હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજબરોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો, આ બે બાબતોનું સંયોજન. એને માટે વિચારો ઓછું, કામ વધારે કરો. બોલો ઓછું, સાંભળો વધારે. માપો ઓછું, સ્વીકારો વધારે. ફરિયાદ ઓછી કરો, કદર વધારે કરો. ભય ઓછો રાખો, પ્રેમ વધારે કરો – ફિનલૅન્ડ સૌથી સુખી દેશ છે. એ આવું કરે છે?
‘હેપીનેસ’ શી ચીજ છે? એની શોધમાં લોકો યુગોથી હેરાન થાય છે. હું તો હેપીનેસનો પર્યાય શોધવામાં પણ હેરાન થઈ, કેમ કે સુખ, આનંદ, પ્રસન્નતા વગેરે આપણા પરિચિત શબ્દો સાથે ઘણી મળતી આવવા છતાં હેપીનેસ જરા જુદી પડતી ઘટના છે.
હેપીનેસ એટલે આખો દિવસ આનંદમાં રહેવું એ નહીં. સંશોધનો કહે છે કે સારી-ખરાબ મન:સ્થિતિ આવતી રહેવી એ સતત આનંદની સ્થિતિ કરતાં વધારે સહજ છે. તંદુરસ્ત પણ છે. ઊંચે જાય તે નીચે આવે એ કુદરતનો નિયમ છે. લોકોને પૂછીએ કે શું હોય તો તમને જીવવું ગમે? તો તેઓ હેપી મૂડ એટલે કે સતત આનંદમગ્ન મનની વાત ભાગ્યે જ કરે છે. તેઓ એ ચીજોની વાત કરે છે, જે તેમને માટે વધારે અગત્યની હોય; જેમ કે વ્યવસાય, સંબંધો, ધન. સંશોધનો એ પણ કહે છે કે જો તમે આખો વખત આનંદમાં હોવાનો પ્રયત્ન કર્યા કરશો તો એક દિવસ આનંદ અનુભવવાની ક્ષમતા જ ગુમાવી બેસશો.
હેપીનેસ એટલે શ્રીમંત હોવું અને જે ઈચ્છો તે ખરીદવા સમર્થ હોવું એ નહીં. ગરીબીરેખાની નીચે જીવવું એ અલબત્ત કરુણ સ્થિતિ છે. બાકી ધન સુખ ખરીદી શકે એ એક ભ્રમ છે. ધારો કે તમારો પગાર બમણો થઈ જાય તો તમારો ખર્ચ અને અપેક્ષાઓ પણ એટલાં જ વધે. પગાર બમણો થાય એટલે સુખ બમણું ન થાય. નવું ઘર, નવી કાર, નવા ગેજેટ્સ – આ બધાનું પણ તેવું જ. હા, વધુ પૈસા ખર્ચીને પરિવાર કે મિત્રો સાથે નવા સ્થળે જાઓ તો તમારો આનંદ વધે ખરો. જો કે લોકો પૈસાનો આવો ઉપયોગ ભાગ્યે જ કરે છે.
હેપીનેસ અંતિમ લક્ષ્ય નથી. હેપીનેસની ચર્ચાઓમાં ‘તમે ક્યાં પહોંચ્યાં’ એવું પૂછાતું હોય છે – જાણે કોઈ રસ્તો હોય, માણસ એના પર ચાલતો હોય ને એને ક્યાંક પહોંચવાનું હોય – જાણે હેપીનેસ એક સ્ટેશન હોય અને અમુક અંતરે પહોંચ્યા પછી એ ‘આવે’. પણ ગાંધીજી શાંતિ માટે કહેતા તેમ હેપીનેસ માટે પણ કહી શકાય કે હેપીનેસ તરફ લઈ જતો કોઈ માર્ગ હોતો નથી, હેપીનેસ પોતે જ માર્ગ છે. હેપીનેસ શીખવતા લોકો તમને ગ્રેટિટ્યુડ જર્નલ બનાવવા કહેતા હોય છે – જે બાબત તમને આનંદ આપે એ એમાં નોંધવાના. પણ સત્ય એ છે કે પ્રેમ, લગ્ન, પ્રમોશન, મિલકત બધું ગમે તેટલું ઝળહળતું લાગતું હોય, સમય સાથે એ ઝાંખું પડે છે.
તો હેપીનેસ શું છે? સંશોધનો કહે છે કે હેપીનેસ એટલે તમે તમારા જીવનથી કેટલા સંતુષ્ટ છો અને તમારી રોજ બ રોજની જિંદગીથી કેટલા કમ્ફર્ટેબલ છો આ બે બાબતોનું સંયોજન. આ સંયોજન આપણને સ્થિર બનાવે છે. પછી જિંદગીમાં પરિવર્તન આવે, મૂડ બદલાય, પણ હેપીનેસ પર બહુ અસર ન થાય કેમ કે એ સ્વભાવમાં વણાઈ ગઈ હોય. સતત પ્રયત્નશીલ રહેવાથી આ સંતુલન આવડી જાય છે. આનો અર્થ એ કે શું કેવી રીતે અનુભવવું એ આપણે નક્કી કરી શકીએ છીએ. સતત મહાવરાથી સંતુષ્ટ અને સભર જિંદગીની અનુભૂતિ મનમાં સ્થિર થાય છે.
ચારે બાજુથી આવા વિચારોનો મારો થવા લાગે ત્યારે વર્લ્ડ હેપીનેસ ડે આવી ગયો છે એ સમજી લેવું. યુનાઈટેડ નેશન્સ સસ્ટેનેબલ ડૅવલપમેન્ટ સોલ્યુશન્સ નેટવર્ક 2012ની સાલથી વર્લ્ડ હેપીનેસ રિપૉર્ટ બહાર પાડે છે. આ રિપૉર્ટ અનુસાર હેપીનેસ ઈન્ડેડેક્સમાં ભારત 149 દેશોમાં 139મું સ્થાન ભોગવે છે, એટલે કે દુ:ખી દેશ ગણી શકાય અને ફિનલૅન્ડ વિશ્વનો સૌથી સુખી દેશ છે.
ફિનલૅન્ડ એટલે અત્યંત વિષમ ભૌગોલિક સ્થિતિ, ધ્રૂવ પ્રદેશની ધ્રૂજાવી દે તેવી ઠંડી હવા, બર્ફિલી ચાદર નીચે ઢંકાયેલી રહેતી મોટા ભાગની ભૂમિ, અતિશય લાંબા દિવસ અને રાત, અનેક ટાપુઓમાં વિખેરાયેલો પ્રદેશ ને માનવશક્તિની ઊણપ. આ દેશ વિશ્વમાં સૌથી સુખી? સમજવો પડે આ દેશને.
ફિનલૅન્ડ ઉત્તર યુરોપમાં આવેલો છે. પશ્ચિમે સ્વીડન, પૂર્વમાં રશિયા, ઉત્તરે નોર્વે અને ખાડીને પેલે પાર એસ્ટોનિયા. વિસ્તારમાં આ દેશ ગુજરાતથી ઘણો મોટો, પણ કુલ વસ્તી અમદાવાદ કરતાં પણ ઓછી. માત્ર પંચાવન લાખ એકવીસ હજાર. 1809 પહેલા ફિનલૅન્ડ સ્વીડનનો જ એક ભાગ હતો. એ પછી એક સદી કરતાં ય વધારે વર્ષોની રશિયન ગુલામી, એમાંથી આઝાદ થવા ભયાનક ગૃહયુદ્ધ, અને 1917માં સ્વતંત્રતા. 1955માં ફિનલૅન્ડ સંયુક્ત રાષ્ટ્રસંઘનો સભ્ય બન્યો અને યુરોપિયન યુનિયન સાથે જોડાયો.
કેવી છે અહીંની આબોહવા? બરફની ચાદરથી ઢંકાયેલા આ દેશના કેટલાક વિસ્તારોમાં 23 કલાક સુધી સૂર્ય ઊગેલો જ રહે છે અને કેટલાક વિસ્તારોમાં 51 દિવસની રાત હોય છે. દિવસ હોય ત્યાં વાદળછાયા આકાશમાંથી ખૂબ આછો સૂર્યપ્રકાશ આવે છે અને છ કલાકમાં સૂર્ય ડૂબી જાય છે. વાહનોની લાઈટ ચોવીસ કલાક ચાલુ જ રાખવી પડે છે. તાપમાન શૂન્ય ડિગ્રીથી નીચે રહે છે.
ફિનલૅન્ડમાં 1,79,584 નાનામોટા ટાપુઓ અને 1,87,888 સરોવરો છે. આ એક વિશ્વરેકૉર્ડ છે. સરોવરો, ટાપુઓ, દલદલી ક્ષેત્રો, નદીઓ અને જંગલોથી છવાયેલા આ દેશનું આકાશ ધ્રૂવીય પ્રકાશ એટલે કે ‘નોર્ધન લાઈટસ’ માટે પ્રખ્યાત છે. પ્રજા એવી ખમીરવંતી કે પ્રતિકૂળતાઓને પડકાર આપે, કુદરતી આફતોને ધોઈ પીએ અને સતત સંઘર્ષ અને અથાક પરિશ્રમ વડે પોતાનો ને દેશનો વિકાસ કરે. શિક્ષણક્ષેત્રે તો એવી સિદ્ધિઓ મેળવી જેને સમજવા દુનિયાભરના શિક્ષણશાસ્ત્રીઓ ફિનલૅન્ડ આવે છે.
ફિનલૅન્ડની જેલો આપણા દેશની સારી હોટેલો કરતાં ય ઘણી સારી હોય છે. અહીંની જેલો ખુલ્લી છે. કેદીઓ છૂટથી હરીફરી શકે છે, કામ કરી શકે છે અને જોઈતી વસ્તુઓની ખરીદી પણ કરી શકે છે. લોકો ઈમાનદાર છે. અહીં જુગાર કાયદેસર પણ સરકાર-નિયંત્રિત છે. યુરોપના કોઈ પણ દેશમાં મેળવેલું ડ્રાઈવિંગ લાયસન્સ અહીં માન્ય છે. સુંદર પાકા રસ્તાઓ પર કદી ટ્રાફિક જામ થતો નથી. ટોલ ટેક્સ નથી. ફિનલૅન્ડ 1908થી પ્રત્યેક ઑલિમ્પિકમાં ભાગ લેતો આવ્યો છે અને ગોલ્ડ મેડલો પણ મેળવ્યા છે. વરસાદ, બરફ કે થીજાવી દેતા પવનો જોગિંગ કે સાયકલિંગને નડતા નથી. સામાજિક, રાજનૈતિક, આર્થિક તથા સૈન્યશક્તિમાં આ દેશ ઘણો સ્થિર રહ્યો છે. ઉચ્ચ આવક, ઉચ્ચ શિક્ષણપદ્ધતિ, સુંદર આરોગ્ય સંભાળ, પ્રકૃતિસૌંદર્ય અને શુદ્ધ વાતાવરણ તેના સુખનાં કારણો છે.
ફિનલૅન્ડમાં માણસોની ખલેલ ન પામ્યા હોય એવાં વિશાળ, વિવિધ જીવસૃષ્ટિથી ભરેલાં ગાઢ જંગલો છે. તેમાંથી આવતી અપ્રદૂષિત હવામાં ફિનલૅન્ડવાસીઓ શ્વાસ લે છે. પ્રકૃતિથી ઘેરાયેલા હોવું અને વારંવાર એની નજીક જવું એ પોતાનામાં એક મોટું સુખ છે. એનાથી ખૂબ પૉઝિટિવિટી આવે છે.
પશ્ચિમના અન્ય દેશોની સરખામણીમાં ફિનલૅન્ડનું જીવન સરળ અને શાંતિભર્યું છે. ફિનિશ સંસ્કૃતિ ઉષ્માભરી અને સ્પર્ધા કરતાં સહકારને વધુ મહત્ત્વ આપનારી છે. ફિનલૅન્ડમાં અપરાધો ખૂબ ઓછા છે. ભ્રષ્ટાચાર બિલકુલ નથી. શિક્ષણ અને કમાણીની તક સૌને સરખી જ મળે છે. ફિનલૅન્ડમાં મધ્યમ વર્ગ ખૂબ મોટો છે, ગરીબી ખૂબ ઓછી છે અને શ્રીમંતો ધનપ્રદર્શનને છીછરું ગણનારા છે. ત્યાંના સૌથી શ્રીમંત ગણાતા લોકો જૂની કાર વાપરતા હોય અને સૌથી ગરીબ ગણાતા લોકોને પણ શ્રેષ્ઠ શિક્ષણ અને આરોગ્ય મળતાં હોય. કોઈ ઘર વગરનું તો હોય જ નહીં.
સૌને સૌની વાસ્તવિકતાઓ વચ્ચે જીવવાનું હોય છે પણ પ્રકૃતિની નિકટતા અને નીતિમય, સાદગીભર્યું જીવન એ સુખ નામના પ્રદેશનાં દ્વાર હોઈ શકે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 20 માર્ચ 2022