ડોરબેલના સતત વાગતા અવાજથી મનજીતની આંખ ઊઘડી ગઈ. હર શનિવારે બને છે તેમ ગઈકાલે રાત્રે પણ ઘેર આવતાં ખાસું મોડું થઈ ગયું હતું. આજે રજાનો દિવસ છે, નિરાંતે ઊઠીશ એમ વિચારી પથારીમાં પડખાં ફેરવતો હતો ત્યાં બેલના રણકારે તેને જગાડ્યો.
આંખો ચોળતાં વૉલક્લોક તરફ જોયું. સાડા સાત થયા હતા. આટલી વહેલી સવારમાં કોણ આવ્યું હશે? સિમરન ડૉર ખોલશે એવું વિચારી થોડી વાર આંખો બંધ રાખી પથારીમાં પડી રહ્યો, પણ ડૉરબેલ વાગતી રહી. સિમરનની હિલચાલ ન જણાતાં પડખું ફેરવી ઉંઘરેટી નજર કિચન તરફ નાંખી. ત્યાં પણ કંઈ સંચાર જણાયો નહિ. પછી ખ્યાલ આવ્યો કે સિમરન તો સવારે “હેવલોક રોડ ગુરુદ્વારા” બાબા નાનકજીની શબદબાની સાંભળવા જાય છે. બગાસું ખાઈને એ બેડમાંથી નીચે ઊતર્યો. બારીનો કર્ટન ખસેડતાં સહેજ કંટાળા સાથે નીચે જોયું. પોર્ચમાં રણબીર ઊભો હતો.
નક્કી કંઈ અરજંટ કામ પડ્યું હશે. બીશનકૌર પ્રેગનન્ટ ને પાછી એનેમિક પણ છે. દેશમાં બીશનકૌરના પાપાજીને કૅન્સર થયું છે. અચાનક પાપાજીની તબિયત વધુ બગડી હોય ને ઇન્ડિયા જવાનો પ્રોગ્રામ બનાવી લીધો હોય અને તેની જાણ કરવા સારુ. – ના, એવું કંઇ ગોઠવ્યું હોય તો ગઈ કાલની પાર્ટીમાં રણબીરે જ મને જણાવ્યું હોત. પછી ગઈ કાલે રાતની પાર્ટીમાં બનેલી ઘટના યાદ આવી. એ અને સિમરન પાર્ટીમાંથી ઘેર આવવા ઉઠ્યાં ત્યારે રણબીર અને ફુમન સિંઘ વચ્ચે કોઈ વાત પર તીખી બહેસ ચાલતી હતી. કદાચ દારૂના નશામાં રણબીરે કોઈ બબાલ ઊભી કરી હોવી જોઈએ અને પાર્ટીનો માહોલ બગાડ્યો હોય અને રણબીર ઊભરો કાઢવા આવ્યો હોય એવું એવું પણ બની શકે.
નીચે આવી મનજીતે ડોર ખોલ્યો. અંદર દાખલ થતાં મનજીત સાથે હાથ મિલાવતાં રણબીર બોલ્યો : ‘સોરી, બડે ભૈયા. આપ કો ઈતની જલદી ઊઠના પડા. મેં દો-પાંચ મિનટોમેં અપની બાત દસકર ચલા જાઉંગા. ઔર ફીર કામ પર ભી તો જાના હૈ.”
“નહીં … નહીં બૈઠ. સિમરન ગુરુદ્વાર પે ગઈ હૈ. અબ આતી હી હોગી. બૈઠ, હમ સાથ સાથ બ્રેક્ફાસ્ટ કરતેં હૈં.”
રણબીર સોફા પર બેસી ગયો. અને તેણે મનજીતને ગઈ કાલ પાર્ટીમાં બનેલી ઘટનાની વાત કરી ત્યારે મનજીત પણ વિચારમાં પડી ગયો. આ તે કેવી દુશ્મનાવટ? ફુમનસિઁઘ કેવો હલકટ માણસ હશે?
***
મનજીત અને રણબીર પાંચેક વર્ષથી એકબીજાના પાડોશીઓ છે. બ્ન્ને વચ્ચે સારી દોસ્તી પણ છે. સિમરન અને બીશનકૌરને પણ સારું બને છે. બે ય પરિવારનાં બાળકો સાથે રમે છે ને ખાલસા પ્રાયમરી સ્કૂલમાં સાથે ભણે છે. મનજીત ‘ગુરુ નાનક શીખ એકેડમી’માં ઇતિહાસ શીખવે છે. જ્યારે રણબીર ડેગનહામની જાણીતી ફોર્ડ મોટર કંપનીની ઑટોમોટિવ ફેક્ટરીમાં પાર્ટ્સફિટર છે. બન્ને વચ્ચે શૈક્ષણિક અને વ્યવસાયિક અંતર છે છતાં ય બન્ને વચ્ચે સારો મેળ છે. કોઈ કોઈ વાર એ મનજીત પાસે આવી પોતાનો ઊભરો ઠાલવતાં કહે છે, “મૈં ને થોડી પઢાઈ કી હોતી તો આજ મુઝે મશીનો કે સાથ મશીન બનના નહીં પડતા! પઢાઈકે દિન થે તબ જલંધરકે “કેન્દ્રિય વિદ્યાલય’મેં પિંડકે શરારતી લડકોં કે સાથ લડકપન મસ્તી-તુફાનમેં ગુજર ગયા. પઢાઈકી ઔર ધ્યાન હી નહીં દિયા. સયાનોંકી બાત એક કાન સે સૂનકર દૂસરે કાનસે નીકાલ કે પઢઈ કા સમય બરબાદ કર દિયા.”
અને રણબીર તેને આશ્વાસન આપતાં કહેતો : “કોઈ કામ છોટા યા બડા નહીં હોતા હૈ. બાબાને જો બી કામ મેલા હૈ ઉસે બાબા કા પરસાદ સમજ કે નિષ્ઠા કે સાથ કરના ચાહીએ. એક દિન તુઝે ભી જરૂર તરક્કી મિલેગી. મેરી હી મિસાલ લો -‘
અને રણબીરને પોતાનું બાળપણ સાંભરી આવતું.
રણબીરનો જન્મ પંજાબમાં અને ઉછેર પણ પંજાબમાં. રણબીરને યુવાનીના આગમનની ચાડી ફૂંકતો મૂછનો દોરો ફૂટ્યો અને બાબા સોહનસિંઘને દીકરાની ચિંતા સતાવવા લાગી. રણબીર ગામની શાળામાં માંડ ચાર ધોરણ સુધી ભણ્યો હતો. કયો દીકરીનો બાપ પોતાની દીકરીનો હાથ આ અભણ છોકરાના હાથમાં આપવા તૈયાર થાશે? આ ચિંતા અંદરથી સોહનસિંઘ અને તેની પત્નીને સતત સતાવતી રહેતી. એક વાર શેરશિંઘ બીશનકૌર માટે ખાનદાન છોકરાની તલાશ કરતાં કરતાં લંડનથી જલંધર આવ્યા હતા. પિંડના કોઈ આદમીએ સોહનસિંઘનું ઘર ચીંધ્યું અને રણબીરનો શાદીયોગ આવી ગયો હોય તેમ બીશનકૌરની નજરમાં રણબીર વસી ગયો. બીશનકૌરને ખાસ વિદ્યા ચઢી નહોતી એટલે લંડનમાં તેને લાયક મૂરતિયાનો મેળ ખાતો નહોતો. એટલે બેટીને ઠેકાણે પાડવા બીશનસિંઘે જલંધર સુધી આવવું પડ્યું હતું.
રણબીર અને બીશનકૌર પરણી ગયાં. અને રણબીરનું નસીબ તેને લંડન લઈ આવ્યું. પૂરતા ભણતરના અભાવે તેને લંડન જેવા મોટા શહેરમાં ટેબલ ખુરશી વાળી નોકરી તો ક્યાંથી મળે? બીશનકૌર પણ સાઉથહોલના કોઈ ‘ઑટોમેશન’ કારખાનમાં એસેમ્બલર તરીકે વૈતરું કૂટતી હતી. દિવસો સુધી જૉબ-સૅન્ટરનાં પગથિયાં ઘસી નાખ્યાં પછી ડેગનહામની જાણીતી ફોર્ડ મોટર કંપનીમાંથી રણબીર માટે જોબની ઓફર આવી જે એણે તરત સ્વીકારી લીધી હતી. પણ આ નોકરીથી એ બહુ ખુશ જણાતો નહોતો. ઘણીવાર મનજીતસિંઘ પાસે પોતાની હૈયાવરાળ ઠાલવી દેતાં એ કહે છે : ”બડે ભૈયા, નૌકરી ઉચ્ચે દરજ્જે કી નહીં હૈ. મગર એક બાત તો તય હૈ કી પેસે બહોત કમા લેતા હૂં. આરામ સે કમાતા હૂં, ઔર બાદશાહ કી તરાહ જીતા હૂં.”
ત્યારે મનજીત કહે છે : “હમ તો ઠહરે બાબુ લોગ. કમ શારીરિક મહેનત કરને વાલે લોગ. અસલ મહેનતી કામ તો તેરા હૈ. તેરી નૌકરી સખ્ત મહેનત માંગ લેતી હૈ. ઔર ઇમાનદારી સે તું દો પેસે ભી કમા લેતા હૈ. ઔર કૂછ નહીં તો કમ સે કમ તૂઝે મનકી શાંતિ તો મીલતી હૈ નાં?”
“પૈસા તો ઠીક હૈ બડે ભૈયા! પર હમારી ગનોતી તો ગમાર કે તૌરસે કી જાતી હૈ નાં? એક બેજાન પશુ જૈસી! પશુકી તરાહ જીતે હૈં – પશુ કી તરાહ શરાબ ઢીંચતેં હૈં – ઔર શરાબ નહીં પીતે તો પાગલ હો જાતે.”
આમ રણબીર પોતાના ખાસ ભીરૂને પોતાના જીવનની અંગત વાતો કરીને હૈયાભાર હળવો કરી લે છે.
રણબીરના બીજા દોસ્તોમાં પણ કોઈ કોઈ વાર જર, જોરૂ ને જમીનની બાબતમાં નાની મોટી તકરારો થયા કરતી.
રણબીર કેટલી ય વાર તેના જ દોસ્તોથી છેતરાયો છે. અંગત કહી શકાય એવા ભાઈબંધોએ તેના ભોળપણનો અનેકવાર લાભ ઉઠાવ્યો છે. પણ મનજીતસિંઘને એ પોતાના પ્રાણ અને શ્વાસ ગણતો હતો. મનજીતસિંઘને પણ રણબીરની દોસ્તી પર ગર્વ હતો. એક વેળા પ્રીતમપૂરનો અજમેરસિંઘ રણબીર સાથે નવટંકી કરી હજાર પાઉન્ડનું ફુલેકું ફેરવી ગયેલો. મળવા આવ્યો ત્યારે રણબીરના પગ પકડી મગરનાં આંસુ સાર્યાં હતાં. કહેવા લાગ્યો હતો : “બડે ભૈયા કો પુલીસ ગિરફતાર કર કે પોલીસ-સ્ટેશન લે ગઈ હૈ. પ્રોપર્ટીકી ખરીદારી કે મામલેમેં દલાલ કે સાથ કુછ ટંટા હુવા હૈ. વકીલ હજાર પાઉન્ડ એડવાન્સ માંગ રહા હૈ. …” કહી અજમેર રડવા લાગ્યો … “રણબીરભૈયા મૂજે હજાર પાઉન્ડ લોન પર દે સકેંગે? તાકી મેં ભૈયા કો રિહા કરવા પાઉં.” સિમરન પણ એ વખતે ઘરમાં નહોતી. રણબીરને દયા આવી ગઈ. રણબીરે તેને હજાર પાઉન્ડ આપી દીધા. એ પછી અજમેરે કોઈ દિવસ ન મોઢું બતાવ્યું છે કે ના તેણે હાજાર પાઉન્ડ પાછા વાળ્યા છે. પછી અજમેરના જ એક ખાસમખાસ દોસ્ત પાસેથી વાત જાણવામાં આવી હતી કે પોલીસવાળી ઘટના અજમેરે જાતે જ ઘડી કાઢી હતી!
પણ રણબીરનો ખરો કટ્ટર દુશ્મન તો હતો ચંડીગઢવાળો ફુમનસિંઘ. બહુ ખંધો. મોકો હાથ લાગે ત્યારે રણબીરને નીચો દેખાડવા એક પણ તક જતી કરતો નહિ. ક્યારેક દારૂ પીવડાવી તેની ફિરકી ઉડાવતો હોય છે તો ક્યારેક મશ્કરી – મજાકમાં તેની ઠેકડી ઉડાવી તેને શરમિંદો બનાવતો.
ફુમનસિંઘે એક વાર “રામગહરિયા હૉલ”માં તેના મિત્રોને બૈશાખીની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં રણબીરને તેણે ખાસ આમંત્રણ આપ્યું હતું. પાર્ટી દરમિયાન ફુમનસિંઘે હાજર રહેલા દોસ્તો વચ્ચે એક શરત મૂકી હતી. જો કે, રણબીરને નીચો દેખાડવા માટે જ આ શરતવાળી જાળ ખુદ ફુમનસિંઘે જ બિછાવી હતી. તેણે શરત મૂકી હતી – ‘જે માઈકોલાલ વ્હિસ્કીની આખી બોટલ પીધા પછી, હોશહવાશ ગુમાવ્યા વિના સાઉથહોલ પાર્ક ફરતે બે રાઉંડ મારી દેખાડે તે નરબંકાને બસો પાઉન્ડનું ઇનામ આપવાની ફુમનસિંઘે જાહેરાત કરી હતી’ ફુમનસીંઘે ભરત બરાબર ભર્યું હતું.
રામગરહિયા હૉલ”ના બેક્ગાર્ડનમાં પાર્ટીનું લુફ્ત ઉઠાવતા સો-એક જુવાનિયા હાજર હતા પરંતુ આ પડકાર ઝીલવા કોઈ આગળ ન આવ્યું. પણ રણબીર કેમ બેસી રહે? કાનમાં ત્રમ ત્રમ બોલવા લાગ્યું. પોતાની શર્ટનાં ઉપરનાં બે બટન ખોલી નાખી, જાંધ પર એક થપકી મારી એ ફુમનસિંઘની સામે આવી ઊભો રહી ગયો. ટેબલ પરથી વ્હિસ્કીની બોટલ ઉઠાવી તેનું ઢાંકળ તોડ્યું અને બોટલ ખોલીને ગટ ગટ ગટ ગટ મોંએ લગાડી આખી બોટલ ગટગટાવી ગયો. પછી પોતાની ફાંકડી મૂછોને વળ દેતાં “રામગરહિયા હૉલ”ની સામેની બાજુ વાળા પાર્ક તરફ દોડ્યો. પણ પાર્કનો અડધો રાઉન્ડ હજી પૂરો પણ કર્યો નહોતો ત્યાં તેના પગ અબડિયા લેવા લાગ્યા. આસપાસનું બધું ચકર ચકર ઘૂમતું હોય એવું લાગ્યું. જાતને સંભાળવાની કોશિશેય કરી પણ અચાનક તેને ચક્કર આવ્યાં અને ગણતરીની સેંકડોમાં જ એ કોઈ કદાવર વૃક્ષની જેમ ધડામ્ દઈને જમીન પર ઢળી પડ્યો. પછી એ બેઠો ન થઈ શક્યો. તેના દોસ્તો તેને ઊંચકીને કારમાં બેસાડી ઘેર મૂકી આવ્યા.
***
બન્ને મિત્રો મનજીતસિંઘની લાઉંજમાં ચાની ચુસકીઓ ભરતા હતા પરંતુ મનજીતની નજર રણબીરના ચહેરાના ભાવ ઉકેલવા મથી રહી હતી.
‘મૈં આપકી માફી માંગને આયા હૂં.’
‘માફી? મુજસે? કિસ બાતકી માફી? મેં બાત સમજા નહિ.’
‘ઐસી કોઈ બાત નહીં, મગર તમાશા જબ શરૂ હુઆથા તબ તો આપ વહીં થે ને? તુમ્હે બૂરા નહીં લગા?’
‘અબે? ઈસમે કૈસી માફી? અપની તો આપસ મેં કોઈ ગાલીગલોચ નહીં હૂઈ ફીર માફી માંગને કા સવાલ હી નહીં ઉઠતા.’ મનજીતને હજી પણ સમજાતું નહોતું કે રણબીર કઈ બાબતની માફી માગવાની વાત કરે છે.’
‘ફીર ભી મેરી વજસે પાર્ટીકા મજા તો કિરકિરા હો ગયા થા ને? મૈં નશે મેં નહીં થા, પૂરે હોશમેં થા. ફીર ભી અપને આપકો સમ્હાલ નહી પાયા. ઔર મૂંહસે ગાલી નીકલ આઈ.’
ગઈ કાલે સાંજે રણબીરે બીશનકૌરની “ગોધ ભરાઈ” રસમ ઘરાઅંગણે ઉજવવાનું ગોઠવ્યું હતું. રણબીરે ઘરની લાઉન્જમાં આરામથી પચીસ ત્રીસ લોકો બેસી શકે એવી સગવડ રાખી હતી. પોતાના કેટલાક અંગત સ્નેહીઓને જ બોલાવ્યા હતા. પરંતુ ફુમનસિંઘને તો ખાસ બોલાવ્યો હતો. મનજીતને સમજાતું નહોતું કે આટલી બેઇજ્જતિ કર્યા પછી પણ રણબીરે એ સુવ્વરના બચ્ચાને કેમ આમંત્રણ આપ્યું હશે? એ દિવસે ઓવરગ્રાઉન્ડ સર્વિસમાં સિગ્નલ પ્રોબલેમ હોવાથી રણબીર ઘેર મોડો પહોંચ્યો હતો. એ ઘરમાં પ્રવેશ્યો ત્યાં જ પેસેજમાં ઊભેલાઓ ફુમનસિંઘના મળતિયોમાંનો કોઈ મળતિયો દાઢમાં બોલ્યો : ‘રણબીરભૈયા, કભી ટાઈમ પે નહીં આતે. કામમેં હાથ બટાના પડ જાય ઈસ લિયે. જાઈએ .. જાઈએ ભાઈસાબ, અંદર આપકી ટોલી બહાર ગાર્ડનમેં આપકા ઇંતેજાર કર રહી હૈ.’ આસપાસ બેઠેલા સૌ હસવા લાગ્યા.
રણબીર ગાર્ડનમાં આવ્યો ત્યારે દોસ્તોની આંખોમાં શરાબનો નશો ચડવા લાગ્યો હતો. શરાબની બોટલોની સાથે ટેબલ પર મૂકેલી પ્લેટોમાં સૅન્ડવિચ, સમોસા, કાજુ, પિસ્તા, વ્હિસ્કી, રમ, જીન … વિભિન્ન પ્રકારના નાસ્તા સાથે શરાબની બાટલીઓ ખાલી થઈ રહી હતી.
સ્ત્રીવર્ગ અલગ કમરામાં ગોદ ભરાઈની રસમની કાર્યવાહીમાં પરોવાયો હતો.
ગાર્ડનમાં મિત્રો નાના નાના ગ્રુપમાં બેઠા હતા અને અર્ધનશામાં પોતપોતાની વાતોમાં મશગુલ હતા. તરલોક ગયા વીકેન્ડમાં ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાયેલ ક્રિકેટના બારામાં પોતાનો મત જણાવી રહ્યો હતો. તો મોહિન્દર એ મેચમાં ભારતને મળેલી શિકસ્તનું ઠીકરું રેફ્રી પર ફોડી અંતિમ પારીમાં રેફ્રીએ ઇંગ્લેન્ડની ટીમનો પક્ષપાત કર્યો હોવાનો બળાપો કાઢતો હતો. સુખદેવ કહેતો હતો કે આ દેશના ગોરા યંગસ્ટરોએ તેનું જીવવું હરામ કરી નાખ્યું છે. આ છોકરા-છોકરીઓ સ્કૂલમાંથી છૂટી મારી ન્યૂસપેપરની દુકાનમાંથી નાની-મોટી ચોરીઓ કરી જાય છે. અને પોલીસ ચોરીના આવા નાનામોટા મામલામાં કંઈ કરતી નથી. મોટી ફાંદવાળો ગુરમુખસિંઘ કહી રહ્યો છે, કે હવે કોઈ દિવસ એ ભારત નહીં જાય, કારણ કે તેના પટિયાલા વાળા પ્લોટ ઉપર કોઈએ પોલીસની મદદથી કબજો જમાવી લીધો છે. બે વરસથી કેસ ચાલે છે પણ હજી ફેસલો આવ્યો નથી. આખી સિસ્ટમ ભ્રષ્ટ અને ગંદી છે. પછી ગુસ્સામાં આવી એ બોલી બેસે છે: ‘કુત્તા હૈ સારા મુલક!’
દરેક વ્યક્તિ ખુલીને પોતાનો અભિપ્રાય આપી રહી હતી, પણ ગુરમુખસિંઘના મોંએથી દેશ વિશે ઘસાતી વાતો સાંભળી રણબીરનું મગજ ઘૂમરાઈ ગયું. આમ તો દેશ વિશે કોઈ એલફેલ બોલે ત્યારે જલદી ગુસ્સે થઈ જવું રણબીરની આદત ન હતી. પણ અત્યારે નાછૂટકે તેને મોં ખોલવું પડ્યું, સાથે થોડા રોષમાં બોલાયેલા શબ્દો પણ ફેંકાયા :
‘અપને મુલ્ક કે બારેમેં હમેં ઐસી બેહૂદી બાતેં નહીં કરની ચાહીએ. દેશ તો અપના હી હૈ નાં? ઉસકી મિટ્ટીમેં સે હમ પૈદા હૂએ હૈં.’ રણબીર આટલું બોલ્યો ત્યાં ફુમનસિંઘ તેની વાત કાપી નાંખી હુંકારો કરતાં બરાડ્યો : ‘હમ તો યહાં દો મકાન ખરીદેંગે. હમ અપના પેસા દેશમેં ક્યોં લુંટાયે? હમારી ખૂન પસીનેકી કમાઈ હૈ.’
ફુમનસિંઘ નશામાં બેફામ લવારો કરવા લાગ્યો હતો. તે શું બકવાસ કરે છે તેનું તેને ભાન નહોતું. પરંતુ ફુમનસિંઘના હુંકારથી રણબીરનો ગુસ્સો ફાટ ફાટ થઈ ઉઠ્યો. ફુમનસિંઘ તરફ આંગળી ચીંધતાં બોલ્યો : ‘અબે ચૌરે, તેરી કૌન પરવા કરતા હૈ! તું ને અપને ભાઈયોં કે સાથ સંબંધ કાટ દિયા. તેરા બાપ ઘૂંટને ઘસતા હુઆ મરા. ગરીબ નિહાલચંદકે પેસે તું ને અભી તક નહીં લૌટાયે … સાલ્લા બડા સરદાર બન ઘૂમ રહા હૈ! મગર બિરાદરી મેં તેરી ઇજ્જત ક્યા હૈ?’ રણબીર બોલતો હતો ત્યારે તેનો ચહેરો ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો હતો. આંખોમાંથી આગ વર્ષી રહી હતી. ટેબલ પરથી ઊઠી એ ફુમનસિંઘ તરફ ધસ્યો અને તેનું ગળું પકડી તેને ધક્કો મારી પછાડ્યો. અને ઠોસા પર ઠોસા મારવા લાગ્યો.
બધા પોતાની ખુરશીઓ પરથી ઊભા થઈ ગયા. શોરબકોર મચી ગયો. કેટલાક ફુમનસિંઘની પડખે ઊભીને તાસીરો જોતા હતા. રણબીરનો ગુસ્સો હજી શાંત થયો નો’તો. અબ દેખ લે ચેલેન્જ કરને કા નતીજ! દોસ્તો બન્નેને વિખૂટા પાડવાની કોશિશ કરવા લાગ્યા. પણ કોઈ કોઈનું સાંભળતું ન હતું. પુરુષોની ઘાટંઘાટ સાંભળી મહિલાવર્ગ પણ બહાર દોડી આવ્યો હતો. એક પીઢ ઓરત તો વલોપાત કરતી કહેવા લાગી : ‘અગર શરાબ હજમ નહીં હોતી તો ફિર પીતે ક્યોં હો? ગોરો કે દેશમેં રહકર તમાશા ક્યોં ખડા કરતે હો?’
બીશનકૌર તો લગભગ બેહોશ જ બની ગઈ હતી. એ જમીન પર ઢળી પડી હતી અને બૂમો પાડતી હતી : “અરે ! અરે ભઈ, કોઈ તો રોકો ઇન્હેં?” એક બાઇએ બીશનકૌરને પાણી પીવડાવ્યું અને તેને માથે હાથ ફેરવી ધરપત દઈ રહી હતી.
ફુમનસિંઘનું ખમીસ ફાટી ગયું. તેના ચહેરા પરથી લોહીના રેલા દદડી રહ્યા હતા. કેટલાક દોસ્તો તેની જાડી-ભદ્દી કાયાને ઊંચકીને અંદર લઈ ગયા. અને મામલો વધુ બીચકે એ પહેલાં બે-ચાર દોસ્તોએ રણબીરને બહાર સંભાળ્યો. પ્રસંગની મજા મારી ગઈ હતી. કેટલાંકે ખાધું; કેટલાંક ખાધા વિના જ ઘર ભેગા થઈ ગયા. માહોલ જ આખો બેસ્વાદ બની ગયો.
રણબીર અંદર ને અંદર કેટલા ય સમયથી ગુસ્સાને ભીતરમાં દાબીને બેઠો હતો. પરંતુ આજે તેની ભીતર ધરબાયેલો ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો હતો. ફુમનસિંઘે મારેલા ટોન્ટનો દાવ વાળવાનો આ મોકો એ જવા દેવા માગતો ના હતો. એટલે જ તેણે પોતાના ઘેર રાખેલી આ પાર્ટીમાં ફુમનસિંઘને ખાસ નોતરું પાઠવ્યું હતું.
મનજીતે રણબીરની પૂરી વાત સાંભળી. આમ તો ફુમનસિંઘ અને રણબીર વચ્ચે લાંબા સમયથી તનાવ રહેતો હતો, તે તેના ધ્યાન બહાર નહોતું. ખુદ રણબીરે જ ફુમનસિંઘના કાળાચારા વિશે મનજીતને વાત કરી હતી. તેને ફુમનસિંઘ સાથે નહોતું બનતું તો પછી પોતાને ત્યાં આવવા કેમ આમંત્રણ આપ્યું હશે?” આ વાત જ ગળે ઊતરતી નહોતી.
“રણબીર તું જાનતા થા કિ ફુમનસિંઘ બડા નિકમ્મા આદમી હૈ ફિર ઉસે અપને ઘર પે ક્યૂં બુલાયા?”
એ બાબતનો ખુલાસો કરતાં રણાબીરે જણાવ્યું, “ફુમનસિંઘ ઘટિયા આદમી હૈ. મૈં જાનતા હૂં. મગર પીછલી સાલ, બૈશાખી કે મેલે મેં સાલ્લે દો ટકે કે આદમીને અપની ગંદી ઝુબાન સે મૂઝે ભલાબૂરા કહા થા. મેં હિજડા હૂં … ઇમ્પોટંટ હૂં … બૂઢાબૈલ જૈસા નિકમ્મા હો ગયા હૂં … એસે એસે તાને મારે થે. બડે ભૈયા આપ હી બતાઈએ ઐસા તાના સૂનકર મૈં હાથ પે હાથ દબાયે કૈસે ચૂપ રહ સકતા થા? દો કોડી કે ઇન્સાન ને મેરે પૌરુષ કો લલકારા થા. ઉસકી ગંદી ઝુભાન સે નીકલે હુએ લફ્ઝ મેરે દિલમે ભાલે કી નોક તરાહ ચૂભ ગયે ઔર ઉસી પલ મૈને થાન લિયા થા કે અબ મેં ભી ઉસે દિખા દૂંગા કિ-‘ જરા વાર અટકી પછી ઊંડો શ્વાસ ભરી તેણે વાત આગળ ચલાવી : “બડે ભૈયા, મૈંને ઉસી વક્ત મનમેં ફેંસલા કિયા થા કિ વો સુવ્વર કે બચ્ચે કો મૈં અબ કૂછ કરકે હી દિખાઉંગા … ઔર વાયગુરુને મેરી બાત સૂન લી. બીશનકૌર કે પૈર ભારી હૂએ ઔર મૈને ફુમનસિંઘ કો દિખાને કે લિયે મેરે હી ઘર પે ‘ગોદ ભરાઈ’ કી રસમ રખ કર, અપની ફસલ દિખાને કે લિયે હી ઉસે ન્યોતા ભેજા થા.”
વાત પૂરી કરી ચાનો કપ ટિપોય પર મૂકી રણબીર ચાલતો થયો.
અને વેદનાની સિઝકતી ચીસો મનજીતની લાઉન્જની ચાર દીવાલોને જ નહિ, મનજીતના અંતરમાં પણ ક્યાં ય સુધી પડઘાતી રહી.
***
e.mail : vallabh324@aol.com
(પ્રગટ : “મમતા”; સપ્ટેમ્બર 2022)