અમદાવાદની ગુજરાત કોલેજમાં શહીદ વિનોદ કિનારીવાલની યાદ અપાવતી ખાંભી
આઝાદીનાં આ અમૃત વર્ષો કેવી ને કેટલી સ્વરાજલડતનાં શતાબ્દી સંભારણાં લઈને આવે છે! સન બયાલીસમાં જે દૂધમલ જવાનોએ શહાદત વહોરી એમના પૈકીયે એવા કેટકેટલા હશે જેમના શતાબ્દી પર્વ તરતમાં આવવામાં કે જવામાં હોય, ન જાને.
નમૂના દાખલ, જેમ કે હમણે ઓગસ્ટમાં કાકોરી રેલ લૂંટ કેસનું સોમું વરસ શરૂ થયું. ચંદ્રશેખર આઝાદ એના આયોજનમાં સંકળાયેલા હતા જો કે પકડાયા નહોતા. જે પકડાયા ને સજા પામ્યા એમાં રામપ્રસાદ બિસ્મિલ ને બીજાઓ હતા. કાકોરી કેસ વિશે આ દિવસોમાં ઠીક ઠીક લખાયું-છપાયું છે એટલે એની ચર્ચામાં સ્વાભાવિક જ જતો નથી.
એક અણચિંતવ્યો જોગાનુજોગ અલબત્ત સંભારી લઉં. રેલ લૂંટની એ ક્રાંતિઘટના 1925ની 9મી ઓગસ્ટે ઘટી હતી – બિલકુલ એ જ તારીખે જે અઢાર વરસ પછી એટલે કે 1942માં ક્વિટ ઈન્ડિયા દિવસનું ઇતિહાસ સમ્માન મેળવવાની હતી. ગુજરાતે હજુ હમણાં જ વિનોદ કિનારીવાલાની શહાદતને સંભારી હતી : 9મી ઓગસ્ટે મુંબઈના ગોવાળિયા ટેંક મેદાન પર ‘અંગ્રેજો હિંદ છોડો’નો પ્રસ્તાવ થયો, અને વળતે દહાડે અમદાવાદમાં સરઘસની આગેવાની લઈ ધ્વજદંડ બરાબર સાહી કિનારીવાલાએ શહાદત વહોરી હતી. પાછળથી, આ શહીદની ખાંભી ખુલ્લી મૂકતાં ઓગસ્ટ ક્રાંતિના વીરનાયક જયપ્રકાશે કહ્યું હતું કે યુદ્ધ વખતે જેઓ ભાગતા હોય છે એમની પીઠ પર ગોળી વાગે છે, પણ શહીદ જેનું નામ એ તો સામી છાતીએ વીરમૃત્યુને વરે છે.
જોવાનું એ છે કે આઝાદીની લડતની દૃષ્ટિએ દેશનું જાહેર જીવન ત્યારે બહુધા ગાંધી-નેહરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીએ મંડિત ને પરિચાલિત હતું. કિનારીવાલા પણ હશે તો એના જ કાયલ, પણ ભગતસિંહ અને આઝાદના વિચારોમાં રહેલું બલિદાની ખેંચાણ એમને કંઈ ઓછું નહોતું આકર્ષતું.
ભારતની સ્વરાજ લડતના મંચ પર ગાંધીના સત્યાગ્રહી પ્રવેશ સાથે એક જુદો અધ્યાય જરૂર શરૂ થયો હતો, પણ એ માર્ગે જતા યુવકોને ય આઝાદ પ્રકારના વ્યક્તિત્વની જાનફેસાની ને કુરબાની જરૂર આકર્ષતી અને એમના ભાવજગતને તે સીંચતી પણ ખરી. બીજી પાસ, ક્રાંતિકારીઓએ અપનાવેલ માર્ગને બદલે બીજો માર્ગ પસંદ કરતી કાઁગ્રેસ તરાહ, તેમાં ય ખાસ તો કાઁગ્રેસ સમાજવાદી આંદોલન આ ક્રાંતિકારીઓને હૂંફવામાં પાછું નહોતું પડતું. ચંદ્રશેખર આઝાદને આર્થિક સહયોગના સ્રોતોમાં, જેમ કે, ગણેશ શંકર વિદ્યાર્થીથી માંડીને મોતીલાલ નેહરુ સુદ્ધાંનો સમાવેશ થતો હતો. કાકોરી પ્રકરણમાં ક્રાંતિકારીઓના કાનૂની બચાવ માટેની કામગીરીમાં પાછળથી સ્વરાજ સરકારમાં નેહરુ મંત્રીમંડળ પર વિરાજતા, ગોવિંદ વલ્લભ પંત અને અજિત પ્રસાદ જૈન સરખા કાઁગ્રેસ કુળના સ્વાતંત્ર્ય સૈનિકો હતા.
તમે જુઓ, દેખીતી નવાઈ લાગે પણ ત્યારે યુવાનોને આકર્ષતાં બે નેતૃત્વ, જવાહર અને સુભાષ પૈકી ભગતસિંહે એક ચર્ચામાં પોતાની પસંદગી જવાહરલાલ પર ઉતારી છે. પ્રશંસક તો એ સુભાષના પણ હતા. પરંતુ એમનો નિકષ મુદ્દો એ હતો કે સુભાષમાં જેટલો જોસ્સો અને રણાવેશ છે, એટલી સ્પષ્ટતા ક્રાંતિને વ્યાખ્યાયિત સમતા ને આર્થિક-સામાજિક ન્યાયના કાર્યક્રમ બાબતે નથી જે જવાહરમાં છે.
ભગતસિંહનું આ સૂક્ષ્મ નિરીક્ષણ ખુદ ભગતસિંહને સમજવામાં પણ મદદરૂપ થઈ પડે છે. અંધાધૂંધ ખૂનામરકી અગર લેનિન જેને ‘ઈન્ફન્ટાઈલ ડિસઓર્ડર’ કહેવું પસંદ કરે એવી નાદાન હિંસ્ર હરકતમાં બદ્ધ ક્રાંતિકારી સમજ ભગતસિંહની નહોતી. એમણે ગૃહમાં ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ જેવો જે હલકોફૂલકો (જીવલેણ મુદ્દલ નહીં એવો) ધમાકો કર્યો તે, અને ત્યાર પછી એમણે પકડાઈ જવું પસંદ કર્યું, જેથી અદાલત મારફતે પોતાની વૈચારિક ભૂમિકા વ્યાપકપણે પ્રસરી શકે, એ બંને ઘટના આ અર્થમાં બુનિયાદી રીતે સૂચક છે.
માર્ક્સવાદી ઇતિહાસકાર તરીકે ઓળખાતા બિપીનચંદ્ર જીવનના અંતિમ પર્વમાં ભગતસિંહની જીવની પર જે કામ કરી રહ્યા હતા એમાં એમણે ઉપસાવવા ધારેલ એક ઘટન મુદ્દો એ હતો કે ભગતસિંહને વધુ વર્ષો મળ્યાં હોત તો એ ગાંધીમાર્ગી હોત. અલબત્ત, ગાંધીજીના અર્થમાં અહિંસાવાદી નહીં (તેમ જ નિ:શંકપણે માર્ક્સવાદી સહી) એવા ભગતસિંહે શાંતિમય પ્રતિકારને ધોરણે ખડી કરાતી ને પરિણામદાયી બની શકતી વિરાટ લોકચળવળ(માસ મૂવમેન્ટ)ના વ્યૂહને અગ્રતા આપી હોત. ઇતિહાસમાં જરી પાછળ જઈએ તો ક્રાંતિગુરુ તરીકે ઓળખાવાતા શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિકારી માર્ગોની કદર જ નહીં હિમાયત પણ કરતા હતા. પણ એ જ શ્યામજી, જો અસરકારક અહિંસક પ્રતિકાર – વિરાટ લોકચળવળ – ખડી થાય તો રાજી નહોતા એવું તો નહોતું.
સન બયાલીસ અને કિનારીવાલાની શહાદત સંભારી તે સાથે એક લસરકે એ પણ યાદ કરી લઉં કે આ વર્ષ, 1924ની 20મી સપ્ટેમ્બરે જન્મેલા કિનારીવાલાનું શતાબ્દી વર્ષ છે. એમનું શતાબ્દી વર્ષ જો કે જરી જુદી રીતે પણ સંભારવા જેવું છે. ગાંધી-નેહરુ-પટેલ મંડિત માહોલમાં ને ક્રાંતિકારીઓની કુરબાનીએ પ્રેરિત ભાવાવરણમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી મંડળ રૂપે અમદાવાદ અને તેના થકી ગુજરાતમાં એક જુદો જ યુવા સંચાર થયો. સ્વાતંત્ર્ય લડત વિશે દ્વિધાવિભક્ત સામ્યવાદી આંદોલનની છાયામાંથી બહાર આવી આ મંડળે અને એના સલાહકારોએ ગુજરાતમાં એક જુદી જ ભાત પાડી. પ્રો. દાંતવાલા, બી.કે. મઝુમદાર, ઉત્સવ પરીખ, જયંતી દલાલ જેવા વરિષ્ઠજનો હોય કે બ્રહ્મકુમાર ભટ્ટ, હરિહર ખંભોળજા, પ્રબોધ રાવળ વગેરે, સૌની પૂંઠે વળી ઉત્પ્રેરક હાજરી નીરુ દેસાઈની. એ બધી વાત વળી ક્યારેક, યથાપ્રસંગ … આઝાદીના અમૃત પર્વે, વળી વળીને આગળ જવા પૂર્વે!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 18 સપ્ટેમ્બર 2024