ગુજરાત સરકાર 3,559 સંગીત અને ચિત્ર શિક્ષકો તાસ દીઠ 50 રૂપિયાના ભાવથી રાખવાની છે. આના કરતાં વધારે મજૂરી તો કડિયા-સુથારને મળતી હશે. એટલું મહત્ત્વ પણ હવે શિક્ષકોનું રહ્યું નથી. સ્કૂલોમાં, કોલેજોમાં, યુનિવર્સિટીઓમાં, હવે કલાક પર સ્ટાફ રખાય છે એ જોતાં તો થાય છે કે ખર્ચ બચાવવા મંત્રીઓ, સચિવો ને અધિકારીઓ પણ કલાક પર રાખવા જોઈએ. સાંજને છેડે મહેનતાણું ચૂકવી દેવાનું એટલે કોઈને કાયમી કરવા ન પડે કે નિવૃત્તિ પછીનાં પેન્શન વગેરે લાભો આપવાની ઝંઝટ ન રહે. આમે ય મંત્રીઓ, વિધાનસભ્યો, સાંસદોની ‘કારીગરી’ એક કે તેથી વધુ ટર્મની હોય છે, એટલે એમને પેન્શન ન આપીએ તો ચાલે, પણ આખા દેશમાં એમને એકથી વધુ પેન્શન ચૂકવવાનો કોઈને વાંધો નથી, તો સવાલ એ થાય કે શિક્ષણમાં જ ખર્ચ કરવામાં સરકાર ગરીબથી ય વધુ ગરીબ કેમ થઈ જાય છે? એવું ન હોય તો ચિત્ર કે સંગીત શિક્ષકો તાસ પર રાખવાનું દારિદ્રય સરકાર પ્રગટે કરે ખરી?
સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તો ગુજરાત સરકાર કરતાં વધારે ગરીબ અને દળદરી છે. સમિતિના સભ્યો તો ચિત્ર શિક્ષક રાખવા જ તૈયાર નથી. સમિતિની સભામાં સભ્યો જ કહેતા હતા કે આપણે કૈં વિદ્યાર્થીઓને રાજા રવિ વર્મા બનાવવાના નથી. એટલું છે કે રવિ વર્મા સમિતિની સ્કૂલમાં ન ભણ્યા એટલે ચિત્રકાર થઈ શક્યા. સમિતિનું ચાલે તો એ તો શિક્ષકો જ ન રાખે, એણે ક્યાં વિદ્યાર્થીઓને રાધાકૃષ્ણન્ બનાવવા છે કે શિક્ષકોની જરૂર પડે ! સભ્યો તો સમિતિને જીવાડવા શિક્ષકો રાખે છે. એમ રાખવામાં લાભ એ પણ ખરો કે શિક્ષણેતર કામગીરી માટે બીજા મજૂરો રાખવા ન પડે.
આ દારિદ્રય સ્કૂલો પૂરતું જ સીમિત નથી, યુનિવર્સિટીઓમાં પણ કૈં બહુ સારી સ્થિતિ નથી. નવી શિક્ષણ નીતિ દાખલ તો કરી, પણ એ દ્વારા અસરકારક શિક્ષણ આપવાની વાત આવે છે, તો આપણું રાષ્ટ્રીય દારિદ્રય છતું થઈ જાય છે. સરકારને બીજી અનેક યોજનાઓ માટે અબજો રૂપિયા મળી રહે છે, પણ શિક્ષણની વાત આવે છે તો તેની તમામ યોજનાઓ કામચલાઉ થઈ જાય છે. અત્યારે દેશની 40 યુનિવર્સિટીઓનાં અધ્યાપકોનાં પ્રશિક્ષણ કેન્દ્રો ગ્રાન્ટને અભાવે સ્થગિત થઈ ગયાં છે. આમ તો યુનિવર્સિટીનાં સત્રો બે મહિનાથી શરૂ થઈ ગયાં છે, પણ અધ્યાપકોનાં ઓરિએન્ટેશન કોર્સનાં કોઈ ઠેકાણાં નથી. બીજી મુશ્કેલી એ પણ છે કે દર વર્ષે જૂનમાં સ્કૂલો-કોલેજો ચાલુ થઈ જાય છે, પણ યુનિવર્સિટીઓમાં દિવાળી વેકેશન નજીક આવી જાય તો ય એડમિશનનાં રાઉન્ડ્સ પૂરા થતાં નથી. ઘણી વાર તો વહેમ પડે કે પહેલી ટર્મની ફી, એડ્મિશનની પ્રોસિજર માટે તો નથી વસૂલાતીને ! એમાં મેડિકલનું એડમિશન તો એટલું લોહી પીએ છે કે વિદ્યાર્થી, પહેલી ફી તો ન ભણવા જ ચૂકવતો હોવાનું લાગે.
એક તરફ તાસના 50 રૂપિયા લેખે માસ્તરો રાખવાની સ્થિતિ હોય, ત્યાં પ્રજાના પૈસાનો બગાડ પણ શિક્ષણને નામે જ થાય છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સૂરત, બે ભાવના માસ્તરો રાખવા બાબતે છાપે ચડેલી જ છે. એમાં એજન્સીને 10,500ના ભાવનો માસ્તર 17,500ના ભાવે રાખવામાં 7 હજારનું કમિશન કઇ ખુશીમાં ચૂકવવાનું થાય તેનો ખુલાસો આજ સુધી થયો નથી. જે કામ સમિતિએ કરવાનું છે તે કામ એજન્સીને સોંપવાની ફરજ પડે તો સીધું પૂછવાનું થાય કે તે એવાં તે કયાં કામમાં છે કે એજન્સીને માસ્તર દીઠ મહિને 7 હજારની લહાણી કરવી પડે?
યોજનાઓ તો ઘણી થાય છે. સરકાર પૈસા પણ ફાળવે છે, પણ વચેટિયાઓ બધે જ એવાં દાખલ પડી જાય છે કે ઘણી મલાઈ તો તેઓ જ ચાટી જાય છે. ‘આયુષ્યમાન ભારત’ યોજનાના 6.9 કરોડ એવા 3,446 દરદીઓ પાછળ ખર્ચાયા જે અગાઉથી જ ગુજરી ગયા હતા. સરકાર ‘બેટી પઢાઓ’ની વાતો તો બહુ કરે છે, પણ દીકરીઓને અપાતી શિષ્યવૃત્તિ તેણે ધરાર બંધ કરી દીધી છે. દીકરીઓ માટેની બે યોજનાઓ એક બીજાથી જુદી હતી, તે ડબલ થઈ રહી હોવાનું બહાનું આગળ ધરીને સરકારે 19 વર્ષથી ચાલતી વિદ્યા બોન્ડ યોજના બંધ કરી દીધી. એ યોજના પ્રમાણે ધોરણ 1માં દાખલ થતી કન્યાને 2,000નાં બોન્ડ અપાતા હતા, જેના નાણાં 8માંનો અભ્યાસ પૂરો થતાં વ્યાજ સહિત ચૂકવાતાં હતાં. તે યોજના એપ્રિલ, 2021થી બંધ કરી દેવાઈ અને 2 ઓગસ્ટ, 2019 પછી જન્મેલી દીકરી, 5 વર્ષ પૂરાં કરે ને તેનાં વાલીની આવક 2 લાખ હોય તેને માટે વહાલી દીકરી યોજના શરૂ થઈ. એમાં શરત એ હતી કે ઓગસ્ટ 2019થી દોઢ વર્ષ દરમિયાન જે વાલીઓએ અરજી કરી હોય એમને જ એનો લાભ મળે. આ યોજનામાં દીકરી ધોરણ 1માં આવે તો 6 હજાર ને 9માં આવે તો 4 હજાર અને લગ્ન સહાય તરીકે 1.10 લાખ અપાય છે. આમ તો બંને યોજનાઓ જુદી હતી, પણ એક બંધ કરી દેવાઈ અને બીજીનો લાભ દોઢ વર્ષમાં અરજી કરનાર વાલીઓની દીકરીઓને જ મળ્યો. તે પછી જન્મેલી દીકરીઓને કોઈ સહાય મળતી નથી, એમાં સરકારની તઘલખી માનસિકતા જ કામ કરે છે.
એક તરફ દેશની પ્રગતિની ગુલબાંગો પોકારાય છે ને બીજી બાજુએ પ્રજાના કરોડો રૂપિયા ભ્રષ્ટ તંત્રો ઓળવી જાય છે. દેશનાં 21 રાજ્યોમાં 5 વર્ષથી ચાલતું લઘુમતી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનું કૌભાંડ સામે આવ્યું છે. શિષ્યવૃત્તિની રકમ નકલી ખાતામાં નાખીને 144 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, જેમાં સંસ્થાના પ્રમુખો, નોડલ ઓફિસરો, જિલ્લા સ્તરના અધિકારીઓ સંડોવાયા છે. 1,352 સંસ્થાઓનાં નામથી અપાતી શિષ્યવૃત્તિઓમાં 830 સંસ્થાઓ એવી છે જેનું કોઈ અસ્તિત્વ જ નથી. આ સંસ્થાઓને છેલ્લાં 5 વર્ષમાં 8.12 કરોડની શિષ્યવૃત્તિ અપાઈ, જેમાં 4.30 કરોડ તો નકલી સંસ્થાઓને જ આપી દેવાયા. સામે આવેલી કેટલીક વિગતોમાં છત્તીસગઢની તમામે તમામ 62 સંસ્થાઓ નકલી છે. રાજસ્થાનની 128માંથી 99 સંસ્થાઓ નકલી છે. એક જ મોબાઈલ નંબરથી 2,239 શિષ્યવૃત્તિઓ અને બીજા એક નંબર પરથી 405 શિષ્યવૃત્તિઓ અપાઈ છે. આ ઉપરાંત 2 લાખથી વધુ વિદ્યાર્થીઓનાં ધોરણ 10 અને 12નાં રોલ નમ્બર્સ સરખા હતા. 1.32 લાખ વિદ્યાર્થીઓને હોસ્ટેલની રકમ અપાતી હતી, તેની તપાસ થઈ તો સ્થળ પર હોસ્ટેલ જ ન હતી. આ બધાં પરથી એટલું સમજાય છે કે દેશભરમાં આ કે આવી અપાતી બીજી મદદ ખરેખર તો હરામખોરોને હોજરી ભરવાનું નિમિત્ત પૂરું પાડે છે. એમાં થાય છે એવું કે જેને મદદ જરૂરી છે એને મદદ મળતી નથી અને જેને મદદની જરૂર નથી, એવા લેભાગુઓ ભેગા થઈને પ્રજાના પૈસાથી હોજરીઓ ઠાંસતા રહે છે. આમ તો સી.બી.આઇ.ને તપાસ સોંપાતી રહે છે, પણ જવાબદારોને શું સજા થઈ એની ખબર ભાગ્યે જ પડે છે.
આ ઉપરાંત સ્કૂલો સુધી કોમી ભેદભાવ ખરાબ રીતે ઉજાગર થઈ રહ્યો છે તે દુ:ખદ છે. સ્કૂલોમાં શિક્ષકો કે આચાર્યો કોઈ પણ જાતિ-કોમના હોય તો પણ, તેમની પાસેથી, વિદ્યાર્થીઓ વચ્ચે ભેદભાવ ન વકરે એટલી અપેક્ષા રખાતી હોય છે. વિદ્યામંદિરો કોમવાદી માનસિકતા પ્રગટ કરતાં થાય એ કોઈ રીતે ઈચ્છવા જેવું નથી. ખેરાલુની લૂણવા ગામની એક શાળામાં 15 ઓગસ્ટ નિમિત્તે 2022માં, 10માંની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનાં સન્માનનો કાર્યક્રમ હતો. તેમાં 10માં ધોરણમાં શાળામાં પ્રથમ આવેલી વિદ્યાર્થિનીનું નામ બોલાવાને બદલે બીજા નંબરે આવેલી વિદ્યાર્થિનીનું નામ બોલાયું. કાર્યક્રમ પૂરો થઈ ગયો, પણ પ્રથમ આવનાર વિદ્યાર્થિનીનું નામ ન જ બોલાયું. નામ એટલે ન બોલાયું કારણ તેનું નામ અરઝાનાબાનુ હતું. તે રડતી રડતી ઘરે પહોંચી. તેનાં પિતાએ આચાર્ય અને સંચાલકને ફરિયાદ કરી કે દીકરીનું નામ ન બોલાયું. આચાર્ય અને સંચાલકે વાતને ટાળવાની કોશિશ કરતાં કહ્યું કે 26 જાન્યુઆરી, 2024 ને રોજ તેને 10 ઈનામ આપીશું. એ આચાર્યને શું કહેવું, જેમનામાં 15મીનાં કાર્યક્રમમાં નામ બોલવાની શક્તિ ન હતી તે 26મીએ 10 ઈનામ આપવાના હતા ! જેમ હેટ સ્પીચ ક્ષમ્ય નથી, એમ જ હેટ બિહેવીયર પણ અક્ષમ્ય ગણાવું જોઈએ. એક વિદ્યાર્થિનીને સન્માનથી વંચિત રાખીને તેનું અપમાન એટલે કર્યુ, કારણ તે મુસ્લિમ હતી. એ આચાર્ય છે કે રાજકારણી એ નથી ખબર, પણ કોઈ રાજકારણી પણ, વિદ્યાર્થિની સાથે આવો વ્યવહાર ન કરે. સ્કૂલો જો રાજનીતિનો અખાડો ન હોય તો આવી ઘટનાઓથી સ્કૂલોએ ને આખાં શિક્ષણ તંત્રે બચવાનું રહે. કમ સે કમ શિક્ષકો ને આચાર્યો હિન્દુ-મુસ્લિમનું ઝેર વિદ્યાર્થીઓમાં ફેલાવવાથી દૂર રહે એવી કરબદ્ધ પ્રાર્થના છે.
અહીં હિન્દુઓની ટીકાનો કે મુસ્લિમોનાં બચાવનો ઇરાદો નથી. ગમે એટલી કોશિશો કોમી વૈમનસ્યની થાય, તો પણ, બંને કોમ આજ પર્યંત રહી છે. લાખો હિન્દુઓ ને મુસ્લિમોની ભાગલા વખતે કતલ થઈ છે ને એ પછી પણ કોમી રમખાણોનો છેડો આવ્યો નથી. આ જ સ્થિતિ ચાલુ રહે તો લાભમાં કોઈ જ ન રહે એ કહેવાની જરૂર નથી. કમ સે કમ શૈક્ષણિક સંસ્થાનોમાં કોમી વૈમનસ્ય ન વધે એટલું જોવાય તો નથી લાગતું કે કોઈ બહુ મોટી હાનિ છે ! વિચારીએ –
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 21 ઑગસ્ટ 2023