ચાર વર્ષની ઉંમરથી ગાલીચાની ફેક્ટરીમાં મજૂરી કરતા ઇકબાલને એની ઉંમરનાં બાળકોની જેમ સ્વપ્નો અને આશાઓ હતાં. એક દિવસ એ નાસી ગયો. બી.એલ.એલ.એફ.(બૉન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટ)ના ચેરમેન અહેસાન ઉલ્લા ખાને તેની કહાણી સાંભળી અને તેને કાયદેસર મુક્ત કરાવ્યો, ત્યારે તે દસ વર્ષનો હતો … પછી શું થયું?
ડૉ. એ.પીજે. અબ્દુલ કલામ કહે છે કે ‘અ ચાઇલ્ડ ઈઝ મેન્ટ ટુ લર્ન, નોટ ટુ અર્ન.’ આ વાક્ય સાથે લગભગ આખી દુનિયા સંમત થાય, પણ આખી દુનિયામાં બધે જ વધતેઓછે અંશે બાળમજૂરી છે અને કરોડો બાળકો એના ખપ્પરમાં હોમાયેલાં છે. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન જણાવે છે કે બાળમજૂરી બાળકના શારીરિક-માનસિક વિકાસને અવરોધે છે અને તેમના તારુણ્ય, ગરિમા અને શક્તિઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. ફાટેલાં કપડાં અને ખુલ્લા પગે ફુગ્ગા કે ફૂલો વેચતાં બાળકોની કલ્પનાથી આપણને દુ:ખ થાય છે, પણ વિશ્વના કરોડો બાળકોની આ જ જિંદગી છે, આ જ નિયતિ છે. છેલ્લા અહેવાલ મુજબ એરિટા, સોમાલિયા, કૉંગો, મ્યાનમાર, સુદાન. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઝીમ્બાબ્વે અને યમનમાં બાળમજૂરીનું પ્રમાણ સૌથી વધુ છે.
આજે વાત કરવી છે ભૂખ, મજૂરી અને અકાળ મૃત્યુનો ભોગ બનેલા એક પાકિસ્તાની બાળમજૂરની. સ્વતંત્રતા અને શિક્ષણનું સ્વપ્ન જોવા બદલ 1995ની 16મી એપ્રિલે તેની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુ વખતે તે માત્ર 12 વર્ષનો હતો.
પાકિસ્તાનમાં ખાસ કરીને ખૈબર-પખ્તુનવા, લાહોર, કરાંચી, સિયલકોટ, મુલતાન અને પેશાવર વિસ્તારમાં બાળમજૂરીનું પ્રમાણ વધારે છે. ઘરના ધંધામાં કે પછી કુટુંબની આવક વધારવા પાકિસ્તાનનાં 5થી 14 વર્ષનાં 50 લાખ બાળકો આખો દિવસ મહેનત કરે છે. એમનાં જીવનનો કોમળ સુવર્ણકાળ કઠોર વાસ્તવની ઘંટીમાં પિસાઈ રહ્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કહે છે કે બાળમજૂરીથી પાકિસ્તાનના ઉદ્યોગો અને અર્થકારણ બંનેને નુકસાન થઈ રહ્યું છે. એની એસી તેસી કરી પાકિસ્તાન એનાં બાર મિલિયન બાળકોને મજૂરીમાં ધકેલી વિશ્વનો ત્રીજા નંબરનો બાળમજૂરી-દેશ બન્યો છે.
આપણે જેની વાત કરવી છે એ બાળક ઇકબાલ માસિહની કહાણી આવી જ છે. તેનો જન્મ 1 જાન્યુઆરી 1983ના દિવસે લાહોર પાસેના એક નાના ગામમાં ગરીબ કેથલિક ક્રિશ્ચન પરિવારમાં થયો. પિતા સૈફ મસીહ મજૂરી કરતા અને મા ઇનાયત બીબી લોકોનાં ઘરકામ કરતી. હાથ ભીડમાં આવતા પિતાએ એક ઠેકેદાર પાસેથી 600 રૂપિયા ઉછીના લીધા. બદલામાં ચાર વર્ષનો ઇકબાલને એ માણસની ફેકટરીમાં કામ કરે એમ ઠરાવ્યું. કોઈ લખાણ, કરાર કશું નહીં. એક વર્ષની તાલીમ દરમિયાન કોઈ વેતન નહીં, ત્યાર પછી રોજનો એક રૂપિયો. આ બાજુ વ્યાજના દર કૂદકે ને ભૂસકે વધતા જ જાય. 12 કલાકની શિફ્ટ, એમાં અર્ધા કલાકનો બ્રેક, અપમાન, ત્રાસ, નહીં જેવી કમાણી અને નહીં જેવું પોષણ. એની ઊંચાઈ વધતી અટકી ગઈ. આંગળીઓ વળી જવા માંડી. કાર્પેટ વણવામાં મુશ્કેલી આવવા માંડી. વક્રતા તો એ હતી કે આ બધુ છતાં ચાર વર્ષ પછી એ ભાગી ગયો ત્યારે લેણું ઘટવાને બદલે વધીને 13,000 થઈ ગયું હતું!
હાથથી બનાવાતા ઊનના ગાલીચાની વિશ્વભરમાં માંગ છે. પાકિસ્તાન, ભારત, નેપાળ અને મોરક્કો તેની મોટાં પ્રમાણમાં નિકાસ કરે છે. છેલ્લાં 20 વર્ષમાં ગાલીચાઉદ્યોગનો ખૂબ વિકાસ થયો છે. આ વિકાસની પાછળ નાનાં બાળકોની સખત મહેનત રહેલી છે. ગાલીચાની સુંદરતાથી મોહિત થનારાઓએ એની પાછળનું કુરૂપ વાસ્તવ જાણવું જોઈએ. આ બાળકો સતત ઘણા કલાક સુધી, ખૂબ ઓછા વેતનમાં, ક્યારેક તો મફતમાં કામ કરે છે. દક્ષિણ એશિયાની કાર્પેટ ફેક્ટરીઓમાં આવાં લાખો બાળમજૂરો છે. ભારતમાં બેથી ત્રણ લાખ, પાકિસ્તાનમાં પણ લગભગ એટલાં જ અને નેપાળમાં દોઢ લાખ બાળકો કાર્પેટ ફેક્ટરીઓમાં કામ કરે છે અને તરુણ થતા સુધીમાં તો અનેક રોગોનો ભોગ બને છે. વર્ષો સુધી એમનો દાવો હતો કે કાર્પેટની નાજુક ડિઝાઇન માટે બાળકોની નાની આંગળીઓ જ જોઈએ. મૂળ વાત એ છે કે બાળકો પર અન્યાય કરવો, એમનું શોષણ કરવું સહેલું છે.
એની ઉંમરનાં બાળકોની જેમ ઇકબાલને પણ સ્વપ્નો અને આશાઓ હતાં. એક વાર મોકો જોઈ એ નાસી છૂટ્યો અને પાસેના પોલીસ સ્ટેશનમાં જઈ ફેકટરીના માલિક વિરુદ્ધ ફરિયાદ કરી. પોલીસે એની વાત સાંભળી તો ખરી, પણ થોડી લાંચના લોભે તેને ફરી એ જ માલિકને હવાલે કરી દીધો. ઇકબાલને જોઈતી હતી સ્વતંત્રતા, પણ હવે એની સાંકળો વધારે મજબૂત થઈ ગઈ. કામ વધ્યું, પહેરો વધ્યો, અન્યાય વધ્યો, ત્રાસ વધ્યો. માલિક એને પાઠ ભણાવવા સાથે બીજાં બાળકો પર પણ દાખલો બેસાડવા માગતો હતો.
એવામાં સુપ્રીમ કૉર્ટે બાળમજૂરી પ્રતિબંધ ધારો પસાર કર્યો. આ સમાચાર જાણી ઇકબાલને ફરી આશાનું કિરણ દેખાયું. એ ફરી નાસી ગયો. આ વખતે પોલીસ પાસે જવાને બદલે તે બી.એલ.એલ.એફ.(બૉન્ડેડ લેબર લિબરેશન ફ્રન્ટ)માં ગયો. ચેરમેન અહેસાન ઉલ્લા ખાને તેની કહાણી સાંભળી અને તેને કાયદેસર મુક્ત કરાવ્યો, ત્યારે તે દસ વર્ષનો હતો.
હવે ઇકબાલનું ધ્યેય હતું લોકોમાં બાળમજૂરી તરફ સંવેદનશીલતા અને જાગૃતિ વધારવાનું. બી.એલ.એલ.એફ. દ્વારા તેણે દેશમાં અને સ્વીડન, અમેરિકા જેવા દેશોમાં જઈ બાળમજૂરી સામેની પોતાની લડતમાં લોકોનો સાથ માગવા માંડ્યો. તેને ભણવામાં પણ રસ હતો. બે વર્ષમાં તેણે ચાર વર્ષનું ભણી લીધું. તે કહેતો, ‘બાળકના હાથમાં પેન્સિલ હોવી જોઈએ, કામનાં સાધનો નહીં.’ લોકોએ ખૂબ સારો પ્રતિભાવ આપ્યો. ઈટાલીમાં તેના નામની શાળા સ્થપાઈ. પાકિસ્તાન સરકાર સહિત વિશ્વસ્તરના અનેક ઍવોર્ડ તેને મળ્યા. બોસ્ટનમાં રિબૂક હ્યુમન રાઇટ્સ ઍવોર્ડ મળ્યો ત્યારે તેણે કહ્યું, ‘હું પાકિસ્તાનનાં લાખો કમનસીબ બાળકોમાંનો એક છું. મને છૂટવા મળ્યું, તેઓ હજી મજૂરી કરી રહ્યા છે. મને બી.એલ.એલ.એફ.નો ઘણો સાથ મળ્યો. હું તેમની સ્કૂલમાં ભણું છું. મારે વકીલ બનવું છે અને બાળમજૂરો માટે કામ કરવું છે.’ તેણે અનેક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સોમાં પણ પોતાની વાત મૂકી હતી.
પણ કાર્પેટ ઇન્ડસ્ટ્રીના માફિયાઓ તેને સતત ધમકીઓ આપતા. એક કાળા દિવસે, ઇકબાલ ચર્ચથી પાછો ફરતો હતો ત્યારે એમણે તેના પર બંદૂકની ગોળીઓ ચલાવી. પળભરમાં પ્રાણપંખેરુ ઊડી ગયું. મૃત્યુ સમયે તેની ઉંમર માત્ર 12 વર્ષની હતી. તેની અંતિમ ક્રિયામાં સેંકડો લોકો આવ્યા અને હજારો લોકોએ વિરોધમાં રેલી કાઢી. બાળમજૂરી વિરુદ્ધ જેહાદ જગાવવાના તેના મિશને તેની જિંદગીનો ભોગ લીધો. શેતાની પશુબળ પાસે કાયદા અને ન્યાય-નીતિનું તો નહીં જ, પણ એક બાળકના પ્રાણનું પણ કોઈ મહત્ત્વ નહોતું.
ઇકબાલની કહાણીમાં પ્રેરણા અને કરુણતા બંને ભારોભાર છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી તે પૂરી તાકાતથી, પૂરી બહાદુરીથી બાળમજૂરી વિરુદ્ધ અને બાળકોના શિક્ષણ માટે લડ્યો. તેની પ્રેરણાથી કેનેડાની ‘વી ચેરિટી’ અને ‘ઇકબાલ મસીહ ચિલ્ડ્રન ફાઉન્ડેશન જેવી સંસ્થાઓ સ્થપાઈ. વીસ જેટલી ઇન્ટરનેશનલ સ્કૂલો ખૂલી. બાળકલ્યાણની અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. તેના જીવન પરથી ‘ઇકબાલ – ધ ફરગોટન સ્ટોરી’ અને ‘કાર્પેટ બૉય’ નામની ફિલ્મો બની છે. પુસ્તકો લખાયાં છે.
2021માં આવેલો ‘ટ્રિબ્યૂન’નો અહેવાલ કહે છે કે શિક્ષણનું ઓછું પ્રમાણ, જાગૃતિનો અભાવ અને ગરીબીના કારણે પાકિસ્તાનનાં સવા કરોડ બાળકો જુદી જુદી જાતની મજૂરી કરે છે. અભણ માબાપો ઘણીવાર બાળકોને નાની ઉંમરથી કામ કરવા મજબૂર કહે છે અને એમનો ઉપયોગ આવકના સાધન તરીકે કરે છે. કાયદાઓ બને, નીતિઓ ઘડાય તેનો ખાસ અર્થ નથી. બાળમજૂરીનો ફાયદો જેમને થાય છે એવાં સ્થાપિત હિતોને સુધરવું પડે એવાં સખત પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી નિર્દોષ બાળકોનાં બાળપણનો ભોગ લેવાતો રહેશે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 એપ્રિલ 2024