‘સામાજિક એકીકરણના બળ તરીકે કામદાર સંગઠનવાદનો ઉદય અને પડતી’ લેખમાં યાન બ્રેમાન મજૂર મહાજન સંઘની દલિતોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નિષ્ફળતા પર ભાર મૂકે છે. મિલોમાં દલિતોની આર્થિક જીવનરીતિ સુધરી પરંતુ સંઘના નેતાઓ સવર્ણ હોવાથી જે નિર્ણયો કરે એમાં દલિતો અને બીજા સભ્યોનો કોઈ સક્રિય હિસ્સો ન હતો. દલિતો સામે ભેદભાવ મિલોમાં પણ ચાલુ હતો. કેન્ટીનમાં સવર્ણ અંદર જમવા બેસતા જ્યારે દલિતો બહાર જમવા બેસતા. સમાજમાં અસ્પૃશ્યતા ખૂબ ફેલાયેલી હતી. જાતિ ભેદભાવને લીધે મજૂરોની એક વર્ગ તરીકે એકતા ન સ્થપાઈ. ૧૯૮૦ના દશકમાં જ્યારે અમદાવાદમાં મોટા ભાગની મિલો બંધ થઈ ત્યારે મજૂર મહાજન સંઘે કોઈ વિરોધ કર્યો નહીં અને કામદારોના હક માટે કોઈ લડ્યું નહીં.
મિલો બંધ પડવાથી એક લાખથી વધુ કામદારો, દલિત તેમ જ મુસ્લિમ, બેકાર બન્યા અને અસંગઠિત ક્ષેત્રમાં ધકેલાયા. એમની રોજ બ-રોજની જિંદગીમાં અનિશ્ચિતતા અને ચિંતા ઊભી થઈ. કેવળ પૈસા માટે એ કોઈ પણ કામ કરવા તૈયાર થયા. સંઘ પરિવારે આ પરિસ્થિતિનો લાભ લીધો. મિલોમાંથી બેકાર બનેલા દલિતો વચ્ચે રાહત કામ કર્યું અને તેમની સહાનુભૂતિ મેળવી. ૧૯૮૦ના દશકમાં અનામત વિરોધી આંદોલનમાં શરૂઆતમાં સવર્ણ આંદોલનકારીઓએ દલિતોને નિશાન બનાવ્યા ત્યારે દલિત-મુસ્લિમ એકતાનું પ્રદર્શન થયું. પરંતુ પછીથી બીજા આંદોલનમાં સિફતથી જમણેરી તત્ત્વોએ અનામત વિરોધી આંદોલનને મુસ્લિમ વિરોધી આંદોલનમાં બદલ્યું અને આંતરજાતીય ઘર્ષણ એ આંતરસમુદાયનું ઘર્ષણ બન્યું. જમણેરી રાજકીય બળો જે દલિતો અને મુસ્લિમોને કોમવાદી ઓળખમાં વિભાજિત કરવા ઉત્સુક હતાં એમણે આ બદલાયેલી આર્થિક પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો અને એ સફળ થયાં. દલિતોને જ્યારે અનામતની નીતિથી આશા જાગી ત્યારે હિંદુ પરિબળોએ તેમને કોમવાદી વિભાગોમાં વહેંચીને નિર્બળ બનાવ્યા, ૧૯૮૦ના દશકમાં આમ ગુજરાતમાં સમાજનું કોમવાદીકરણ સંપૂર્ણ થયું.
દલિતોને હિંદુઓએ નિયંત્રણમાં લીધા અને મુસ્લિમો અને દલિતો એકબીજાના દુ:શ્મન બન્યા, ત્યાં સુધી કે એકબીજાને મારવા તૈયાર થયા. યાન બ્રેમાન કહે છે તેમ શહેરની અર્થવ્યવસ્થામાં શ્રમનો અને શ્રમિકોનો સંગઠિત ક્ષેત્રમાંથી નિકાલ અને ૨૦મી સદીના અંતે થયેલી કોમવાદી હિંસા વચ્ચે સીધો કારણ-શોધક સંબંધ છે. ૧૯૮૦ના દશકમાં બદલાયેલાં આર્થિક અને સામાજિક સમીકરણોને કારણે હિંદુત્વ વિચારધારા એક રાજકીય શક્તિ તરીકે ગુજરાતમાં ઊભી થઈ. આદિવાસીઓ અને દલિતોને રામ જન્મભૂમિ યાત્રા માટે અને પછી બાબરી મસ્જિદ વિધ્વંસ વખતે સક્રિય કરવામાં આવ્યા. ૨૦૦૨ના જનસંહારમાં દલિતોએ લૂંટ અને મુસ્લિમોને મારી નાખવામાં ભાગ ભજવ્યો. વ્યવસ્થિત યોજના મુજબ ટોળાંઓએ, જેના દલિતો પણ ભાગ હતા, પોલીસના પ્રોત્સાહન અને રક્ષણ નીચે, જનસંહારને શક્ય બનાવ્યો. ઘનશ્યામ શાહના કહેવા મુજબ એ જરૂરી નથી કે દલિતોનું હિંદુત્વની વિચારધારાને કે ભા.જ.પ.ને સમર્થન હતું કે કોમવાદથી પ્રેરાઈને એ હિંસામાં જોડાયા હતા. આ દર્શાવે છે કે દલિતોનો સવર્ણ સાથેના સંબંધનો પ્રશ્ન વિરોધાભાસોથી ભરેલો છે.
ચૂંટણીના રાજકારણમાં પણ જમણેરી બળોએ કેવી રીતે ગુજરાતમાં ઈંટ પર ઈંટ મૂકીને પોતાની સત્તાનું નિર્માણ કર્યું એનું વિસ્તૃત વર્ણન પુસ્તકમાં છે. આર.એસ.એસ. અને હિંદુ મહાસભા ગુજરાતમાં ૧૯૩૦થી કાર્યરત છે. આર.આર.એસ.એ ૧૯૫૦ના દશકમાં શહેરી યુવાનોને સ્વયંસેવક બનાવવાનું શરૂ કર્યું. ૧૯૫૬માં ‘સાધના’ સામયિક દ્વારા પોતાની વિચારધારા ફેલાવવાનું શરૂ કર્યું અને ૧૯૬૦ના દશકથી એણે નાગરિક સમાજમાં, ખાસ તો હિંદુ મધ્યમ વર્ગમાં, પોતાનો પગ જમાવવા જમીની સ્તરે ઘણું કામ કર્યું. સવર્ણના આધિપત્યવાળા સમાજની અંદર દાખલ થવા સેવા અને સંસ્કારનું વલણ ધરાવતી ‘ભારત વિકાસ પરિષદ’ સ્થાપી. મુસ્લિમ વિરોધી પોતાની વિચારધારા ફેલાવવાનું અને ‘હિંદુ રાષ્ટ્ર’ વિશે ચર્ચા વહેતી કરવાનું શરૂ કર્યું. ૧૯૬૯નાં કોમી રમખાણોમાં એણે પોતાની શક્તિ અને સત્તાનો સમાજમાં પરચો બતાવ્યો. ૧૯૬૭માં ભારતીય જનસંઘે ગુજરાતમાં ચૂંટણી લડવાનું શરૂ કર્યું અને ૧૯૬૯માં કાઁગ્રેસમાં ભાગલા પડ્યા ત્યાર પછી કાઁગ્રેસ (ઓ) સાથે ગઠબંધન કર્યું. ૧૯૭૦ના દશકમાં નવનિર્માણ આંદોલનનો ઉપયોગ એ.બી.વી.પી.એ વંચિતોની આકાંક્ષાઓ સામે મધ્યમ વર્ગના ઘમંડને ઉકસાવવામાં કર્યો.
૧૯૭૫માં જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ જનતા મોરચાની સ્થાપના થઈ જેમાં જનસંઘ એક ઘટક હતું. એ સમયે રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં જનસંઘના ૪૦ ઉમેદવારો હતા અને મંત્રીમંડળમાં ૩ મંત્રીઓ હતા. ૧૯૮૦માં જનસંઘનો નવો અવતાર ભારતીય જનતા પક્ષ તરીકે ઓળખાયો, જેનું આર.એસ.એસ. સાથે જોડાણ ચાલુ રહ્યું અને એણે પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ આર.એસ.એસ.ની વિચારધારાવાળા એજન્ડાને અનુસરવા માટે કર્યો. ગુજરાત અને બિહારની ચળવળો, પછીથી નર્મદા બંધની ચળવળ વખતે, અને ઇંદિરા ગાંધીની વંચિત વર્ગો તરફી નીતિઓ સામે આર.આર.એસ.ને સવર્ણ મધ્યમ વર્ગમાં પોતાનો પાયો મજબૂત કરવાની તક મળી. આ ઉપરાંત ઇંગ્લેંડ અને અમેરિકામાં વસતા ગુજરાતીઓ સાથે સંઘ પરિવારે સંપર્ક સ્થાપ્યો અને મોટા પ્રમાણમાં આર્થિક સહાયતા મેળવી. ૧૯૮૦ના દશકમાં જ્યારે કૉંગ્રેસે ઓ.બી.સી.નું રાજકારણ ચલાવ્યું તે દરમ્યાન ભા.જ.પે. સામાજિક સમીકરણો બદલવાનું કામ કર્યું અને છેવટે સમાજને ધર્મને આધારે વિભાજિત કર્યો. મજૂરોમાં વધતા જતા અસંતોષને શાંત પાડવા અને એમને હિંદુત્વના રાજકારણ તરફ વાળવા પક્ષ સક્રિય બન્યો. એક બાજુ ભા.જ.પે. સવર્ણોમાં પોતાની વગ મજબૂત કરવા અનામત આંદોલનને અંદરથી ટેકો આપ્યો. સાથેસાથે દલિતોને રાજી કરવા ‘સામાજિક સમરસતા મંચ’ શરૂ કર્યો. ૧૯૮૪માં ગુજરાતમાં સંઘ પરિવારે વિશ્વ હિંદુ પરિષદની યુવા શાખા બજરંગદળ શરૂ કરી અને તે પછી સ્ત્રીઓની બ્રિગેડ ‘દુર્ગા વાહિની’ શરૂ કરી. આ બંને એકમો સંઘ પરિવારના જમીની સ્તરે પોતાના કાર્યક્રમો આગળ ચલાવવા માટેની સેનાઓ બન્યાં, જે હિંસાનો ઉપયોગ કરતાં હતાં અને જેનાં સભ્યો મુખ્યત્વે શ્રમિક વર્ગનાં ઓ.બી.સી. અને દલિત સમૂહોનાં હતાં.
૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી ભા.જ.પ.ને લોકસભામાં માત્ર બે બેઠકો મળી અને ત્યારથી અડવાણીના નેતૃત્વ નીચે ઉગ્રવાદી હિંદુત્વનો રસ્તો ભા.જ.પે. અપનાવ્યો. ગુજરાતમાં ૧૯૮૭માં આદિવાસી પ્રદેશમાં રામ જાનકી યાત્રા, ૧૯૮૯માં રામ શીલા પૂજન યાત્રા, અને છેવટે ૧૯૯૦માં અડવાણીની અયોધ્યા યાત્રા જેનું ધ્યેય કોમવાદી ધ્રુવીકરણ હતું. એ બધી યાત્રાઓ સમાજમાં હિંદુ-મુસ્લિમ વિભાજન કરવાની અને હિંદુ સ્વાભિમાનને જગાડવાની ઝુંબેશો હતી. ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા પછી લોકસભાની ચૂંટણી થઈ ત્યારે ભા.જ.પ.ને ગુજરાતમાં ૨૬માંથી ૨૦ બેઠકો મળી.
ગુજરાત વિધાનસભામાં ૧૯૯૫માં ભા.જ.પ.નો પ્રથમ વાર વિજય થયો. પક્ષમાં સત્તાની સાઠમારી ચાલી અને ભંગાણ પડ્યું. ફરીથી ૧૯૯૮માં ચૂંટણી થઈ તેમાં ભા.જ.પ.ને ૧૧૭ બેઠકો મળી. કેશુભાઈ પટેલ નબળા મુખ્ય મંત્રી સાબિત થતાં નરેન્દ્ર મોદી જે એ સમયે રાષ્ટ્રીય કક્ષાએ જનરલ સેક્રેટરી હતા એ ૫૧ વર્ષની વયે ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા. ૧૯૭૦ના દશકની વિદ્યાર્થી ચળવળ સાથે એ જોડાયેલા અને પછી કટોકટી દરમ્યાન નાગરિક સમાજની વધુ નજીક આવ્યા હતા. મુખ્ય મંત્રી તરીકે હિંદુ રાષ્ટ્રના ધ્યેયને પરિપૂર્ણ કરવા એમણે પક્ષને શિસ્તબદ્ધ કર્યો અને એમના નેતૃત્વ નીચે ગુજરાતનો ભા.જ.પ. સંપૂર્ણ રીતે બદલાઈ ગયો. ૨૦૦૨ના જન સંહારમાં ભા.જ.પે. આત્યંતિક પગલાં લીધાં હતાં તેમ છતાં ચૂંટણીમાં એને ભારે બહુમતી મળી. જો આ જાતનાં પગલાં બીજા પ્રદેશોમાં લેવાય તો બીજે પણ રાજકીય સત્તા મળે. ગુજરાતની પ્રયોગશાળાનો આ સંદેશ હતો.
૨૦૦૨ પછી ગુજરાતને દેશમાં વિકાસના મોડેલ તરીકે રજૂ કરવામાં આવે છે. પરંતુ વિકાસ કોને માટે એ મોટો પ્રશ્ન છે. ગુજરાત હંમેશાં આર્થિક વિકાસના ક્ષેત્રે મોખરે રહ્યું છે. પરંતુ મોટાભાગની પ્રજા માટે યોગ્ય રોજગારી, સ્વાસ્થ્ય અને શિક્ષણના પ્રશ્નો સુધર્યા નથી. આર્થિક વૃદ્ધિમાંથી વંચિત વર્ગો બહાર રહ્યા છે. કાયદાઓ હોવા છતાં સામાજિક ભેદભાવો યથાવત્ છે. ગુજરાતનું સુશાસનનું મોડેલ આર્થિક વૃદ્ધિ પર કેન્દ્રિત છે, વ્યાપક, સમાવેશી વિકાસ પર નહીં. પુસ્તકના છેલ્લા બે વિભાગના લેખો હિંદુત્વના આધિપત્યના પ્રાદેશિકથી રાષ્ટ્રીય સ્તરે બદલાતા ફલક વિશે છે. ગુજરાતમાં સમાજને ધર્મને આધારે વિભાજિત કરવાના હિંદુત્વના સફળ પ્રયોગો ગુજરાતમાં રાજકીય બહુમતી મેળવ્યા પછી રાષ્ટ્રીય કક્ષાએ અજમાવવાના અને ગુજરાતના વિકાસના મોડેલને પણ બહુમતીવાદને મજબૂત બનાવવા આગળ ધરીને દેશમાં નફરતભર્યા કોમવાદને ફેલાવવાના ભા.જ.પ.ના પ્રયત્નો સફળ થયા છે.
પુસ્તકના લેખોમાં ગુજરાતમાં ૨૦મી સદીના ઉત્તરાર્ધમાં સામાજિક, આર્થિક, રાજકીય પરિબળોનાં બદલાતાં સમીકરણો દ્વારા હિંદુત્વના ઉછેર અને વર્ચસ્વની રજૂઆત છે જે ૨૦૦૨ના જનસંહારની પૂર્વ ભૂમિકા રજૂ કરે છે. ૨૦૦૨માં ફાટી નીકળેલી કોમી હિંસા અને જનસંહાર એ ગુજરાતમાં હિંદુત્વના સફળ પ્રયોગોની ચરમસીમા છે. એનાં વ્યાપ, સ્વરૂપ અને ધ્યેયમાં તેમ જ રાજકીય હેતુ અને પરિણામોમાં પહેલાંનાં રમખાણો કરતાં એ તદ્દન જુદી કક્ષાના છે. એનું પહેલું અને સૌથી ભયાનક પાસું એ હતું કે નાગરિક સમાજના જુદાજુદા સમૂહો આ સંહારમાં મુસ્લિમો સામે એક થયા. હિંદુત્વનો વિજય એમાં રહેલો છે કે એ એકબીજાનો વિરોધ કરતા સામાજિક સમૂહો-વર્ગો અને જાતિઓને પોતાના વાડામાં સમાવી શક્યું છે, જેમ કે ઉદ્યોગપતિઓ અને કામદારો, સવર્ણ અને દલિતો તેમ જ આદિવાસીઓ, ધનિકો અને ગરીબો, સ્ત્રીઓ અને પુરુષો. ૨૦૦૨માં ગુજરાતમાં કોમવાદી ધ્રુવીકરણ અને વિભાજન સંપૂર્ણ હતું. જમણેરી બળો વંચિત વર્ગોને ‘હિંદુ’ ઓળખ આપવામાં સફળ થયાં છે જે ખરેખર તો તેમના ખરા શોષણ અને અત્યાચારને ઢાંકે છે અને તેમના તરફથી પ્રતિકારની શક્યતાઓને ટાળી શકે છે.
દલિતો, કામદારો કે સ્ત્રીઓની જમીની સ્થિતિ ખરેખર તો બિલકુલ બદલાઈ નથી. બીજું, આ હિંસાના બનાવો ગુજરાતમાં ઘણી જગ્યાઓએ, પહેલાંની જેમ કેવળ શહેરોમાં જ સીમિત ન રહેતાં ગુજરાતનાં અનેક ગામોમાં, એકસાથે થયા હતા. ત્રીજું, આ બનાવો નિશ્ચિતરૂપે પૂર્વ યોજિત હતા. દરેક જગ્યાએ એકસરખો પ્રચાર અને પૂર્વ તૈયારી, મોટાં ટોળાંઓ દ્વારા એકસરખા હુમલાઓ અને લૂંટફાટ, મુસ્લિમ પુરુષોને અને સમુદાયને અપમાનિત અને પરાજિત કરી શકાય એ ચોક્કસ હેતુથી મુસ્લિમ સ્ત્રીઓ પર બળાત્કાર, “મારો, કાપો, બાળો” જેવી ઉશ્કેરણીજનક કિકિયારીઓ, બધું યોજનાપૂર્વક બધી જગ્યાઓએ એકસાથે અનુસરવામાં આવ્યું હતું. રાજ્ય અને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવનાર તંત્ર-પોલીસ-ની ભૂમિકા સ્પષ્ટ હતી. આ જનસંહારના એ મૂક સાક્ષી હતા. બ્રેમાન કહે છે તેમ આ હિંસાના બનાવોમાં ૧૯૩૦ના દશકના જર્મનીના બનાવોની ઝાંખી થાય છે. ઉપરાંત, આ સંહારમાં મૂડીવાદીઓનું રાજ્યને સમર્થન હતું, જે એક મહત્ત્વની નવી ઘટના હતી.
બ્રેમાન સ્વીકારે છે કે ૨૦૦૨ની કોમવાદી હિંસાને રાજકીય અર્થવ્યવસ્થાના સંદર્ભમાં જોવી જોઈએ. પરંતુ તેઓ એને સામાજિક ડાર્વિનવાદની અસર તરીકે જુએ છે, જેમાં નીચલા સ્તરના લોકોનું અસ્તિત્વ સતત જોખમમાં મુકાય છે અને શક્તિશાળી સમૂહોનું એમના પ્રત્યે અમાનવીય વર્તન હોય છે. નીચલા સ્તરની નવી આર્થિક વ્યવસ્થામાં છિન્નભિન્નતા, એક વર્ગ તરીકેની એકતાનો અભાવ, એ વાસ્તવિકતા છે પરંતુ જમણેરી તત્ત્વોની સત્તા અને આધિપત્ય દરમ્યાન નવા અસ્તિત્વમાં આવેલા મૂડીવાદ સાથેના એના સંબંધો ચકાસવા પણ જરૂરી છે.
પુસ્તકમાં હિંદુત્વની ગુજરાતમાં વૃદ્ધિ માટે જૂની અર્થવ્યવસ્થાના અંતને કારણે ઊભી થયેલી મોટા પાયા પરની બેકારીનો અને મજૂર મહાજન સંઘની નિષ્ફળતાનો યોગ્ય ઉલ્લેખ છે. પરંતુ ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં, ખાસ તો અમદાવાદમાં, થયેલા મૂડીવાદી અર્થવ્યવસ્થાના આમૂલ પરિવર્તનની વિસ્તૃત ચર્ચા પણ જરૂરી છે. ૧૯૮૦ના દશકમાં ગુજરાતમાં ઔદ્યોગિક મૂડીવાદી વ્યવસ્થાનો અંત આવ્યો એ સાથે જ જમણેરી તત્ત્વોનો ઉદય થયો. ત્યારથી એક નવા મૂડીવાદી વર્ગ અને હિંદુત્વનાં બળોએ ભેગાં મળીને કામ કર્યું છે. ઉદારીકરણની નીતિઓ અને કોમવાદ એકબીજાની સાથે હાથ મિલાવીને વધ્યાં છે.
અમદાવાદમાં ઔદ્યોગિક મૂડીવાદના સમયમાં કાપડની મિલોના ઉદ્યોગપતિઓ સમૃદ્ધ ઉચ્ચ જૈન અને વૈષ્ણવ જાતિના હતા. સદીઓથી ચાલી આવતી મહાજન પરંપરા જે ઘર્ષણો અને ઝગડાઓનો નિકાલ સમજૂતી અને સમાધાનથી લાવવા માટે જાણીતી હતી એ સામાજિક, રાજકીય અને ધાર્મિક સંઘર્ષો ટાળતી હતી. આ વ્યાવહારિક વિચારધારા – જે મજૂર મહાજન સંઘે પણ અપનાવી હતી તેને કારણે અમદાવાદમાં મૂડીવાદી અર્થવ્યવસ્થા હોવા છતાં ક્યારે ય મોટો વર્ગ વિગ્રહ થયો નહીં. રાજ્યની દખલગીરી આ વ્યવસ્થામાં નહિવત્ હતી. આ મૂડીવાદી વર્ગ પ્રમાણમાં રાજ્યથી સ્વતંત્ર હતો અને એથી રાજ્યમાં જ્યારે ઘર્ષણો પેદા થયાં ત્યારે એનાથી અલિપ્ત રહ્યો. એ નોંધપાત્ર છે કે ૧૯૬૯નાં કોમી રમખાણોમાં કરફ્યુ હોવા છતાં મિલો ચાલુ રહી, અને ઘણા મુસ્લિમ મજૂરો માર્યા ગયા હોવા છતાં મિલોની અંદર કોમવાદી ઝેર ફેલાયું નહીં.
૧૯૮૦ પછી જે નવાં મૂડીરોકાણો ઊભાં થયાં તે મધ્યમ જાતિઓમાંથી આવ્યાં હતાં. એમણે પાવર લૂમ અને મશીન ઉત્પાદનના ધંધા શરૂ કર્યા. બિન રહેવાસી, ગુજરાતીઓએ પણ ભારે ઉત્પાદન યંત્રોના ઉદ્યોગોમાં રોકાણ કર્યું. આ મધ્યમ જાતિના મૂડીવાદીઓ માટે હિંદુ ઓળખ સન્માન અને શક્તિની સૂચક હતી. બિન રહેવાસી ગુજરાતીઓ માટે પરદેશમાં ધાર્મિક રિવાજો અને ઉત્સવોની ઉજવણી હિંદુ ઓળખ માટે જરૂરી બની. આ સમૂહો ગુજરાતમાં હિંદુત્વ બળોને મજબૂત બનાવવામાં અને આર્થિક સહાય કરવામાં સક્રિય ભાગ ભજવે છે. ઉપરાંત ઉદારીકરણની નીતિઓને લીધે વિશ્વનાં બજારો સાથે સંપર્ક વધ્યો છે તેનો અને સરકારની ખાનગીકરણની નીતિઓનો લાભ આ નવા ઉદ્યોગપતિઓને મળ્યો છે. વર્તમાન સમયમાં રાજ્ય અને મૂડીવાદીઓ એકબીજાને મદદ કરીને સમૃદ્ધ બન્યાં છે જેને અંગ્રેજીમાં ‘ક્રોની કેપિટલીઝમ’ (દિલોજાન દોસ્તોનો મૂડીવાદ) કહે છે. આજે રાજ્ય, મૂડી અને જમણેરી તત્ત્વોનું મજબૂત જોડાણ અસ્તિત્વમાં આવ્યું છે. મૂડીવાદ અને રાજ્યની આ પ્રકારની નજદીકી આજે દેશની રાજકીય સ્થિતિનું પણ મુખ્ય બળ બન્યું છે. ઉચ્ચ વર્ગ અને જાતિનાં હિતો સાચવતી આ પરિસ્થિતિમાં સમાજના વંચિત વર્ગો અને લઘુમતી સમૂહો સતત હિંસા અને અત્યાચારના ભય નીચે જીવે છે.
આજે દેશમાં અને સમાજમાં હિંદુત્વનું વર્ચસ્વ છે. આ પુસ્તકમાં ગુજરાતને આ હાનિકારક કોમવાદના ઉછેરના સ્થાન અને સંદેશવાહક તરીકે વિગતે બતાવ્યું છે. દેશની આજની પરિસ્થિતિ સમજવા માટે, એનાં કારણો જાણવા માટે, દેશના મોટા ભાગના વંચિતો અને લઘુમતી સમુદાયો પર એની કેવી ભયાનક અસર થઈ છે એ વિશે ચિંતિત સૌ કોઈ માટે આ એક ખૂબ મહત્ત્વનું પુસ્તક છે.
(સંપૂર્ણ)
પહેલો ભાગ :
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ઑક્ટોબર 2023; પૃ. 17-18 તેમ જ 21