તારીખ ૧૬ જૂન ૨૦૨૪ રવિવારના ‘રોજ યોગનિકેતન, વડોદરા’ અને ‘વિનોબા આશ્રમ, ગોત્રી’ દ્વારા આયોજિત એક ચર્ચા સત્ર માટે તૈયાર કરેલો લેખ.
‘અધ્યાત્મ પથદર્શક ગાંધી’ વિશેનો ચર્ચાસત્ર છે. એમાં જે વિષય વિશેષ પર મારે ચર્ચા શરૂ કરવાની છે તે ગાંધીજીનો કર્મયોગ છે. સુજ્ઞ વ્યક્તિઓની હાજરી છે એટલે વિષય કે રજૂઆત ભારે-ભરખમ લાગે તો દરગુજર કરશો. એ મારી ખામી છે કે વિષયની મારી સમજ ઊંડી નથી! ગાંધીજી હોત તો બોલવાય ન દીધું હોત! પૂછત કે તું આ માર્ગે ચાલી રહ્યો છે? હું એવું કહેત ‘બાપુ, શુષ્ક પાંડિત્યના ક્રમમાં નથી, દિશામાં રહેવાનો પ્રયત્ન ચાલુ છે.’ ગાંધીજીને અધ્યાત્મનો માણસ ગણીએ તો શરૂઆત એની ખોજ શું હતી તે તપાસવું જોઈએ. ૧૯૨૬-૨૭ના અરસામાં ગાંધીજી ૬૦ની નજીક આવ્યા ત્યારે આત્મકથા લખી અને તે પણ સ્વામી આનંદ જેવા સાથીદારોના અત્યાગ્રહને લીધે. જ્યારે એમની આત્મકથાની લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ ત્યારે એની પ્રસ્તાવનામાં ગાંધીજીએ પોતાની સત્યની ખોજને સ્પષ્ટ રીતે મૂકી છે. આત્મકથાને એ સત્યના પ્રયોગો તરીકે ઓળખાવે છે. તેઓ લખે છે કે,
‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગ કરેલા છે તેની કથા લખવી છે. તેમાં મારું જીવન ઓતપ્રોત હોવાથી કથા એક જીવન વૃત્તાંત જેવી થઈ જશે એ ખરું છે. પણ જો તેમાંથી પાને પાને મારા પ્રયોગો જ નીતરી આવે તો એ કથાને હું પોતે નિર્દોષ ગણું. મારા બધા જ પ્રયોગોનો સમુદાય પ્રજાની પાસે હોય તો તે લાભદાયી થઈ પડે એમ હું માનું છું, – અથવા કહો કે એવો મને મોહ છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રમાંના પ્રયોગો હવે તો હિંદુસ્તાન જાણે છે, એટલું જ નહીં પણ થોડેઘણે અંશે સુધરેલું કહેવાતું જગત પણ જાણે છે. એની કિંમત મારા મને ઓછામાં ઓછી છે. અને તેથી એ પ્રયોગોની મારફતે મને ‘મહાત્મા’નું પદ મળ્યું છે એની કિંમત પણ જૂજ જ છે. કેટલીક વેળાએ તો એ વિશેષણે મને અતિશય દુઃખ પણ દીધું છે. એ વિશેષણથી હું ફુલાઈ ગયો હોઉં એવી એક પણ ક્ષણ મને યાદ નથી. પણ મારા આધ્યાત્મિક પ્રયોગો, જે હું જ જાણી શકું અને જેમાંથી મારી રાજપ્રકરણી ક્ષેત્ર ઉપરની શક્તિ પણ ઉદ્ભવી છે, તે પ્રયોગોનું વર્ણન કરી જવું મને ગમે ખરું. જો એ ખરેખર એ આધ્યાત્મિક હોય તો એમાં તો ફૂલણશીને સ્થાન જ નથી. એમાંથી તો કેવળ નમ્રતાની જ વૃદ્ધિ થાય. જેમ જેમ હું વિચાર કરતો જાઉં છું, મારા જીવનના ભૂતકાળ ઉપર દૃષ્ટિ નાખતો જાઉં છું, તેમ તેમ મારું અલ્પપણું હું શુદ્ધ રીતે જોઈ શકું છું. મારે જે કરવું છે, જેની હું ૩૦ વર્ષ થયાં ઝંખના કરી રહ્યો છું, તે તો આત્મદર્શન છે, તે ઇશ્વરનો સાક્ષાત્કાર છે, મોક્ષ છે. મારું ચલનવલન બધું એ જ દૃષ્ટિએ થાય છે. મારું લખાણ બધું એ જ દૃષ્ટિએ છે, અને મારું રાજ્યપ્રકરણની ક્ષેત્રની અંદર ઝંપલાવવું પણ એ જ વસ્તુને આધીન છે.’
આ મુમુક્ષુ આત્મસાક્ષાત્કાર માટે સન્યાસ લઈ હિમાલયની કંદરાઓમાં તપસ નથી કરતા. એક ગૃહસ્થનું જીવન જીવે છે જેની વિશિષ્ટતા એ છે કે એમના જીવનું એકેય પાસું ખાનગી નથી. આત્માનો શરીર સ્વરૂપ હોય તો કર્મની અનિવાર્યતા વિશે કોણ અજાણ છે? હા, જે અનાત્મિક છે, જેના માટે શરીર જ અસ્તિત્વ છે, બીજું કોઈ તત્ત્વ છે જ નહીં એને માટે કોઈ ઝંખના રહેતી જ નથી. એને માટે પિંડ અને બ્રહ્માંડના અદ્વૈતનો ખ્યાલ જ નકામો છે. જે છે તેનું હોવું ભૌતિક છે. પણ ગાંધીજીને પરમાત્માના હોવાને વિશે કોઈ શંકા છે જ નહીં, એની ખોજ તો સાક્ષાત્કારની છે અને તે પણ નિરંતર કર્મશીલ થઈ. એને માટે એનું કર્મ પૂર્ણ રીતે ધર્માધારિત છે. ગાંધીજીનો ધર્મ શું? તેઓ કહે છે, ‘મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ અને નીતિ; આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. ટૂંકમાં કહીએ તો આ ગાંધીજીનો જ્ઞાનયોગ – ગીતાના બીજા અધ્યાયની સમજ. ગાંધીજીને પોતાના ધર્મની સમજ પૂરેપૂરી છે અને તે આધારે એ કર્મ કરે છે. તેઓ જણાવે છે કે,
‘આ પ્રયોગો વિષે હું કોઈ પણ પ્રકારની સંપૂર્ણતા આરોપતો જ નથી. વિજ્ઞાનશાસ્ત્રી જેમ પોતાના પ્રયોગો અતિશય નિયમસર, વિચારપૂર્વક અને ઝીણવટથી કરે છે, છતાં તેમાંથી નિપજાવેલા પરિણામોને તે છેવટનાં ગણાવતો નથી, અથવા તો એ એનાં સાચા જ પરિણામ છે એ વિષે સાંશક નહીં તો તટસ્થ રહે છે, તેવો જ મારા પ્રયોગોને વિષે મારો દાવો છે. મેં ખૂબ આત્મનિરીક્ષણ કર્યું છે, એક એક ભાવને તપાસ્યો છે, તેનું પૃથ્થકરણ કર્યું છે. પણ તેમાંથી નિપજેલા પરિણામો એ સહુને સારુ છેવટના જ છે, એ ખરાં છે, અથવા તો એ જ ખરાં છે, એવો દાવો હું કોઈ દિવસ કરવા ઇચ્છતો નથી. હા, એક દાવો હું અવશ્ય કરું છું કે મારી દૃષ્ટિએ એ ખરાં છે, અને અત્યારે તો છેવટનાં જેવાં લાગે છે. જો ન લાગે તો મારે એના ઉપર કોઈ પણ કાર્ય ન રચવું જોઈએ. પણ હું તો પગલે પગલે જે જે વસ્તુઓને જોઉં તેના ત્યાજ્ય અને ગ્રાહ્ય એવા બે ભાગ પાડી લઉં અને જેને ગ્રાહ્ય વસ્તુ સમજું તે પ્રમાણે મારા આચારોને ઘડું. અને જ્યાં લગી એ પ્રમાણે ઘડાયેલા આચાર મને, એટલે મારી બુદ્ધિને અને આત્માને, સંતોષ આપે ત્યાં લગી મારે તેનાં શુભ પરિણામો વિષે અચલિત વિશ્વાસ રાખવો જ જોઈએ.’
વિનોબા કહે છે તેમ ગાંધીજી જન્મથી એક સામાન્ય માનવી જ હતા. એમણે જે પ્રાપ્ત કર્યું છે તે સત્યનિષ્ઠા અને સાધનાથી જ કરી છે. કબીરને આ સંદર્ભે યાદ કરવા પડે. આખી જિંદગી વણ્યા કર્યું કાપડ બનાવીને ગુજરાન ચલાવ્યું પણ ‘મન લાગો મેરો યાર ફકીરી મેં, ગાતા રહ્યા અને છેલ્લે જીવનના અંતમાં કહે છે લોકોએ જીવનચાદર ઓઢીને મેલી કરે છે પણ સાહેબ ‘દાસ કબીર જતન સે ઓઢી, જ્યોં કી ત્યું ધર દીન્હિ ચદરિયા.’ ગાંધીજી પરમાર્થમાં પડ્યા. ઉપાસનામાં ઉત્પાદક શ્રમ જોડનારા એક બહોળા બૃહદ્દ પરિવારના વડા તરીકે ઉદ્ભવયા અને પરમાર્થ કરતા કરતા કૌમી વૈમન્સ્યના મહાભારતમાં શહીદી વહોરી લીધી. ‘લઘુ માનવમાં મહિમા ભરવા નિજ લોહી અશેષ વહાવી ગયા.’ એને હું ગાંધીજીનો કર્મયોગ સમજું છું. એ માત્ર કર્મશીલ નથી પણ કર્મયોગી છે. ગાંધીજી કર્મશીલ અને કર્મઠ હતા એ મુદ્દો બુદ્ધિવાદી સમાજને સમજાઈ ગયો છે, ચર્ચા માત્ર એમને મળેલી સફળતા કે નિષ્ફળતા અંગેનો છે જેનું માપ લોકોનું ભલું કેટલું અને બુરું કેટલું થયું તે છે. મારા માટે આજે એ વિષય નથી. એ માપવાનો ગજ મારી પાસે ક્યાંથી હોય? એમ તો કોઈની અંતરયાત્રા માપવાનો ગજ કોઈ બીજાની પાસે પણ હોઈ ન શકે.
ગાંધીજી કર્મયોગી ગણાતા હોય તો પહેલા યોગ શબ્દનો અર્થ સમજી લેવો પડે અને એ અર્થાનુરૂપ અભ્યાસ કર્મ કરે તે કર્મયોગી. એ અર્થમાં ગાંધીજીનું ચરિત્ર અને જીવન ભગવદ્દગીતા સાથે જોડાય છે. અને આપણી તપાસ એના સંદર્ભે ચાલશે. ચર્ચાસત્રનું આયોજન કરનારનો આશય પણ એ જ છે, એવું માનવા પ્રેરાઉં છું.
પંડિત રામસુખદાસ જેમણે હિંદીમાં શ્રીમદ્ભગવદ્દ ગીતા પર વિશદ ટીકા લખી છે તેમાં યોગ શબ્દની સમજૂતી મને મારી સમજ માટે યોગ્ય જણાઈ છે તે જણાવું છું. રામસુખદાસજી યોગ શબ્દના ત્રણ અર્થ સમજાવે છે અથવા યોગના અર્થને ત્રણ ભાગમાં જુએ છે. એક, ‘યુજિર્ યોગે’ ધાતુથી બનેલા ‘યોગ’ શબ્દનો અર્થ થાય છે સમરૂપ પરમાત્મા સાથે નિત્યસંબધ. ગીતાના બીજા અધ્યાયના ૪૮માં શ્લોકમાં આવે છે ‘સમત્વં યોગ ઉચ્યતે’. બીજો, ‘યુજ્ સમાધૌ’ ધાતુથી બનેલા ‘યોગ’ શબ્દનો અર્થ ચિત્તની સ્થિરતા એટલે સમાધિની સ્થિતિ થાય છે. ગીતાના છઠ્ઠા અધ્યાયના ૨૦માં શ્લોકમાં આવે છે ‘યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધમ્ યોગ સેવયા.’ ત્રીજો, ‘યુજ્ સંયમને’ ધાતુથી બનેલા ‘યોગ’ શબ્દનો અર્થ સંયમ, સામર્થ્ય અને પ્રભાવ એવો થાય છે. જેમ ગીતાના નવમાં અધ્યાયના પાંચમાં શ્લોકમાં આવે છે, ‘પશ્યમે યોગમૈશ્વરમ્.’ યોગસાધનામાં એક સ્થિતિને પ્રાપ્ત થવાથી બીજી બે સ્થિતિઓ આપમેળે આવે છે. સમતાથી સંયમ અને સામર્થ્ય, સંયમથી સમતા અને સામર્થ્ય અને સામર્થ્યથી સમતા અને સને સંયમ આવે છે. પાતંજલ યોગદર્શનમાં ચિત્તવૃત્તિનિરોધને યોગ કહ્યું છે. ‘યોગશ્ચિત્તવૃત્તિનિરોધઃ’. એમ કરવાથી તદા દૃષ્ટુ સ્વરૂપેવસ્થાનામ્, દૃષ્ટાની સ્થિતિમાં આવી જવું. આ પરિણામના અર્થમાં ગીતામાં યોગ શબ્દ પ્રયોજાયા છે. ગાંધીજીને કર્મયોગી કહેવા હોય તો ઉપરના અર્થમાં ચકાસણી કરવાની થાય.
કર્મયોગનો પાયો
વિનોબાએ કહ્યું તેમ પુત્રના લક્ષણ પારણામાં ન પણ હોય, પણ જેમ સામાન્ય માણસમાં કોઈ અલૌકિકતા ભલે ન હોય, પણ કોઈ ને કોઈ અસામાન્ય ગુણ જોવા મળે છે. મોહનમાં સત્યનિષ્ઠાનો અસાધારણ ગુણ હતો અને એને પ્રત્યે તે સભાન હતો. હરીશ્ચંદ્ર નાટક જોયા બાદ ‘હરીશ્ચંદ્ર જેવા સત્યવાદી બધાં કાં ન થાય’ એવા વિચારવાળો બાળક અસાધારણ ગુણવાળો જ કહેવાય. મોહનના જીવનમાં સત્યનિષ્ઠા જન્મજાત હતી એવું કહી શકાય. વાર્તામાં આવે છે કે રાજા હરીશ્ચંદ્ર પર અનેક આકરામાં આકરી વિપદાઓ આવે છે, પણ એ સત્ય અને કર્તવ્ય માર્ગથી ડગતો નથી અને અંતે પુષ્પવર્ષા થાય છે અને પુષ્પક વિમાન પરિવારને સ્વર્ગારોહણ કરાવે છે. આ બાળ માનસ બે સંદેશા ઝીલે છે એવું અનુમાન કરી શકાય. એક, સત્યનિષ્ઠા હોય તો પરમ સત્ય તરફ જઈ શકાય અને કદાચ પામી પણ શકાય. બીજું, આ પરમ સત્ય પામવાનો માર્ગ કર્તવ્યપાલનનો એટલે કર્મ કરવાનો છે. બાળમોહનના માનસમાં કર્મના બી વવાય છે. બાળ અને કિશોર વયે મોહન માટે પરમાર્થ ‘શ્રવણ સેવા’ છે. પછી તેનો વ્યાપ જીવસેવા તરફ વધે છે. એક અન્ય મુદ્દો સમજાય છે અને આપણે તેની પર ચિંતન કરવા જેવું છે. સત્યનિષઠામાંથી પરમાર્થ જ નિપજે છે સ્વાર્થ નહીં. સન્યાસી સિદ્ધિ હાંસલ કરે તો ય શું પરમ સત્યને પામશે? આપણી પાસે જવાબ નથી, પણ કબીર કહે છે બડા ભયા તો ક્યા ભયા જૈસે પેડ ખજૂર, પંથી કો છાયા નહીં, ફલ લાગે અતિ દૂર. સત્યનિષ્ઠ હોવાથી સમતા તરફ જવાય છે. મોહનને પૂતલીબાઈએ જલે વિષ્ણુ થલે વિષ્ણુ – જીવમાત્રમાં વિષ્ણુ છે તેવું સમજાવેલું તો જાજરૂ સાફ કરવા આવતા ઉકાભાઈને કેમ અડકવાનું નહીં અને અડકે તો નાહી કેમ લેવું પડે? એ સવાલ મોહનના મનમાં ઉઠ્યો કારણ કે એ સમત્વ ભાવનો બોધ જીવ માત્રમાં વિષ્ણુ છે ત્યાંથી મળેલો.
બે અન્ય અસાધારણ ગુણ મોહનની સત્યનિષ્ઠામાંથી નિષ્પન્ન થાય છે, એક ઉદાત્ત ધ્યેય માટેનો કર્મ પણ અસત્ય થકી ન થાય. કિશોર મોહન અન્ય સમવયસ્કો સાથે અનેક ભૂલો કરે છે. પણ એની સત્યનિષ્ઠા એને ભૂલસ્વીકાર તરફ લઈ જાય છે. બે પ્રસંગો આ સંદર્ભે ઉલ્લેખનીય છે. એક, કિશોર મોહન સોબતમાં પડી માંસાહાર તરફ વળેલો. માંસાહારથી પેટ ભરેલું હોય તો માને જૂઠું કહેવું પડે ‘ભૂખ નથી’. માંસાહાર કરવાનો નિર્ધાર શરીરે મજબૂત થઈ અંગ્રેજોને દેશની બહાર કાઢવા હેતુ કર્યો હતો, એ ઉદ્દાત ધ્યેય હતો, પણ એવા ધ્યેય માટે પણ સત્ય તજી શકાય નહીં, એવી સત્યનિષ્ઠા કે જેના પગલે ‘યુજ્ સંયમને’, કર્મ કરતા સંયમનો યોગાભ્યાસ થાય. કિશોર મોહનના જીવનનો બીજો પ્રસંગ, માંસાહાર અને અન્ય કુટેવોના લીધે થયેલા દેવાને ફીટવવા કરસનદાસના હાથનું સોનાનું કડું કપાયું. ચોરી કરી કહેવાય. માતાના કહેવાથી પિતાને પત્ર લખી ચોરીનો એકરાર કરી પશ્ચાતાપ અનુભવવાની વાત કરે છે. ગુનો કર્યો હોવાથી સજાની માગણી પણ કરે છે. આ પણ કર્મ કરતા ‘યુજ્ સંયમને’ના અર્થમાં યોગાભ્યાસ ચાલી રહ્યો છે. મૂળ મુદ્દો કર્મયોગીએ જાતવ્યવહાર પ્રત્યે સભાન રહેવાનો છે. મોહન કર્મમાં લિપ્ત હોવા છતાં સત્યનિષ્ઠ હોવાને લીધે નાની ઉંમરથી જ આત્મ નિરીક્ષણ, આત્મ પરીક્ષણ અને આત્મ શોધનની પ્રક્રિયામાં છે તે તેનો કર્મયોગી તરીકેનો યોગાભ્યાસ છે. મોહન એકલો નથી, આપણે સૌ એને વિશે સભાન તો હોઈએ છીએ પણ માંહ્યલો કહે તેને બુદ્ધિ વડે પાછળ ધકેલી જાતને વ્યવહારુ ગણાવી કર્મયોગનો યોગાભ્યાસ છોડતા હોઈએ છીએ અને જીવનના અંતકાળમાં ‘અબ મૈં નાચ્યો બહુત ગોપાલ, હે પ્રભુ જીવનદોરી કાપી લો’ એવી કરુણ પ્રાર્થનામાં પડી અધ્યાત્મિક થયા હોવાનો દેખાડો કરીએ છીએ. મોહન કાયમી તકેદારી રાખી મહાત્માની તરફ ગતિ કરે છે. બીજા એવા આજીવન યોગાભ્યાસીઓ પણ ખરાં પરંતુ તેમનું જીવન માત્ર ગૃહસ્થી અથવા સન્યાસમાં જાય છે. મોહન મોટો થઈ પરમાર્થમાં પડે છે. અહીં એક પ્રસંગ યાદ કરવા જેવો છે. જિજ્ઞાસુ નરેન (વિવેકાનન્દ) ગુરુ રામકૃષ્ણ પરમહંસ પાસે નિર્વિકલ્પ સમાધિનો રસ્તો પૂછે છે. પરમહંસ વઢે છે, ‘તને શરમ આવવી જોઈએ, મેં ક્યારે ય એવું નહોતું વિચાર્યું કે તું સ્વાર્થી થઈ માત્ર તારા મોક્ષની ઝંખના રાખીશ, તારી પાસે એવું સામર્થ્ય છે કે તું માનવતાની મોટી સેવા કરી શકીશ. સાંખ્યયોગી વિવેકાનંદને પરમહંસ કર્મયોગ તરફ વાળે છે અને દુનિયાને એક કર્મઠ સાધુ મળે છે જે દરિદ્રને નારાયણ ગણી એની સેવા કરે છે. અર્જુને
ज्यायासी चेत्कर्मणस्ते मता बुद्धिर्जनार्दन।
तत्किं कर्मणि घोरेमां नियोजयसि केशव ॥
એવું પૂછ્યું ન હોત તો ગીતા બે અધ્યાયમાં સમેટાઈ જાત. બીજા અધ્યાયમાં ભગવાન દ્વારા સંપ્રેષિત જ્ઞાનયોગ દ્વારા મુક્તિનો માર્ગે ખુલ્લો જ હતો અને તેથી અર્જુને પૂછ્યું કે આ જાણી લીધા પછી મારે તો સ્થિતપ્રજ્ઞ થઈ કર્મમુક્ત થઈ જવાનું સૂઝે છે. પરમહંસ પણ નરેનને એના જ્ઞાન માટે બિરદાવી કર્મયોગ દ્વારા જ મુક્તિની સંભાવનાની વાત કરે છે. શરીર હોવાથી કર્મથી છૂટકારો નથી. જ્ઞાનપૂર્વક અને સમર્પણભાવથી કરેલો કર્મયજ્ઞ જ મુક્તિ તરફ લઈ જનારો છે. સંયમી કર્માચરણથી સમતા અને સામર્થ્ય મેળવી શકાય છે અને તે જ્ઞાન/સાંખ્ય, કર્મ અને ભક્તિ યોગોનું સાયુજ્ય છે.
શ્રીમદ્ભગ્વદ્ગીતાનો પહેલો પરિચય ગાંધીજીને ૧૮૮૯ની સાલના મધ્યમાં થયો હોય એવું જણાય છે. થિયોસોફિસ્ટ સોસાયટીના સભ્યો અને બે સગા અવિવાહિત ભાઈઓ થકી ગીતા-પરિચય થયો હતો. તેઓએ સાથે ગીતા વાંચવા આમંત્ર્યા. તેઓ એડવિન આર્નૉલ્ડ દ્વારા અનુદિત ગીતાનું વાંચન કરતા હતા અને ગાંધી મૂળ સંસ્કૃતમાં શ્લોકો વાંચી સંભળાવે એવી એમની અપેક્ષા હતી. ૨૦ વરસના યુવા મોહને કબૂલ્યું કે પોતે ગીતા નથી વાંચી પણ સાથે વાંચવાની તૈયારી દર્શાવી. પહેલા પઠનમાં જ બીજા અધ્યાયના બે શ્લોકોની
ध्यायतो विषयान्पुंस: संगस्तेषूपजायते |
सङ्गात्सञ्जायते काम: कामात्क्रोधोऽभिजायते || 62||
क्रोधात्भवति सम्मोह: सम्मोहात्स्मृतिविभ्रम: |
स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति || 63||
એમના મન પર ખૂબ ઊંડી અસર પડી. કહે છે કે એના ભણકારા એમના કાનમાં વાગ્યા જ કર્યા. ત્યારે તો એમણે ગીતાનો અભ્યાસ ન કર્યો અને કેટલાંક વર્ષો પછી એ હંમેશના વાચનનો ગ્રંથ બન્યો.
સત્યનિષ્ઠાની સાથે ચરિત્ર વિશે મોહન અતિશય સભાન. લપસ્યા નહીં એવું તો હતું જ નહીં, પણ એવા કઈંક પ્રસંગો આવ્યા અને એમના કહેવા મુજબ ‘નિર્બલ કે બલ રામ’ જેમણે એમણે કાયમ ટાંકણે બચાવ્યા. યુવાવસ્થામાં જ ઇશ્વરની ખોજ શરૂ થઈ. એમાં દક્ષિણ આફ્રિકાના ખ્રિસ્તી સમાજના પાદરીઓનો ફાળો મહત્ત્વનો જણાય છે. ઇંગ્લૅંડમાં ખ્રિસ્તી ધર્મનો પરિચય ઠીક થયો હતો. જૂના બાઈબલ કરતાં નવા બાઈબલના ગિરિ પ્રવચનોથી અત્યંત પ્રભાવિત થયા હતા. પણ દક્ષિણ આફ્રિકામાં ઇશ્વરની ખોજ આરંભાઈ તે વિશે ગાંધીજી આત્મકથામાં લખે છે કે દક્ષિણ આફ્રિકામાં એ કોમી સેવામાં ઓતપ્રોત થઈ ગયા હતા. તેનું કારણ આત્મદર્શનની અભિલાષા હતી. ઇશ્વરની ઓળખ સેવાથી જ થશે એમ ધારી સેવાધર્મ સ્વીકાર્યો હતો. હિંદની સેવા કરવાની હોય અને તેને મારે શોધવા જવાનું ન હોય એ સહજ સુલભ હતી. આમ તો એ મુસાફરી કરવા, કાઠિયાવાડની ખટપટમાંથી છૂટવા અને આજીવિકા શોધવા આફ્રિકા ગયા પણ પડી ગયા ઇશ્વરની શોધમાં – આત્મદર્શનના પ્રયત્નમાં. ગાંધીજી લખે છે, ‘ખ્રિસ્તી ભાઈઓએ મારી જિજ્ઞાસા બહુ તીવ્ર કરી મૂકી હતી. આમ એક સત્યનિષ્ઠ અને ચરિત્રવાન બનવાના નિરંતર પ્રયાસ કરનાર યુવા ગાંધીએ સેવા દ્વારા જાહેરજીવનમાં પ્રવેશ કરી કર્મયોગના માર્ગે વળ્યા. પીટર મેરિત્ઝબર્ગ રેલવે સ્ટેશન પર ૩૧ મે ૧૮૯૩ના રોજ ફર્સ્ટ ક્લાસના ડબ્બામાંથી સામાન સહિત નીચે દેંકી દેવાયા ત્યારે ૨૪ વરસના યુવા ગાંધીના મનમાં જે ભાવ છે તે હિંસાના તો છે જ નહીં, ક્રોધ પણ નથી, જાણે ક્રોધાત્ભવતિ સંમોહ … બરાબર આત્મસાત થઈ ગયો હોય તેમ. શું ભાવ છે તે જોઈએ,
“મેં મારો ધરમ વિચાર્યો : ‘કાં તો મારે મારા હકોને સારુ લડવું અથવા પાછા જવું, નહીં તો જે અપમાન થાય તે સહન કરવાં ને પ્રિટોરિયા પહોંચવું, અને કેસ પૂરો કરીને દેશ જવું. કેસ પડતો મૂકીને ભાગવું એ તો નામર્દી ગણાય, મારા ઉપર દુઃખ પડ્યું તે તો ઉપરચોટિયું દરદ હતું; ઊંડે રહેલા એક મહારોગનું લક્ષણ હતું. આ મહારોગ તે રંગદ્વેષ. એ ઊંડો રોગ નાબૂદ કરવાની શક્તિ હોય તો તે શક્તિનો ઉપયોગ કરવો. તેમ કરતાં જાત ઉપર દુઃખ પડે તે બધાં સહન કરવાં, અને તેનો વિરોધ રંગદ્વેષ દૂર કરવા પૂરતો જ કરવો.”
યુવાનીમાં આવા ચિંતનયુક્ત નિર્ણય જ્ઞાન સિવાય ન લઈ શકાય. પણ સેવાધર્મ તો ગીતા વાંચ્યા વગર પણ અપનાવેલો. પ્રિટોરિયામાં જે કામ માટે આવેલા તે સિવાય હિંદીઓ વચ્ચે જઈ નવા દેશમાં વસવાટ કરવા આવેલા સમુદાય તરીકે અંગ્રેજોની સભ્યતા હેઠળ સારા નાગરિક થવું શું હોય તેનો કર્ત્તવ્યભાન હિંદીઓને કરાવવાનું શરૂ કર્યું એ યુવા ગાંધીજીની જાહેરજીવનનો આરંભ છે. સંજોગોના લીધે પોતે વસવાટ કરવાનો થાય છે અને રંગદ્વેષની ભાવનાથી ઘડાતા અને સુધારા હેઠળ આવતા કાયદાઓની સામે વિરોધ કરવા નાતાલ ઇંડિયન કાઁગ્રેસની સ્થાપના એ એમના જાહેરજીવનનું બીજું ચરણ છે. ગાંધીજીનો કર્મયોગનો આ યજ્ઞ ૨૧ વરસ ચાલે છે. આજે એટલો સમય તો નથી જ કે આ વિરલ કર્મયોગીની નિષ્કામ કર્મની ૨૧ વર્ષની સાધનાની તવારીખ તમારી સમક્ષ મૂકૂં. હા ભલામણ ચોક્કસ કરું કે એમણે લખેલી ‘આત્મકથા’ અને ‘દક્ષિણ આફ્રિકાનો ઇતિહાસ’ એક પરમાર્થિક જીવન જીવનારા યુવા ગૃહસ્થ મોહનદાસ કરમચંદ ગાંધીની ગાથા તરીકે વાંચીને ગીતાના કર્મયોગને સમજવાની કોશિશ કરી શકાય અને અનાસક્ત કર્મ કોને કહેવાય તે પણ સમજાય. પરમાર્થ સિવાય અનાસક્ત કર્મ કે નિષ્કામ કર્મ સંભવ નથી. વિવેકાનંદની દરિદ્રનારાયણની સેવાની નવપરંપરાને આગળ લઈ જઈ એમાં અધર્મ અને અધર્મી સામે અહિંસાત્મક સંઘર્ષ કરવાના પ્રયોગો ગાંધીજીએ કર્યા. માનવતા એ દૃષ્ટાંતને અમલમાં તો ઓછી લાવી શકી છે પણ તેની મુક્ત કંઠે બુદ્ધિપૂર્વક બિરદાવી શકી છે, અને એ ત્યાં સુધી કે આઈન્સ્ટાઈન જેવા ઉત્કૃષ્ટોમાં ઉત્કૃષ્ટ એવા વિજ્ઞાનીએ શ્રદ્ધાંજલી આપતા કહ્યું છે કે આવનાર પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે આવી કોઈ હાડમાસથી બનેલી વ્યક્તિ ક્યારે ય આ પૃથ્વી પર ચાલી હશે.
પ્રો. ભીખુ પારેખ, જેઓ ગાંધીવિચારના અનેરા વિદ્વાન છે, એમણે દક્ષિણ અફ્રિકાના ૨૧ વર્ષના આવાસ દરમિયાન ગાંધીજીના ચરિત્રવિકાસ અંગે એક મહત્ત્વપૂર્ણ અવલોકન કર્યું છે. તે કહે છે કે ૨૧ વર્ષોમાં ગાંધીજીનું જીવન અને વિચાર બેઉ બદલાયા. અગત્યનું એ હતું કે ગાંધીજી માટે વિચાર અને જીવન બેઉ અભિન્ન થઈ ગયા. એવા વિચાર આવે જે અમલમાં મૂકી જીવી ન શકાય તે અર્થહીન હતા, અને ગંભીર વિચારપૂર્વક ઉદ્ભવેલી જીવનદૃષ્ટિ વગરનું જીવાતું જીવન છીછરું હતું. જ્યારે પણ કોઈ નવો વિચાર આવે તો તરત મંથન કરે કે જીવવા જેવો ખરો? જવાબ નાનો આવે તો એ વિચારને છોડી જ દે, અને હાનો જવાબ આવે તો પોતાના જીવાતા જીવનમાં તેને એકરૂપ કરી લે, તેના સત્ય માટે પ્રયોગ શરૂ કરે અને તેના નૈતિક તર્કની તપાસ શરૂ કરે.
ગાંધીજીના વ્યક્તિત્વમાં આવેલો આ બદલાવ ગાંધીજીના સમજવા અને કહેવા મુજબ ભગવદ્દ ગીતાને આભારી છે. દક્ષિણ આફ્રિકામાં તેઓ ગુજરાન ચલાવવાના સ્વાર્થમાંથી નિકળી પરમાર્થમાં પડ્યા એ સમજ ગીતાના બીજા અધ્યાયના છેલ્લા શ્લોકો જેમાં સ્થિતપ્રજ્ઞની વ્યાખ્યા છે તે અવસ્થામાં પહોંચી નિષ્કામ કર્મ કરવાના ભગીરથ પ્રયાસ એટલે જ ગાંધીજીનું જીવન. કાકા કાલેલકર લખે છે ‘શ્રીમદ્ભગવદ્ગીતાનો આ અનુવાદ લખતી વખતે ગાંધીજી ગીતાજીવન જીવવાની પોતાની અખંડ અને ઉત્કટ સાધનામાંથી માંડ વખત કાઢી શક્યા હતા. મુસાફરીમાં પહેલાં રોજ એક એક શ્લોકનો અનુવાદ કરતા, પછી રોજ બે ત્રણ શ્લોકોનું કરતા. એમ કરતાં ૨૪ જૂન ૧૯૨૬ના રોજ (એટલે ૯૫ વરસ પહેલાં આજથી ૮ દિવસ બાદ) ઉત્તરાખંડના કૌસાનીમાં અનુવાદ પૂરો કર્યો. એ પુસ્તકનું અનાસક્તિયોગ એવું ચોટડૂક નામ આપ્યું.
કાકા સાહેબ આગળ લખે છે, “એમાં (ગીતામાં) અર્જુન કર્મવીર ભક્ત છે અને શ્રીકૃષ્ણ પોતે જ્ઞાનમૂર્તિ યોગેશ્વર છે. એ યોગેશ્વર શ્રીકૃષ્ણના ઉપદેશનો અર્થ સત્યધર્મી, કર્મવીર ગાંધીજીએ પોતાના પારમાર્થિક જીવનના અનુભવને આધારે અહીં સ્વભાષામાં કરી આપ્યો છે. તેથી આમાં એ જીવનવીરની દૃષ્ટિ પ્રતિબિંબિત થઈ છે. એને અનુભવનો આધાર હોઇ એ વસ્તુ સ્વતઃ પ્રમાણ છે. ગાંધીજીએ અનાસક્તિયોગની પ્રસ્તાવનામાં લખ્યું છે,
“આ અનુવાદની પાછળ આડત્રીસ વર્ષના આચારના પ્રયત્નનો દાવો છે. આ કારણે હું ઇચ્છું ખરો કે પ્રત્યેક ગુજરાતી ભાઈબહેન, જેમને ધર્મને આચારમાં મૂકવાની ઇચ્છા છે, તેઓ એ વાંચે, વિચારે અને તેમાંથી એ શક્તિ મેળવે.”
આડત્રીસ વર્ષ એટલે ગાંધીજીનો ગીતાધારિત આચાર ૧૮૯૧થી શરૂ થાય છે. ૨૪ જૂન ૧૮૯૧ના રોજ ૨૧ વર્ષનો યુવા ગાંધી ઓશિયાના નામક આગબોટ પર છે અને બૅરિસ્ટરની પદવી લઈ લંડનની હાઈકોર્ટમાં સનદ લઈ વતન પાછા ફરી રહ્યા છે. મુંબઈ આવીને રાયચંદભાઈની ઓળખાણ કરી દિવસનો ઘણો સમય એમના સાનિધ્યમાં વિતાવે છે અને બે વચ્ચે ધર્મચર્ચા જ ચાલે છે. [રાયચંદભાઈ એટલે શ્રીમદ્દ રાજચંદ્ર, જેનું વિશ્વસ્થાનક આજે હું રહું છું તે ધરમપુરમાં બન્યું છે.]
ફરી એક સ્પષ્ટતા કરું કે હિંદુસ્તાન આવ્યા બાદની આ કર્મયોગીની વિશદ્દ ગાથા કે ગાંધીપુરાણ કહેવા નથી ઊભો થયો. મોહન નામે કૃષ્ણ અને કર્મે અર્જુન છે. ચંપારણ સત્યાગ્રહની એક વાત મૂકૂં છું. પરમાર્થ કર્મનો એક ઉત્તમ નમૂનો જેને લીધે હિંદુસ્તાન પાછા ફરેલા ગાંધીના ડંકા દેશમાં વાગી જાય છે. આખી વાર્તા નથી માંડતો. બિહારના ચંપારણ જિલ્લાના ખેડૂતો પાસે જબરજસ્તી નીલની ખેતી કરાવવામાં આવી રહી છે અને સાથે જમીનદારો પેઠે જાતજાતના કર વસૂલ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો અને એના પરિવારો દીનહીન અવસ્થામાં જીવી રહ્યા છે અને રાજકુમાર શુક્લ નામનો ખેડૂત ગાંધીજીને ચંપારણ ખેંચી જાય છે. ગાંધીજી કહે છે કે જાત તપાસ કર્યા વગર કઈં કરીશ એની કોઈ ખાતરી નથી આપતો. પણ ગાંધીજીના આગમનથી બ્રિટિશ વહીવટી તંત્રને કઈંક અજુગતું થશે એવા ભણકારા વાગે છે અને ગાંધીને ચંપારણ આવવા સામે મનાઈ ફર્માવી ધારા ૧૪૪ લગાડી દે છે. કોર્ટના સમન્સની વાત વાયુવેગે ફેલાઈ ગઈ છે. ‘કોઈ અજાણ્યો માણસ આપણા દુખઃદર્દ સાંભળવા સમજવા આવ્યો છે અને એને કોઈ સ્વાર્થ નથી પણ આપણા કાજે જેલ જવા તૈયાર થયો છે તો એવા મહાત્માના દર્શન તો કરવા પડે.’ મોતીહારીની કોર્ટમાં જે દિવસે હાજર થવાનું હતું તે સવારથી સેંકડો ફટેહાલ ખેડૂતો મોતીહારી ઉતરી પડ્યા છે અને ગાંધીજીના નિવાસે મંડરાય છે અને ગાંધીજી અને એના સાથીદારો પગપાળા કોર્ટ જવા નિકળ્યા છે તો ભીડ સાથે ચાલી રહી છે! પોલીસ અને વહીવટી તંત્ર ચમકી ગઈ છે પણ પોલીસના વડાને ગાંધી સમજાવે છે કે કોઈ હિંસા કે તોડફોડ નહીં થાય અને થતી નથી.
મોતીહારીની મેજિસ્ટ્રેટની કોર્ટમાં ગાંધીજી જે બયાન વાંચે છે તે એક કર્તવ્યનિષ્ઠ કર્મયોગીને દીપાવે છે. જાહેરજીવનમાં પડેલો એક કર્મયોગી જેની નિરંતર સાધના હોય તે જ આવી રજૂઆત કરી શકે. અમુક અંશ જોઈ જઈએ.
‘હુકમનો દેખીતો અનાદર કરવાનું ગંભીર પગલું મારે કેમ લેવું પડ્યું તે વિશે ટૂંકું બયાન અદાલતની પરવાનગીથી રજૂ કરવા ઇચ્છું છું. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે એ અનાદરનો સવાલ નથી, પણ સ્થાનિક સરકાર અને મારી વચ્ચે મતભેદનો સવાલ છે. હું આ પ્રદેશમાં જનસેવા અને દેશસેવા કરવાના હેતુથી દાખલ થયો. રૈયત સાથે નીલવરો ન્યાયથી વર્તતા નથી એ કારણે તેમને મદદ કરવાને આવવાનો ભારે આગ્રહ મને થયો એટલે જ મારે આવવું પડ્યું છે. આખા પ્રશ્નના અભ્યાસ વિના હું તેમને મદદ કઈ રીતે કરી શકું? … હિંદના લોકજીવનમાં મારા જેવી જેની પ્રતિષ્ઠા છે તેવા માણસે અમુક પગલું લઈ દાખલો બેસાડવામાં ભારે કાળજી રાખવી જોઈએ એ હું બરોબર સમજુ છું. પણ મારી દૃઢ માન્યતા છે કે, આજે જે અટપટી પરિસ્થિતિમાં અમે મુકાયેલાં છીએ તેમાં મારા જેવા સંજોગોમાં મુકાયેલા સ્વાભિમાની માણસની પાસે એકે સલામત અને માનભર્યો રસ્તો નથી – સિવાય કે હુકમનો અનાદર કરી તે બદલ જે સજા થાય તે મૂગે મોઢે ખમી લેવી. ‘મને જે સજા કરવા ધારો તે ઓછી કરવાના હેતુથી આ બયાન હું નથી કરતો, પણ હુકમનો અનાદર કરવામાં કાયદેસર સ્થપાયેલી સત્તાનું અપમાન કરવાનો મારે ઉદ્દેશ ન હોઈ, મારું અંતર જે વધારે મોટો કાયદો સ્વીકારે છે – એટલે કે અંતરાત્માનો અવાજ – તેને અનુસરવાનો મારો ઉદ્દેશ છે, એ જ મારે જણાવવું હતું.’
‘પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ’ નાનાલાલ દલપતરામની કવિતા પંક્તિઓ તો ઝવેરચંદ મેઘાણીની જેમ કાયરને પોરસ ચડાવવા માટેનું ચારણગીત છે. ગાંધીનું યુદ્ધ આત્મશક્તિના આધારે મંડાયેલું અહિંસક યુદ્ધ છે એ બાણ અહિંસાનો છે. મજબૂત અંતઃકરણવાળા સ્થિતપ્રજ્ઞ માનસ તરફ જતાં એક મુમુક્ષુ માટે પોતાના કર્મ વિશે કોઈ મૂંઝવણ નથી. યુદ્ધ તો આ કર્મવીર પણ માંડે છે પણ પશુબળ નહીં આત્મબળથી. આમ ૧૯૧૭થી ૧૯૪૮ સુધીની મુમુક્ષુ ગાંધીની યાત્રા એક સ્થિતપ્રજ્ઞની અવસ્થાએ પહોંચી પરમાત્માના સાક્ષાત્કાર માટેનો કર્મયોગીનો નિરંતર અભ્યાસ છે. એના કર્મ યજ્ઞાર્થે છે. અહિંસા અને પ્રેમબળ કાયમ કરવા પોતાના જીવનને જ હોડમાં મૂકે છે. ઓક્ટોબર ૧૯૪૬થી ફેબ્રુઆરી ૧૯૪૭ સુધી નોઆખલીમાં જીવના જોખમે ગામેગામ પગપાળા ચાલ્યા. લોકોએ મેલું, કાદવ, ખાડા વિગેરે રસ્તા પર ઠેર ઠેર પથરાવીને ધૃણા, ક્રોધ અને ધમકીઓનો કેર વરસાવ્યો પણ ગાંધીજી રોકાયા નહીં. પરિસ્થિત થાળે પડી. ગાંધીજી ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના રોજ તિરંગો ઝંડો ફરકાવા કે ઉત્સવમાં ભાગ લેવા દિલ્હી ન ગયા. કોલકાટામાં ભીષણ કૌમી હિંસા ફાટી નિકળેલી, તેને શમાવવામાં લાગ્યા. ૨ સપ્ટેંબેરના રોજ આમરણ ઉપવાસ કર્યા. બેઉ પક્ષના મવાલીઓએ હથિયાર સહિત સમર્પણ કર્યું. શહેરમાં શાંતિ થઈ. માઉંટબેટને સાચું જ કહ્યું કે જે કામ પંજાબમાં ૫૦,૦૦૦ની સેના ન કરી શકી તે કામ એક માણસની નૈતિક સેનાએ કરી દેખાડ્યું. ગાંધીજીને એમાં કોઈ ચમત્કાર ના લાગ્યો. એ એમનો આત્મબળ હતો જે શરીર કે પશુબળ કરતાં વધુ શક્તિશાળી હતો. હા, નોઆખલીમાં હિંસા શાંત ન થઈ, આ કર્મયોગી સાધકને તપસ્યા ઓછી લાગી. વિકાર સંપૂર્ણ ન શમ્યા હોવાનો એહસાસ થયો અને તે ચકાસવા અનેરો પ્રયોગ કર્યો, એમને સાથીઓએ રોક્યા, પણ આ સાધક રોકાય શેનો? મહાત્માના પદથી ચ્યુત થાય તે જોખમે પણ પ્રયોગ તો કર્યો. કર્મયોગીની આત્મદર્શનની સાધનામાં એ માત્ર સ્વ માટે જ જવાબદાર!
બંગાળમાં હિંસાગ્નિ જરાક શમી અને દિલ્હીમાં સળગી તો ત્યાં દોડ્યા. હિંદુ કટ્ટરવાદીઓએ એમને મુસ્લિમ તરફી અને અબુધ રાજકારણી ગણાવ્યા. ગાંધીજીને પોતાનો અંત નજીક દેખાયો હતો. ઘણા પ્રાણહર હુમલા થયા. રોજ સાંજે જાહેર પ્રાથના થતી એમાં બૉંબ વિસ્ફોટ પણ કરાયો. એમના જીવ પર કુલ છ વાર હુમલા થયા અને છેલ્લો પ્રાણઘાતક હતો. ત્યારે મનુબહેનને ગાંધીજીએ કહ્યું હતું કે તુ મને તો જ મહાત્મા ગણજે જ્યારે મેં સામી છાતીએ ગોળી ખાઈ હે રામના ઉચ્ચાર સાથે પ્રાણ ત્યજ્યા હોય. ૩૦ જાનુઆરી ૧૯૪૮ના રોજ એવું જ થયું. ગાંધીજીની આ શહાદતની અસર વિશે ગાંધીવિચારના પ્રોફેસર ભીખુ પારેખ લખે છે કે આ હત્યાકાંડે હિંદુ કટ્ટરવાદીઓને આમ નાગરિકની નજરમાં નીચા પાડ્યા, સંતુલિત વિચાર ધરાવતા હિંદુઓને પવિત્ર ઠેરવ્યા, શોક્મગ્ન દેશને મહાવિનાશની ખાઈની અણી પરથી ઉપર ખેંચી લીધા.
અધ્યાત્મની દૃષ્ટિએ જોઈએ તો એમની શહાદત પરમાત્માએ આપેલા શરીર થકી આદરેલા કર્મયોગની સમાપ્તિ યજ્ઞમાં આપેલી છેલ્લી આહુતિ પ્રાણાહુતિ છે.
સીમિત સમયમાં મારી સમજ અને બુદ્ધિ દ્વારા ગાંધીજીના કર્મયોગ વિશે જણાવ્યું. હવે અંતભાગમાં ગાંધીજી પોતાને અધ્યાત્મના સંદર્ભમાં કર્મયોગી તરીકે કઈ રીતે જુએ છે અને કઈ રીતે સામાન્ય માણસને સમજાવે છે તેનો થોડો ચિતાર આપી મારી વાત સમેટી લઉં.
ગાંધીજી આત્મખોજી છે તે વિશે આપણે શરૂઆતમાં જ જોઈ ગયા. હવે ભગવદ્દ ગીતા વિશે એમના વિચાર, સમજ અને અમલ વિશે જોઈએ. ગાંધીજીએ અનાસક્તિયોગ શીર્ષકથી ભગવદ્દ ગીતાનો અનુવાદ પ્રકાશિત કર્યો. એ પહેલાં એમણે ઘણાં બધાં તરજુમાઓ ગુજરાતી અને અંગ્રેજીમાં વાંચ્યા તો ફરી એક એવો પ્રયત્ન કેમ કર્યો તે એમના શબ્દોમાં જ જોઈએ.
‘પણ આવું વાચન મને મારો અનુવાદ પ્રજા આગળ મૂકવાની મુદ્દલ અધિકાર આપતું નથી. વળી મારું સંસ્કૃતનું જ્ઞાન અલ્પ, ગુજરાતીનું જ્ઞાન જરા ય સાક્ષરી નહીં, ત્યારે મેં અનુવાદ કરવાની ધૃષ્ટતા કેમ કરી?
ગીતાને હું જેમ સમજ્યો છું તેવી રીતે તેનું આચરણ કરવાનો મારો અને મારી સાથે રહેલા કેટલાક સાથીઓનો સતત પ્રયત્ન છે. ગીતા અમારે સારુ આધ્યાત્મિક નિદાનગ્રંથ છે. તદ્વત આચરણમાં નિષફળતા રોજ આવે છે; પણ તે નિષફળતા અમારા પ્રયત્ન છતાં છે. એ નિષફળતામાં સફળતાનાં ઉગતાં કિરણોની ઝાંખી કરીએ છીએ તે અર્થ આ તરજુમામાં છે.
‘વળી સ્ત્રીઓ, વૈશ્ય તથા દલિત જેવા, જેમને અક્ષરજ્ઞાન ઓછું છે, જેમને મૂળ સંસ્કૃતમાં ગીતા સમજવાનો સમય નથી, ઇચ્છા નથી, પણ જેમને ગીતારૂપી ટેકાની આવશ્યકતા છે તેમને સારુ આ અનુવાદની કલ્પના છે.
‘ગુજરાતી ભાષાનું મારું જ્ઞાન ઓછું હોવા છતાં તેની વાટે ગુજરાતીઓને મારી પાસે રહેલી જે કંઈ મૂડી હોય તે આપી જવાની મને હંમેશાં અભિલાષા રહેલી છે. હું એમ ઇચ્છું ખરો, કે અત્યારે ગંદા સાહિત્યનો ધોધ વહી રહ્યો છે, તેવે સમયે હિંદુ ધર્મમાં જે અદ્વિતીય ગ્રન્થ ગણાય છે તેનો સરળ અનુવાદ ગુજરાતની પ્રજા પામે, ને તેમાંથી પેલા ધોધની સામે થવાની શક્તિ મેળવે.’
એમના સાથીઓ એટલે દક્ષિણ આફ્રિકામાં ફિનિક્સ અને તોલ્સ્તોય ફાર્મથી શરૂ કરી આ અનાસક્તિયોગ ૧૯૩૦માં બહાર પડ્યો ત્યાં સુધીના સમયમાં કોચરબ અને સાબરમતી આશ્રમના અંતેવાસીઓનો સમાવેશ થાય. સંયમ, સામર્થ્ય અને સમતા, ગીતામાં યોગ શબ્દના જે ત્રણ અર્થમાં જણાવેલ છે યુજ્ સંયમને, યુજ્ સમાધૌ, અને યુજિર્ યોગેના તે ત્રણે સાધવાની સાધના એટલે ગીતાના આધારે જીવન જીવવાના પ્રયાસો થયા. કોચરબ અને સાબરમતી આશ્રમના જીવનમાં એકાદશ વ્રતોનું પાલન સત્યાગ્રહી માટે અનિવાર્ય શરત હતી.
ઉપરોક્ત કર્મયોગના અભ્યાસના સંદર્ભે જ ગાંધીજી કર્મનો બહોળો અર્થ કરે છે. ગીતાબોધ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા પુસ્તક્માં મંગળપ્રભાતના પત્રોમાંના એક પત્રમાં લખે છે ‘કર્મ કાયિક, માનસિક કે વાચિક હો. કર્મનો વિશાળ અર્થ લેવો.’ કર્મ યજ્ઞ સ્વરૂપે હોવો જોઈએ. યજ્ઞ એટલે આ લોકમાં કે પરલોકમાં કંઈ પણ બદલો લીધા કે ઇચ્છ્યા સિવાય પરાર્થે કરેલું કાંઈ પણ કર્મ.
ગાંધીજી કર્મને કઈ રીતે જુએ છે એ સમજવાથી કર્મયોગી ગાંધી સમજાય એમ છે. ગાંધીજી કહે છે,
‘મનુષ્યને ઇશ્વરરૂપ થયા વિના સુખ વળતું નથી, શાંતિ થતી નથી. ઇશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એક માત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધાં જ ધર્મગ્રંથોનો વિષય છે તેમ ગીતાનો ય છે. પણ ગીતાકારે એ વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો, એક અદ્વિતીય ઉપાય બતાવવાનો ગીતાનો આશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવામાં આવે છે તેને ગીતાએ અનેકરૂપે, અનેક શબ્દોમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે સ્થાપિત કરી છે.
‘એ અદ્વિતીય ઉપાય છે કર્મ-ફળ-ત્યાગ.
‘આ મધ્યબિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે. ભક્તિ, જ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળ રૂપે ગોઠવાઈ ગયા છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઈ મુક્ત નથી … પણ કર્મ માત્રમાં કોઈ દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય. ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છૂટાય? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો : નિષ્કામ કર્મથી; યજ્ઞાર્થે કર્મ કરીને; કર્મફલત્યાગ કરીને; બધાં કર્મો કૃષ્ણાર્પણ કરીને, એટલે જ મન, વચન, કાયાને ઇશ્વરમાં હોમી દઈને…’
ઉપરોક્ત અર્થમાં કર્મયોગ માટે કર્મ યજ્ઞભાવે કરવાનો છે. આસક્ત સ્ત્રી પુરુષને એ સંભવ નથી. એ ભાવ લાવવા જ્ઞાન અને ભક્તિ આવશ્યક છે. તે સિવાય સમર્પણ શક્ય નથી. ગાંધીજી આગળ કહે છે.
‘પણ આવા જ્ઞાન અને ભક્તિને કર્મફલત્યાગની કસોટીએ ચઢવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે … લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઈને જપ જપનાર. સેવાકર્મ કરતાં પણ તેની માળામાં વિક્ષેપ આવે … આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું, “કર્મ વિના કોઈ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઈને કર્મ કર્યા ન કરું તો આ લોકોનું નાશ થાય.’
ગાંધીજીના કર્મયોગને મૂલવવા માટે ગાંધીજી કર્મ વિશે શું સમજ્યા હતા અને એમના કર્મો પાછળનું ચાલક બળ શું છે એ સમજાય છે. આપણે એમના જીવનની એક ઝલક જોઈ જેને લંબાણપૂર્વક પણ તપાસી શકાય પણ આ પ્રસંગે એ પૂરતું લાગે છે. ગાંધીજીની કર્મયોગસાધના નિષ્કામ કર્મ થકી છે. બીજા અધ્યાયનો ૪૬મો શ્લોક જ્ઞાન કે સાંખ્યયોગનો ભાગ છે.
कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भूर्मा ते संगोस्त्वकर्मणि॥
ફલાસક્તિ છોડવાની છે. સહસ્ત્રોવાર દરેક પેઢીને આ સંદેશ ગયો છે પણ ઝીલાયું છે ઓછું. તો કર્મ શેના માટે? ગીતામાં જ અર્જુન પૂછી બેસે છે જ્યાયસી ચેત્કર્મ્ણસ્તે મતા બુદ્ધિર્જનાર્દન… તે આપણે જોઈ ગયા.
ગાંધીજીની સ્પષ્ટ સમજ બની ગઈ હતી. આ પ્રસંગે આ કર્મયોગીના જાહેરજીવનની એક ઘટના યાદ કરવા જેવી છે. ૪ ફેબ્રુઆરી ૧૯૨૨ના રોજ ગોરખપુર જિલ્લાના ચૌરી ચૌરા નામક કસ્બામાં અસહકાર આંદોલન ચલાવતા લોકોએ પોલીસને ઘેરી લીધી અને એમણે પોતાના થાણામાં બંધ થઈ જવા મજબૂર કર્યા અને પછી થાણામાં આગ ચાંપી દીધી. ગાંધીજીએ તો અહિંસાત્મક ચળવળની જ જાહેરાત કરેલી અને એ પાયાનો સિદ્ધાંત હતો. અસહકારની આંધી આખા દેશમાં ફેલાઈ ગઈ હતી. અંગ્રેજો હેબતાઈ ગયા હતા, દેશ છોડે એવી સ્થિતિ પર જઈ શકતા હતા અને આ કાંડ બની ગયો. ગાંધીજીએ આંદોલન પાછું ખેંચ્યું. બધા શીર્ષ નેતાઓને આ ગંભીર રાજનૈતિક ભૂલ લાગી. પણ ગાંધીજીએ પોતાના દ્વારા થયેલી હિમાલય જેવડી ભૂલ ગણાવી પાછા ખસ્યા. કર્મ વ્યક્તિગત હોય કે જાહેર તે પરમાર્થિક જ હોય, કોઈનું પણ અહિત ન કરનાર હોય, યજ્ઞ સ્વરૂપે જ હોય, ગીતાની આવી ઊંડી સમજ ગાંધીજીને હતી.
અહીં એક સંભાવના એ છે કે ગીતાજી તો મહાભારતનું યુદ્ધ છે, હિંસક છે. ગાંધીજીએ તો અહિંસાની વાત કરી અને એ જ એમનો કર્મયોગ. અહીં ગાંધીજીની સમજ જરાક જુદી છે. એ સમજવી પડે. લોકમાન્ય ટિળકનું ગીતારહસ્ય જેલમાં જ વાંચ્યું પરંતુ ટિળકે એમાંથી અંગ્રેજોની સામેની લડાઈમાં હિંસાને વાજબી ઠેરી. ગાંધીજી એ મુદ્દે અસહમત થયા.
“મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાતાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કંઈ રહેવા નથી દીધું.”
ગાંધીજી માટે ગીતા એક રૂપક છે. માત્ર ભૌતિક યુદ્ધમાં યોદ્ધાઓનું વર્ણન કરવા હેતુ મહામુનિ વેદવ્યાસ આવી રચના ન કરે.
‘તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનના નિમિત્તે પ્રત્યેક મનુષ્યની અંદર નિરંતર ચાલતા દ્વંદ્વ યુદ્ધનું વર્ણન છે; માનુષી યોદ્ધાઓની રચના હૃદયગત યુદ્ધને રસિક બનાવાને સારુ ઘડેલી કલ્પના છે.’
ફલત્યાગની વાત એકાંગી સ્વરૂપે મૂકાય છે તેથી ઘણાંને અશ્રદ્ધા ઊભી થાય છે. ગાંધીજી કહે છે,
‘ફળત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામનો તેમ જ સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશ્યક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનામાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.
પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવો ય અર્થ કોઈ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાં ય સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ.
અંતે વિનોબાએ ગાંધીજીના કર્મયોગ વિશે જે લખ્યું છે તે જોઈએ. ‘ગાંધીજીને મન કર્મ એ એક ઉપાસના હતી, સ્થૂળ ક્રિયાનું એમને મન ઝાઝું મહત્ત્વ નહોતું, તેની પાછળ ભાવનું હતું. બહારથી તેઓ હંમેશાં સ્થૂળ કામોમાં ગળાડૂબ લાગતા. પરંતુ તે બધા ખટાટોપથી તેઓ જળકમળવત્ અલિપ્ત હતા.
એક વાર ગાંધીજીએ કોઈ કામ બાબતમાં મને પૂછ્યું, ત્યારે મેં જવાબ આપ્યો કે ‘મને એમ નથી લાગતું કે આનું બહુ ઝાઝું પરિણામ આવશે.’ ત્યારે તેઓ હસતાં-હસતાં બોલ્યા : “જો વિનોબા! આ યોગ્ય છે કે અયોગ્ય એટલું જ આપણે જોવાનું છે. બાકી હું માનું છું કે આપણા કુલ કામનું પરિણામ ‘મીંડુ’ (શૂન્ય) છે.” અને આમ કહીને એમણે હવામાં પોતાના હાથે મીંડુ દોરી બતાવ્યું.’
ગાંધીએ જ અનાસક્તિયોગની પ્રસ્તાવનામાં એક શાયરને ટાંકીને કહ્યું છે ‘આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં.’
ખુદાનું નૂર ધરાવનાર એક સતત ક્રિયાશીલ બંદો તે ગાંધી અને તેના કર્મો તે એનો કર્મયોગ.
આભાર.
e.mail : sudarshan54@gmail.com