“આ એવો દેશ છે જ્યાં ઘરો સાદાં છે, કૌટુંબિકતા સહજ છે અને જ્યાં સ્ત્રીઓ સ્વાર્થરહિત પ્રેમથી કચવાટ વિના પોતાનાં સ્નેહીજનોની સવારથી સાંજ સુધી સેવા કરે છે.” આ વિધાન ભગિની નિવેદિતાનું છે જેને માટે સોનલબહેન લખે છે, “આવા વિધાનને સ્થળકાળના સંદર્ભમાં જ લઈ શકાય, બાકી ઓગણીસમી સદીમાં સ્ત્રીઓની સ્થિતિ કેવીક હતી તે સૌ જાણે છે.” (પાનું : ૨૧૫) એકવીસમી સદીમાં શો ફરક પડ્યો તે સમજવા માટે મેં પૂરું પુસ્તક ધ્યાનથી વાંચ્યું. ૬૫ વીરાંગનાઓની ૩૦૨ પાનાંમાં સમાવિષ્ટ જીવનગાથાનું સંકલન સોનલ શુકલ લિખિત ઉપરોક્ત પુસ્તકમાં થયું છે, એમાં એક સિસ્ટર નિવેદિતાની કર્મકથા પણ છે. સમગ્ર પુસ્તકમાં નારીવાદી દૃષ્ટિથી મૂલ્યાંકિત આ પ્રકારનાં વિધાનો ઠેરઠેર વાંચવાં અને સમજવાં મળે, જે પુસ્તકનું વિશિષ્ટ પાસું છે. દુનિયાભરની કર્મશીલ સ્ત્રીઓની મુક્તિ માટેની ચાહત, સંઘર્ષ અને સિદ્ધિની કથાઓ વિદુષી સોનલબહેન શુકલે ‘જન્મભૂમિ પ્રવાસી’ અને ‘મુંબઈ સમાચાર’માં પોતાની કોલમ ‘ઘટના અને અર્થઘટન સ્ત્રીની આંખે’માં આલેખી છે. વિદુષી વિભૂતિ પટેલની અભ્યાસુ કલમે લખાયેલી વિશ્લેષણાત્મક પ્રસ્તાવના નારી આંદોલનમાં લખાયેલા નારી કેન્દ્રિત ઇતિહાસને અધિકૃત અને બળવંત બનાવે છે.
દુનિયાભરમાં સ્થાપિત હિતો સામે છેડાયેલાં આંદોલનોમાં સ્ત્રીઓની ભૂમિકાને એમણે તાદૃશ કરી છે. વંચિતો માટે કહેવાય છે કે તમે એક થાઓ અને સંઘર્ષ કરો અને સફળ થાઓ. જો તમે સંગઠિત રહો તો તમારે કશું ગુમાવવાનું નથી. જે અંગત છે તે જ વિશ્વસંગત છે, માનવ અધિકાર તે જ સ્ત્રીઓનાં અધિકાર, સ્ત્રીઓની ના તે ના જ અને હા તે જ હા હોઈ છે, આવી નારીવાદી સમજ પણ દરેક કથામાંથી મુખરિત થતી રહે છે. કયા દેશની સ્ત્રીઓએ જાહેરમાં આવીને પોતાનો અવાજ બુલંદ નથી કર્યો એવો સવાલ થાય તો જવાબ અહીં છે. આફ્રિકા, અમેરિકા, ચીન, જાપાન, બ્રિટન, ઈજિપ્ત, ભારત ……. યાદી લગભગ સમગ્ર જગતને આવરી લે છે. રાષ્ટ્રની સ્વતંત્રતા માટે ન્યોછાવર થતી રાણીથી માંડી અદની તૃણમૂળ સ્ત્રીઓની નિસબત અને સમર્પણની ચેતનવંતી કથાઓ જોમ અને જોશવંતી તો છે જ સાથે સાચો વિદ્રોહ કોને કહેવાય તે પણ સમજાવે છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, રાજકીય, માનવ અધિકાર અને ચીલો ચાતરનાર વીરાંગનાઓએ ક્યારે ય પીછેહઠ કરી નથી. એક એક પરિવારમાંથી બે-ત્રણ સભ્યો ક્યાંક ને ક્યાંક સક્રિય રહ્યાં હોય એ સહજ બાબત હતી. સારાભાઈ કુટુંબમાં માલિક કે મજૂર પક્ષે ભાઈ-બહેન હોય કે રાજકારણમાં કૃપલાણી દંપતી હોય એમને સામસામે રહી લડત આપવાનો સંકોચ ન હતો, એમ હતું છતાં એમના સંબંધોને આંચ આવતી ન હતી તેવાં અનસૂયાબહેન સારાભાઈ, સુચેતા કૃપલાણીની કથાઓ અહીં વર્ણવાયેલી છે તો વિની માંડેલા અને નેલ્સન માંડેલાની કહાણી પણ છે. દરેક કથા સાથે જે તે સમયના વાતાવરણની અસર ઝિલાયેલી છે તો અનેક આડકથાઓ પણ સમાવાયેલી છે. સોનલબહેને કોઈપણ પૂર્વગ્રહ વગર વર્ગ, વર્ણ, જાતિ કે અન્ય ભેદભાવ માટે ફક્ત ને ફક્ત નારીવાદી દૃષ્ટિથી તટસ્થપણે પોતાની કલમ ચલાવી છે. પારિવારિક અને અંગત સંઘર્ષની કથાનું પણ અહીં આલેખન થયું છે. જેમાં મેં લખેલી અંબિકાની (નામ બદલ્યું છે.) સંઘર્ષકથા પણ છે. મૂળભૂતવાદીઓ હોય કે સામ્યવાદીઓ, સમાજવાદીઓ હોય કે કાઁગ્રેસીઓ જે ટીકાટીપ્પણની જરૂર લાગી હોય તે એમણે પારદર્શકતાથી તો ક્યારેક ધારદાર રીતે કરી જ છે. તસ્લીમા નસરીન, સફિયા ખાન, મૃણાલ ગોરે, વાંગારી માથાઈ, સ્લિવિયા પ્લાથ, શાઈલિંગ જેવી તેજસ્વિનીઓની સંઘર્ષકથા સાથે તેમને કેવી રીતે નજરઅંદાજ કરવામાં આવે છે કે ભુલવાડી દેવાય છે તે એમણે અહીં સુપેરે સમજાવ્યું છે. પત્રકારત્વ, સાહિત્ય, સંગીત, રાજકારણ કે વિજ્ઞાનક્ષેત્રે કોણે કેવું કાઠું કાઢ્યું અને કોની કલમ કઈ રીતે ચાલી એમાં નોબેલ વિજેતા સ્ત્રીઓથી લઈ રોકૈયા શેખાવત હુસેન, સરોજિની નાયડુ, વિદ્યા બાલ, ગંગાબહેન અને હિમાંશી શેલત સુધીનાં સાહિત્યકર્મીઓને એમણે યાદ કરીને ‘વાણી’ વૈચારિક જૂથની પ્રવૃત્તિઓનો પરિચય પણ આપ્યો છે.
એમણે સ્ત્રીઓની દૃશ્યતા – અદૃશ્યતા બાબતે તો ખાસ્સું ચિંતન કર્યું છે. ખાસ કરીને ભારતીય બંધારણ સભામાં સક્રિય પંદર વિદુષીઓના પ્રદાનને તો એમણે સળંગ આલેખન દ્વારા બિરદાવ્યું છે. દરેક પોતાની રીતે કેટલાં સક્ષમ રહ્યાં છે તેનો ખ્યાલ પણ આપ્યો છે. હંસાબહેન મહેતા, સરોજિની નાયડુ, સુચેતા કૃપલાણી, દક્ષાયણી વેલાયુધન, અમૃત કૌર, બેગમ કુદસિયા ઝૈદી જેવી સન્નારીઓ બંધારણ સભામાં સ્થાન પામેલાં છતાં ત્રણસોથી વધારે સભ્યો ધરાવતી એ સભામાં સ્ત્રીઓની સંખ્યા પંદર જ કેમ એવો સવાલ સોનલબહેન ઉઠાવે છે તે રીતે દરેક ક્ષેત્રે પોતાનું વિશિષ્ટ સ્થાન બનાવનાર સ્ત્રીઓ આંદોલન કે ચળવળમાં ઊલટભેર ભાગ લે છે અને શાંતિના સમયમાં તેઓ ક્યાં ખોવાઈ જાય છે તે સવાલ પણ તેઓ કરતાં રહે છે. રાજ્યસભાના સભ્ય, સંસદસભ્ય, પ્રધાનપદ કે રાજ્યપાલના હોદ્દા શોભાવનાર સ્ત્રીઓએ પોતાની સૂઝસમજથી ફરજ બજાવી છે તેનું ચિત્રણ અહીં સુપેરે થયું છે. સવાલ તો એવા પણ ઊભા થઈ શકે કે જે સંસ્થાઓ સ્વતંત્રતાની ચળવળ દરમિયાન ચેતના પ્રગટાવવા સક્રિય હતી તેમની પ્રવૃત્તિઓએ આઝાદી પછી ક્યો માર્ગ અપનાવ્યો ? ઓગણીસમી કે વીસમી સદીમાં સ્ત્રીઓની જે સમસ્યાઓ હતી તેનું સ્વરૂપ એકવીસમી સદીમાં કેવું છે ? સમાજસુધારાની પ્રવૃત્તિઓ મંદ પડી છે ?
દહેજ, સ્ત્રીઓ પર થતા ઘરેલુ કે કાર્યસ્થળ પર થતા અત્યાચાર, જન્મદરની શી સ્થિતિ છે ? સ્ત્રીઓ માટે ઊચ્ચ શિક્ષણના દ્વાર ખુલ્લા છે છતાં કેટલા ટકા યુવતીઓ ઊચ્ચ શિક્ષણ મેળવી શકી છે ? માતા અને બાળકના આરોગ્ય સંદર્ભે વાસ્તવિકતા શું છે ? વ્યસન મુક્તિ કાર્યક્રમોની શી હાલત છે ? વિધવા, અપરિણીતા, વિભક્તા, ત્યક્તા એવી એકલનારી કે માતૃત્વ સાથે સંકળાયેલી સ્ત્રીઓની બધી સમસ્યાઓનો ઉકેલ આવ્યો છે ? તો જવાબ છે કે પરિવર્તન દેખાય છે છતાં એની ગતિ ધીમી છે અથવા નહીંવત્ છે. ત્યારે વિચાર આવે કે સ્ત્રીઓના મુદ્દે કામ કરે તેવા સ્ત્રી-પુરુષકર્મીઓની ખોટ તો છે. ભારતમાં ગાંધીજીએ સ્વતંત્રતા ચળવળ સમાંતર રચનાત્મક કાર્યો માટે જે ચેતના જગાડેલી અને કર્મઠ વ્યક્તિઓ નિસ્વાર્થ ભાવે તૃણમૂળ ક્ષેત્રે કાર્યરત થયેલી તે પેઢીની નિસબત અને પ્રતિબદ્ધતા ક્યાં અને કેવી રીતે અદૃશ્ય થઈ રહી છે ? વિશ્વભરમાં સ્ત્રીઓના મુદ્દે કેવા પ્રકારના કાર્યક્રમો ઘડાઈ રહ્યા છે તે જાણવું જરૂરી બની રહ્યું છે. ઇતિહાસમાં ડોકિયું કરીશું તો વર્તમાન અને ભવિષ્યને જોડતી કડીઓ જડશે ? આ પુસ્તકમાં સંકલિત સ્ત્રી ગાથાઓ સંઘર્ષ સાથે સિદ્ધિની પણ છે છતાં સ્ત્રી સમાનતા અને સ્ત્રી-મુક્તિના પડકારો વધી રહ્યા છે અને મેલ બેકલેશની વાસ્તવિકતા એ પડકારોનો સામનો કરવાની શક્યતા કઠિન બનાવી રહી છે તે પણ હકીકત છે. આજે સ્ત્રીઓ માટે એક ડગલું આગળ તો બે ડગલાં પારોઠનાં ભરવા પડે તે સચ્ચાઈ સામે છે. શિક્ષણ અને આર્થિક સ્વનિર્ભરતા એમનો માર્ગ સરળ કરશે એ અનુમાન કેટલેક અંશે સાચું નીવડ્યું છે છતાં એમનાં પર થતી હિંસાનો ઉકેલ આવ્યો નથી. જગત એક સાથે બે-ત્રણ સદીમાં જીવે છે. એકવિધ, બીબાંઢાળ અને પરંપરાગત ભૂમિકા ક્યાંક વધારે દૃઢ બની રહી છે તો ક્યાંક બજારસંસ્કૃતિને હવાલે પણ થઈ રહી છે. સચ્ચાઈ જાણવા માટે તો આંકડાકીય માહિતી પણ તપાસવી પડે.
આવી વાસ્તવિકતામાં આ પુસ્તકની શી અસર થશે ? એનાં દ્વારા ક્યું અને કેવું માર્ગદર્શન મળી શકશે ? કોઈ ઉકેલ જડશે ? મને લાગે છે કે અહીં સંકલિત સ્ત્રીગાથાઓ કાર્યકર્તાઓ માટે પ્રેરક બનશે, એમનામાં હિંમત, જોમ અને જોશનું સિંચન કરશે. ધ્યાનથી વાંચતાં લાગ્યું કે અહીં તો ગાગરમાં સાગર જેવો માહિતીનો સ્રોત છે. અલબત્ત, આ સંકલન વર્તમાનપત્રની સાપ્તાહિક કોલમનું છે એટલે એ સંદર્ભે મર્યાદા તો રહેવાની વળી કોઈનું પણ જીવનકવન બે કે અઢી પાનાંમાં તો વર્ણવી ન જ શકાય પરંતુ જે તે વ્યક્તિ વિશે પાયાની માહિતી મળે છે એટલે રસ પડે તો ઊંડાં ઊતરીને વધારે જાણકારી મેળવી શકાય. કેટલીક વ્યક્તિઓ વિશે માહિતી નથી મળતી કારણ કે ભારતીય પરંપરામાં શ્રુતિ અને સ્મૃતિનું મહત્ત્વ રહ્યું છે એટલે દસ્તાવેજીકરણની જરૂરિયાત અને મહત્ત્વ સમજાયું ન હતું. હવે એ વિશે ઘણી શક્યતાઓ ઊભી થઈ છે. સોનલબહેને વર્ષો સુધી વિવિધ વ્યક્તિઓ, સમૂહ, ઘટનાઓ વિશે સતત લખ્યું એ સાંપ્રતકાળનું અમૂલ્ય દસ્તાવેજીકરણ છે.
આઝાદીના અમૃત પર્વે ટીના દોશી સંકલિત ૭૫ વીરાંગનાઓની કથાનું પુસ્તક પણ મળ્યું છે. તો મોસમ ત્રિવેદી સંકલિત પચાસથી વધારે ગાંધીમાર્ગી સ્ત્રી કાર્યકર્તાઓનું સંકલન પણ પ્રકાશિત થવાનું છે. કેટલીક સ્ત્રી કથાઓનું પુનરાવર્તન પણ હશે છતાં આ દરેક પુસ્તક ચોક્કસ જ માર્ગદર્શક અને પ્રેરક બની રહેશે. મને પણ મારું અલગ અંદાજમાં લખાયેલું પુસ્તક ‘સ્ત્રીઓ મારી આસપાસ, જીવનના વિવિધ પડાવે’ યાદ આવે છે જેમાં રંજના દેસાઈ, સોનલબહેન શુક્લ, વિભૂતિ પટેલ, નીરાબહેન દેસાઈ, વસુબહેન ભટ્ટ, કુમુદબહેન જોશી, ઈલાબહેન પાઠક, કુન્દનિકાબહેન કાપડીઆ, હિમાંશી શેલત, રૂપા મહેતા, સરૂપ ધ્રુવ જેવાં અનેક કર્મશીલો અને સમાજપરિવર્તકોના અને મારા પરિવારની સ્ત્રીઓના જીવનકવન અને એમની સાથેના મારાં અનુભવોનું આલેખન છે. આમ આપણી પાસે ગુજરાતી ભાષામાં વૈશ્વિકથી તૃણમૂળ ક્ષેત્ર સુધી વિવિધ સ્ત્રીઓનાં જીવનકવનના દસ્તાવેજીકરણની સમૃદ્ધિમાં ઉમેરણ થઈ રહ્યું છે. જીવનના અંતિમકાળ સુધી સક્રિય અને ઉત્સાહિત રહેલાં સોનલબહેન તો સદૈવ યાદ રહેશે, ખેવના, યજ્ઞા જ્ઞાનને વાચા ટીમની નિસબતથી પ્રાપ્ત સોનલબહેનના આ પુસ્તકને દિલી આવકાર .
[વલસાડ]
e.mail : bakula.ghaswala@gmail.com
પ્રાપ્તિસ્થાન : સંપર્ક :
વાચા ટ્રસ્ટ, ૧૪૦૪, આઝાદ નગર -૨, વીરા દેસાઈ રોડ, અંધેરી (વેસ્ટ), મુંબઈ – ૪૦૦ ૦૫૩. • ફોન : + ૯૧૯ ૩૭૨૮૬ ૦૬૪૫ • Email : communications@vacha.org.in