વડોદરા આપણી સંસ્કારી નગરી છે. અમે ભાવનગરવાસીઓ આ સંસ્કારનગરીને ભાવસિંહજી મહારાજના સમયથી પ્રશંસાભરી નજરે જોવાને ટેવાયેલાં છીએ. તેથી વડોદરામાં આકાર લેતી તેમ વિકસતી આવતી સંસ્કાર, સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓની નોંધ લેવી ગમે જ ગમે. વળી અહીં જે પ્રવૃત્તિની વાત કરવી છે તેનાં નક્કર પરિણામો હાથવગાં થયાં છે. તેથી આખી વાતને ‘સુવર્ણરેખ સમી પ્રવૃત્તિ અને પ્રાપ્તિ’ શબ્દોથી વધાવીએ છીએ.
વાત છે ‘ચોથા શનિવારની સાંજે ….’ શીર્ષકથી પ્રગટ થયેલ ચાર ગ્રન્થોની. “સાહિત્યસૃષ્ટિ”ના વાર્તાલાપોના સંગ્રહો ગુજરાત પુસ્તકાલય મંડળ લિ.એ પ્રકાશિત કરેલ આ પુસ્તકોનું સંપાદન-સંયોજન સંભાળ્યું છે અવિનાશ મણિયારે. આ સહકારી સંસ્થા લગભગ ૯૬ વર્ષથી કાર્યરત છે. શતાબ્દી વર્ષ તરફ મીટ છે. મહામહોપાધ્યાય કે.કા. શાસ્ત્રીના સાંનિધ્યમાં યોજાયેલ ગુજરાત પુસ્તકાલયના હીરક મહોત્સવને યાદગાર બનાવવા ઉપક્રમ રચાયો હતો. સાહિત્ય ઉપરાંત જીવનોત્કર્ષના અન્ય વિષયોને પણ સાંભળવાની, વાંચવાની, વિચારવાની, વાતો કરવાની તક રહે એવા દૃષ્ટિકોણથી અનૌપચારિક શ્રોતામંડળની રચનાનો વિચાર સંસ્થાના તે વખતના અધ્યક્ષ અંબુભાઈ ડી. પટેલે રજૂ કર્યો હતો. તેમણે ‘સાહિત્યસૃષ્ટિ’ એવું નામ આપ્યું હતું. તેમણે એવી લાગણી વ્યક્ત કરી હતી કે વિભિન્ન વિષયો પર જાહેર વાર્તાલાપ યોજાતા રહે તે ઈચ્છનીય છે. તે મુજબ વાર્તાલાપો યોજાવા લાગ્યા. રસ ધરાવનાર સૌ કોઈને આવકાર. કશી ફી રાખવી કે સભ્યપદ નોંધવું વગેરે વહીવટથી સંપૂર્ણ મુક્ત એવી આ ગોષ્ઠી કાળક્રમે સરસ વિક્સી. સાહિત્ય તથા જીવનલક્ષી વિષયોમાં રુચિ ધરાવનાર શ્રોતા-વક્તા સૌએ પ્રવૃત્તિને પોતીકી ગણી. નિયમિતતા સ્થાપિત થઈ. દર ચોથા શનિવારની સાંજે નિયમિત મળવાનું ગોઠવાયું ને સૌએ હોંશથી આવકાર્યું, ગુજરાત પુસ્તકાલય મંડળ સંસ્થા વસાહત, રાવપુરા, વડોદરા ખાતેનો વ્યાખ્યાન હૉલ સૌને અનુકૂળ આવતાં એક સ્થિર પ્રવૃત્તિનું કેન્દ્ર અહીં વિકસ્યું.
ઈ.સ. ૨૦૧૫માં આ વાર્તાલાપો પૈકી ૩૮ વાર્તાલાપોનું એક પુસ્તક થયું, “ચોથા શનિવારની સાંજે …!” સંપાદક અવિનાશ મણિયાર. પ્રવૃત્તિના આરંભથી ૨૦૧૫ સુધીમાં લગભગ ૨૦૦થી વધુ વાર્તાલાપો યોજાયા જેમાંથી કેટલાકનું ચયન કરીને પહેલા પુસ્તકમાં મૂકવામાં આવેલ છે. આ વાર્તાલાપોના વિષયોમાં સાહિત્ય ઉપરાંત અન્ય કલાઓ, ભારતીય શાસ્ત્રો, પત્રકારત્વ, પર્યાવરણ, પ્રેરણાદાયી ચરિત્રો, જ્યોતિષ, નાટક, સિનેમા, જીવનસાફલ્ય, પુસ્તકાલય, શિક્ષણ, કાનૂન વગેરે વિષયો આવરી લેવાયા છે.
એ નોંધવું જરૂર ગમે કે શ્રેણીનો પ્રથમ વાર્તાલાપ લેખક-પત્રકાર નવીનભાઈ ચૌહાણે આપ્યો હતો. ૧૦૧મો વાર્તાલાપ, મ.સ. યુનિવર્સિટીના તત્કાલીન કુલપતિ ડૉ. મનોજભાઈ સોનીએ આપ્યો હતો. ૧૫૦મો વાર્તાલાપ રાજ્યના પૂર્વ શિક્ષણ સચિવ કુલીનચંદ્ર યાજ્ઞિકે આપેલો. ૨૦૦મો વાર્તાલાપ ‘ગ્રંથગોષ્ઠી’ સંસ્થાના સંયોજક શ્વેતા જોષીએ આપ્યો હતો. આમ વિષયવૈવિધ્ય તથા વક્તાઓની યાદી જોઈને હૈયું હરખાય તેવી ઘટના છે.
વડોદરા શહેરની વ્યક્તિ પ્રતિભાઓ, તજ્જ્ઞો તથા વિવિધ ક્ષેત્રે કાર્યરત બૌદ્ધિકોનાં વક્તવ્યો નિયમિત રીતે યોજાતાં રહ્યાં, યોજાય છે. પ્રસંગોપાત સમગ્ર ગુજરાતમાંથી કોઈ પ્રતિભાનું વક્તવ્ય યોજાય છે. મુખ્યત્વે સિનિયર સિટિઝન્સનો શ્રોતાસમૂહ આ વક્તવ્યોને માણે છે. પ્રવૃત્તિ તરીકે વડોદરા શહેરની સાંસ્કૃતિક આબોહવાની પરિચાયક બની રહી છે. આ પ્રવૃત્તિનો પરિચય સમગ્ર ગુજરાતને મળી શકે તેવી ઘટના બની તે ‘ચોથા શનિવારની સાંજે ભાગ-૧’નું ડિસેમ્બર, ૨૦૧૫માં થયેલું પુસ્તક પ્રકાશન. પ્રથમ મુખપૃષ્ઠ પર સભાખંડમાં શ્રવણમગ્ન શ્રોતા સમૂહની છબિ મૂકાઈ છે જ્યારે ચોથા મુખપૃષ્ઠ પર ૩૪ વક્તાઓના પાસપોર્ટ ફોટાને વ્યવસ્થિત રીતે ગોઠવીને મૂકવામાં આવ્યા છે. કુલ ૨૨૪ પૃષ્ઠ પૈકી ૨૨૦ પૃષ્ઠોમાં ૩૮ વક્તવ્યો મૂકાયાં છે. વક્તવ્યો યોજવાં, યોગ્ય વક્તાઓ મેળવવા, રસપ્રદ વિષયો પસંદ કરવા, રજૂઆત પામેલ વક્તવ્યના મુદ્રિત સ્વરૂપને મેળવીને, યોગ્ય ચયન કરીને પુસ્તક આકારે સમાજ પાસે પ્રસાદીરૂપમાં ધરવું; આ સૌ મહેનત તથા ચીવટ માગી લેનારું કામ છે. સંયોજક તેમ સંપાદકની ભૂમિકામાં કાર્યરત અવિનાશ મણિયાર આ મુદ્દે એક સન્નિષ્ઠ આયોજકની છાપ મૂકી જાય છે. હરિશ્ચંદ્ર જોશી તથા વિનોદ જોશીએ મહુવા ખાતે વાર્ષિક ધોરણે “અસ્મિતા પર્વ” તથા ‘સંસ્કૃત પર્વ’નાં આયોજનો દ્વારા સમગ્ર દુનિયાનું ધ્યાન ખેંચ્યું. આવી પ્રવૃત્તિનું હાર્દ પ્રગટતું જોવા મળે તે તમામ આયોજનો ધ્યાનાર્હ ગણાય. તેથી ભાઈશ્રી અવિનાશ મણિયારના આ સાત્ત્વિક પુરુષાર્થને હું હૃદયપૂર્વક આવકારું છું.
વક્તાઓ પૈકી કેટલાંક નામોનો ઉલ્લેખ કરું. સિતાંશુ યશ્ચંદ્ર, દેવદત્ત જોશી, ગુણવંત શાહ, સતીશ ડણાક, વિરંચી ત્રિવેદી, મોહન બારોટ, અંજનીબહેન મહેતા, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’, ખલીલ ધનતેજવી, પ્રવીણ દરજી, સુધાબહેન પંડ્યા, યજ્ઞેશ દવે, હરીશ વટાવવાળા વગેરે. આ સૌ જાણીતાં સાહિત્યકારો છે. સાહિત્ય વિષયક તેમનાં વક્તવ્યો રસપ્રદ એવં માહિતીપૂર્ણ હોય તે સ્વાભાવિક છે. આપણે ત્યાં સાહિત્ય વિષયક વાર્તાલાપો ઘણાં શહેરોમાં તથા તાલુકાકક્ષાએ પ્રસંગોપાત યોજાતા રહેતા હોય છે. ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, અન્ય નાની મોટી શિક્ષણ સંસ્થાઓ, સાહિત્યિક વર્તુળો તેમ સિનિયર સિટિઝન્સ મંડળો આવી પ્રવૃત્તિને સંકોરવાનું કાર્ય કરે છે. ક્યારેક પુસ્તકાલયોમાં પણ આવી પ્રવૃત્તિ આકાર લેતી હોય છે. શબ્દની જ્યોત ઝળહળતી રહે છે.
અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે સાહિત્ય ઉપરાંત જીવન વિષયક અન્ય ઉપયોગી એવં માહિતીપ્રદ વિષયો પર વાર્તાલાપો પ્રસ્તુત થતા રહ્યા છે. કેટલાક વિષયોનો ઉલ્લેખ કરુંઃ શૂન્યનું સર્જન, વૈદિક સંસ્કૃતિ, ન્યાયના મંદિરે, આજના સમયમાં ગ્રાહક સુરક્ષા, ખેલકૂદમાં ગુજરાતનું સ્થાન, કાર્યની કુશળતા-મનની એકાગ્રતા, સંબંધોનો સંસાર, પગ વગરના માટે પગ, વૃક્ષદેવતાના સાંનિધ્યમાં, વિશ્વાસનું વહાણ અને શ્રદ્ધાનું સુકાન, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થાઓની ખામી ભરેલી કાર્યપદ્ધતિ, ભારતીય સ્વરાજ દૃષ્ટિ, શાંતિની શોધમાં, વગેરે. એક જ પુસ્તકમાં વિવિધ વિષયોના જાણકારોના અભ્યાસપૂર્ણ તથા રસપ્રદ લેખો / વક્તવ્યો ઉપલબ્ધ બને છે. તે ઘટના ખરે જ નોંધપાત્ર છે. સુવર્ણરેખ સમી પ્રવૃત્તિની નગદ-નોંધ સમી પ્રાપ્તિ ગણાય. સમગ્ર ગુજરાત આથી લાભાન્વિત બને છે તેનો આનંદ છે. પ્રત્યેક પુસ્તકાલય કે શિક્ષણ સંસ્થામાં દર શનિવારે આ પુસ્તકમાંથી એક લેખનું પઠન કરવાનો ઉપક્રમ ગોઠવાય તો આ અનુકરણીય પ્રવૃત્તિનો સંદેશ સરસ રીતે ઝિલાયો ગણાય. સૂચનના રૂપમાં આ વાત એટલા માટે મૂકી કે આવાં આયોજનો કરવા માટે જે અનેક સુવિધાઓ જોઈએ તે મહદંશે દુર્લભ હોય છે.
આટલી વાત ‘ચોથા શનિવારની સાંજે … ભાગ-૧’ નિમિત્તે કર્યા પછી અત્યંત આનંદપૂર્વક જણાવવાનું કે આ શ્રેણી અંતર્ગત ૨૦૧૬-મે માસમાં ભાગ-૨નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ ૩૦૪ તથા કુલ વાર્તાલાપ – ૫૨. ત્યારબાદ એપ્રિલ-૨૦૧૮માં વાત વિસ્તરતાં ભાગ-૩નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ-૧૯૨ અને વાર્તાલાપની સંખ્યા-૨૬ રહ્યાં પછીથી સપ્ટેમ્બર-૨૦૨૦માં ‘ચોથા શનિવારની સાંજે … ભાગ-૪’નું પ્રકાશન થયું. તેમાં કુલ પૃષ્ઠ-૨૦૮ અને વક્તવ્યો ૨૪ છે. ભાગ-૪ના ૪થા મુખપૃષ્ઠ પર વિરંચી ત્રિવેદીના અભિપ્રાયને રજૂ કરતું અવતરણ મૂકવામાં આવ્યું છે તે અત્રે ટાંકું છું : ‘ચોથા શનિવારની સાંજે’ને સમગ્રતઃ અવલોકતાં, અનેકવિધ પાસાંઓના ઉત્તમ સંકલનમાં જાણે આયનામાં આકાશને ઉતારતો હોય એવી પ્રતીતિ કરાવતો હોવાથી ગ્રંથવિશેષનું ગૌરવ પ્રાપ્ત કરે છે.
એક ઉલ્લેખ આનંદપૂર્વક કરું. ભાગ-૧માં દેવદત્ત જોશીનું વક્તવ્ય ‘ગુજરાતમાં સમકાલીન-રામાયણ પરંપરા’ પર વાંચવા મળે છે. ભાગ-૪માં શ્રુતિ ત્રિવેદીનું વક્તવ્ય ‘સ્ત્રી-પુરુષ સંબંધો’ પર વાંચવા મળે છે. ત્રણ દાયકા જેટલો સમય આ ‘સાહિત્યસૃષ્ટિ’ના વાર્તાલાપ આયોજન પ્રવૃત્તિને થયો. એક જ પ્રવૃત્તિમાં પિતા-પુત્રીનું કાળક્રમે થયેલું યોગદાન ખાસ ધ્યાન ખેંચે છે. તમે શ્રુતિ ત્રિવેદી અને / અથવા દેવદત્ત જોષીને સાંભળ્યાં છે? મેં બંનેને ઈ.સ. ૧૯૭૭માં બિલિમોરા ખાતે સાંભળ્યાં છે. ત્યારે ટીનેજમાં પ્રવેશતી શ્રુતિ વક્તૃત્વકલામાં માહેર હતી. આજે આવા બોલ્ડ વિષયને ન્યાય આપી શકે છે. પ્રવૃત્તિને ધન્યવાદ.
સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2021; પૃ. 14-15