ગુજરાતમાં સ્થળાંતરિતો પરના હુમલા અને તેનું બીજું પાસું

દ્વારિકાનાથ રથ
02-11-2018

ગુજરાતમાં સ્થળાંતરિત મજદૂરોનું જીવનપાયન હું છેલ્લાં ૩૫ વર્ષથી જોઈ રહ્યો છું. સાંગઠનિક કામે વારંવાર સુરત, મુંબઈ જવાનું થાય. સુરતમાં પાવરલૂમ-હીરા ઉદ્યોગમાં તેમની સંખ્યા વધુ. ગુજરાતમાં હીરાઉદ્યોગના કારણે જે આંતરિક સ્થળાંતર થયું, તેના લીધે સૌરાષ્ટ્રમાં જે પરિવર્તનો આવ્યાં તેનો પણ હું સાક્ષી છું. આ સ્થળાંતરિત મજદૂરોની અમાનવીય પરિસ્થિતિની વાતો ક્યારેક છાપામાં આવે. બાકી તો આપણે અજાણ જ રહીએ.

અનેક વર્ષો પહેલાં અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં કામ કરતા મજદૂરોની સ્થિતિ વિશે મેં એક લેખ લખ્યો હતો. એ જ સમય દરમિયાન અલંગમાં ફ્રાન્સથી ‘બ્લૂ લેડી’ નામનું જહાજ અલંગ આવવાનું હતું. જેનો ખુદ ફ્રાન્સમાં જ ખૂબ જ વિરોધ થયો હતો. કારણ કે તેમાં અનેક હાનિકારક-ઝેરી તત્ત્વો હતાં. મારા એ લેખથી, મારી ભાળ મેળવીને ફ્રાન્સથી એક પત્રકાર બહેન મળવા - ઇન્ટરવ્યુ લેવા આવ્યાં હતાં. જે પછી અલંગ ગયાં ત્યારે ત્યાં તેમની ધરપકડ પણ થઈ હતી. એ પછી તો અનેક સામયિકોએ નોંધનીય લેખો પણ છાપ્યા. પણ આ બધું એટલાં પૂરતું જ સીમિત હોય છે.

ગુજરાતમાં પ્રથમ સ્થળાંતરિત મજદૂરો પર હુમલા

વર્લ્ડ ઇકોનોમિક ફોરમના અહેવાલ અનુસાર સુરત દુનિયાના સૌથી વધુ ઝડપથી વિકસી રહેલા વિશ્વના ૨૨ શહેરોમાંનું એક છે. અને એ રીતે જાણે કે ‘સુરત મોડેલ’ના વખાણ પણ થયા. આ ‘સુરત મોડેલ’ શું છે? આ ‘સુરત મોડેલ’ એટલે સ્થળાંતરિત મજદૂરો જે સંચામાં, હીરામાં કામ કરે છે તેમની કોઈ નોંધણી ના હોય, કોઈ શ્રમદાયક લાગુ ના પાડતા હોય, કોઈ લેબર ઇન્સ્પેક્ટર ના હોય, કોઈ શ્રમિકનું મૃત્યુ - અપમૃત્યુ થાય તો કાગળ પર કોઈ નોંધણી ના થાય! વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જ્યારે આ ‘સુરત મૉડેલ’ના વખાણ કરી કહ્યું હતું એ જ ગાળામાં ગુજરાત સ્થળાંતરિક મજદૂરો પર હુમલા થયા.

ગુજરાતે પહેલીવાર સ્થળાંતરિતો પર આ પ્રકારના હુમલા જોયા. ગુજરાતમાં કોમી તોફાનો, જ્ઞાતિના ધોરણે તોફાનોનો ઇતિહાસ રહ્યો છે. તેના કારણે હવે સમજી શકાય તેમ છે. પરંતુ સ્થળાંતરિત મજદૂરો પર હુમલાઓ ગુજરાતી લોકો શા માટે કરે? આ સમજવું થોડુંક અઘરું છે.

ગુજરાતીઓ - સ્થળાંતરિત મજદૂરો : પરિસ્થિતિવશ અનુકૂલન

ગુજરાતની એ વાસ્તવિકતા છે કે ગુજરાત સ્થળાંતરિત મજદૂરો પર આધારિત છે. ગુજરાતનું સમગ્ર અર્થતંત્ર તેમનાં પર નિર્ભર છે. પારવલૂમ, હીરા ઉદ્યોગ, બાંધકામ ઉદ્યોગ, ઘરેલું કામ ... આ બધામાં આ જ સ્થળાંતરિક લોકો પર ગુજરાત નિર્ભર છે. અમદાવાદમાં ૫૦ ટકા, સુરતમાં ૭૦ ટકા લોકો સ્થળાંતરિતો છે. ગુજરાતમાં સેંકડોની સંખ્યામાં મોટાં રસ્તાઓ - ઘોરી માર્ગો જે પી.પી.પી. મોડેલ પર તૈયાર થઈ રહ્યાં છે, ત્યાંથી શરૂ કરીને રસોઈ-કપડાં-કચરાં-પોતાં જેવાં તમામ ઘરેલું કામમાં ગુજરાત આ સ્થળાંતરિક મજદૂરો વગર ચાલી જ ના શકે! એક અઠવાડિયા માટે પણ જો આ તમામ કામો અટકી જાય તો ઘરોમાં બનતી રસોઈથી શરૂ કરીને મોટાં મોટાં બાંધકામો સુધીનાં કામો થંભી જાય. સવારે આપણી સોસાયટી-શેરીમાં કચરો લેવા આવતી ગાડીથી લઈને તમામ જગ્યાએ આપણને સ્થળાંતરિત મજદૂરો દેખાશે. કાલુપુરમાં હાથલારી ખેંચતા, બાંધકામોની સાઇટ્‌સ્‌ પર સાડી-ઓઢણીનું પારણું બનાવીને પોતાના અર્ધભૂખ્યા બાળકોને ઊંઘાડતી એનિમિક સ્ત્રીઓથી લઈને, મેટ્રોના ધમધોકાર ચાલતાં કામોમાં બધે જ ગુજરાત આ સ્થળાંતરિત મજદૂરો પર આધારિત છે. એટલે કે ગુજરાતીઓનું અને સ્થળાંતરિત મજદૂરોનું એક સહ અસ્તિત્વ છે. અને તે પરિસ્થિતિવશ અનુકૂલનમાંથી જન્મેલું છે.

ગુજરાતમાં સ્થળાંતરિક મજદૂરોનું એક ચિત્ર

શ્રી ઇન્દિરાબહેન હિરવે તથા અન્યના ૨૦૧૪ના લેખના આધારે કહીએ તો, ગુજરાતમાં લગભગ ૪૩ ટકા સ્થળાંતરિત મજદૂરો, તેમનાં કુટુંબો સાથે રહે છે. તેમાંથી ૧૬.૬૭ ટકા જેટલાં કુટુંબો પાસે જ પાકાં મકાનો છે. ૬૭ ટકા વીજળીથી, ૫૭ ટકા પાણી પુરવઠાથી, ૭૪ ટકા શૌચાલયથી અને ૭૪ ટકા બાથરૂમની સગવડથી વંચિત છે. ૯૦ ટકા કુટુંબોનાં બાળકો શાળાએ જઈ શકતાં નથી.

સ્થળાંતરિતો પરના હુમલા - રાજકીય વધુ અને સામાજિક નહિવત્‌

અલબત્ત, સ્થળાંતરિતો સાથે ભેદભાવ થાય છે. એ વાત એકદમ સાચી છે. એમને કોઈ આદર-માન-સન્માનથી જોવામાં નથી આવતા. સુરતના મજદૂર વિસ્તાર અને ધોડદોડ રોડ, અમદાવાદના નવરંગપુરા અને અમરાઈવાડી, ઓઢવ, નારોલ વચ્ચેનો તફાવત આંખે ઊડીને દેખાય તેવો છે. તેમ છતાં મારે એક વાત કહેવી જોઈએ કે ગુજરાતમાં તાજેતરમાં બનેલી સ્થળાંતરિત મજદૂરો પરના હુમલાની ઘટનાઓનો પ્રકાર રાજકીય વધુ અને સામાજિક ઓછો હતો. એટલે જ તે ઝડપથી બંધ પણ થઈ ગયા. ગુજરાતમાં હું પણ બિનગુજરાતી તરીકે વર્ષોથી રહું છું. તેથી અનેક અનુભવોમાંથી પસાર થયો છું. તાજેતરમાં કેટલાંક અખબારોમાં આવેલા લેખમાં આ હુમલાઓ માટે ગુજરાતના ‘પ્રવેશવાદ-પ્રાંતવાદ’ને જવાબદાર ગણવામાં આવ્યો. જે પ્રાંતવાદ મહાગુજરાત આંદોલન કે નર્મદા-સરદાર સરોવર ડેમ સમયે જોવા મળ્યો હતો. મને તે અવાસ્તવિક લાગે છે. સરદાર સરોવર-નર્મદા ડેમ સમયે ઊભો થયેલો પ્રાંતવાદ ગુજરાતની એક કમનસીબ ઘટના છે. શ્રી મેઘા પાટકરની પ્રવેશબંધી કરીને વિરોધના અવાજને દબાવવાની શરૂઆત ગુજરાતમાં ત્યારથી થઈ, પરંતુ જે રીતે મહારાષ્ટ્ર - મુંબઈમાં શિવસેનાએ પ્રાંતવાદ જગાવીને દક્ષિણ ભારતીયોને હાંકી કાઢ્યા હતા, એ પ્રકારના બનાવ ગુજરાતમાં ક્યારે ય નથી બન્યા.

આ હુમલાઓ રાજકીય પક્ષોની મીલીભગત હોઈ શકે?

મનમાં સતત એ શંકા આવ્યા કરે કે આ હુમલાઓ રાજકીય પક્ષોની મીલીભગત ના હોઈ શકે? વિરોધ પક્ષ સ્થળાંતરિત મજદૂરોને પોતાની વૉટબૅંકમાં ફેરવવાની ગણતરી રાખી શકે એમાં કોઈ નવી વાત નથી. આવી ઘટનાઓ બને, માધ્યમોમાં મુખ્ય સમાચાર બને, ગુજરાતની સ્થિતિ દેશ અને દુનિયા આગળ ખુલ્લી પડી જાય એવી છીછરી ગણતરીઓ હોઈ શકે. તો, શાસક પક્ષ પણ આમાંથી મુક્ત હોય એવું માનવાની જરૂર નથી. છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીઓ થઈ રહી છે. આ સ્થળાંતરિત મજદૂરો સાથે શાસક પક્ષ ભા.જ.પ.ની પહેલેથી જ સાંઠગાંઠ છે. અલબત્ત, સ્થળાંતરિતો પણ સલામતી માટે શાસક પક્ષના જ પડખે રહેવાનું પસંદ કરતા હોય છે. આ સ્થળાંતરિત મજદૂરોનો જ ૧૯૬૯ના કોમી તોફાનોમાં, ૨૦૦૨ના કોમી તોફાનોમાં દલિતોની સાથે જ ‘બુલવર્ક’ તરીકે ઉપયોગ થયો છે. ભગવી સેનાના સભ્યો તરીકે ગુજરાતના ‘વિકાસ મોડેલ’ના આ જ મજદૂરો બહુ મોટા પ્રચારકો રહ્યાં છે. ચૂંટણી સમયે યુ.પી., બિહાર જવાની ટિકિટ, રોકડ રકમ, બસો મૂકવી વગેરે જેવી સુવિધા આપનાર ભા.જ.પ. પોતાના જ માટે  કામ કરતાં આ સ્થળાંતરિક મજદૂરો સાથે શા માટે બગાડે એવો પ્રશ્ન થાય. પરંતુ મનમાં એવી પણ શંકા ઉપજે છે કે ક્યાંક એવો છૂપો ઇશારો તો નહોતો ને કે “જાવ, અમને જીતાડીને પાછા આવજો, પછી તમને સલામતી આપીશું.”

ખેર, જે પણ હોય, સ્થળાંતરિતોની હિજરત અને તેમના પરના હુમલાઓ ત્રણ-ચાર દિવસમાં જ બંધ પણ થઈ ગયા. જે સ્પષ્ટ દર્શાવે છે કે આ હુમલાઓ રાજકીય જ હતા. અમારા પક્ષ તરફથી પણ અમે અમદાવાદ, વડોદરા, સુરતમાં પોલિસ કમિશનર અને કલેક્ટરને આવેદનપત્ર આપીને માંગણી કરી હતી કે તમે રેલવે સ્ટેશને, બસ સ્ટેશને જઈને આ મજદૂરોને સલામતીની ખાતરી આપી પાછા બોલાવી લાવો. અમારી માંગણી તેમણે માની પણ ખરી! અને ચમત્કારિક રીતે તે કામ પણ કરી ગઈ.

સ્થળાંતરિત મજદૂરોની આ હાલત માટે કોણ જવાબદાર?

ગુજરાતમાં, સ્થાનિક લોકો અને સ્થળાંતરિત મજદૂરોનું પરિસ્થિતિવશ અનુકૂલન સધાયું છે તે સાચું, પણ તેથી આ મજદૂરોની હાલત કોઈ રીતે બહેતર નથી એ તો આપણે જોયું.

આંતરરાજ્ય સ્થળાંતરિત મજદૂર કાયદાના પાલનમાં હોમ સ્ટેટ અને હોસ્ટ સ્ટેટની સંપૂર્ણપણે દિલચોરી, શાસક અને વિપક્ષની ‘રાજકીય ઇચ્છા શક્તિ’નો અભાવ અને મજબૂત સંગઠનોની ગેરહાજરીએ આ મજદૂરોની હાલત કફોડી કરી દીધી છે.

મારો એક અનુભવ કહું. લગભગ ૧૦-૧૫ વર્ષ પહેલાં, સુરતમાં ઉડિયા મજદૂરની માલિક દ્વારા હત્યાની તપાસ માટે ઓરિસ્સા વિધાનસભાનું એક પ્રતિનિધિમંડળ આવેલ. અમને બધાને આશા હતી કે ચાલો! કંઈક દબાણ તો આવશે. પણ અમારા આઘાત વચ્ચે એ પ્રતિનિધિમંડળે, સુરતમાં મહેમાનનવાજી સ્વીકારીને માઉન્ટ આબુના પ્રવાસે જવા નીકળી ગયું. જાણે કે મોતની કિંમત ચૂકવાઈ ગઈ!! ના એ ઘટનાની તપાસની કોઈ ચર્ચા ઓરિસ્સા વિધાનસભામાં સંભળાઈ, કે ન ગુજરાત વિધાનસભામાં.

એટલે, જે રાજ્યમાંથી આ સ્થળાંતરિત મજદૂરો આવે છે તે રાજ્યને પણ તેમની ના કોઈ ચિંતા છે કે એમના માટે કાયદાના પાલનનો કોઈ આગ્રહ છે. આ ઓરિસ્સા, યુ.પી., બિહાર, ઝારખંડ વગેરે બધાં રાજ્યો માટે સાચું છે. એમને તો એમનાં પોતાના રાજ્યે જ તરછોડ્યા છે ત્યાં એ કોને ફરિયાદ કરે?

સ્થળાંતર - આજે દુનિયાની હકીકત

દુનિયાભરમાં સ્થળાંતર થાય છે અને તે થકી જ સભ્યતાઓ વિકસી છે. સ્થળાંતરના આ ચક્રને આપણે અટકાવી ન શકીએ. અલબત્ત, સ્થળાંતરને લઈને આજે વિશ્વ આખામાં રાજકારણ ચાલે છે. એક સમયે અમેરિકા ‘ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ કહેવાતું. દુનિયાભરના લોકો ત્યાં જઈને વસ્યાં. ધીમે ધીમે ત્યાં પણ સ્થળાંતરિતોના પ્રશ્નો ઉદ્‌ભવ્યા અને તેમના પર પ્રતિબંધની વાતો પણ આવી. આજે લેટિન અમેરિકા મેક્સિકોથી સ્થળાંતરિતોનો એક કારવાં અમેરિકા તરફ આવી રહ્યો છે. ખુદ અમેરિકાના પ્રગતિશીલ લોકો આ સ્થળાંતરિતોની તરફેણમાં પોતાની સરકારો વિરુદ્ધ પણ અસંમતિનો અવાજ ઊઠાવી રહ્યાં છે. જે બધાં માટે આશાનું કિરણ છે.

(તા. ૨૫-૧૦-૨૦૧૮ના રોજ, સેક્યુલર લોકશાહી આંદોલનની ગુરુવારીમાં આ વિષયની ચર્ચાને આધારે, ઝડપથી તૈયાર થયેલ લેખ.)

E-mail : dn.rath@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 નવેમ્બર 2018; પૃ. 08-09

Category :- Samantar Gujarat / Samantar