ભારતીય સાહિત્યમાં ૧૯૪૦-૧૯૬૦ના સમયગાળા દરમ્યાન વાસ્તવવાદી પરિબળો પૂરજોશમાં વિકસ્યાં હતાં. આ બે દાયકા તમામ ભારતીય સાહિત્ય માટે મહત્ત્વના ગણાય છે. આ સમયગાળામાં સામાજિક વાસ્તવને ઉજાગર કરતી, સામાજિક સમસ્યા પર આધારિત સામાજિક વાસ્તવની નવલકથાઓ (Novels of Social manners) આપણને પ્રાપ્ત થઇ. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ અનેક નવા આધુનિકતાવાદી આંદોલનોનો પ્રવેશ સાહિત્યમાં થયો પણ ….. પેલી મૂળભૂત સમસ્યા તો ઠેરની ઠેર જ રહી ! એકવીસમી સદીની સંચારક્રાંતિ અને ડિજીટલ ઇન્ડિયાનાં ગાણાં ગાતા મુન્ગેરીલાલોની જમાત વિકાસને માર્ગે નીકળી પડી! પણ … માનવીય વિકાસ તરફ નજર સુધ્ધાં ન કરી !! વિશ્વ જેટલું વિકસતું ગયું …. જેટલી ભૌતિક સુખ સગવડો પ્રાપ્ત થતી થઇ, વિશ્વના દેશો વચ્ચેનું સ્થૂળ અંતર ઘટતું ગયું પરંતુ વિડંબના એ રહી કે દેશ – દેશ વચ્ચે, માનવ – માનવ વચ્ચે, ધર્મ – ધર્મ વચ્ચે, સમાજ – સમાજ વચ્ચે, જ્ઞાતિ – જાતિ વચ્ચે અંતર વધતું ગયું. ભ્રામક સભ્યતા અને સજ્જનતા દેખાય ખરી પણ માનસિક ભેદભાવો, માનસિક અસ્પૃશ્યતાનાં મૂળિયાં ઊંડાને ઊંડા ઉતરતાં ગયા. ‘વસુધૈવ કુટુમ્બકમ્’ની વાત કરતા લોકો આવી ગયા માત્ર કુટુમ્બકમ્ પર ..! ધર્મ અને વાડાના કોચલામાં માણસ પુરાઈ ગયો. સભ્ય બનેલો માણસ સંકીર્ણ બનતો ચાલ્યો … એટલે સુધી કે હવે તેણે આદિ માનવની જેમ, અસલામતીની ભાવના જાગતાં પોતાના ગ્રુપ, પોતાની સોસાયટી, પોતાનો સમાજ બનાવી લીધો ! એનો અહેસાસ સાંપ્રત સામાજિક ઘટનાઓ સ્ત્રી અને દલિત અત્યાચાર, સ્થળાંતર કે હિજરતમાં જોઈ શકાય છે.
પરિવર્તન પામતી યુગચેતના અને પલટાતા સમાજને માત્ર સંવેદનશીલ સર્જક પોતાના સાહિત્યમાં ઝીલે છે. સાર્ત્ર કહે છે તેમ – 'લેખન કેવળ લેખન નથી પરંતુ માણસની દુષ્ટ પ્રવૃત્તિ વિરુદ્ધ સતત સંઘર્ષ …. અસત્ય સામે હેતુપૂર્વકનો સતત સંઘર્ષ.' સાહિત્યકારમાં સામાજિક સંવિત્ત જેટલું વિશેષ એટલે સામાજિક અભિમુખતા અને જવાબદારી પ્રત્યેની સભાનતા વિશેષ કેળવાયેલી હોય. બદલાતી જતી સામાજિક પરિસ્થિતિ, પરિવર્તન પામતી જીવન શૈલી તેમ જ વિસ્તરતી જ્ઞાનની ક્ષિતિજોને કારણે માનવીય ગરિમાને આવિર્ભૂત કરતી સામાજિક ચેતના યુગબોધનો પ્રતિધ્વનિ છે. સર્જક યુગ ચેતનાને સંકોરી કવિકર્મ – કવિધર્મ બજાવે છે. પરિવર્તન પામતા સમાજમાં જીવાતું જીવન યુગચેતનાનું પ્રભાવક પરિબળ હોય છે.
સંવેદનશીલ સર્જક સમાજથી નિરાળો રહીને કંઈ કરી શકતો નથી. સમાજ અને સામાજિક સમસ્યાઓ સાથેની એની નિસબત એને સમસ્યાઓના આલેખન માટે પ્રેરે છે. ગુજરાતી નવલકથા સાહિત્યનાં વિદ્યમાન સ્ત્રી સર્જકો પૈકી સર્જક પિતાની દીકરીઓ, બે સેન્સિટીવ સિસ્ટર વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા સમસ્યામૂલક નવલકથાઓનાં સર્જન માટે જાણીતાં છે. એક વિદ્રોહી નારીવાદી લેખિકા તરીકે ઈલા આરબ મહેતાએ સ્ત્રી અત્યાચાર અને સ્ત્રી સમસ્યાઓ પર આધારિત ‘રાધા', 'બત્રીસ પૂતળીની વેદના’, 'પાંચ પગલાં પૃથ્વી પર’ જેવી અનેક સર્જનાત્મક કૃતિઓ આપી છે. 'વાડ' સામાજિક સમસ્યા અને નારી સમસ્યાને કેન્દ્રમાં રાખી લખાયેલી હેતુપ્રધાન નવલકથા છે. નવલકથાની પ્રસ્તાવના, 'ગ્રહીને હસ્ત હસ્તેથી'માં નિખાલસ કેફિયત આપતાં તેઓ કહે છે. – 'એક સર્જકની માઈન્ડ વર્કશોપ તો ક્યારે ય બંધ નથી હોતી ક્યાંક જોયેલું, ક્યાંક સાંભળેલું, ક્યારેક મનમાં ઊગી નીકળેલું – એમ બધી બાજુથી આ મનમાં હથોડા ટિપાયા કરતા હોય છે, ઘાટ ઘડાતા હોય છે. આમાંથી ક્યારેક સંઘેડાઉતાર કૃતિ નીપજી આવે તો વળી કોઈ વાર કાચાપાકા આકારો. આકારોના ટુકડા મનની ભીતર પડ્યા રહે. પછી કોઈ નવી કૃતિ રચાતી હોય ત્યારે આપોઆપ તે પ્રગટતા રહે, નવા સર્જનમાં ગોઠવાતા રહે’. (પ્રસ્તાવના પૃ. ૪) લેખિકા કૃતિની સર્જન પ્રક્રિયાને સહજ અને સરળ રીતે સમજાવે છે. 'વાડ' નવલકથાની રચના પ્રક્રિયા – કયા નિમિત્તે આ કૃતિનું કથાબીજ સર્જકની મનોભૂમિમાં રોપાયું અને અંકુરિત થયું તેમ જ એના વિકાસમાં કયા કયા પરિબળોએ સહાય કરી છે તેનું વિગતવાર અને નિખાલસ કબૂલાતનામું તેઓ આપે છે. 'જગત પરેમી' જેવા લગભગ દોઢસો વર્ષ પહેલાંના સામાયિકનો બાઈન્ડ સંપુટ, 'મધ્યકાલીન ભારત – (લે. ઓ.પી. સિંહ)' , 'હિસ્ટ્રી ઓફ જેરુસલેમ', 'ઓ જેરુસલેમ'. 'હિસ્ટ્રી ઓફ ગોડ' – (કેરેન આર્મસ્ટ્રોંગ)', 'બાઈબલ એજ અ હિસ્ટ્રી – (વર્નર કેલર)', 'ઇન ધ શેડો ઓફ ધ સ્વોર્ડ – (એમ.જે. અકબર)’, 'સીઝર એન્ડ ક્રાઈસ્ટ' અને 'એજ ઓફ ફેથ' (વિલ ડ્યુરાં) જેવા ગ્રંથોનો ગહન અભ્યાસ અને સુરેશ દલાલ સંપાદિત 'ધરતીનો છેડો ઘર' વાંચતા શરીફા વીજળીવાળાનો એક લેખ – એક સિંગલ મુસ્લિમ સ્ત્રીની ઘર શોધવાની મથામણમાંથી 'વાડ' નવલકથા નીપજી છે.
'વાડ' સમાજના એક નાજુક અને સંવેદનશીલ મુદ્દાની મીમાંસા કરે છે. શરીફાબહેનને 'પોતાનું ઘર' મેળવવા જે સમસ્યાનો સામનો કરવો પડ્યો છે એ વિશે તેઓ વાસ્તવ દર્શન કરાવતાં કહે છે. – ‘… દરેક ખૂણેથી બધા બિલ્ડરોના જાકારાએ મને ખળભળાવી મૂકી …. હું માણસ છું અને શુદ્ધ અર્થમાં ભારતીય છું એટલે ઘર તો મારી શરતે મેળવીશ … ' (અંતિમ કવરપૃષ્ઠ – વાડ) શરીફાબહેન જેવાં શુદ્ધ ભારતીય, વિદ્યાપ્રેમી વિદ્વાન વિવેચક અને વીર નર્મદ યુનિવર્સિટીનાં પ્રોફેસર હોવાની સાથે સુરતની અનેક નામાંકિત સંસ્થા સાથે જોડાયેલાં હોવાથી સંઘર્ષને અંતે સફળતા મેળવે પણ … હજારો દલિતો, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, OBC's આજે પણ પોતાના સમાજ સાથે પોતાના વિસ્તારોમાં જ રહેવા મજબૂર છે. નાત જાત પ્રમાણે બનતી સોસાયટીઓ અને બિલ્ડરો અમુક વર્ગના લોકો માટે ઘર ખરીદવા પર પ્રતિબંધના પાટિયાં મૂકે છે. અમુક વર્ગના નામથી જ સોસાયટીઓ, એપાર્ટમેન્ટ – ફ્લેટ બને છે. જો એ વર્ગના હોય તો જ ઘર મળે…!! ઉચ્ચ વર્ગના સવર્ણોમાં ય – ભેદભાવ..!! સાંપ્રત સમયની આ નાજુક સમસ્યાને ઇલાબહેન 'વાડ'માં નાયિકા ફાતિમાના મનોસંઘર્ષ નિમિત્તે સાવચેતી અને સાવધાનીપૂર્વક ઉજાગર કરે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય સમાજ માનસિક અને વૈચારિક વિભાજન તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ભારતમાં જેટલા ભાગ એટલી વિવિધતા અને જેટલી વિવિધતા એટલા ભાગલા ! રાષ્ટ્રીય એકતાના મૂળ મૂલ્ય પર આતંકવાદ, કોમવાદ, નકસલવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, વર્ગભેદ, શોષણ અને અસહિષ્ણુતા મળીને કઠુરાઘાત કરી રહ્યા છે. એવા સમયે ઈલા આરબ મહેતા માનવતાવાદની પ્રાણપ્રતિષ્ઠા કરવા 'વાડ'નું સર્જન કરે છે.
'વાડ' નવલકથાના કેન્દ્રમાં સૌરાષ્ટ્રના ગામડા ગામમાં વસતા એક સીધા સાદા મુસ્લિમ પરિવાર અને તેની દીકરી ફાતિમાના જીવનસંઘર્ષની કથા છે. સામાન્ય રીતે આપણા સમાજના લોકો, હિંદુ, મુસ્લિમ વર્ષોથી હળીમળીને રહેતા આવ્યા છે. ગામડામાં તો દરેક લોક પરસ્પર મદદની ભાવનાથી જીવતા …. કૌટુંબિક સંબંધો પણ મજબૂત હતા. સમાજમાં સમરસતાનું વાતાવરણ પ્રવર્તતું હતું. આમ છતાં મનમાં ઊંડે ઊંડે …. વિધર્મીની ભાવના ડંખ્યા કરતી. વિશેષ કરીને હિંદુસમાજની ચુસ્ત વર્ણવ્યવસ્થાની પરંપરાનાં મૂળિયાં ધારીએ છીએ તેના કરતાં વધુ ઊંડા નીકળ્યા. આજે 2020ના વર્ષે પણ સમાજ તો વર્ગોમાં વહેંચાયેલો જ છે. હિન્દુ ધર્મ કરતાં ઇસ્લામની જુદી પડતી ધાર્મિક વિધિઓ, માન્યતાઓને કારણે પ્રચ્છન્ન અણગમો તો પહેલેથી જ મનમાં હતો. એનાં કારણો શોધવા કદાચ દૂર ઇતિહાસમાં જવું પડે. સોમનાથ અને બાબરી બે એવી ઘટનાઓ હતી જેણે બંને પ્રજાઓ વચ્ચે અવિશ્વાસની દીવાલ ઊભી કરી દીધી. એમાં વળી પાકિસ્તાનનાં અડપલાં બળતામાં ઘી હોમવા બરાબર હતાં. બિનસાંપ્રદાયિક ભારતમાં સંપ્રદાયવાદ અને ધાર્મિક કટ્ટરતાનું જોર વધતાં વિચારધારાની લડાઈ શરૂ થઇ. ઈ.સ. ૧૯૯૦ પછી ભારતીય સમાજમાં પરિવર્તનની શરૂઆત થઇ. જાણે દરેકને પોતાની અસ્મિતાનું જ્ઞાન ને ભાન થયું !! આધુનિકતા તરફ આગળ વધતું વિશ્વ માનસિક સંકીર્ણતાનો શિકાર બન્યું . વર્ગ, વાડા અને વર્ણમાં જ લોકો સલામતી જોવા લાગ્યા ! એટલે 'આપણાવાળા', 'અમારા છે', 'અપને વાલે'માં સમાજ વહેંચાવા લાગ્યો ! લેખિકા કહે છે તેમ – 'અમુક તમુક ધર્મમાં માનનારી પ્રજાનું – સમસ્ત સમુદાયના માનસનું આવું પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે ? કોણ કરે છે ? કે એવું બને – પેઢી દર પેઢીના સંસ્કારો રક્તમાં એવા ભળી જાય કે તે તે કોમના સામૂહિક અસ્તિત્વનો ભાગ બની જાય છે. કોમની ઓળખ બની જાય છે …' (પૃ. ૭, ૮) આ ઓળખને ટકાવી રાખવા ઝનૂની ધર્મરક્ષકો ચોકી પહેરો મૂકી દે છે. અધૂરામાં પૂરું કર્યું પ્રિ-ગોધરા અને આફ્ટર ગોધરાએ !
નવલકથાનો કાળ ફલક કયો ? એવો પ્રશ્ન ભાવકને જરૂર થાય કારણ કે સર્જક પોતે કોઈ ફોડ પાડતા નથી. તેઓ તો આ કે તે ઘટનામાં પડવાને બદલે કે સમય નક્કી કરવાને બદલે, ફાતિમાના જીવનસંઘર્ષને ઉજાગર કરી સમાધાનકારી સુખાંત લાવવામાં માને છે. પણ એક વાત જરૂર નોંધવી પડે કે નવલકથામાં સમય સંદર્ભ સ્પષ્ટ ન થતા ઘણી ઘટનાઓ કે હકીકતો અપ્રતિતીકર લાગે છે.
નવલકથાનો પ્રારંભ નાયિકા ફાતિમા લોખંડવાલાની ઘર શોધવાની મથામણથી શરૂ થાય છે …. વર્તમાનના સમય બિંદુએથી શરૂ થતી નવલકથા અતીત તરફ અને પછી અતીતથી વર્તમાન એમ ઝીગઝેગ પદ્ધતિએ આગળ વધે છે, (વડોદરા જેવા શહેરમાં વિકસતી કથાનો વર્તમાન જાણે ૮૦ના દાયકાનો હોય એવું લાગે). વર્તમાનમાં કોલેજમાં અધ્યાપક તરીકે કામ કરતી ફાતિમાનું મન અતીત અને વર્તમાન વચ્ચે ઝોલા ખાય છે. પોતાની અસલ ઓળખ પર ઊભી રહેવા માંગતી ફાતિમાને વિદ્યાર્થીઓ અને સાથી અધ્યાપકો તરફથી પણ ભેદભાવનો અનુભવ થાય છે. એટલે જ એ અનુજાને કહે છે કે – 'હું ફાતિમા ફાતિમા જ રહું તો તમને ન ગમે ?' તો વળી સ્ટાફના મિત્રોના મનમાં પણ – 'એના ઘરે જવાય ? ખવાય ?'ની ગડમથલ ચાલતી રહે છે. આપણી આ માનસિકતા આજની નથી. સદીઓથી બે ભિન્ન વિચારસરણીઓવાળા ધર્મો વચ્ચે ભેદભાવની ઊંડી ખાઈ ખોદાતી રહી છે. 'ધરતીનો છેડો ઘર' પોતાનું પણ ઘરનું ઘર હોય એવી ફાતિમાની વાંછા રહી છે …. પણ ભવિષ્ય ધૂંધળું દેખાય ત્યારે માણસ અતીત તરફ દૃષ્ટિ કરે તેમ ફાતિમાના શૈશવના સંસ્મરણો, વ્યથાનાં વીતક બનીને નવલકથામાં પ્રગટે છે.
અલ્લાહના બંદા સમા માજીદભાઈ લોખંડવાલા નામના ફેરી કરીને ભંગાર ભેગું કરનાર પાક મુસ્લિમ પરિવારમાં જન્મેલી ફાતિમા નાનપણથી જ હોશિયાર અને ખુમારીવાળી 'જબરી' છોકરી હતી. ગરીબીમાં ઉછરી હોવાથી કપડાં અને દેખાવ સાવ સામાન્ય પણ ભણવામાં, અસામાન્ય. નિર્દોષ અને નિર્મળ મનની ફાતિમાને નાતજાતના ભેદભાવ શું છે તેની ખબર નથી. પ્રથમ વાર એને નાતજાતના ભેદભાવનો પરિચય થાય છે અને તે પણ એક શિક્ષક દ્વારા ! બહેનપણી ચંદન સાથે શાળામાં નાસ્તો કરતી ફાતિમાને જાની સર કહે છે. – 'એ ય છોકરીઓ ! આ શું કરો છો ?… આમ એક એકના એઠાં ખાવ છો તે ?' તો વળી ચંદનને કહેવાયેલ આ અધ્યાહાર – 'જાત કજાત તો જુઓ આ ફાતિમા તો —' (પૃ. ૧૯)માં આપણા સમાજનું યથાર્થ દર્શન થાય છે. ગ્રામીણ સમાજ શિક્ષકને આદર સન્માન આપે એમને મદદ કરવામાં આનંદ અનુભવે એ ન્યાયે જાની સાહેબની સગર્ભા પત્નીને મદદની ભાવનાથી એમનું પાણીનું બેડું ફાતિમા પોતાને માથે લઇ લે છે. પણ ઘર નજીક આવતાં જ માસ્તરની પત્ની એને ડેલીએથી જ પાછી વાળી દેતાં કહે છે – ‘જા, જતી રે, મારી સાસુ જોશે તો વળી અભડાવી મેલ્યું, એવો દેકારો કરશે' ખરા તડકામાં પાણી પાયા વગર કાઢી મુકાયેલ ફાતિમાને પ્રશ્ન તો ત્યારે પણ થયો હતો. ફાતિમાની હોશિયારી ચંદનની બા માટે ઈર્ષાનું કારણ બને છે .મમરાની બે લાડુડી ખવડાવી એના જ્ઞાનનો લાભ લઈં લેવામાં વણિકવૃતિ દેખાય છે. અને ઓટલે બેસાડવામાં આભડછેટ !! ધરમના ભોજનનો પ્રસંગ ફાતિમાના કુટુંબની ગરીબીની સાથે ભારતના ગરીબોનું યથાર્થ દર્શન કરાવનારો પ્રસંગ તો છે જ સાથે સાથે – ‘એ ય છોકરી … કોની છોડી છે તું ?' અને ‘કઈ જાતની છે ? જૈન ? સામાજિક વાસ્તવને દર્શાવવા પૂરતો છે.'
લેખિકાએ પુસ્તકો, નવલકથાઓ મેગેઝીન, ફિલ્મ અને શાળાકીય અભ્યાસક્રમનો વિનિયોગ કથાના ચાલક બળ તરીકે કર્યો છે. એટલે શાળામાં પણ ઇતિહાસ ભણાવતા શિક્ષક જાની સર – 'ઇસ્લામનો ઝંડો એક હાથમાં ને બીજા હાથમાં તલવાર લઇ ધસી આવતા પરધર્મીઓ …'ના ઝનૂન, ક્રૂરતા અને કટ્ટરતાની ચર્ચા એવી રીતે કરે છે કે વર્ગના છોકરાઓ ફાતિમા તરફ જોવા લાગે અને કહે કે – 'આ ફાતિમા મુસલમાન છે.' (પૃ. ૫૯) ફાતિમા વકતૃત્વ સ્પર્ધામાં પોતાના બિનસાંપ્રદાયિક વિચારો રજૂ કરી વિજેતા થાય તો પણ ચર્ચાતો આવી જ કે – 'આ લોકો જરા નોખા છે ગામમાં ગામના થઈને રહે છે. બાકી મુસલમાન આપણી ભેળાં નહિ'. આ જ આપણો, આપણા સમાજનો યથાર્થ છે !!
એક ચોમાસામાં ગામમાં પડેલા વરસાદને કારણે તળાવનું પાણી ગામ અને ઘરોમાં ફરી વળે છે. ગરીબ લોકોના ઘરોમાં ભારે નુકસાન થયું . માજીદભાઈ નું ઘર પણ એનો ભોગ બને છે. આ નુકસાનમાં મદદ કરનાર લોકો આગળ આવે છે. મૌલવી સાહેબ, રજબઅલી રંગૂનવાલા પણ તેમનો હેતુ શુદ્ધ નથી. કોઈ બિનઇસ્લામિક શિક્ષણ છોડી ધાર્મિક શિક્ષણ મેળવવા કહે, તો કોઈને કોમની તરક્કીના નામે પોતાના કૌટુંબિક હિતો સાધવા છે ..!! દેશની દરેક હોનારત વખતે આવાં તત્ત્વો દરેક ધર્મમાં કામ કરે છે. રંગૂનવાળા ઉર્સમાં બોલાવી પૈસા, ઘર અને સગવડોને નામે ફાતિમાને ખરીદવા માંગે છે … પણ માવતરનું મક્કમ મનોબળ અને શિક્ષકોની મદદથી ફાતિમા બચી જાય છે. છતાં કરીમ અને જમાલ જેવા નવયુવાનો પ્રલોભનોની જાળમાં ફસાઈને ધર્માંન્ધતાનો ભોગ બને છે. ભારતનો પાક મુસલમાન ધાર્મિક હિતશત્રુઓ અને વિધર્મી દ્વેષની વચ્ચે સેન્ડવિચ બની ગયો છે.
શેરી, સમાજ, શિક્ષક, શિક્ષણ અને હવે શહેર કશું જ આમાંથી બાકાત નથી … વડોદરાની હોસ્ટેલમાં પણ પ્રવેશફોર્મ ભરતાં નામ વાંચીને રેક્ટરનો પહેલો પ્રશ્ન તો 'મુસલમાન છો ?' એ જ આવે છે. અતીતથી વર્તમાન અને વર્તમાનથી અતીત વચ્ચે ફંગોળાતી ફાતિમા બારમાં પ્રકરણમાં પાછી વર્તમાનમાં ઘર શોધવા મથામણ કરે છે. હિંદુ -મુસલમાનનો ભેદ ઘર મેળવવામાં સૌથી મોટો અંતરાય છે. એક વાર તો કપાળમાં ચાંદલો લગાવી પ્રયત્ન કરવા વિચારે છે પણ જૂઠની બુનિયાદ પર ઘર મેળવવું એને મંજૂર નથી. જુદા જુદા બહાના હેઠળ ઘર ન આપનાર ભણેલા પણ સડેલી માનસિકતાવાળા લોકો પર એને ગુસ્સો આવે છે.
ધાર્મિક ભેદભાવ અને એને આધારે સમગ્ર કોમ વિશે બંધાતા મતનું ઉદાહરણ ઉજ્જૈનમાં થતા બોમ્બ વિસ્ફોટના બનાવ નિમિત્તે જોવા મળે છે. ટી.વી. પર દેખાતા દૃશ્યો જોઈને – 'કેટલાં ક્રૂર -ઘાતકી લોકો છે આ ?' અને '…. એ લોકોનો ધરમ જ …' એવા જાત જાતના વિધાનો ફાતિમાને કાને પડે છે. માને મળીને પરત ફરતાં કોમી તોફાનોને કારણે બસ પર હુમલો કરતું ટોળું પણ ફાતિમાને – 'કેવી જાતની છો ?'નો જ પ્રશ્ન પૂછે છે. શું આ જ આપણો સનાતન પ્રશ્ન છે ? નોકરીનો ઈંટરવ્યૂ હોય કે નોકરી પછીની પાર્ટી કે પછી રહેવા માટેનું ઘર શોધવાનો પ્રશ્ન. દરેક જગ્યાએ નાત જાતની વાડ, વાડાના અંતરાય અને અવરોધ ઊભા કરે છે. અધ્યાપક જેવી સામાજિક મોભાવાળી નોકરી કરતી ફાતિમા ગરીબાઈની એક વાડ, દીનતા અને દયાની એક વાડ તો કુદાવી ગઈ પણ … આપણા દેશની સૌથી મોટી વાડ, કોમી ભેદભાવની વાડ કૂદવામાં પાછી પડે છે. એને અનેક વિઘ્નો નડે છે. ભારતીય સમાજમાં જડબેસલાક રીતે રોપાયેલી કોમ, કોમ અને ધર્મ, ધર્મ વચ્ચેની કાંટાળી વાડ આજે પણ તૂટવાનું નામ લેતી નથી. ઘર મેળવવાની કોશિશમાં છેલ્લાં ચાર વર્ષમાં ડૉ. ફાતિમા લોખંડવાલા અનેક બિલ્ડરોનો જાકારો પામી ચુક્યા હતાં. અચાનક એક દિવસ કોઈ તુષાર જાની નામનો બિલ્ડર મળે છે. જાણે આશાનું એક કિરણ મળે છે પણ … યોગનું યોગ કહો કે કાકતાલીયતા આ તુષાર, ફાતિમાના જાનીસરનો પુત્ર છે. આ એ જાની સર છે જેમણે બાલ્યાવસ્થામાં ચંદનને 'મુસલમાન હારે ખાવા બેઠી કહી ?' કહી ધમકાવી હતી. ફાતિમા સાથેની મુલાકાતમાં ઔપચારિકતા પછી તરત જ તુષાર પોતાનો મુદ્દો સ્પષ્ટ કરી દે છે. ગામના ઘરને બદલે એ અહીં ઘર આપવા માંગે છે. અને તે પણ અમુક શરતો સાથે …!! એ કહે છે કે ફાતિમાબહેન સાચું કહું – 'તમે … તમે બીજા ધરમના છો. તમને જો ફ્લેટ વેચીએ તો અમારા બીજા ફ્લેટો વેચાય નહિ, … અમારા લોક આ કોમ્પ્લેક્સમાં ફ્લેટ લે નહિ … .' (પૃ. ૨૮૦) તુષાર એક વેપારી તરીકે ધર્મ અને રહેણીકરણી તથા ખોરાકનું બહાનું આગળ કરી ફાતિમા પર દબાણ લાવવા માંગે છે. ગામનું ઘર અને ઉપરના આપવાના થતા રૂપિયામાં પાંચમાં માળે ચોથા નંબરનો ફ્લેટ નક્કી થાય છે, તે પણ બહાર ઘર લીધાનો ઊહાપોહ ન કરવાની શરત સાથે – ‘ … નહિતર મારા બીજા ફ્લેટ્સ નહિ વેચાય' (પૃ. ૨૮૨) પાકો વેપારી તુષાર દસ્તાવેજ થયા પછી ચંદ્રકાંતના પત્રની (જમાલની) વાત કરે છે. ઘર પ્રત્યેનો ફાતિમાનો પ્રેમ આ શબ્દોમાં વ્યક્ત થયો છે – 'તમને મેળવવા મેં બહુ જહેમત કરી છે. બસ મારા ઘર ! હવે આપણે એક બીજાના'. વહાલથી દીવાલોને અડતી ફાતિમાની ખુશી અહીં પણ ઝાઝું ટકતી નથી. કરીમની મિજલસમાં આવતો અને ફાતિમાના પ્રવચનથી પ્રભાવિત થઇ ખંતથી અભ્યાસ કરીને આગળ આવતા શમશૂને આ મકાનના એગ્રીમેન્ટના કાગળોનું કમ્પ્યુટરાઈઝેશન કરતા એના મિત્ર દ્વારા વાતની ખબર પડે છે. બિલ્ડરને સમજાવી તેઓ ત્રણ ફ્લેટ બુક કરાવવામાં સફળ થાય છે. એનો આનંદ ફાતિમા સાથે વહેંચવા એ ફાતિમાને બૂમ મારે છે અને હાથ લાંબો કરી કોમ્પ્લેક્સ બતાવતાં કહે છે કે – 'બિલ્ડરભાઈ આ બે મકાન વચ્ચે દીવાલ ચણી આપશે એટલે આપણી સોસાયટી અલગ ….. ફાતિમાજી, તમારે લીધે અમને બધાને ઘર મળ્યાં, એક જ ઝાટકે ફાતિમાનું સ્વપ્ન ચકનાચૂર થઇ જાય છે, સૌની હારે સૌના જેવા થઇને રહેવાનું. કોમના લેબલને દૂર કરવાની મથામણમાં, સમાજને મુખ્ય ધારામાં લઇ જવાની મથામણમાં સમાજ સૌથી મોટો અંતરાય છે. પોતાના સંકીર્ણ કોચલામાંથી બહાર નીકળવા ન માંગતા લોકો કે પછી પોતાના સમાજમાં જ સલામતી જોતા લોકોને વચ્ચે દીવાલ પસંદ છે.
ફાતિમા દુઃખી થઇ જાય છે 'સૌનો સાથ અને સૌનો વિકાસ' તો પછી, અહીં આ દેશમાં જ્યાં જુઓ ત્યાં નાતજાત, ઊંચનીચ, ધર્મ, ભાષા, વર્ગ અને વર્ણને નામે આ વાડાઓ શા માટે ? શું વાડ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે ? તુષાર જાની એક હોશિયાર વેપારી હતો, ‘આમે ય ફ્લેટ વેચાશે નહિ, તો છો બધા … . સાથે રહેતા. એક અલગ સોસાયટી 'એક બાજુ સન રાઈઝ અને બીજી બાજુ ચાંદતારા .. એટલે કે હિન્દુઓનું જુદું મકાન અને મુસલમાનોનું જુદું ! બે વચ્ચે એક વાડ, એટલે કે એક નવો વાડો !' આવી બંધનરૂપ વાડ કુદાવી જવા માંગતી ફાતિમા એગ્રીમેન્ટ રદ્દ કરવા વિચારે છે, ત્યાં જ શમશૂ દેખાયો … ફાતિમા ના પાડે તો આ બધાનાં મકાન પણ છીનવાઈ જાય. આ વાતનો ખ્યાલ આવતાં પોતાના સમાજના લોકોને ઘર મળી રહે માટે મન મારીને સમાધાનકારી રસ્તો અપનાવે છે. છતાં એનું સ્વપ્ન તો છે જ – 'બધા સાથે મળી અણસમજ, ગેરસમજ અને ધિક્કારની કાંટાળી વાડ…. ‘ તોડી પાડવાનું ….
'વાડ' નવલકથા સમય, સંજોગો અને પરિસ્થિતિઓ સામે લડીને વિજયી બનતી એક ગરીબ મુસ્લિમ કન્યા ફાતિમાના જીવનસંઘર્ષની કથા છે. લેખિકાએ ફાતિમાના પાત્રને નિરૂપવામાં પોતાની સર્જકતાને કામે લગાડી છે. એક પાક મુસ્લિમ પરિવારની પલટો લેતી પરિસ્થિતિને નિમિત્તે લેખિકા દેશની અનેક સળગતી સમસ્યાઓને નવલકથામાં ઉજાગર કરે છે. ગરીબી, મુસ્લિમ સમાજમાં શિક્ષણ, બેરોજગારી, સાંપ્રદાયિકતા, કટ્ટરતા અને સામાજિક ભેદભાવ તથા સંકીર્ણ માનસિકતા, કોમવાદ અને આતંકવાદ આપણા સાંપ્રત સમાજ અને રાષ્ટ્રની સૌથી મોટી સમસ્યા છે. ઇલાબહેન આ સઘળી સમસ્યાઓને નવલકથામાં આલેખી સાંપ્રત સમાજનું વાસ્તવ દર્શન કરાવે છે.
શિક્ષણનો અભાવ અને ગરીબી દેશની સૌથી મોટી સમસ્યા છે. ખાસ કરીને લઘુમતી મુસ્લિમ સમાજમાં આનું પ્રમાણ વધુ જોવા મળે છે. બેરોજગારીને કારણે નાનામોટા વ્યવસાયો કે ફેરી કરીને જીવનારા માજીદભાઈ જેવા અનેક કુટુંબો છે. ધર્મ અને સંપ્રદાયને નામે અનેક લોકો તેમની મજબૂરીનો લાભ ઉઠાવે છે. કરીમ જેવા કેટલાક ભણેલા ગણેલા લોકો ધાર્મિક કટ્ટરતાનો ભોગ બની દેશ વિરોધી ગતિવિધિઓમાં જોડાય છે. 'ઇસ્લામ ખતરે મેં હૈ'ને નામે બાળકો અને નવયુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓનું શિક્ષણ આપનાર અનવર અને અમ્મીજી જેવાં લોકો દેશવિરોધી પ્રવૃત્તિ અને બોમ્બ બ્લાસ્ટ માટે પૈસા આપી ફિદાયીન તૈયાર કરે છે. જિહાદને નામે જૂના રેકોર્ડીંગ સંભળાવી લોકોને ભડકાવવાની પ્રવૃત્તિઓ થાય છે. મઝહર જેવા રૂપાળા યુવાનો લવ જેહાદ ચલાવે છે જેમાં છોકરીઓને ફસાવવામાં આવે છે. કોમલ જેવી છોકરીઓ એનો ભોગ બને છે. અભણ અને ભણેલા ગણેલા મુસ્લિમ યુવાનોને પૈસા અને જન્નત, જન્નતની હૂરની લાલચ બતાવી બ્રેઇન વોશ કરવામાં આવે છે. ઝનૂનપૂર્વક અપાતાં ભાષણો અબુધ યુવાનોમાં નફરત અને દુશ્મનાવટ જગાડે છે. ધર્મને નામે મરી ફીટવાની ભાવના જાગતા ફિદાયીન બનતા યુવાનો આતંકવાદને જન્મ આપે છે. માજીદભાઈ જેવા અલ્લાહના બંદાનો પુત્ર કરીમ સાયન્સનો આશાસ્પદ વિદ્યાર્થી પરંતુ અનવર જેવા દેશદ્રોહીની સોબતે આતંકી બને છે. અનવર અને અમ્મીજીનું મિશન ભણેલા ગણેલા હોનહાર મુસ્લિમ વિદ્યાર્થીઓનો ઉપયોગ કરવાનું છે. ફાતિમા પણ આ ષડ્યંત્રનો ભોગ બને છે. અમ્મીજી ધન દોલતને સહારે, લોભ લાલચથી એને ખરીદવા માંગે છે. એની પાસે પ્રવચન કરાવે છે પરંતુ પાક મુસલમાનના સંસ્કાર અને કુરાન તથા સાહિત્યનુ શિક્ષણ તેને નરકની ગર્તામાં જતાં બચાવી લે છે. ફાતિમા બાળકોને જિહાદનો સાચો અર્થ સમજાવે છે – 'મજહબ અને ઈમાનની નેકીથી તું તારી દિલની બદદાનત, બદઈરાદાઓ સામે જંગ કર' પણ અનવર, અમ્મીજીને આવું શિક્ષણ પસંદ નથી, એની સામેથી માઈક હટાવી લેવામાં આવે છે. ફાતિમાને સમય રહેતાં આ બાબતની ગંધ આવતાં જ, ભાઈ કરીમ, અનવર અને અમ્મીજીથી દૂર થઇ જાય છે. છતાં થોડાક દિવસો સાથે રહેવાને કારણે એ આતંકીઓની સાથી ગણાઇ અને જેલની હવા ખાવી પડી, પોલીસ તપાસનો સામનો કરવો પડ્યો, મનુબહેન જેવાંનો વિશ્વાસ ગુમાવવાની નોબત આવી. આમ છતાં સત્યને વળગી રહેનાર ફાતિમા સત્યના બળે આતંકીઓના નેટવર્કમાંથી બહાર નીકળી શકે છે.
'વાડ' નવલકથાની પાત્રસૃષ્ટિમાં ફાતિમા અને એના માતાપિતા (માજીદભાઈ અને ખતીજા), ચંદન, શાળાના શિક્ષકો, પ્રોફેસર, હોસ્ટેલના રેક્ટર મનોરમા ગાંધી, લાયબ્રેરિયન રેચેલ, શમશૂ જેવાં અનેક પાત્રો છે જે સજ્જન અને સર્વધર્મ સમભાવ ધરાવે છે. તો વળી કેટલાક સંકીર્ણ મનોવૃતિનાં પાત્રો પણ છે જેમાં ચંદનના દાદી, જાની સર અને એમના સ્વાર્થી બિલ્ડર પુત્રો, તકસાધુ રજબઅલી રંગૂનવાલા અને પટેલ સાહેબ તથા આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અનવર, અમ્મીજી, મૌલવી સાહેબ અને કરીમ, મઝહર, જાવેદ જેવા યુવાનો નવલકથામાં ધાર્મિક ઉન્માદ ફેલાવી અરાજકતા ફેલાવવા માંગતા પાત્રો છે. નવલકથાનો પરિવેશ સૌરાષ્ટ્રના નાના ગામથી લઈને મહાનગરો સુધી વિકસે છે. બંને સમાજ અને પરિવેશનું યથાર્થ દર્શન કરાવી લેખિકાએ બંને કોમમાંથી વાડ ઊભી કરનાર તત્ત્વોની ઓળખ કરાવી છે. 'કરણઘેલો'થી ચાલી આવતી નવલકથાઓ – 'પાપનો ક્ષય અને સત્યનો જય' આલેખતી રહી છે. 'વાડ' પણ એ જ સર્જક ન્યાયને અનુસરે છે. અમ્મીજી અને અનવર પાકિસ્તાનમાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામે છે. કરીમ દિશા ભૂલેલો યુવાન છે. ધાર્મિક કટ્ટરતા અને ઝનૂન એને હોશિયાર વિદ્યાર્થીમાંથી આતંકવાદી બનાવે છે. છતાં તેનામાં પડેલા માતાપિતાના સંસ્કાર અને અતીતનાં સ્મરણો એને ફાતિમાને મારતા રોકે છે. શેતાની ષડ્યંત્રમાં ફસાયેલો કરીમ પશ્ચાતાપના અગ્નિમાં બળે છે. આખરે એમાંથી છૂટવા પોતાની જાતનું બલિદાન આપવું પડે છે. બુરાનો અંજામ બુરો જ હોય. લેખિકાએ ટેબલ પર બેસીને સમાજના અનેક સળગતા પ્રશ્નોને અહીં ઉઠાવ્યા છે. સમાજમાં વ્યાપ્ત ભેદભાવના બંધનો 'વાડ' ઊભી કરે છે. એનો ભોગ ફાતિમા જેવાં સાચા રાષ્ટ્રપ્રેમી ભારતીયને બનવું પડે છે. ડૉ. બી.આર. આંબેડકર અને ડૉ. વર્ગિસ કુરિયન જેવા અનેક લોકો આ સમસ્યાનો શિકાર બની ચુક્યા છે.
નવલકથાકાર ઈલા આરબ મહેતાએ નિખાલસ કેફિયત રજૂ કરીને આ નવલકથાની રચના પ્રક્રિયાને સ્પષ્ટ કરી દીધી છે. ભારતીય સમાજના વર્ગવાદી વાસ્તવને આલેખવા તેઓ વિવિધ પુસ્તકોનો, ન્યુઝપેપરનો અને સાંપ્રત પરિસ્થિતિઓનો આધાર લે છે. જેને કારણે નવલકથા સર્જકના મીડિયાનાં નિરીક્ષણો અને અભ્યાસમાંથી નીપજેલી હોય તેવી લાગે છે. સમયનો સંદર્ભ બરાબર જળવાયો હોય એમ પણ લાગતું નથી. સમય વિશે આંગળી મૂકીને કોઈ ફોડ ન પાડતા સર્જક કથામાં જે ફિલ્મો, ફિલ્મી ગીતો, ટી.વી. સીરિયલના સંદર્ભો આપે છે, તેમાંથી પ્રગટતો સમય નાયિકા જીવન સાથે બંધ બેસતો નથી. પ્રકરણ સાતમાં ફાતિમા જ્યારે વડોદરા હોસ્ટેલમાં ભણવા આવે છે તે પહેલાં ગામમાં એ ચંદનના ઘરે 'ઉમરાવ જાન' ફિલ્મ જુએ છે. ૧૯૮૧માં પ્રદર્શિત થયેલી રેખા અભિનીત આ ફિલ્મનો સમય, ફાતિમાના સંદર્ભે જોઈએ તો તે સમયે તે દસમાં ધોરણમાં છે. માની લઈએ કે ગામડા ગામમાં બે ત્રણ વર્ષે ફિલ્મ આવતી હોય પણ …. જે સમયે ટી.વી. પણ પ્રચલિત નથી! ત્યારે VCP/VCR પર ફિલ્મ ? ભારતમાં ૧૯૮૦-૧૯૯૦ના દાયકામાં જ એની શરૂઆત થઇ છે. એટલું જ નહિ … ફાતિમા વડોદરા આવે છે ત્યારે કરીમ કોઈની મોટર બાઈક લઈને એને લેવા આવે છે … અને રસ્તે સ્કૂટી લઈને જતી છોકરીઓને જુએ છે ! આ કયો સમય હશે ? કારણ કે વર્ષો સુધી ભારતમાં રાજદૂત અને યેઝદી જેવી મોટર સાયકલનો જમાનો રહ્યો ? અને સ્કૂટીનું ઉત્પાદન તો ભારતમાં ૧૯૯૪માં ચેન્નાઈમાં શરૂ થયું અને ૧૯૯૬માં માર્કેટમાં આવી. તો વળી ફાતિમાની રૂમ પાર્ટનર કોમલ સિંહ રૂમમાં જે ગીતો વગાડે છે તેનો સમય પણ નોંધવા જેવો છે. પૃ. ૧૦૭ પર – ''જુમ્મા ચુમ્મા દે દે … (હમ ૧૯૯૦), 'એક લડકી કો દેખા તો ઐસા લગા …' (૧૯૪૨ -અ લવ સ્ટોરી ૧૯૯૪) અને 'ડોલી સજા કે રખના …' (ડીડીએલજે .. ૧૯૯૫). ઉપરોક્ત હકીકતોને આધારે જોઈએ તો ફાતિમા આ સમયે અગિયારમાં ધોરણમાં હોય, જેને લેખિકા જુનિયર કોલેજ કહે છે. જે ગુજરાતમાં વ્યવહારમાં નથી. આ ઉપરાંત આ સમય પ્રમાણે તે ૧૯૯૮માં બારમું પાસ કરી કોલેજમાં પ્રવેશ મેળવે અને ૨૦૦૧માં બી.એ થાય અને બે વર્ષ એમ.એ. ના. એમ.એ. થયા પછી તરત જ અધ્યાપક તરીકે નોકરી મળી હોય તો એ ૨૦૦૩નું વર્ષ હોય જે વર્ષે ફિક્સ પગારથી નોકરીઓ આપવાની ગુજરાતમાં શરૂઆત થઇ હતી. આ ઉપરાંત નેટ, સ્લેટ જેવી પરીક્ષાઓ અને પીએચ .ડી કર્યા વિના આ સમયમાં નોકરી મળવી મુશ્કેલ હોય છે. જ્યારે ફાતિમા પૂર્વેની પદ્ધતિએ પસંદગી પામે છે. ફાતિમાને નોકરી મળે તે સમયે પાંચ વર્ષ પછી પરમેનન્ટ થવાતું. ફાતિમા બે વર્ષે પરમેનન્ટ થાય છે ? લેખિકા સમયને નજરઅંદાજ કરવા જતાં ઘણી અપ્રતિતીકર બાબતો આલેખી બેઠાં છે. વડોદરામાં ભણતાં એમ.એસ. યુનિવર્સિટી ક્યાં ય દેખાતી નથી ! ૧૯૮૦-૮૫ના સમયમાં ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં વિદ્યુતીકરણ થઇ ચુક્યું હતું. નાના રજવાડા જેવાં ગામમાં ફાનસને અજવાળે ફાતિમા વાંચતી હોય અને ગામડા ગામમાં ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળા હોય એ બંને બાબત ગળે ઊતરે તેવી નથી. તો વળી પૃ. ૧૭૭ પર મનોરંજનની ખાનગી ચેનલ પર બ્રેકીંગ ન્યુઝ આવે એ વાત પણ પ્રતીતિકર નથી. પૃ. ૯૩ પર સ્કૂટી લઈને આવેલો અનવર બાઈક પર જાય છે ! જાની સરનો નાનો પુત્ર તુષાર ગામની શાળામાં ભણ્યો જ્યારે મોટો પુત્ર જાની સરના અંગ્રેજી પ્રેમને કારણે મુંબઈમાં ભણ્યો !
'વાડ' નવલકથાની રચના પ્રક્રિયા વિશે નિખાલસ કબૂલાત કરતાં લેખિકાએ કહ્યું છે તેને આધારે કહી શકાય કે નવલકથામાં છાપાંના સમાચારો, ટી.વી. ન્યુઝ, મેગેઝીન અને દેશ વિદેશનાં પુસ્તકો, શાળાકીય અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓ તથા કેટલાક પોતાનાં બાલ્યાવસ્થાના અનુભવોને લેખિકાએ કામે લગાડ્યા છે. અંગ્રેજી પુસ્તકોના અભ્યાસની અસર પણ દેખાય છે. ખ્રિસ્તી, યહૂદી અને ઇસ્લામ વિષેના આલેખનોમાં કેટલીક ઊણપો દેખાય છે. ડેવિડ અને સોલોમન બંને પિતા પુત્ર રાજાઓ અને પ્રબોધકો છે જેમનો પયગંબર તરીકે ઉલ્લેખ કરાયો છે. ગુજરાતી બાઈબલમાં Jehovaનું યહોવાહ અને Canaanનું કનાન અનુવાદ રૂપે થયું છે. પણ અંગ્રેજી અસર હેઠળ લેખિકાએ યોહેવ અને કાનન કર્યું છે. માજીદભાઈના ઘરે પહેલેથી કુરાન છે. અરબી કે ઉર્દૂમાં કુરાન પઢનાર અંગ્રેજી અનુવાદ વાંચે ? હા લેખિકાએ વાંચ્યું હોય ! સૂરતથી વેકેશનમાં ચંદનના ઘરે આવતી કાકાની છોકરીઓ પછીથી વડોદરામાં જ રહેતી દર્શાવી છે. લેખિકા ચંદન, તુષાર, જાની સર સૌને વડોદરામાં જ ભેગાં કરે છે .. બાલ્યાવસ્થાથી શાળામાં ‘જબરી' છોકરી તરીકે ઓળખાતી અને વાલજીકાકા કહે છે તેમ – 'પાટુ મારીને પાણી કાઢે એવી' ફાતિમા અમ્મીજી અને અનવર આગળ લાચાર દેખાય અને કરીમને આ ચુંગાલમાંથી છોડાવવા કંઈ જ ન કરે ! એ એનાં પાત્રને ન્યાય કરે તેવું નથી. ઉર્દૂ, અરબી કે પર્શિયન બોલતા મૌલવીજી સામાન્ય લોકો અને છોકરાઓ આગળ 'વર્શિપ' 'ટર્બન' 'અને 'એન્જલ' જેવા શબ્દો બોલે છે. આગળ ભણવાની અમદાવાદ તપાસ કરવા જતો કરીમ વડોદરા ભણવા આવે છે ? નજીકમાં રાજકોટ, ભાવનગર કે અમદાવાદ જેવા સારા શહેર અને શિક્ષણ સંસ્થાઓ હોવા છતાં બધા વડોદરા જ ભણે છે ! મોબાઈલ-ફોનના જમાનામાં જમાલનાં કોઈ સમાચાર ન મળે ? સમયનો સંદર્ભ અને સ્થળ કે પરિવેશ સ્પષ્ટ ન થવાથી ઘણા ગૂંચવાડા થાય છે. વડોદરામાં રવિવારી નહિ શુક્રવારીનું ગુજરી બાઝાર ભરાય છે. અને તે નદીના પટમાં નહિ …. નદીના પટમાં તો સુરતમાં ભરાય છે.
આતંકવાદ, ઇસ્લામ અને વિવિધ ધર્મ સંદર્ભો માટે લેખિકાએ જે પુસ્તકોનો અભ્યાસ કર્યો છે તેને કથામાં વણી લીધાં છે. એના જ સંદર્ભો આપ્યાં છે. એટલે સુધી કે કુરાન પણ અંગ્રેજીમાં ! એટલે અનુભૂતિની સચ્ચાઈને બદલે કૃતકતા અને કાકતાલીયતા અને મેલો ડ્રામા દેખાય છે. ફાતિમાનાં શાળાજીવનમાં લેખિકાએ પોતાનાં શાળા જીવનનાં સંસ્મરણો આલેખ્યાં હોય એવું લાગે છે. સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ, જામનગરમાં ગાયેલી કવિતા પણ અહીં સામાજિક સમરસતાનું પ્રતીક બનીને આવે છે. એકતા અને સમાનતાનું સ્વપ્ન સિદ્ધ કરવાની ફાતિમાની આ મથામણ એટલે 'વાડ'. લેખિકા કોઈ વાદ, સંપ્રદાય કે વિચારધારાથી દૂર રહી તટસ્થપણે સાંપ્રત સમાજની વાસ્તવિકતાને ઉજાગર કરી સમાજને એકતાનો સંદેશ આપે છે.
સી.યુ. શાહ આર્ટસ કોલેજ, Mirzapur Rd, Opp Lucky Restaurant, Old City, Gheekanta, Lal Darwaja, Ahmedabad, Gujarat 380 001