(હેમાંગ અશ્વિનકુમાર કવિ, સાહિત્યકાર, અનુવાદક, સંપાદક અને વિવેચક છે. તે ગુજરાતી અને અંગ્રેજીમાં કામ કરે છે. તેમના અંગ્રેજી અનુવાદોમાં પોએટિક રીફ્રેક્શન્સ (2012), થર્સ્ટી ફિશ એન્ડ અધર સ્ટોરીઝ (2013), અને ગુજરાતી નવલકથા વલ્ચર્સ(2022)નો સમાવેશ થાય છે. તેમણે અરુણ કોલટકરની કાલા ઘોડા કવિતાઓ (2020), સર્પા સત્ર (2021) અને જેજુરી (2021)ના ગુજરાતીમાં અનુવાદ પણ કર્યા છે.મૂળ અંગ્રેજી કૃતિનો પ્રતિષ્ઠાબહેન પંડ્યાએ આપ્યો અનુવાદ અહીં સાદર છે. )
દઈ દે મને તારું નામ, બિલ્કીસ
એવું શું છે તારા નામમાં, બિલ્કીસ
કે મારી કવિતામાં આગ લાગી જાય છે
બળી જાય છે મારા શબ્દો
ને એના કાંગરામાંથી લોહી ઝરે છે.
એવું તે શું છે તારા નામમાં, બિલ્કીસ
કે અધવચ જ મારી લૂલી જીભને
લકવા લાગી જાય છે.
પેલા બળબળતા અનંત રણ, તારી યાત્રા
તારી વેદનાનો ચિતાર આપવા
મેં ઊભા કરેલા બધા ય રૂપકોને
તારી આંખોમાં તગતગતા લખલખ પીડિત સૂર્યના તેજ
આંધળા કરી મૂકે છે.
ઘૂમરાતી શાપિત સ્મૃતિઓ ભરી
એ અપલક લાહ્ય નજર
સૂકવી નાખે છે મારાં તમામ મૂલ્યોને
ને ભાંગીને ભૂક્કો કરી નાખે છે
સભ્યતાના ઢોંગનો –
કડડડડ…ભૂસ કરીને પડે છે
પત્તાંનો મહેલ, ફટાફટ વેચાઈ જતાં જુઠ્ઠાણાં
એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ
કે નીરક્ષીરનો વિવેક કરી જાણતી
આ કવિતાના સૂરજમુખા ચહેરા પર
એ છાંટી દે છે કાળી સ્યાહી?
તારા હજુ ય ધબકતાં લોહીમાં તરબોળ
આ શર્મનાક ધરતી ફાટી પડશે એક દિવસ
સાલેહાની કોમળ ખોપરીની માફક, એક ધડાકે
જે પર્વત તું ચઢી છો
એક માત્ર ફાટ્યું ચીર ઓઢીને
એ પર્વત પણ રહેશે નિર્વસ્ત્ર
એક ઘાસની પત્તી સુદ્ધાં નહિ ઊગે એ પર
સમયના અંત સુધી
અને હવાની એકેક લહેર ફરી વળશે
થઈને એક નિઃસાસો આ જમીન પર
દેતો નપુંસકતાનો શાપ
એવું તો શું છે તારા નામમાં, બિલ્કીસ
કે વિશ્વની કમાન પર ઘૂમતી
મારી આ કલમ ગૂમાવી બેસે છે એનું વીર્ય
અટકી પડે છે અધવચ્ચે
ભાંગી જાય છે એની નૈતિક ટાંક.
આ કવિતાનું પણ કંઈક એવું જ થશે –
થઇ જશે એ બુઠ્ઠી, નકામી
કોઈ નામશેષ દયાની અરજી જેવી,
કોઈ જુઠ્ઠા ન્યાયની વાત જેવી
સિવાય કે તું ભરે એમાં એક ફૂંક જીવનની, હિંમતની
આપે તારું નામ તું એને,
ફક્ત નામ શું કામ, આપે ગતિ
મારા આ નબળા, ઉદાસ પ્રયત્નોને
બનીને મારી ક્રિયાપદ, બિલ્કીસ.
આપે આગવી ઓળખ મારી ભટકતી સંજ્ઞાઓને
થઈને વિશેષણ,
શીખવે મારાં લડાયક વ્યૂહરચનામાં ગોઠવાયેલ શબ્દોને
ચાલતાં ચાલ, ચપળ, પ્રશ્નવાચક અવ્યયોની
આપે સહારો મારી લંગડાતી ભાષાને
લચીલા અલંકારોની લહેરોનો
થઈને રૂપક ધૈર્યનું
થઈ આઝાદીની અજહલ્લક્ષણા, બિલ્કીસ
ન્યાયનો અનુપ્રાસ, બિલ્કીસ
થઈ વેરનો વિરોધી, બિલ્કીસ
આપે જો તું એને દૃષ્ટિ તારી, બિલ્કીસ
થઈ જવા દે તારામાંથી વહી આવતી રાતને
એની આંખનું કાજળ, બિલ્કીસ
તું એનો પ્રાસ, બિલ્કીસ
તું એનો રાગ, બિલ્કીસ
તું એના હૈયાનું ગાન, બિલ્કીસ
તોડી નાખવા દે આ કવિતાને કાગળનું પીંજરું
ઉડવા દે ઊંચી, ફેલાવા દે ચોતરફ
પેલું સફેદ માનવતાનું પંખી છો લઈ જતું
આ લોહિયાળ પૃથ્વીને
એની પાંખ તળે
ઠારવા દે, વહાવવા દે
એ બધું જે છે તારા નામમાં, બિલ્કીસ
કર મહેરબાની, બસ આ એકવાર
દઈ દે મને તારું નામ, બિલ્કીસ.
https://soundcloud.com/ruralindia/be-my-name-bilkis-hemang-ashwinkumar