આશ્ચર્યજનક રીતે એક અઠવાડિયામાં બે જણનો છુટકારો થયો. એક છે રશીદ એન્જિનિયર અને બીજા અરવિંદ કેજરીવાલ. અબ્દુલ રશીદ શેખ જે જમ્મુ અને કાશ્મીરમાં રશીદ એન્જિનિયર તરીકે ઓળખાય છે એ બારામુલ્લાથી ચૂંટાયેલા લોકસભાના સભ્ય છે. તેમણે લોકસભાની ચૂંટણી જેલમાંથી લડી હતી. જેમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરવા માટે વચગાળાના જામીન આપવામાં આવ્યા હતા તેવા જામીન રશીદ એન્જિનિયરને ત્યારે નહોતા આપવામાં આવ્યા, તેઓ પોતે ચૂંટણી લડતા હોવા છતાં. જેલમાં રહીને ૨,૦૪,૦૦૦ મતોની સરસાઈથી તેમણે ચૂંટણી જીતી હતી એ આ વખતના છૂટકારાનું કારણ છે. તેમણે અવામી ઇત્તેહાદ પાર્ટી નામનો પક્ષ સ્થાપ્યો છે અને એ પક્ષ ફારુખ અબ્દુલ્લાના નેશનલ કોન્ફરન્સ અને કાઁગ્રેસ વચ્ચે થયેલી સમજૂતીને નિષ્ફળ બનાવી શકે એમ છે. ટૂંકમાં કામનો માણસ છે.
પણ શા માટે રશીદ એન્જિનિયરની ધરપકડ કરવામાં આવી હતી? ક્યારે કરવામાં આવી હતી? શું આરોપ છે તેમના પર? અને અત્યારે ખટલાની શી સ્થિતિ છે? રશીદ એન્જિનિયરની ધરપકડ ૨૦૧૯ની સાલમાં દેશદ્રોહના આરોપ હેઠળ કરવામાં આવી હતી. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(એન.આઈ.એ.)ના કહેવા મુજબ તે ત્રાસવાદીઓને નાણાંકીય સહાય કરતો હતો, દેશવિરોધી કાવતરાં કરતો હતો, કાશ્મીરને ભારતથી અલગ કરવાની હિમાયત કરતો હતો અને એ રીતે તે વિભાજનવાદી હતો. તેમના પર ગંભીર આરોપ મૂકવામાં આવ્યા હતા અને પાંચ વરસ પહેલાં ધરપકડ કરવામાં આવી હતી. આરોપ ગંભીર હતા એટલે તેને જામીન આપવામાં નહોતા આવતા તે ત્યાં સુધી કે ગયા મે મહિનામાં યોજાયેલી ચૂંટણીમાં તેમણે પોતે ઉમેદવારી કરી હોવા છતાં પ્રચાર કરવા માટે જામીન આપવામાં નહોતા આવ્યા. ખૂંખાર ત્રાસવાદીને છૂટો મૂકાય? હા, એ વાત જૂદી છે કે હજુ સુધી તેની સામે ખટલો શરૂ થયો નથી. પૂરેપૂરું આરોપનામું દાખલ થયું નથી. હજુ તપાસ ચાલે છે. પણ આ વખતે ચૂંટણી પ્રચાર કરવા માટે જામીન આપવામાં આવ્યા છે, તેનું કારણ કાઁગ્રેસને પરાજીત કરવા માટે તેમનો ખપ છે એમ કહેવામાં આવે છે. એટલે તો આ વખતે રશીદની જામીન અરજીનો સરકારે વિરોધ નહોતો કર્યો.
અરવિંદ કેજરીવાલને શરતો સાથે જામીન આપવામાં આવ્યા હતા. તેઓ કાર્યાલયમાં હાજરી નહીં આપે અને કોઈ સરકારી દસ્તાવેજો પર સહી નહીં કરે. કેજરીવાલે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપી દીધું છે એટલે આ શરતોનો હવે કોઈ અર્થ નથી રહ્યો. અરવિંદ કેજરીવાલની જામીનઅરજી મંજૂર રાખતા સર્વોચ્ચ અદાલતના બન્ને ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ની સખત ટીકા કરી હતી. એજન્સી છ છ મહિના સુધી આરોપી સામે આરોપનામું દાખલ કરી શકતી નથી, તપાસનો કોઈ અંત આવતો જ નથી, તપાસમાંથી એવું કશું નિષ્પન્ન થયું નથી કે આરોપમાં વજન નજરે પડે વગેરે. ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને સલાહ આપી હતી કે તે પાંજરાનો પોપટ બનવાનું બંધ કરે અને સ્વતંત્ર કામકાજ કરે. કોઈ આરોપીને માત્ર શંકાનાં આધારે ક્યાં સુધી જેલમાં ગોંધી રાખવાનો? અને છેવટે ન્યાયમૂર્તિઓએ અરવિંદ કેજરીવાલને બેમુદ્દત જામીન આપી દીધા.
જામીનનું ટાઈમિંગ શંકા પેદા કરે છે, કારણ કે હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે અને ત્યાં કાઁગ્રેસને નુકસાન પહોંચાડવા માટે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલનો ખપ છે. કેજરીવાલે પણ હરિયાણાની તમામ ૯૦ બેઠકો પર ઉમેદવાર ઊભા કર્યા છે. આ સિવાય વખત આવ્યે કાઁગ્રેસને નુકસાન પહોંચાડીને બી.જે.પી.ને મદદ કરવાનો કેજરીવાલનો ટ્રેક રેકોર્ડ છે. ગુજરાતમાં અને ગોવામાં આવું બન્યું હતું. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની બી ટીમ છે એવી પણ એક ધારણા છે.
અહી બે સવાલ મુખ્ય છે. એક છે ન્યાયતંત્રની વિશ્વાસર્હતા. ન્યાયમૂર્તિઓએ શુદ્ધ મેરીટ જોઇને નિર્ણય લીધો હશે એમ માની લઈએ, પણ લોકો અદાલતના દરેક નિર્ણયને રાજકીય પરિપ્રેક્ષ્યમાં જુવે છે. આ સ્થિતિ માટે ન્યાયતંત્ર જવાબદાર નથી? છેલ્લાં દસ વરસ દરમ્યાન શાસક પક્ષની વિચારધારાનો વિરોધ કરનારા ર્ક્મશીલો અને વિરોધ પક્ષોના નેતાઓની સેંકડોની સંખ્યામાં ધરપકડ કરવામાં આવી છે એમાંથી કેટલાની સામે તપાસ પૂરી થઈ? કેટલા લોકો સામે આરોપનામાં દાખલ થયાં? કેટલા સામે ખટલા ચાલ્યા? કેટલાને સજા થઈ? જેની સામે ગંભીર આરોપ હતા એ લોકો ભા.જ.પ.માં જોડાઈ ગયા એ પછી તેમની સામેના કેસોનું શું થયું? ચાલે છે કે બંધ થઈ ગયા કે પછી ઠંડા બસ્તામાં ધકેલી દીધા? આરોપ જ્યાં સુધી સિદ્ધ ન થાય ત્યાં સુધી વ્યક્તિની આઝાદી અમૂલ્ય છે એમ વારંવાર જે કહેવામાં આવે છે એનો અમલ ક્યાં?
ન્યાયતંત્ર પાસે આનો કોઈ જવાબ નથી એટલું જ નહીં કેટલાક જજો આનાથી વિપરીત રીતે વર્તે છે એ કોણ નથી જાણતું! આજે કેટલા જજો બંધારણનિષ્ઠ સ્વતંત્ર અને ખુદ્દાર છે? ઉપરથી નીચે સુધી નજર કરો તો સમગ્રતામાં દસ ટકા પણ નહીં. સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિઓએ સી.બી.આઈ.ને જે સલાહ આપી એ ન્યાયતંત્રને પણ લાગુ પડે છે. કેટલાક ન્યાયમૂર્તિઓ પાળેલા પોપટ જેવા છે એ ચોખ્ખું નજરે પડે છે. ન્યાયમૂર્તિઓ આદર્શની વાત કરે છે જે આચરણમાં નજરે પડતાં નથી, એટલું જ નહીં તેઓ ન્યાયતંત્રની પોતાની જે અવસ્થા છે એ વિષે તો કશું બોલતા જ નથી ત્યાં ઈલાજ તો બહુ દૂરની વાત છે. અરવિંદ કેજરીવાલને મળેલા જામીનમાં લોકો રાજકારણ જુએ છે તો એ માટે સર્વોચ્ચ અદાલતના સ્તર સુધી ન્યાયતંત્ર જવાબદાર છે અને તેનો કોઈ ઇન્કાર કરી શકે એમ નથી.
બીજી વાત શાસકો વિષે. જેની સામે દેશદ્રોહ જેવા ગંભીર આરોપ હોય અને જ્યાં શાસકો પહેલી પંક્તિના દેશભક્ત અને રાષ્ટ્રવાદી હોય ત્યાં “નાલાયકો”ને સજા કરાવવામાં આટલી ઢીલાશ કેમ? કાઁગ્રેસનું રાજ હોય તો સમજાય કે એ લોકો સાચા દેશભક્ત નથી અને ઉપરથી ઢીલા છે. આ લોકો તો સો વરસથી માભોમકા માટે બલીદાન આપવા અને દુ:શ્મનને નેસ્તનાબૂદ કરવા થનગનતા હતા પણ ગાંધી અને નેહરુએ બલીદાન આપવા ન દીધું અને કાઁગ્રેસે દુ;શ્મનને નેસ્તનાબૂદ કરવા ન દીધા. પણ હવે તો તક મળી છે તો તેનો કેમ ઉપયોગ કરવામાં નથી આવતો? ધડાધડ ખટલા ચલાવો અને સજા કરો. કોણ રોકે છે તેમને? આવું જ ભ્રષ્ટાચારીઓની બાબતમાં. ૨૦૧૩-૧૪માં વડા પ્રધાન માટે ભષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓ કેટલા અસહ્ય હતા એ આપણે ક્યાં નથી જાણતા. તેમનો વલોપાત, તેમનો ઉદ્વેગ, તેમનો ઝૂરાપો આપણે જોયો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે સ્વચ્છ શાસન માટેનો આટલો ઝૂરાપો હોવા છતાં એક પણ ભ્રષ્ટાચારીને સજા થઈ નથી. એક પણ સજા પામીને જેલમાં નથી ગયો. ઊલટું કેટલાક ભષ્ટાચારીઓ બી.જે.પી.માં જોડાઈને સુરક્ષિત થઈ ગયા છે.
તો આનો અર્થ એ થયો કે આ સરકાર નથી દેશદ્રોહીઓને સજા કરી શકતી કે નથી ભ્રષ્ટાચારીઓને. ઊલટો તેમનો રાજકીય લાભ લેવામાં આવે છે અને રાજકીય લાભ લેવા માટે તેમને લટકતી તલવાર હેઠળ રાખવામાં આવે છે. જો ખટલો ચાલ્યો હોત તો રશીદ એન્જીનિયર કાં નિર્દોષ છૂટ્યો હોત કાં સજા પામીને જેલમાં ગયો હોત. બન્ને સ્થિતિમાં તેમનો રાજકીય ઉપયોગ ન થઈ શકે. આવું જ અરવિંદ કેજરીવાલની બાબતમાં.
જોઈએ અરવિંદ કેજરીવાલ અને રશીદ એન્જિનિયર કાઁગ્રેસને કેટલું નુકસાન પહોંચાડે છે! અહીં પણ ગફૂરવાળો ન્યાય છે. ગફૂરનું બુરું થતું હોય તો અમારી સાત પેઢી ભલે બરબાદ થઈ જાય એ ન્યાયે જો કાઁગ્રેસનું બુરું થતું હોય તો તેઓ જેને ભ્રષ્ટાચારીઓ અને ત્રાસવાદીઓ તરીકે ઓળખાવે છે ભલે છૂટા ફરે.
આવું હશે હિંદુ રાષ્ટ્ર.
પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 19 સપ્ટેમ્બર 2024