1.
મનથી મન મળ્યાં કરે
જાત ઓગળ્યા કરે
વાત મારી કાન દઈ
મૌન સાંભળ્યા કરે
લાગણીના વિશ્વને
લાગણી છળ્યા કરે
શું અછડતી વાતના
અર્થ નીકળ્યાં કરે
દૃશ્યની હવેલીમાં
દર્પણો પળ્યા કરે
એ મથક જુદાઈનું
માર્ગ જ્યાં મળ્યાં કરે
કાળ જેવા કાળથી
સ્વપ્ન ક્યાં ટળ્યાં કરે
•
2.
બિમ્બને બે ચાર થપ્પડ મારિયે
પીઠ પોતાની પછી પસવારિયે
માણવી હો જીવવાની જો મઝા
શક્ય હો એવું કશું ના ધારિયે
ભ્રમને વાઘા સત્યના પહેરાવવા
હોય સાથે એમને સંભારિયે
ચાલ આજે રણની છાતી ચીરીને
પગરવોનું હોડકું હંકારિયે
આંખમાં ઝળઝળિયાં ઝળહળ થાય છે
પાંપણોને સ્વપ્નથી શણગારિયે
ખાલી ખિસ્સામાં ગગનને ગોપવી
લાગણીના વ્યાપને વિસ્તારિયે
આ સમય જેવા સમયને જીતવા
હારિયે સાહિલ સમયને હારિયે
••
3.
જે સાથ સાથ રહે તોય પણ મળે જ નહીં
અમારું મન અમારી સાથે પણ ભળે જ નહીં
ભલે મારો ચીરો કાપો ફાડો દાટો પાતાળે
પરન્તુ કોઈ રીતે કામના ટળે જ નહીં
લગાર થાય ઈશની યદિ કૃપાદૃષ્ટિ
ભભૂકતી ભઠ્ઠીમાં પણ જીવજી બળે જ નહીં
તમામ ઉમ્ર અમે મનની વાત કહેતાં રહ્યા
ને દાધારીગું નગર વાત સાંભળે જ નહીં
નીચેથી છેક ઉપર સુધી હવાઈ ચણતર
છતાં મહેલ ઉમ્મીદોનો તો ઢળે જ નહીં
એ વાત કરતાં કરતાં આયખું વીત્યું સાહિલ
જે વાતમાંથી કોઈ અર્થ નીકળે જ નહીં
10-12-2023
નીસા ૩/૧૫ દયાનંદ નગર, રાજકોટ ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com