વેદ-વેદાંતના અને ઉપનિષદોના વારંવાર ઉલ્લેખો કરાતા રહે છે. તે સૌ મહાન હતા એમ ઉત્સાહભેર કહેવાય છે અને જે તે સમયના સંદર્ભમાં તે અદ્ભુત વિચારકો હતા તે નોંધપાત્ર છે. યાજ્ઞવલ્ક્યની આસપાસ અનેક કથાઓ રચાયેલી છે. પોતાના ગુરુના આશ્રમમાં આવી ચઢેલા એક રાજાને યજ્ઞના અભિમંત્રિત જળ વડે પાવન કરવાનું કામ યાજ્ઞવલ્ક્યને સોંપાયું. ગુરુની આજ્ઞા શિરોવંદ્ય ગણી તેઓ ત્યાં ગયા પણ ખરા. પરંતુ ઘમંડી રાજાએ તે જળ બાજુના એક સૂકા ઠૂંઠા પર રેડવાનું કહ્યું. યાજ્ઞવલ્ક્યે તેમ કર્યું. તો પણ સૂકા ઠૂંઠા ઉપર લીલીલીલી ટશરો ફૂટી નીકળી. આ જોઈને રાજાએ ફરી પોતાની ઉપર જળ છંટાવવાની વિનંતિ કરી. ગુરુ ઉદ્દાલકે ફરી યાજ્ઞવલ્ક્યને આજ્ઞા કરી. પણ યાજ્ઞવલ્ક્યે હવે ના પાડી. ગુરુ આ અવજ્ઞા બદલ એટલા ગુસ્સે થયા કે પોતે જણાવેલી બધી વિદ્યાનું વમન કરવાની આજ્ઞા તેને કરી. યાજ્ઞવલ્ક્યે તેમ કર્યું. આ વમનને ચણી જનાર તેતર પક્ષી એટલાં જ્ઞાની થઈ ગયાં કે તેના ઉપરથી ‘તૈતરવ’ ઉપનિષદ રચાયું. યાજ્ઞવલ્ક્ય માત્ર પંડિત ન હતા. તે સમ્યક્ જીવનના એક સાધક પણ હતા. આવો માર્ગ મળે એટલે તેની ઉપર ચાલી પડવાની અપાર હિંમત પણ તે ધરાવતા હતા.
એક દિવસ તેમણે સંસાર છોડીને વધુ એકાગ્રતા અને ગહનતા સાથે આત્મજ્ઞાન અનુભવવાનું નક્કી કર્યું. તેમને બે પત્નીઓ હતી. તેમણે પોતાની સંપત્તિ આ બંને વચ્ચે સમાન ધોરણે વહેંચી દેવાનું નક્કી કર્યું. તે સમયે તેમની પત્ની વિદુષી ગાર્ગી સાથેનો તેમનો સંવાદ ધનની અસારતા દાખવે છે. તે કહે છે – ગમે તેટલી ધન-દોલત હોય પણ તેથી સુખ, શાંતિ કે સંતોષ ખરીદી શકાતાં નથી. ગાર્ગી પણ કહે છે – તમે આ ધનદોલતથી પણ અધિક મૂલ્યવાન એવા આત્મજ્ઞાનની સાધના કરવા માંગો છો. હવે હું પણ આવી હલકી ચીજોમાં શા માટે ફસાઉં ?
••••••
દેશમાં સમગ્રપણે વ્યાપેલા ભ્રષ્ટાચારને આ સંદર્ભ સાથે જોડીએ તો બીજું જે કાંઈ દેખાવાનું હોય તે ભલે દેખાતું, કમ સે કમ આ ભ્રષ્ટાચારીઓને સનાતની હિંદુ ધર્મવાદી કેવી રીતે કહીશું ? શોષણ, છેતરપિંડી, કાવાદાવા, સત્તાપરસ્તી, વૈભવ, અપરંપાર લાભ – આ બધું સનાતન હિંદુ ધર્મ સાથે કેવી રીતે ગોઠવાશે ?
સૌજન્ય : “ભૂમિપુત્ર”, 01 સપ્ટેમ્બર 2023; પૃ. 22