સંમતિ, અસંમતિ, વિરોધ, પ્રગટ વિરોધ, શરણાગતિ, મૌન, મોઢું ફેરવી લેવું એ બધા જે તે ઘટના સામે પ્રતિક્રિયાના પ્રકાર છે અને એવો કોઈ મનાવી નહીં મળે જે પ્રતિક્રિયાને ત્રાજવે તોળાયો ન હોય. હકીકતમાં આ માનવીની શોકાંતિકા છે કે તેણે રોજેરોજ વિવેક અને અંતરાત્માના ત્રાજવે તોળાવું પડે છે અને એનાથી બચી શકાતું નથી. વિકલ્પ માત્ર બે જ છે, કાં વિવેક અને અંતરાત્માની એરણે ખરા ઉતારો અને કાં વિવેક અને અંતરાત્માની એરણે નાપાસ થાવ. કેટલાક લોકો નાપાસ થવાના ડરથી મૌન રહે છે અથવા મોઢું ફેરવી લે છે, પણ એમાં પણ એ સરવાળે નાપાસ જ થાય છે. ખરા ઉતરવું હોય તો તેની કિંમત ચૂકવવી પડે છે અને એટલી હિંમત લોકોમાં હોતી નથી.
પણ સ્થાપિત હિતોએ અંતરાત્માની એરણેથી બચવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. વ્યવસ્થા જ એવી રચો કે શરણાગતિ સંમતિના સ્વરૂપમાં નજરે પડે. જેમ કે ગુરુ પાસે ભણ્યા હોય તો ગુરુદક્ષિણા આપવી પડે. શિષ્યનો ધર્મ છે અને શિષ્યએ શિષ્યધર્મનું પાલન કરવું જ જોઈએ. એક વાર ઉદાત્તતા(nobility)નો વરખ ચડાવી દો એ પછી અનીતિ નીતિ બની જાય. એમાં જેને ભણવાનો અધિકાર ન હોય અને ઉપરથી ગુરુની જાણ વિના ભણ્યો હોય તો એ તો સજાને પાત્ર ગંભીર ગુનો કહેવાય. ગુરુ દ્રોણે એકલવ્યનો જમણા હાથનો અંગૂઠો ગુરુદક્ષિણા તરીકે માગી લીધો અને એકલવ્યએ શિષ્યધર્મનું પાલન કરીને આપી દીધો. વિવેક અને અંતરાત્માની એરણેથી બચવા માગતા લોકો એકલવ્યની ગુરુનિષ્ઠા અને શિષ્યધર્મનાં ઓવારણા લેશે, અને દ્રોણની બાબતે ચૂપ રહેશે. બધું જ ધર્મસંમત થઈ રહ્યું હોય તો અન્યાય અને અનીતિ ક્યાં આવ્યાં? એકલવ્ય ગુનેગાર હતો અને તેણે મૌન રહીને સજા સ્વીકારી લીધી પછી શરમાવાની ક્યાં વાત આવી! ટૂંકમાં એકલવ્યની શરણાગતિનું સ્વરૂપ સંમતિનું હતું અથવા તેનું સંમતિનું સ્વરૂપ શરણાગતિનું હતું.
અને કર્ણ? એ કુંતીપુત્ર હતો, પણ કુંતીનાં જેની સાથે લગ્ન થયાં હતાં તેનાથી નહોતો થયો એટલે એ અનૌરસ પુત્ર હતો. આદિવાસી શિષ્ય એક જ ગુરુના ક્ષત્રીય શિષ્યની બરાબરી ન કરી શકે એમ અનૌરસ પુત્ર એક જ માતાના ઔરસ પુત્રોની બરાબરી ન કરી શકે. મહાભારતના પાત્રોમાં સૌથી વધુ શુરવીર, સૌથી મોટો બાણાવળી, સૌથી વધુ ટેકીલો, સૌથી વધુ સત્યનિષ્ઠ અને પોતાનાં મનોજગતને અભિવ્યક્ત કરવામાં સૌથી વધુ પ્રામાણિક માણસે સમાજધર્મને સ્વીકારી લીધો હતો. ભીષ્મ જેવાઓને કર્ણના અશ્રુ નજરે નહોતાં પડ્યાં, પણ કર્ણની સંમતિ ખપની હતી. આવાં બીજાં અનેક ઉદાહરણો પુરાણો અને મહાકાવ્યોમાંથી મળી રહેશે. માત્ર ભારતમાં નહીં વિદેશમાં પણ. અરે, આપણા ઘરમાં એક નજર કરો. સ્ત્રીધર્મ અને પત્નીધર્મ ન્યાયી છે? પણ એમાં સ્ત્રીની સંમતિ મળી રહેશે, કારણ કે એ તેને માટે નક્કી કરવામાં આવેલો અને આપવામાં આવેલો ઉદાત્ત ધર્મ છે. શરણાગતિને સંમતિનું સ્વરૂપ આપો અને ઉપરથી ધર્મનિષ્ઠાની ઉદાત્તતાનો વરખ ચડાવો એટલે કોઈને અન્યાય પણ કરી શકાય અને અન્યાયને ન્યાયી પણ ઠરાવી શકાય. અંતરાત્માની એરણેથી બચી નીકળવાની ચેષ્ટા પણ કરી શકાય. ચેષ્ટા, બચી તો શકાતું જ નથી.
દરેક વખતે મૌનનો અર્થ સંમતિ નથી થતો, સંમતિનો અર્થ સ્વીકૃતિ નથી થતો અને કેટલીક વખત, કેટલીક વખત શું મોટા ભાગે, મૌન સંમતિનો અર્થ શરણાગતિ જ થતો હોય છે. મૌન રહેનાર કે સંમત થનાર કોણ છે એ મહત્ત્વનું છે. અને કોની સામે એ મૌન રહે છે કે સંમત થાય છે એ મહત્ત્વનું છે. ખેતરોમાં થતા જાતીય સંબંધો સંમતિપૂર્વકનું સેક્સનું સેલિબ્રેશન છે કે સંમતિજન્ય બળાત્કાર એ તો બે પાત્રો કોણ છે અને કેવી સ્થિતિમાં છે એના પર નિર્ભર કરે છે. સંમતિજન્ય બળાત્કારોએ આ જગતમાં અનેક કોમ પેદા કરી છે.
પારસીઓ માટે આપણને બધાને ગૌરવ છે અને તેમની વસ્તી ઘટી રહી છે એ વાતે દુઃખી પણ છીએ. પણ તમે વાંસદા પારસીઓ વિષે જાણો છો? એક સમયે પારસીઓ ધરમપુર અને ડાંગના જંગલમાં ઘાસ કાપવાના, લાકડાં કાપવાના, દારુ બનાવવાના કોન્ટ્રાક્ટ લેતા હતા. આ સિવાય તેમની જમીનો પણ હતી. તેઓ દુબળા આદિવાસી સ્ત્રીઓનું જાતીય શોષણ કરતા હતા અને એમાંથી પારસીઓની એક કોમ્યુનિટી અસ્તિત્વમાં આવી જે વાંસદા પારસી તરીકે ઓળખાય છે. મા દુબળી અને બાપ પારસી. ગુજરાતના આદિવાસીઓ માટે વપરાતો દુબળા શબ્દ જ સંમતિશાસ્ત્ર વિષે ઘણું બધું કહી જાય છે. પારસીના સંતાનને આદિવાસીઓ ઉછેરતા હતા અને પોતાની સાથે રાખતા હતા. પારસીઓ તેમને પોતાનાં સંતાન તરીકે સ્વીકારતા નહોતા, ત્યાં નવજોત કરીને કોમમાં લેવાની તો વાત જ દૂર. ગાંધીયુગમાં એક પારસી દસ્તૂરે વાંસદા પારસીઓને નવજોત આપવાનું શરૂ કર્યું હતું, પણ પારસીઓ હજુ આજે પણ તેમનો દિલથી સ્વીકાર કરતા નથી.
પણ દુબળી સ્ત્રીની સંમતિ પ્રતિકાર વિનાની નહોતી. ગાયકવાડ રાજ્યે પ્રકાશિત કરેલી સયાજી લોકગીત માળામાં દુબળા આદિવાસીઓ હોળીના અવસરે જે ગીતો ગાતાં એમાં પારસીઓની નિંદા કરનારાં અનેક ગીતો મળે છે. દિલમાં સંઘરી રાખેલી પીડાને તેમ જ મૂંઝારાને વાચા આપવાની તક શોષિતો શોધતા જ હોય છે અને ત્યારે આપવામાં આવેલી સંમતિ ઓગળી જાય છે. પણ આપણે ક્યાં એના તરફ નજર કરી છે. મૌન સંમતિના ચિત્કારો સાંભળવા માટે જાગતલ માયલો જોઈએ.
પ્રગટ : ‘કારણ તારણ’, નામક લેખકની કટાર, ‘રસ રંગ પૂર્તિ’, “દિવ્ય ભાસ્કર”, 20 ઑગસ્ટ 2023