.
મારી બીજી નિસબત રહી છે; ગરીબ, વંચિત, શોષિત છેવાડાના માણસનાં હિતની ચિંતા. એવો તે કેવો પત્રકાર જે ખોટું કરનારા કે બોલનારાને પડકારે નહીં, બલકે અનુમોદન આપે અને નક્કર વાસ્તવિકતાને વ્યક્ત નહીં કરી શકનારા મૂંગાને વાચા આપે નહીં ! મેં આ બે નિસબતને મારું જીવનકર્તવ્ય માન્યું છે.
મેં મારી યુવાની કૉંગ્રેસનો વિરોધ કરવામાં વિતાવી છે. કાઁગ્રેસનાં કુકર્મો હજુ પણ યાદ છે અને તેનો રસ્તા પર ઉતરીને અને જેલ જઇને વિરોધ કર્યો છે. કારણ એ જ હતાં. મૂળભૂત મૂલ્યો અને છેવાડાના માણસ માટેની નિસબત. પરંતુ અત્યારે જે બની રહ્યું છે અને ત્યારે જે થતું હતું એમાં ફેર છે. કૉંગ્રેસની સરમુખત્યારશાહી સત્તાજન્ય અને સત્તા માટેની હતી. અત્યારની સરમુખત્યારશાહી પાછળ ચોક્કસ એજન્ડા છે. એ એજન્ડા છે; સેક્યુલર-લિબરલ – ડેમોક્રેટિક ભારતની જગ્યાએ હિંદુ રાષ્ટ્ર સ્થાપવાનો, જેમ પડોશમાં ઇસ્લામિક રાષ્ટ્ર છે. ઈમરજન્સીમાં મીડિયા, પત્રકારો, સમાજના પ્રતિષ્ઠિત માણસો ડરેલા હતા એટલે મૂંગા હતા. અત્યારે ખરીદાયેલાં કે વેચાયેલાં છે, એટલે હળહળતાં જૂઠાણાંને વાચા આપે છે. ડરીને મૂંગા રહેવું અને પૈસા ખાઈને કે કાંઈક મેળવીને ખોટાને અનુમોદન આપવું એમાં પાયાનો તફાવત છે. આવી સ્થિતિમાં દેશ માટે સરોકાર ધરાવનારા મૂલ્યનિષ્ઠ લોકોએ બોલવું જરૂરી છે. આરતી ઉતારનારાઓને માલામાલ કરો અને વિરોધ કરનારાઓના પ્લેટફોર્મ છીનવો એ અત્યારની નીતિ છે !
આટલી મોટી સંખ્યામાં સાથ આપવા માટે દિલથી આભાર અને પ્રણામ !
[સૌજન્ય : રમેશ ઓઝા]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર