‘હિંદ છોડો’ આંદોલન વખતે અંગ્રેજ સરકારે એક તરફ મહાત્મા ગાંધી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી, બીજી તરફ દમનનો કોરડો વીંઝ્યો ને ત્રીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. 22 વર્ષની એક ગુજરાતી યુવતી અને એના સાથીઓએ લડતના, અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન શરૂ કર્યું …
થોડા દિવસ પહેલા ઉષાબહેન મહેતાના ‘કોંગ્રેસ રેડિયો’ પરની ફિલ્મ ‘એ વતન મેરે વતન’ એમેઝોન પર રિલિઝ થઈ. માધ્યમ તરીકે ફિલ્મને અમુક મર્યાદાઓ નડે ને ક્રિએટિવ લિબર્ટીના નામે ઇતિહાસ સાથે છૂટ લેવાય એવું આમાં પણ બન્યું છે. પણ આપણે યાદ કરીએ એ મહાન દેશસેવિકાને.
ઉષાબહેનનો જન્મ 25-3-1920માં સુરતના સરસ ગામે. પિતા જજ હતા. સાયમન કમિશનના વિરોધમાં પોકારાતા ‘સાયમન ગો બેક’ સૂત્રોચ્ચારમાં આઠ વર્ષનાં ઉષાબહેનનો કોમળ અવાજ પણ સામેલ હતો. પરિવારના અન્ય સભ્યો સાથે ઉષાબહેન નાની ઉંમરથી જ પિકેટિંગ, સરઘસ, ખાદીસેવા, બ્રિટિશ શાસનવિરોધી પત્રિકાઓનું વિતરણ, પ્રતિબંધ છતાં ચોપાટી પર મીઠું પકવવું અને વેચવું જેવા કાર્યક્રમોમાં ભાગ લેતાં. ગાંધીજીની પ્રેરણાથી છોકરાઓએ વાનરસેના બનાવી તો સામે ઉષા મહેતા અને અન્ય કિશોરીઓએ મળીને માંજરસેના બનાવી. થોડાં વર્ષ પછી, 1942ની આઠમી ઑગસ્ટે મુંબઈના ગોવાળિયા ટેંક મેદાનમાં મહાત્મા ગાંધીએ ઐતિહાસિક ભાષણ આપતાં કહ્યું, ‘હું તમને આજે એક મંત્ર આપવા માગું છું. તમારા શ્વાસેશ્વાસમાં, નસેનસમાં આ મંત્રને ભરી દો. આ મંત્ર છે – ‘ડુ ઓર ડાય. કરેંગે યા મરેંગે.’ કૉલેજમાં ભણતાં ઉષાબહેનના હૃદયમાંથી પણ પોકાર ઊઠ્યો, ‘અંગ્રેજો, ભારત છોડો!’
બીજા દિવસે અંગ્રેજ સરકારે ગાંધીજી અને અન્ય મોટા નેતાઓની ધરપકડ કરી. દેશ ખળભળી ઊઠ્યો. અંગ્રેજોએ એક તરફ દમનનીતિ અપનાવી, બીજી તરફ અખબારો પર પ્રતિબંધ મૂક્યો. ત્યારે લડતના અને અંગ્રેજોના જુલમોના સાચા સમાચાર લોકો સુધી પહોંચાડવા અને ભારતીયોને અંગ્રેજ શાસન સામે એક કરવા માટે એક સિક્રેટ રેડિયો સ્ટેશન ખોલવા એક મંડળી તત્પર થઈ. આ મંડળી એટલે 22 વર્ષનાં ઉષા મહેતા, 20 વર્ષના બાબુભાઇ ખખ્ખર, 28 વર્ષના વિઠ્ઠલદાસ ઝવેરી, 23 વર્ષના ચંદ્રકાંત ઝવેરી, 40 વર્ષના નરીમન પ્રિન્ટર અને સાથીઓ. પણ કામ મુશ્કેલ હતું. સાધનો ખરીદવા, માળખું ઊભું કરવા, ટેકનિકલ બાજુ સંભાળવા, એક જ જગ્યાએથી બ્રોડકાસ્ટિંગ થાય તો પકડાઈ જવાય તેથી સ્થળ બદલતા રહેવા નાણાં અને લોકોનો સાથ બંને જોઈએ. છેવટે મુંબઈમાં ચોપાટી પાસે ‘સી વ્યૂ’ ઇમારતમાં એક ગુપ્ત રેડિયોસ્ટેશન શરૂ થયું ‘કૉંગ્રેસ રેડિયો.’ ટેકનિકલ બાજુ ‘શિકાગો રેડિયો ઍન્ડ ટેલિફોન કંપની’ના નાનક મોટવાણીએ સંભાળી.
14મી ઑગસ્ટ 1942. નેતાઓની ધરપકડને અઠવાડિયું પણ નહોતું થયું. રાત પડી અને કોઈ અજાણ્યા ટ્રાન્સમિશન પરથી એક સ્પષ્ટ, મક્કમ અને મીઠો અવાજ ગુંજી ઊઠ્યો, ‘ધીસ ઈઝ ધ કૉંગ્રેસ રેડિયો કૉલિંગ ઑન 42.34 મીટર્સ ફ્રોમ સમવ્હેર ઈન ઇન્ડિયા’. અંગ્રેજ સરકારે દબાવી દીધેલા સમાચારોને પાંચ મિનિટમાં દેશની જનતા સમક્ષ મૂકી અવાજ બંધ થઈ ગયો. દેશવાસીઓ આનંદમાં આવી ગયા. અંગ્રેજો સ્તબ્ધ થઈ ગયા.
પછી તો સિલસિલો ચાલ્યો. દેશભરમાંથી સંદેશાવાહકો મારફતે સમાચાર મેળવાતા. મુંબઈથી ઑલ ઇન્ડિયા કૉંગ્રેસ કમિટી પણ સમાચાર મોકલતી. ચિત્તાગોંગ બૉમ્બકાંડ, જમશેદપુરની હડતાળ અને બલિયાની ઘટના સૌથી પહેલાં કૉંગ્રેસ રેડિયોએ બ્રૉડકાસ્ટ કરી હતી. જે વિષયોને અખબારો અડવાની પણ હિંમત ન કરતાં, સરકારના આદેશોની અવગણના કરીને કૉંગ્રેસ રેડિયો એ સમાચાર લોકો સુધી પહોંચાડતો. આ રેડિયો સ્ટેશનેથી અનેક દિગ્ગજ નેતાઓ પ્રેરણાભર્યાં ભાષણો આપતા, ‘અત્યાર સુધી આપણે ચળવળ કરતા હતા. હવે ક્રાંતિ કરવાની છે. ભારતવાસીઓ, એક થાઓ – મુક્ત થાઓ.’ રેડિયોનું પ્રસારણ ગુપ્ત રીતે અને અલગ-અલગ સ્થળોએથી થતું. શરૂઆતમાં અંગ્રેજી અને હિંદીમાં સવારે અને સાંજે દેશમાં બની રહેલી ઘટનાઓનું પ્રસારણ કરતાં, પછીથી દરરોજ સાંજે 7:30થી 8:30 દરમિયાન જ એક કલાકનો કાર્યક્રમ પ્રસારિત થતો. ‘હિંદુસ્તાન હમારા હૈ’થી શરૂઆત થતી, પછી સમાચાર, ભાષણ વગેરે અને અંતે ‘વંદેમાતરમ્’ ગવાતું.
લોકો ‘કૉંગ્રેસ રેડિયો’ના પ્રસારણની રાહ જોઈને બેસતા. બહોળો પ્રતિસાદ મળતો. પ્રસારણની રેન્જ મોટી હતી. સિંગાપુર અને કટક સુધી તેમનું બ્રોડકાસ્ટિંગ પહોંચ્યું હોવાના ઉલ્લેખ મળે છે. રેડિયો-પ્રસારણ ઉપરાંત તેઓ ગુપ્તપણે પત્રિકાઓ પણ છાપતાં અને વહેંચતાં. પોલિસ અને જાસૂસોથી બચતા રહેવું સૌથી મુશ્કેલ હતું. એક સાથીને ફોડીને બ્રિટિશ પોલિસ બાબુભાઈ ખખ્ખરની ઑફિસ સુધી પહોંચી ત્યારે ઉષા મહેતા અગત્યનું સાહિત્ય અને ફાઈલો લઈ ભાગી નીકળ્યાં ને નવા ટ્રાન્સસમિશન પરથી પ્રસારણ શરૂ કર્યું.
12 નવેમ્બર 1942ની રાત્રે પ્રસારણ ચાલતું હતું ત્યારે જ પોલિસે છાપો માર્યો અને ઉષાબહેન અને સાથીઓની ધરપકડ કરી. ટ્રાન્સમિશન સેટ, સાતથી દસ હજારની કિંમતની 120 ગ્રામોફોન રેકર્ડ્સ, 22 ધાતુની પેટીઓમાં રખાયેલી એ.આઈ.સી.સી.ની બેઠકની તસવીરો અને સાઉન્ડ ફિલ્મ જપ્ત કરી. બે મહિના સુધી વિશેષ અદાલતમાં મુકદ્દમો ચાલ્યો. ઉષાબહેનને ચાર વર્ષ, બાબુભાઈને પાંચ વર્ષ અને ચંદ્રકાંત ઝવેરીને એક વર્ષની સખત કેદની સજા થઈ. ઉષાબહેનને આઈસોલેશન સેલમાં રખાયાં. સી.આઈ.ડી. દ્વારા પૂછપરછ કરાતી, માનસિક ત્રાસ અપાતો, લાલચ અપાતી. ઉષાબહેન મનથી ડગ્યાં નહીં, પણ તબિયત ખખડતી ગઈ. કોઈ પૂછે કે, ‘તમને જેલ થઈ ત્યારે દુ:ખ થયેલું? ખરાબ લાગેલું? અન્યાય થયો હોવાની લાગણી થયેલી?’ ‘ના.’ તેઓ શાંતિથી કહેતાં, ‘અમે અમારું કામ કર્યું હતું, જજે એનું.’
સિક્રેટ રેડિયોનાં આ ત્રણ મહિના પર પુસ્તકો લખાયાં છે. ફિલ્મ પણ આ મહિનાઓને કેન્દ્રમાં રાખીને જ બની છે. 1946માં ઉષાબહેન જેલમાંથી છૂટ્યાં અને 2000ની સાલમાં તેમનું નિધન થયું. આ 54 વર્ષમાં ઉષાબહેન શું કરતાં હતાં? આ વર્ષોમાં તેમણે ‘મહાત્મા ગાંધીના સામાજિક અને રાજકીય વિચાર’ વિષય પર પીએચ.ડી. કર્યુ, 30 વર્ષ સુધી વિલ્સન કૉલેજમાં અધ્યાપન કર્યું, પૉલિટિકલ સાયન્સ વિભાગનાં હેડ તરીકે નિવૃત્ત થયાં, ગાંધી પીસ ફાઉન્ડેશનનું પ્રમુખપદ સંભાળ્યું. બોમ્બે યુનિવર્સિટીએ એમને ડી. લિટ. આપ્યું હતું. યુ.એસ.ની કોર્નેલ યુનિવર્સિટીમાં તેમણે પોસ્ટ ડૉક્ટરેટ રિસર્ચ કર્યું હતું. તેઓ યુ.જી.સી.(યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન) અને યુ.પી.એસ.સી.(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)નાં સભ્ય, પી.યુ.સી.લ.(પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટી)નાં વાઇસ પ્રેસિડેન્ટ, મણિભવન ગાંધી સંગ્રહાલય અને ગાંધીસ્મારક નિધિનાં ચૅરમૅન અને અનેક સામાજિક સંસ્થાઓમાં સક્રિય હતાં. અનેક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટીગેશન લડેલાં. ભારત સરકારે તેમણે પદ્મવિભૂષણ સન્માન આપેલું. મૃત્યુના ત્રણ દિવસ પહેલાં મુંબઈના ઑગસ્ટ ક્રાંતિ મેદાનમાં હિંદ છોડો ચળવળની યાદમાં યોજાયેલા કાર્યક્રમમાં 80 વર્ષનાં ઉષાબહેન હાજર હતાં. રાજકારણમાં ગયાં હોત તો ક્યાંનાં ક્યાં પહોંચ્યાં હોત, પણ એમણે શિક્ષણ અને સમાજસેવાને કાર્યક્ષેત્ર બનાવ્યું.
સ્વતંત્ર ભારતની અડધી સદીની મજલ તેમણે જોઈ. જીવનનાં છેલ્લાં વર્ષોમાં તેઓ ક્યારેક દુ:ખી અને હતાશ થતાં. ‘ઇન્ડિયા ટૂડે’ને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, ‘આ એ સ્વતંત્રતા નથી જેનું સ્વપ્ન અમે જોયું હતું. નવી પેઢીમાં અને વધુ તો રાજકારણના ક્ષેત્રમાં મહાત્મા ગાંધીના વિચારો – ખાસ કરીને સત્ય, અહિંસા, સાદાઈ, સેવા માટેનો આદર ઘટતો જાય છે એ જોઈને દુ:ખ થાય છે. જો રસ્તો બદલીશું નહીં તો આપણે ફરીથી ગુલામીના નવી જાતના ચોકઠામાં પુરાઈ જઈશું.’
છેલ્લે બીજાં ઉષાબહેન – ઉષાબહેન ઠક્કરની વાત. મણિભવનનાં પ્રમુખ, પોલિટિકલ સાયન્સમાં ડૉક્ટરેટ-પોસ્ટ ડૉક્ટરેટ કરનાર, વિદેશની યુનિવર્સિટીમાં ફેકલ્ટી તરીકે કામ કરી ચૂકેલાં, દેશના જૂજ તેજસ્વી ગાંધીસ્કૉલરોમાંના એક અને ‘ગાંધી ઈન મુંબઈ’, ‘અન્ડરસ્ટેન્ડિંગ ગાંધી, ‘વિમેન ઈન ઇન્ડિયન સોસાયટી’, ‘ઝીરો પૉઈન્ટ બૉમ્બે’ જેવાં સુંદર અને માહિતીસભર પુસ્તકો આપનાર ઉષાબહેન ઠક્કરે ‘કૉંગ્રેસ રેડિયો: ઉષા મહેતા એન્ડ ધ અંડરગ્રાઉન્ડ રેડિયો સ્ટેશન’ નામનું પુસ્તક લખ્યું છે. આ બન્ને ઉષાબહેને વર્ષો સુધી સાથે કામ કર્યું છે. ઉષાબહેન મહેતા કહેતાં, ‘વાતાવરણ જ એવું હતું કે દેશભક્તિના રંગમાં રંગાઈ જવાય. અમે કેટલાં નસીબદાર કે સ્વાતંત્ર્યસંગ્રામમાં ભાગ લઈ શક્યાં!’ અને ઉષાબહેન ઠક્કર કહે છે, ‘ઉષાબહેન મહેતા જેવી અનન્ય સ્વાતંત્ર્યપ્રેમી, લોકશાહી મૂલ્યોમાં વિશ્વાસ રાખનારી અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ કોઈપણ કાળે દુર્લભ છે.’ બંને ઉષાબહેન સાથે સંમત થવું પડે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 એપ્રિલ 2024