રમતીલા-ગમતીલા યુવાન ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્યને આજે સાંજે પત્રકારત્વ માટેનો ખૂબ પ્રતિષ્ઠિત પુરસ્કાર Ramnath Goenka Excellence in Journalism Award મળ્યો છે. તેજસ આ સન્માન મેળવનાર સંભવત: ગુજરાતના પહેલા પત્રકાર છે.
B.B.C. ગુજરાતીના ફીલ્ડ રિપોર્ટર તેજસને Regional Language Broadcast Category 2022માં આ અવૉર્ડ મળ્યો છે. તેના માટે તેણે 26 ઑગસ્ટ 2022ના રોજ બિલ્કીસ બાનુ સંબંધિત જે પાંચ મિનિટની વીડિયો સ્ટોરી કરી હતી, તેની પસંદગી કરવામાં આવી છે.
આ સ્ટોરી બિલ્કિસ બાનુ પરના અત્યાચારીઓ 15 ઑગસ્ટે મુક્ત થયા તે સંદર્ભે હતી. આ મુક્તિને પગલે ગોધરાથી ચાળીસ કિલોમીટર પર આવેલા બિલ્કીસના પૈત્રુક ગામ રણધીકપુરના બિલાવલ ફળિયાના પાચસો-છસો માણસો ડરને કારણે હિજરત કરી ગયા હતા.
Journalism of Courage એ The Indian Express દૈનિકનું સૂત્ર છે. હંમેશાં તરવરિયા તેજસના વ્યક્તિત્વમાં હિમ્મતના દેકાર-પડકારા હોતા નથી. પણ તેનું ધૈર્ય તેની સ્ટોરીમાં કેવી રીતે છે તે સ્ટોરીમાં જોઈ શકાશે.
કેટલાક સમય પહેલાં તેજસને ‘લાડલી મીડિયા અવૉર્ડ’ પણ મળી ચૂક્યો છે. તે કુસ્તીમાં રાષ્ટ્રીય ક્ષેત્રે નામના મેળવનાર અમદાવાદની સનોફર નામની યુવતી અને તેની આ કારકીર્દિ માટે તેમના પોતાના રુઢિચુસ્ત મુસ્લિમ સમાજનો સામનો કરનાર તેના મા-બાપ વિશે છે.
જી.ઈ.બી.ના કર્મચારી પિતા અને ગૃહિણી માતાનો દીકરો તેજસ તેના વતન સોમનાથને ખૂબ ચાહે છે. ટાઉટે વાવાઝોડું તેણે સોમનાથના દરિયે જઈને કવર કર્યું હતું. સોમનાથના બીચ પર ફરવા માટે સરકારે ચાર્જ લગાવ્યો, ત્યારે વ્યથિત તેજસે તેને લગતી સ્ટોરી પણ કરી હતી.
ભાવનગર યુનિવર્સિટીમાંથી વિજ્ઞાનની પદવી મેળવે છે, અમદાવાદના ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ ભણે છે. અખબારનવેશ તરીકેની વીતેલાં વીસ વર્ષની કારકિર્દીમાં તેણે મુંબઈ અને અમદાવાદમાં થઈને સાતેક નોકરીઓ કરી છે. તેમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રૉનિક બંને માધ્યમોમાં તે કામ કરી ચૂક્યો છે.
‘સંદેશ’ છાપાંની બુધવારની પૂર્તિમાં તે સેન્ટરસ્પ્રેડ બહુ દિલથી લખતો, તેને વાંચવાનો આનંદ પડતો. તેના નામે કેટલીક નોંધપાત્ર હ્યુમન ઇન્ટરેસ્ટ અને હાર્ડ એવી બંને પ્રકારની સ્ટોરીઝની છાપ આ લખનારના મનમાં છે.
તેજસે હમણાં 9 માર્ચે લખેલી સ્ટોરીનું મથાળું છે : ‘મારા પરિવારજનોને જીવતા સળગાવાયા હતા, હવે 22 વર્ષે પહેલો પ્રસંગ ઉજવ્યો’, 2002 પછી ગુલબર્ગ સોસાયટીમાં આવી રોનક’.
તેજસ માણસ બહુ મજાનો છે. એ તમને અનેક જગ્યાએ સનાતન ઉત્સાહી રૂપે અનેક જગ્યાએ મળે - મુશાયરામાં, સપ્તકમાં, સ્ક્રૅપયાર્ડ થિએટરમાં, મલ્ટિપ્લેક્સમાં, પુસ્તકાલયમાં, એક જમાનાના વિદ્યાપીઠના પ્રાંગણમાં, દબાણ હઠાવતા હોય તેવી જગ્યાએ, ચાની કિટલીએ. આમાંથી કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વિષય પર એ એની ખાસ લહેંકામાં વાત કરી શકે.
પુસ્તકોનો અઠંગ પ્રેમી તેજસ પુસ્તકો વાંચતો રહે, વસાવતો રહે, સ્ટોરી માટે પુસ્તકો ઉથલાવે. તેના ડબલબેડની અંદરના ખાનામાં ય પુસ્તકો. કોવિડમાં તેજસને હૉસ્પિટલમાં દાખલ કર્યો હતો ત્યારે, એવા તણાવની વચ્ચે ય તે ત્યાં વાંચવા માટે ‘મહાદેવભાઈ દેસાઈની ડાયરી’ લઈને ગયો હતો.
બાપ તેજસ અને તેની દીકરી રાવિ એકબીજાના ગાલ પીંછીથી રંગતા હોય એવા કેટલા ય ફોટા ફેસબુક પર દેખાય. દીકરી સાથેના તેના અનેકાનેક ફોટામાં (તેનું Whatsapp DP પણ) દીકરી વ્હાલનો દરિયો એટલે શું તેનો ખ્યાલ આવે. આ પત્રકાર સાંજે રંગીન ચોકથી તેના ફ્લૅટના બાળકોને ભેગાં કરીને ભોંય પર ચિત્રો દોરાવતો હોય એવું ય દૃશ્ય જોવા મળે.
તેજસ ફોટોગ્રાફર અવલ કક્ષાનો, એવું ઉર્વીશ જેવા જાણકારો ય માને. તેની ફોટો ગૅલરી તે ફેસબુક.
કવિ-નાટ્યકાર સૌમ્ય જોશીએ 2002ના રમખાણો સામેની અભિવ્યક્તિ તરીકે ‘દોસ્ત, ચોક્કસ અહીં નગર વસતું હતું’ નામે અવિસ્મરણીય નાટક કર્યું. તેમાં ‘જાદુગર’ના પાત્રમાં તેજસે દસેક મિનિટની એકોક્તિનો જબરદસ્ત રોલ યાદગાર હતો.
એક small town man – કસબાનો છોકરો – મહાનગરમાં આવે છે. શીખવાની વૃત્તિ, સમજ અને મહેનતથી ઇમાનદારીપૂર્વક કામ કરે છે. નોકરી કરતી પત્રકાર પત્ની પુનિતાના પ્રેમાળ સાથથી, ઐયાષીમાં પડ્યા વિના માપસર, પણ ખુશીથી જીવે છે. અમદાવાદ જેવા શહેરમાં સ્વબળે ઘર પણ બનાવે છે. એની પેઢીના બીજાં યુવક-યુવતીઓના પણ આવા સરસ દાખલા મળે.
પત્રકાર હોવાને નાતે વ્યવસાયના ભાગ તરીકે જીવનની હીન બાજુને સતત જોવા છતાં cynical – વાંકદેખા થયા વિના શક્ય એટલું સારું કામ કરતો રહે છે. અંદર પડેલી રસરુચિને વિસ્તારે-વિકસાવે છે, જિંદગીનો આનંદ માણતો રહે છે.
જિંદગીના ઉલ્લાસનું પ્રતીક છે પત્રકાર તેજસ !
તેને જોઈને મને ઉમાશંકર જોશીએ નાટ્યકાર ચં.ચી. મહેતા માટે લખેલી પંક્તિ યાદ આવે. તેમાં જ્યાં ચન્દ્રવદન છે ત્યાં મેં તેજસ મૂક્યું છે :
‘તેજસ વૈદ્ય એક ચીજ
અખબારી આલમે ના જડવી સહેલ
એક અલકમલકની ચીજ’.
19 March 2024
e.mail : sanjaysbhave@yahoo.com