દીર્ઘ સર્જનયાત્રા
સર્જકને પામવા એની સૃષ્ટિમાં કાળજીપૂર્વક ઊતરવું પડે. પણ એ બાબતમાં તો સારા કહેવાયેલા સાહિત્યકારો પણ પછાત પુરવાર થાય છે. ખરી વાત એ પણ છે કે રાજેન્દ્રભાઈની કવિતાનો આપણા ભાવકવર્ગને ખાસ કશો ઊંડો પરિચય નથી; એમના સર્જનાત્મક વિકાસની આપણી પાસે કશી ચૉક્કસ છબિ નથી. મને યાદ નથી કે રાજેન્દ્રભાઈને જ્ઞાનપીઠ અપાયા પછી એમને વિશે કશું નૉંધપાત્ર લખાયું હોય.
એમનું કાવ્યસર્જન ૧૭ વર્ષની વયે પ્રારમ્ભાયું. “ધ્વનિ” પહેલો કાવ્યસંગ્રહ, ૧૯૫૧-માં પ્રકાશિત, -૩૮ની વયે. કાવ્યસંગ્રહો અને અનુવાદો મળીને એમનાં ૨૦-૨૫ જેટલાં પુસ્તકો હશે : “ધ્વનિ”, “આંદોલન”, “શ્રુતિ”, “શાંત કોલાહલ”, “ચિત્રણા”, “ક્ષણ જે ચિરંતન”, “વિષાદને સાદ”, “મધ્યમા”, “ઉદ્ગીતિ”, “દક્ષિણા”, “પત્રલેખા”, “પ્રસંગ સપ્તક”, “પંચપર્વા”, “કિંજલ્કિની”, “વિભાવન” અને છેક છેલ્લે “હા, હું સાક્ષી છું”.
૧૯૫૧-થી માંડીને ૧૯૮૩ સુધીની ૩૧-૩૨ જેટલાં વર્ષની એમની દીર્ઘ કાવ્યસર્જનયાત્રા રહી છે. ૧૯૮૩ પછી પણ એ યાત્રા અવિરામ ચાલુ રહી છે. ૧૯૮૩માં, સર્વસંગ્રહ “સંકલિત કવિતા” પ્રકાશિત થયો છે. એનાં ૧૦૦૦-થી વધુ પૃષ્ઠ પર રાજેન્દ્રશબ્દ અંકિત છે.
એ દીર્ઘ સર્જનયાત્રાની કેટલીક વીગતો આ પ્રમાણે છે :
૧:
એમની સૃષ્ટિની પહેલી ઓળખ એ છે કે એ સભરે ભરી છે :
૨:
“ધ્વનિ” પછીનાં નૉંધપાત્ર ઉડ્ડયનો છે, “શ્રુતિ”, “શાંત કોલાહલ”, “ક્ષણ જે ચિરન્તન“, “મધ્યમા“, “ઉદ્ગીતિ”, “પત્રલેખા”. એમાં, કવિકર્મનો વિકાસ જોઈ શકાય છે.
૩:
લગબગ બધા સંગ્રહોમાં સૉનેટ કાવ્યો છે. ’આયુષ્યના અવશેષે’-માં પાંચ સૉનેટ છે. ‘વનખણ્ડ’-માં ચાર. ‘રાગિણી’-માં ૮.
૪:
કાવ્યમાળાઓ – “છલનિર્મલ”, “તારું નવ નામ નીલાંજના”, “ખાલી ઘર”, “પ્રભો”.
૫:
દસ પંક્તિનાં કાવ્યો – “ઇક્ષણા”.
૬:
ગઝલરચનાઓ – “પંચપર્વા”.
૭:
વિલક્ષણ કાવ્યબન્ધ ધરાવતી રચનાઓ – “ખાંયણાં”, “વિભાવન”.
૮:
ગુચ્છ રચતાં કાવ્યો – “મધ્યમા”, “દૈનંદિની”, “નિદ્રિત નયને”.
૯:
દીર્ઘ કાવ્યો – ‘મારું છે અન્ન’, ‘આજની આ કથા’, ‘પત્ર’, ‘સ્વપ્ન’, ‘ગ્રીષ્માન્ત’, ‘ઐકાન્તિક દિન’, ‘ક્ષણને આધાર’, ‘બોલાવતું હશે કોણ?’ ‘ઉત્કણ્ઠ’.
૧૦:
પદ્યસંવાદ અને પદ્યનાટક સદૃશ રચનાઓ : ‘પદ્માવતી’ – કવિ જયદેવના જીવનના એક પ્રસંગ પર આધારિત છે. ‘પ્રસંગપ્તક’-માં, અહલ્યા કૈકેયી રેણુકા સત્યા શકુન્તલા પૃથા અને અર્જુન – દરેકને વિષય બનાવીને દરેકનાં આગવાં અર્થઘટન કર્યાં છે.
૧૧:
ગીતસૃષ્ટિ -‘કેવડિયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે’. ‘આપણા દુ:ખનું કેટલું જોર?’. ‘તને જોઈ જોઈ તો ય તું આજાણી’. ‘ઇંધણાં વીણવા ગૈ’તી મોરી સહિયર’. વગેરે અનેક ગીતરચનાઓ છે અને સુગેયતા ગુણે રસપ્રદ હોવું એ એની લાક્ષણિકતા છે. ઉપરાન્ત, “વનવાસીનાં ગીત”-ની રચનાઓ પણ એટલી જ નૉંધપાત્ર છે.
બીજા શબ્દોમાં એમ કહેવાય કે રાજેન્દ્રભાઈની કાવ્યસૃષ્ટિ વિરાટ છે. એની પૂરી વાત તો થાય જ નહીં ને કરવી જ હોય તો દિવસો જોઈએ; અને એ પણ એક અર્થમાં તો અનુચિત જ ગણાવાનું. એ સભાનતા અને ક્ષમાભાવ સાથે, લાગે છે કે હું એ વિરાટ સૃષ્ટિની ઝાંખી કરાવી શકીશ.
“સંકલિત કવિતા”-માં એમણે જાતે કહેલું તે સ્મરણીય છે; કહે છે : ‘કાવ્યના સૌન્દર્યને અને રસને પામવાની પ્રક્રિયા મને તો પ્રેયસીના અવગુંઠનની ઓથે રહેલા વદનના સૌન્દર્યને અને ઓષ્ઠના રસને પામવા સમી લાગે છે. કોમળ સ્પર્શથી મહીન આવરણને જરા આઘું કરી મુખની સુરખી અને નેત્રની દ્યુતિ ઝીલી શકાય. પ્રત્યેક ભાવક નિજી સંસ્કાર અને રુચિ પ્રમાણે રસાનુભવ કરે એમાં વચ્ચે આવવાનું ન હોય’.
આમેય તેઓ તો આ ધરાતલ છોડી ગયા છે, આપણી વચ્ચે નથી જ આવવાના.
(ક્રમશ:)
(18 Sep 24:USA)
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર